ત્રીજી ઓક્ટોબર 2020ને દિવસે દક્ષિણ આફ્રિકા સ્થિત ફિનિક્સ વસાહતને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાત થઇ. આ કાર્યક્રમનું સંચાલન કરતાં ગાંધી ડેવેલપમેન્ટ બોર્ડના એક ટ્રસ્ટી વાસુદેવન્ ગુનેને [Vasudevan Gounen] પ્રસ્તાવના રૂપે ટૂંકમાં માહિતી આપતાં કહ્યું, ગાંધી એક યુવા વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા આવ્યા, અને મહાત્મા તરીકે ભારત પરત થયા, એ માટે દક્ષિણ આફ્રિકાની પ્રજાને સહેજે ગૌરવ છે. ક્વાઝુલુ નાતાલમાં ગાંધીનું જીવન પરિવર્તિત થયું. સર્વોદય અને સત્યાગ્રહના સિદ્ધાંતોને આધારે તેમણે સમાનતા, સામાજિક ન્યાય અને શાંતિ માટે અહીં જ સર્વ પ્રથમ ચળવળ ઉપાડેલી, જેણે દક્ષિણ આફ્રિકાના રાજકારણ માત્રમાં જ નહીં, પણ તેના આધ્યાત્મિક અને સામાજિક પાસાંઓ પર ઘેરી અસર કરેલી, જે હજુ પણ જીવિત છે.
ફિનિક્સ વસાહત (સેટલમેન્ટ) એક પ્રયોગ તરીકે સામૂહિક ખેતીના રૂપમાં અસ્તિત્વમાં આવેલ। ભાષા, ધર્મ અને વર્ણના આધારે આચરવામાં આવતા અલગતાવાદના પડકાર રૂપે તેનો જન્મ થયો, તેમ કહી શકાય. તેની પાછળ માનવ માત્ર પ્રત્યેના આદરની લાગણી પ્રેરક બળ હતી. ફિનિક્સ સેટલમેન્ટના રહેવાસીઓના અપ્રતિમ સાથ અને ઉત્સાહને ગાંઠે બાંધી ગાંધીએ એક સામાયિક પ્રગટ કરીને તે દ્વારા લોકોને અન્યાય અને દમન સામે પ્રતિકાર કરવા તૈયાર કરવા માંડ્યા, અને એ રીતે લોકોનું નૈતિક ઘડતર કરવાનું કામ આદર્યું. આ રીતે બહુ મોટા સમુદાયને ગતિશીલ કર્યો. ગાંધીજી માનતા કે ફિનિક્સ જેવા સામૂહિક સંગઠનથી સામાજિક અન્યાય સામે લડવાનું બળ ઊભું થાય અને સંસ્થાનવાદની ચૂડમાંથી મુક્ત થવાની તાકાત મળે. ગાંધીનાં સત્ય, અહિંસા, ન્યાય અને સમાનતાનાં મૂલ્યો હજુ આજે પણ ફિનિક્સ સેટલમેન્ટમાં કાર્યરત રહેતા કાર્યકરો દ્વારા જીવિત રહ્યા છે.
ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
ક્વાઝુલુ નાતાલના સ્વાસ્થ્ય મંત્રી ઝ્વેલી મ્ખીજે[Zweli Mkhize]એ પોતાના વક્તવ્યમાં ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકામાંનાં કાર્યની મહત્તા વિષે ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બે ખંડમાં આવેલ બે અલગ દેશમાં સ્વાતંત્ર્યની ચળવળ અને તે પણ સફળતાપૂર્વક કરનારા કર્મશીલો દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. આ દેશમાં ગાંધી પોતાના અને અહીં વસતા ભારતીયોના અધિકારો માટે લડ્યા એ ખરું, પણ એ લડત થકી ઘણાને સ્વાધિકારની લડત માટે પ્રેરણા આપી. તેમના સત્યાગ્રહનો વ્યાપ અને અસર એટલી સઘન હતી કે એ જમાનામાં એક સોળ વર્ષની કન્યા વાલિયામાએ સત્યાગ્રહીઓને જેલમાં મદદ કરવા બદલ ધરપકડ વહોરી લીધેલી, જે પાછળથી ટી.બી. લાગુ પડવાથી મૃત્યુ પામેલી, ગાંધીજી પાસેથી પ્રેરણા મેળવીને તેણે મુશ્કેલ સમયમાં બીજાને મદદ કરવા હિંમત બતાવેલી. આજે આપણે લોકશાહી શાસનની મુક્ત હવામાં જીવી રહ્યા છીએ, ત્યારે આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ડૉ. ઝ્વેલી મ્ખીજેએ ગાંધીજીનું નેતૃત્વ કેવું પ્રતીકાત્મક હતું, તેના પર ભાર મૂકતાં કહ્યું કે તેમણે નેલ્સન માંડેલા અને ઓલિવર ટેમ્બો જેવાને પ્રેરિત કર્યા. નિસ્વાર્થ પણું, નમ્રતા, ન્યાય અને શાંતિ માટે અહિંસક માર્ગે ખોજ આદરવી, વગેરે જેવાં મૂલ્યો તેમણે અન્યોને ધર્યા. ગાંધી જાણે ઝુલુ સંસ્કૃતિના અતિ મહત્વના સિદ્ધાંત ‘ઉબુન્ટુ’ના મૂર્તિમંત સ્વરૂપ હતા, જેનો અર્થ છે, ‘મારું અસ્તિત્વ છે કારણ કે તમારું અસ્તિત્વ છે.’ તેમનામાં કરુણા અને માનવતા ભરપૂર ભરી હતી. આજની લોકશાહી શાસન પદ્ધતિમાં દરેક નેતામાં આ ગુણો જોવા મળે તેમ ઇચ્છીએ. ગાંધીજીએ સર્વોદય, અહિંસા અને સત્યાગ્રહના ખ્યાલો તો આપ્યા જ, પરંતુ અસહકાર એટલે નિષ્ક્રિય રહીને પ્રતિકાર કરવો એ સાચું નથી, સક્રિય અહિંસક પ્રતિકાર દ્વારા સત્યને વળગી રહીને પોતાના અધિકારોની માગ કરવી અને તે મેળવીને જ જંપવું, એ તેનો ખરો અર્થ છે એ સ્પષ્ટ કરી આપ્યું. ગાંધીએ દમન અને અન્યાયમાંથી મુક્તિ મેળવવા માટેની ચળવળમાં તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિ ઉમેરી.
