તાળાં સઘળાં ઉઘડી જાશે? શું લાગે છે?
પાંખો પાછી ફફડાવશે? શું લાગે છે?
અંધારાના જંગલની વચ્ચે એકાદું,
સૂરજનું કિરણ ફેલાશે? શું લાગે છે?
કાલ સવારે પંખીના મીઠા કલરવથી,
કોલાહલને હંફાવશે? શું લાગે છે?
પીડાઓના પહાડ બધા આ પગલું દાબી,
પડછાયા થઈને લંબાશે? શું લાગે છે?
યંત્રોમાં અટવાતી ને અથડાતી આંખે,
પુસ્તકનું પાનું વંચાશે? શું લાગે છે?
ધરતીનો છેડો ઘર છે એ કહેવત પણ,
આખીને આખી ભૂંસાશે? શું લાગે છે?
કોઈ અગોચર એવું સૌને નાચ નચાવે,
સત્ય સનાતન એ સમજાશે? શું લાગે છે?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020