ઝ્વેલી મ્ખીજેએ પોતાના વક્તવ્યને આગળ વધારતાં કહ્યું, ગાંધીના અંગત, રાજકીય, આધ્યાત્મિક, માનસિક અને સામાજિક બંધનોમાંથી મુક્ત થવાના પ્રયાસોએ દક્ષિણ આફ્રિકાને કાંટાની માફક ચુભતા મુદ્દાઓને પણ આવરી લીધા. આથી જ તો 1960-70ના દાયકા દરમ્યાન કઈં કેટલા ય યુવાનો ફિનિકસમાં રાજકારણીય બાબતોની તાલીમ લેવા, સંઘર્ષમય પરિસ્થિતિથી થોડો સમય વિરામ લેવા અને આ દેશના ભાવિ માટે તેઓ શું કરી શકે તે વિચારવા એકઠા મળતા. દક્ષિણ આફ્રિકાની પ્રજા પોતાના ઉપર ગુજારાતા દમન, ભેદભાવપૂર્ણ વ્યવહાર અને અન્યાય દૂર કરવા તથા માનવ અધિકારો અને સ્વહિતની જાળવણી માટે લડત આપી શકે, તેવા યુવાનો તૈયાર કરવાના કામમાં ફિનિક્સ સેટલમેન્ટે ફાળો આપ્યો છે. ગાંધીએ ‘નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ’ની સ્થાપના અહીં કરી, તો જ્હોન ડુબે – ANCના પ્રથમ પ્રેસિડેન્ટ અને આઈઝાયા શેમ્બે, જેમણે આધુનિક આફ્રિકન સમાજ રચવામાં અગ્ર ભાગ ભજવેલો, તેમણે અહીંથી જ કામ શરૂ કરેલું. આવા અનેક કર્મશીલો પેદા થયા જેમણે લોકોમાં જાગૃતિ આણવાનું અને સ્વાભિમાન જાળવવાનું કામ કર્યું. ડોક્ટરોને ડોક્ટર્સ પેક્ટ માટે આ સ્થળેથી જ સહકાર મળ્યો. 1947માં ત્રણ ડોક્ટરોએ આફ્રિકન્સ, ઇન્ડિયન અને કલર્ડના સહકારની ઘોષણા કરતો ઠરાવ પસાર કર્યો. રંગભેદી નીતિની તરફદારી કરવાના વિરોધની ઝુંબેશ આખા દેશ્માં ફેલાઈ ગઈ, જેને પરિણામે સ્વાતંત્ર્યની લડાઈમાં આફ્રિકન્સ અને ભારતીય લોકોએ સાથે મળીને કામ કર્યું. એટલું જ નહીં, દમન અને ભેદભાવ ભર્યાં વલણ અને વર્તનનો સામનો કરવા આ બે પ્રજા પોતાની જાતને એક સમૂહ તરીકે જોવા લાગી. આ એકતાની દેણગી જાળવવી જોઈશે. હવે આપણે કોઈ પણ પ્રકારનું વિભાજન થવા નહીં દઈએ.
પોતાના વિદ્યાર્થી કાળની સ્મૃતિને ઢંઢોળતાં ડૉ. ઝ્વેલી મ્ખીજે[Zweli Mkhize]એ કહ્યું, “અમે મેડિકલ સ્ટુડન્ટ્સ હતા ત્યારે ફિનિક્સ સેટલમેન્ટ પાસેના વિસ્તારમાં જેમને સારવાર ન મળતી હોય તેવા લોકોની સેવા અમે કરતા. અમને શીખવવામાં આવ્યું કે આ ક્લિનિક માત્ર એક ડોક્ટર બનવા પૂરતું મર્યાદિત નથી, પણ પોતાની સેવાને બીજાની જરૂરતો સાથે જોડવી અને રંગભેદની નીતિ આચરનારાઓને સત્તા પરથી ખસેડવા એ પણ તાલીમાર્થી ડોક્ટરોની ફરજ છે. અમે સમજ્યા કે એક દરદીને સાજો કરવો એટલું જ પૂરતું નથી, આખા સમાજને એવો મજબૂત બનાવવો જોઈએ જેથી સરકાર પ્રજાની ઈચ્છા પ્રમાણે ચાલે. આ કેન્દ્ર કર્મશીલતા માટે સજ્જ થવા, સેવાભાવના કેળવવા અને સ્વપ્નો જોવાં માટેનું સ્થળ બન્યું. અહીં જ અમને ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ’ના વિચારોનું ભાથું મળ્યું. ગરીબી, બેરોજગારી અને અસમાનતા સામે લડી, લોકોને નિકટ લાવવા જેથી આર્થિક વિકાસની તકોનો અભાવ, આવાસોની તંગી, આરોગ્ય અને સ્વચ્છતા તથા પોષણયુક્ત ખોરાકની સલામતીની સમસ્યાઓ દૂર કરી શકાય તેનું ભાથું અમને અહીંથી મળ્યું. ગાંધીએ કહેલું, ‘હેલ્થ ઇઝ વેલ્થ, નોટ ગોલ્ડ એન્ડ સિલ્વર’. આ વિધાન અમારા મનમાં દ્રઢ થયું. આજે આપણે લોભ, લાંચ-રૂશ્વત અને ઘમંડી વલણો વગેરે સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ.” ગાંધીજીએ ફ્રીડમ ચાર્ટરમાં આ વિષે પૂરતું માર્ગદર્શન આપેલું. ગાંધી અને મંડેલાએ નિસ્વાર્થ અને વિનયી નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેવા નેતાઓ હજુ બને જેથી વહીવટ સારો ચાલે અને પ્રજા સુખી થાય એવો પ્રયત્ન કરીએ. અંતમાં તેમણે કહ્યું, આ કેન્દ્રને અહિંસા અને શાંતિના કેન્દ્ર તરીકે ચિરકાળ સુધી ટકાવી રાખવા સરકારી પ્રતિબદ્ધતાની ઘણી જરૂર છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
જયદીપ સરકારે વધુમાં જણાવ્યું કે ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ 1912માં રચાઈ. ગાંધીજીએ ‘ઓપિનિયન’ સામયિકમાં ‘Awakening of Afrika’ શીર્ષક હેઠળ એક લેખ લખેલો. ગાંધી જે સિદ્ધાંતો દક્ષિણ આફ્રિકામાં શીખ્યા, તેણે ભારત અને બીજા દેશોની સ્વંતંત્રમાં ભાગ ભજવ્યો. તેમનો જાતિભેદ, રંગભેદ, કોમવાદ, સંસ્થાનવાદ અને દમનના તમામ પ્રકારો સામેનો વિરોધ સ્વતંત્ર ભારતનો પણ મૂળભૂત સિદ્ધાંત બન્યો. આથી જ ભારતે દક્ષિણ આફ્રિકાની રંગભેદી સરકાર વિરુદ્ધ બુલંદ ઉઠાવેલો. 1946માં ભારત સરકારે દક્ષિણ આફ્રિકા સાથે વ્યાપારી સંબંધો કાપી નાખ્યા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને ખેલકૂદ ક્ષેત્રે સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો. યુ.એન.માં ભારતે જ રંગભેદી સરકાર નાબૂદીનો પ્રસ્તાવ મુકેલો અને આંતરરાષ્ટ્રીય બહિષ્કારનું એલાન કરેલું એ નોંધનીય છે. એ.એન.સી.એ 1960માં ભારતમાં પણ થાણું નાખ્યું. ભારતે આફ્રિકા ફન્ડમાં યોગદાન આપ્યું. એમની લડત ચાલુ રહી. માદીબાએ ખુદ સ્વાતંત્ર્ય સંગ્રામની દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ પર અને ગાંધીજીની તેમના પોતાના વિચારો પરની અસર વિષે લખ્યું છે. ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકીને ઊતારી પાડવાની ઘટનાની શતાબ્દી નિમિત્તે તારીખ 6 જૂન 1993માં પીટર મેરિત્ઝબર્ગ ખાતે આપેલ પ્રવચનમાં માંડેલાએ ગાંધી અજ્ઞાનતા, ગરીબી, રોગ, બેરોજગારી અને હિંસાત્મક વલણો જેવાં દુશ્મનો સામે લડતા હતા તેનો ઉલ્લેખ કરેલો. આમ તો એ બંનેએ આ દુશ્મનોને માત કરવા જિંદગી ખર્ચી નાખી. આ સમાન મૂલ્યોના તાંતણે બંધાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વિકાસ કરી રહેલા દેશો તરીકે દુનિયામાં એક સાથે ઉભરી આવ્યા છે. BRICS અને IASAમાં ભાગીદારી, G20 અને G ફોરમમાં પણ સાથે રહેવાને પરિણામે આપણા બંને દેશો વચ્ચેની સાંકળ વધુ મજબૂત બનાવવા ઘણી તકો મળી; જેમ કે ખેતી, સ્વાસ્થ્ય, ગ્રામ વિકાસ અને શિક્ષણનાં ક્ષેત્રોમાં સહાકર આપવો. ગાંધી-માંડેલા વૉકેશન કેન્દ્ર શરૂ થયું છે એ આ બે મહાન નેતાઓના પ્રદાનની નોંધ લે છે; ઉપરાંત બંને દેશોના ગાઢ સંબંધોને બળવત્તર બનાવે છે. સરકારે ભારત અને દક્ષિણ આફ્રિકાને ગાંધી અને માદીબા ગૌરવ લઇ શકે એવા દેશો બનાવવા સાથે મળીને કમર કસવા અનુરોધ કર્યો.
ફિનિક્સ સેટલમેન્ટના એક ટ્રસ્ટી નહલાહ્લા ન્ગીડી[Nhlanhla Ngidi]એ આગલા વક્તાઓના વક્તવ્યોને બહાલી આપતા કહ્યું, જગત ભરમાં આ પહેલું એવું સ્થળ છે જેને શાંતિના પાયા પર રાષ્ટ્રીય ધરોહર તરીકેનું માન પ્રાપ્ત થયું છે, જે એક ગૌરવની બાબત છે. ગાંધીની સ્વતંત્રતા અને ન્યાયની લડાઈ માત્ર આ દેશને જ નહીં, પણ જગત આખાને પ્રેરણા આપી ગઈ. આ જાહેરાતનો શું અર્થ ઘટાવી શકાય? એ આ સેટલમેન્ટની મહત્તા જરૂર વધારે છે, પણ એ માત્ર ઈનાન્ડા કે ફિનિક્સ સાથે જોડાયેલા લોકોની જ માલિકી નથી, હવે એ આખા રાષ્ટ્રની ધરોહર છે. એટલે તેનું સંચાલન અને સંવર્ધન કરવાની ફરજ માત્ર તેના સંચાલકોની જ નથી, આપણા સહુની છે. હવે તેને આંતરરાષ્ટ્રીય હેરિટેજ સેન્ટર બનાવવા ચળવળ શરૂ કરીશું. એમાં સફળ થઈએ કે નહીં તે મહત્ત્વનું નથી, પણ નાનું અને બહુ મહત્ત્વનું ન ગણાતું તેવું ફિનિક્સ હવે રાષ્ટ્રના તખ્તા પર મુકાઈ ગયું તેમ જ વિશ્વના તખ્તા પર મુકાઈ શકે. આ સેટલમેન્ટ હવે વિકાસ અને પ્રગતિનું કેન્દ્ર બનશે. ગાંધીનાં સિદ્ધાંતો અને મૂલ્યોનાં શિક્ષણનો સ્રોત બનશે કે જેના વિષે આજે થોડી વાર ઊભા રહીને ઊંડાણથી વિચારવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે આખી રાત વાત કરું તો પણ અંત ન આવે એટલાં મૂલ્યો આપણે જાળવવાના છે, પણ તેમાંના બે મૂલ્યોની વાત તેમણે કરી. ગાંધી ન્યાય અને શાંતિના દૂત હતા. તેમના મનથી તો એ બંને અભિન્ન હતા, જેને માટે પોતાનું જીવન બલિદાન કરવા તેઓ તત્પર હતા. ગરીબી હોય ત્યાં ન્યાય ન હોય. જ્યાં લોકો પર અંકુશ રાખવામાં આવતો હોય અને દમન થતું હોય ત્યાં શાંતિ ન હોય. ગરીબી, અજ્ઞાન અને રોગ આપણા દેશમાંથી સદંતર નાબૂદ થાય એની ખાતરી ગાંધીએ જરૂર કરી હોત. સર્વોદય એ ગાંધીની કલ્પનાના સમાજનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહેલું, જ્યારે રાજ કાયદા વિહીન શાસન કરે ત્યારે તેની સામે અસહકાર કરવો એ આપણો માત્ર અધિકાર જ નહીં, આપણી ફરજ પણ બની રહે છે. ગાંધીને નીચા ઉતારી પાડવા તેઓ રેસિસ્ટ હતા અને આફ્રિકન પ્રજાના વિરોધી હતા તેવો પ્રચાર થાય છે. હા, એક સમયે તેઓ આફ્રિકન પ્રજા માટે અમુક વિચારો ધરાવતા હતા, પણ એ મહત્વનું નથી; મહત્ત્વનું એ છે કે તેઓએ આ પૂર્વગ્રહો દૂર કર્યા અને એથી જ તો મહાત્મા બન્યા. એક પવિત્ર સંત તરીકે પંકાયા. બધાને ન્યાય મળે તે માટે તેઓ સતત લડ્યા, ક્રૂરતા અને અન્યાય ભર્યું વલણ અને વર્તન ઘૃણાસ્પદ છે, એ સત્ય સહુને સમજાવી શક્યા. નેલ્સન મંડેલાએ કહેલું તે યાદ કરીએ, “આપણે ગાંધીને માફ કરવા જોઈએ, એમના એ પૂર્વગ્રહો એ સમય અને સંયોગોના સંદર્ભમાં જોવા જોઈએ. તેઓ એક યુવાન ગાંધી હતા, હજુ મહાત્મા નહોતા બન્યા. એમને માનવ માત્ર માટે પૂર્વગ્રહ નહોતો અને તેઓ સત્ય અને ન્યાય માટે હંમેશ લડ્યા.” ભૂતકાળની ઘટનાઓને પકડીને ન રહેવાય, એમ કરે તે અયોગ્ય કરે છે. ઈ.સ. 1908માં ગાંધીજીએ કહેલું એ ભૂલી ન શકાય, “Without the Africans South Africa may become a hole in a wilderness.”
નહલાહ્લા ન્ગીડીએ સમાપન કરતા કહ્યું, આપણે ભવિષ્યમાં જુદી જુદી જાતિઓ એકબીજા સાથે હળીમળીને રહીને દુનિયાએ કદી ન જોઈ હોય તેવી સભ્યતાનું નિર્માણ કરે તેવો સમાજ અને દેશ રચવો છે. મેં તો ગાંધીને તેમની પૂર્વગ્રહિત માન્યતાઓ માટે માફ કરી દીધા છે. તેઓ તેનાથી ઉપર ઊઠીને એક સમતાવાદી માનવ તરીકે ઉભરી આવ્યા. ઘણી આફ્રિકન હસ્તીઓ જેવા કે આયઝમાં શેંબે તથા અન્ય કર્મશીલો સાથેના સંબંધોને કારણે તેમના ઘોષણા સમાન ઘણા કથનો વધુ પ્રકાશમાં આવ્યા છે. ફિનિક્સ સેટલમેન્ટને જે દરજ્જો મળ્યો છે તે અભિનંદનીય છે, પણ શાંતિ અને અહિંસાના રક્ષક તરીકે તેનાં કાર્યને ચિરંજીવ રાખવા આપણે બમણા પ્રયાસો કરવા જોઈશે. અહીં સર્વોદય અને સત્યાગ્રહના સિદ્ધાંતો જીવિત રહે અને લાંચ રુશવત તથા અરાજકતા વિહોણા સમાજ માટે આ સ્થાન સ્વર્ગ સમું બની રહે તે જોવું રહ્યું. હવે તેને આંતરરાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજ્જો મળે તેની રાહ જોઈએ.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
ગાંધી વિષે 3,000થી વધુ પુસ્તકો ફિનિક્સ સેટલમેન્ટ અંગે લખાયાં છે, એ કેટલાને ખબર હશે? ગાંધી, સેટલમેન્ટ અને સામાજિક ન્યાય વિષે 15,000થી વધુ લેખો દુનિયા આખીમાંથી લખાયા છે, એ પણ બહુ થોડાને જાણમાં હશે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રની ધરોહરનું સ્થાન મળ્યું તો હવે આંતરરાષ્ટ્રીય ધરોહરની શી જરૂર, એમ પણ પૂછી શકાય. જો એ માન મળશે તો દુનિયા આખીને ગાંધી અને ફિનિક્સ સેટલમેન્ટનાં કાર્યો અને તેના વિશ્વશાંતિ માટેના પ્રયાસો વિષે વધુ લોકોને જાણ થશે. રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માટેની કાર્યવાહી દરમ્યાન 60 જેટલી ફાઇલોમાં વિસ્તરેલા ડર્બન ફ્લડ ઝોનના રિવ્યુ, તે સમયના ઐતિહાસિક બનાવોની નોંધો, ડર્બન અને સેટલમેન્ટના સોશ્યલ સ્ટેટિસ્ટિક્સ, સેટલમેન્ટના પ્લાન અને 300 જેટલા ફોટાઓ તપાસવામાં આવેલા. આ બધાં કાર્યો સુચારુ રૂપે પૂરા કરનારા સહુનો ડૉ. બેરીએ આભાર માન્યો. ઇલાબહેન વિષે બોલતા તેમણે કહ્યું, “ક્યારેક માણસ પોતાનો ઢોલ પીટવામાં નિષ્ફ્ળ જાય, ત્યારે મારા જેવા માણસની જરૂર પડે! ઉત્તમ કોફી માટેની બધી સામગ્રી હોય, પણ તેને ભેળવનાર ન હોય તો માત્ર સામગ્રીઓથી ઉત્તમ કોફી ન મળે. ઇલાબહેન એવાં સામગ્રીઓને ભેળવનાર વ્યક્તિ છે. તેઓ અમને સાચા માર્ગ પાર રાખે, પ્રોત્સાહન આપે, પ્રયત્નોને સાંકળવામાં મદદ કરે, પડકારો આવે ત્યારે સતત કામ કરતા રહેવા બળ આપે, અમારા ધ્યેયની યાદ અપાવે અને એમ કરતાં કરતાં સામાજિક ન્યાયને બઢતી આપે.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
આફ્રિકન અમેરિકન્સ, ગાંધીજી અને ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ વચ્ચેનો સંબંધ બતાવતાં ઉમાબહેને કેટલાક પ્રસંગો કહી સંભળાવ્યાં. 1893માં ગાંધીના જીવનને બદલી નાખનાર એ પ્રખ્યાત ઘટના ઘટી ત્યાર બાદ ગાંધી પ્રિટોરિયા સ્ટેશને પહોંચ્યા, પરંતુ ક્યાં રહેવું એ ખબર નહોતી. ત્યારે એક આફ્રિકન અમેરિકન સજ્જન (જેનું નામ જાણમાં નથી) તેમને એક હોટેલમાં લઇ ગયા, જ્યા ગાંધીજીએ રાતવાસો કર્યો. અશલાંગા ઇન્સ્ટિટ્યૂટમાં આફ્રિકન અમેરિકન શિક્ષકો હતા. કાઁગ્રેસમેન ચાર્લ્સ ડિગ 1971માં સેટલમેન્ટની મુલાકાતે આવેલા, અને ત્યાર બાદ સ્યુગર એસોસિયેશનનો બહિષ્કાર થયેલો. રેવરન્ડ જેસી જેક્સન 1979માં મુલાકાતે આવેલા, અને તેમણે લોકોને ગાંધીની માનવ અધિકારો માટેની લડતમાંથી પ્રેરણા લઇ સામૂહિક કૂચ કરવા પ્રોત્સાહન આપેલું. ઉમાબહેનનાં માતામહ સુશીલાબહેને 1961માં હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ કમિટીને ફિનિક્સ સેટલમેન્ટને નેશનલ મોન્યુમેન્ટ બનાવવા શી પ્રક્રિયા છે તે વિષે પૂછતાછ કરેલી. તે વખતે રંગભેદની નીતિ પૂરજોશમાં અમલમાં હતી. અશ્વેત લોકોના અવાજને રૂંધી નાખવામાં આવ્યા હતા. કમિટીએ કહ્યું, દરેક કોમના લોકો જુદાજૂદા સમયે મુલાકાત લે અને દરેક વર્ણના લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવી પડે (રંગભેદની નીતિને કારણે). એ કહેવાની જરૂર નથી કે એ નિયમ સાંભળીને સુશીલાબહેને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો.
ગાંધીજી માનતા કે ફિનિક્સના વિચારો અને આદર્શો કોઈ પણ સ્થળે લઇ જઈ શકાય તેવા છે. એનો ઉદ્દેશ, ‘Present there where you are’ એટલે કે તમે જ્યાં રહો ત્યાં ફિનિક્સ રચાય એ હતો. ફિનિક્સ વસાહત બહુવિધ જાતિઓના સમૂહના સંગઠનના ખ્યાલ પાર સ્થપાયેલી. ત્યાં જાતિ, કોમ, ધર્મ, લિંગ, જ્ઞાતિ અને ઉંમરના વાડા નહોતા નડતા. આ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં તે સમયે અદ્વિતીય હતો. દરેક ધર્મના લોકો, ભારતની દરેક ભાષાઓ ઉપરાંત ઇંગ્લિશ અને ઝુલુ બોલનારા તમામ લોકો એક વસાહતમાં રહે તે તદ્દન અસાધારણ ઘટના હતી. કાર્ય વિભાજન અને કામ કરનારના સંબંધો તથા તેમને મળતા વળતર માટે પણ અદ્દભુત પ્રયોગો થયેલા. બધાને જમીનની માલિકીમાં ભાગ, બધા અંતેવાસીઓ તમામ પ્રકારનાં કામ વારાફરતી કરે અને હરેકને સરખું મહેનતાણું મળે, તેવી ગોઠવણ થયેલી. જ્હોન રસ્કિનના વિચારોની અસર ગાંધીજી પર થયેલી. જો કે એમના જન્મની આ 200મી વર્ષગાંઠ છે, તેનો કોઈ ઉલ્લેખ ક્યાં ય જોવા નથી મળતો. જ્હોન રસ્કિને પાયાનો પ્રશ્ન પૂછેલો, કોઈ એક મજૂર માટે ન્યાયી મહેનતાણું કેટલું હોવું જોઈએ? હજુ એ સવાલનો ઉકેલ આપણે મેળવી નથી શક્યા. ફિનિક્સના પ્રિન્ટિંગ પ્રેસમાં કારીગરોને કેટલું મહેનતાણું આપવું એ નિર્ણય કરવામાં ગાંધીજી મૂંઝાયા, જેનો ઉત્તર જ્હોન રસ્કિન પાસેથી મળ્યો અને એમ સર્વોદયની વિભાવનાનો ઉદય થયો. ‘ઇન્ડિયન ઓપીનિયન’ અને પ્રિન્ટિંગ પ્રેસ ફિનિક્સના બે મુખ્ય સ્તંભ. આજના બ્લેક જર્નાલિસ્ટ જેવો તે વખતે ગાંધીજીનો દરજ્જો હતો. નોંધવા જેવી હકીકત તો એ છે કે પ્રેસના કારીગરો બધા લેખકોના લેખ વાંચતા. એ રીતે ભારતીય લોકોને આફ્રિકન પ્રજાની સમસ્યાઓ, અશક્તિઓ અને અડચણો વગેરેનું શિક્ષણ મળ્યું. ‘ઇન્ડિયન ઓપીનિયન’ 57 વર્ષ સુધી પ્રકાશિત થતું રહ્યું.
ઉમાબહેને ફિનિક્સ સેટલમેન્ટનું મહિલાઓ માટે શું મહત્ત્વ હતું તે પણ કહ્યું. ગાંધીજીને શરૂઆતથી જ લાગતું હતું કે બહેનોએ માત્ર ઘરકામમાં જ રચ્યાપચ્યાં ન રહેવું જોઈએ. પોતાના મોટા દીકરા હરિલાલની પત્ની ચંચળને પ્રેસમાં આવીને કંપોઝ કરતા શીખી લેવા કહ્યું. અને તો એને પણ બીજા કારીગરો જેટલું મહેનતાણું મળવું જોઈએ, એવી વ્યવસ્થા કરી. ત્યારથી ફિનિક્સ સેટલમેન્ટમાં મહિલાઓએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો, જે સુશીલાબહેન અને ઇલાબહેન ગાંધી સુધી જળવાઈ રહ્યો છે. કસ્તૂરબાએ સત્યાગ્રહમાં ભાગ આ સ્થળેથી જ લીધો હતો. આફ્રિકન સ્ત્રીઓ રંગભેદ સામે લડત લડી તેનાથી પ્રેરાઈને પહેલી ભારતીય મહિલા લડતના મેદાનમાં પડી.
ઇતિહાસ એ વાતની નોંધ લેશે કે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા કારીગરો માટેના નિવાસસ્થાન તરીકે શરૂ થયેલ ફિનિક્સ સેટલમેન્ટ સમય જતા સત્યાગ્રહનું થાણું બન્યું. તે ઉપરાંત યુવાનો માટે અહિંસક લડાઈની તાલીમ માટેનું કેન્દ્ર બન્યું, એ ખૂબ અગત્યનું છે કેમ કે ત્યાં મળતું શિક્ષણ સંસ્થાનવાદી [કોલોનિયલ] શિક્ષણ કરતાં ઘણું અલગ હતું. વિદ્યાર્થીઓ સ્વભાષાના માધ્યમથી ભણે અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ કરી શકે, એ શક્ય બન્યું. સંસ્થાનવાદીઓ તો માનતા કે અશ્વેત પ્રજા તદ્દન મૂઢ છે. ફિનિકસે એવા લોકોને પોતાના માટે ગૌરવ કરતા શીખવ્યું. 1970માં અહીં વર્ક ટ્રેનિંગ કેમ્પ થયેલા. રંગભેદી રાજના રણમાં એ મીઠી વીરડી સમો સાબિત થયો. યુવાનોને મુક્ત અને સ્વતંત્ર સમાજ કેવો હોય, તેનો સ્વાદ ચાખવા મળ્યો. રંગભેદી નીતિથી ત્રસ્ત લોકો માટે આ સ્થાન આશ્રયસ્થાન બન્યું જ્યાં તેઓ પરસ્પર સાથે જોડાઈને વિચારોનું આદાનપ્રદાન કરી શકે. 1913માં એગ્રીમેન્ટ પર આવેલા મજદૂરો સેંકડોની સંખ્યામાં ફિનિક્સ આવેલા. 1985માં ફરી 25 જેટલા મજદૂર પરિવારો પોતાના માલિકોના ત્રાસથી બચવા ફિનિક્સના આશરે આવેલા, એટલું જ નહીં, ફિનિક્સના મૂળ આદર્શોને અનુસરીને જ રહ્યા. સામૂહિક રસોડે રાંધીને જમ્યા અને મહેનત મજૂરી કરી રોજી રળી.
વક્તવ્યનું સમાપન કરતાં ઉમાબહેને એક બીજી હકીકત પર સહુનું ધ્યાન દોર્યું. ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા નિવારણના મુદ્દે તથા વાઇસરૉયના નિર્ણયના વિરોધમાં ઉપવાસો કરેલા એ જાણીતું છે, પરંતુ તેમણે સહુ પ્રથમ અનશન ફિનિક્સ – દક્ષિણ આફ્રિકામાં અંતેવાસીઓના નૈતિક પતનના સંદર્ભમાં કરેલા. મણિલાલ ગાંધીએ 1952માં 21 દિવસના ઉપવાસ કરેલા. ત્યાર બાદ સ્વ. સુશીલાબહેન ગાંધી અને ઇલાબહેન ગાંધીએ અન્યાય સામે લડવા આ પરંપરા ચાલુ રાખી. આ એક એવું સ્થળ છે જ્યાં ગાંધીજીએ આફ્રિકામાં વસતા હિંદીઓનાં અધિકારો માટે લડત લડવા પ્રજાને તૈયાર કરી, લડતનું યુક્તિપૂર્વક આયોજન કર્યું, પણ સાથે સાથે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં 20 હપ્તા સુધી શું ખાવું, પીવું, હાઈડ્રોથેરપિનો કઈ રીતે ઉપયોગ કરવો, વગેરે વિષે લેખો લખ્યા. ચા-કોફીની પેદાશ અને વ્યાપાર પાછળ ગુલામો અને અશ્વેત મજૂરોનાં શોષણ છુપાયેલા છે, માટે તે છોડવાની ભલામણ કરી. ગાંધીજી સહુ પ્રથમ વીગન હતા તેમ કહી શકાય. તેમણે કેવી રીતે જીવવું તેનું એક પેકેજ આપ્યું. ફિનિક્સ સેટલમેન્ટમાં ગાંધીની મોટા ભાગની પરંપરાઓ સચવાઈ, કોઈ છૂટી પણ ગઈ. થોડો બદલાવ પણ આવ્યો, પરંતુ તેની તેની પાછળનાં મૂલ્યોનું હાર્દ હજુ જળવાયું છે. આથી જ તો ફિનિક્સ સેટલમેન્ટનાં કાર્ય, ઇતિહાસ અને તેના મહત્ત્વને જીવંત રાખવાં એ આપણી સહુની ફરજ થઇ પડે છે.
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિક્ટર સાબેક [Victor Sabek] પણ આ વેબિનારના રસપ્રદ વક્તા હતા. તેમણે કેટલીક અર્થસભર વાતો કહી. ગાંધીની સાર્ધશતાબ્દીની ઉજવણી નિમિત્તે 14 આંતરરાષ્ટ્રીય નેતાઓને લક્ષ્યમાં રાખીને એક શ્રેણી તૈયાર થઇ છે, જે દક્ષિણ-પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, યુરેશિયા અને આરબ દેશોમાં ખૂબ લોકપ્રિય બની છે. તેનાથી ગાંધી અને ફિનિક્સ સેટલમેન્ટની મહત્તા વધુ ઉજાગર થઇ છે.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે.
ગાંધીના સાચાં વારસદાર સમાં તેમનાં પૌત્રી ઇલાબહેન ગાંધીએ આખા સમારંભનું સુંદર રીતે સમાપન કર્યું. આમ તો તેઓ મિતભાષી છે. એક શાંતિપ્રિય અને યુદ્ધ વિરોધી કર્મશીલ તરીકે અવિરત કાર્ય કરતાં રહ્યાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોવિદ-19થી સર્જાયેલી કટોકટી દરમ્યાન ગાંધીનાં મૂલ્યોનું મહત્ત્વ વધુ સમજાયું. આપણું જીવન આ કપરો કાળ વીતી ગયા બાદ, પહેલાં જેવું સામાન્ય નથી રહેવાનું. એ નવું સાહજિક જીવન શું હશે? આ ચેપી રોગ ગરીબ-ધનવાન વચ્ચેની ઊંડી ખાઈ સમાજને વિભાજીત કરી નાખે છે એની ખાતરી કરાવતો ગયો. બે દેશો વચ્ચે અને એક જ દેશની અંદર રહેલી અસમાનતા વિકરાળ સ્વરૂપે દેખાઈ આવી, જેને પરિણામે હિંસાના બનાવો પણ વધ્યા. લોકોએ એકબીજાં માટે કરુણા દર્શાવી, આગલી હરોળમાં કામ કરતાં કામદારો અને સામાન્યજને એકબીજાં પ્રત્યે હમદર્દી બતાવીને શુભ ઈરાદાથી મદદ કરી. આ જ વાત ગાંધીજીએ જીવીને બતાવી આપી હતી. આપણે આ ગુણોને અંકે કરીને નવું સમાજજીવન ઘડવું હોય તો આપણાં વલણો બદલવાં જોઈશે. પોતાનું અને બીજાનું જીવન કેમ સુધારવું એ વિચારીએ.
આજે એક વાત સ્પષ્ટ થઇ છે કે સમાજના કોઈ પણ વર્ગને પાછળ રાખીને જીવન શક્ય નથી બનવાનું. ઉપરછલ્લી દેખાતો વિકાસ સંતુલિત નહીં રહે. તો બધાને કઈ રીતે મદદરૂપ થવું એ વિચારતા લાગે છે કે ‘સર્વોદય’ની વિચારધારા પાછી સમજીને અમલમાં મુકવી પડશે. ’આફ્રિકામાં ‘ઉબુન્ટુ’ પુનર્જીવિત કરવું જોઈશે. ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ બનશે તો ફિનિક્સને આ સંદેશો ફેલાવવામાં સરળતા રહેશે. યુવા પેઢી આ કામ ઉપાડી લે અને નવું વિશ્વ રચે તેવી આશા રાખીએ.
અંતમાં, ઇલાબહેને ગાંધીનું પ્રખ્યાત કથન ફરીને યાદ અપાવ્યું; “દુનિયામાં દરેકની ખોરાકની જરૂરિયાત સંતોષાય એટલું જરૂર છે, પણ દરેકના લોભને પોષે તેટલું આપણી પાસે નથી.” ફિનિક્સની આસપાસ જોશો તો ગરીબોની જરૂરિયાતોનું પ્રમાણ મળશે અને તેની બીજી બાજુએ તવંગરોના લોભનું પ્રદર્શન દેખાશે. આ સ્થિતિને ખતમ કરવા સાથે મળીને કામ કરીએ એ તેમની હાકલ હતી.
ફિનિક્સ સેટલમેન્ટને ક્વાઝુલુ નાતાલની રાષ્ટ્રીય ધરોહર હોવાનું સન્માનનીય સ્થાન પ્રાપ્ત થયું એ નિમિત્તે ઉપરોક્ત વકતાઓએ આપેલ સંદેશાઓ મહામારી બાદના યુગમાં જીવનની નવી રાહ શોધતી માનવ જાત માટે માર્ગદર્શનનું કામ કરશે.
e.mail : 71abuch@gmail.com
webinar for phoenix settlement