કોરોનાની વૈશ્વિક મહામારીના પ્રભાવી મુકાબલા માટે ઘરબંધી, શારીરિક અંતર જાળવવું અને વારંવાર સાબુથી હાથ ધોવાના ઉપાય અજમાવવા કહેવાય છે. વડાપ્રધાને, ‘દેશકો બચાનેકે લિયે ઘરોંસે બહાર નિકલને પર પાબંદી’ લગાવી અને લોક ડાઉન જાહેર કર્યું, ત્યારે દેશનાં લાખો ઘરવિહોણાં ક્યાં ઘરમાં બંધ થશે તેની ફિકર થતી હતી. થોડા સમય બાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાળિયા ગામના વહાણમાં રોજગાર માટે ગયેલા એક યુવાનને હોમ કોરન્ટાઈન કરાયો, પણ તે ઘરવિહોણો હોઈ ગામના રેલવે સ્ટેશન બહાર જાહેરમાં ખાટલો ઢાળી પડી રહ્યાની ફોટો સ્ટોરી અખબારોમાં જોવા મળી હતી. તેથી ફિકર સાચી ઠરી.
‘વર વિના રહેજે પણ ઘર વિના ના રહેતી’, એવી કહેતી છતાં દુનિયામાં સો કરોડ લોકો ઘર વગરનાં છે. તે હકીકત છે. દર દાયકે થતી વસ્તી ગણતરીમાં ઘાસફૂસના, ગારમાટીના, વાંસના, મીણિયાના કે સાવ જર્જર મકાનોમાં રહેતા લોકોને પણ ઘરવિહોણા ગણવામાં આવતા નથી ! પણ જે ઉપર આભ અને નીચે ધરતીની અવસ્થામાં, સાવ છત વિના, ખુલ્લામાં, સડક કિનારે, ફૂટપાથ પર, ફ્લાય ઓવર નીચે, રેલવે સ્ટેશન કે બસ અડ્ડે, દુકાનોના ઓટલે કે કિટલી પર કે પછી મંદિરમસ્જિદગિરજાઘરે પડી રહે છે અને જેમની ગણતરી કરવી અઘરી છે, તેમને ઘરવિહોણા ગણે છે.
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં બેઘર લોકોની સંખ્યા ૧૯.૪૩ લાખ અને ૨૦૧૧માં ૧૭.૭૨ લાખ હતી. શહેરી બેઘરો ૨૦૦૧માં ૭.૭૮ લાખ અને ૨૦૧૧માં ૯.૩૮ લાખ હતા. ગામડાંઓમાં ૨૦૦૧માં ૧૧.૬ લાખ અને ૨૦૧૧માં ૮.૩૪ લાખ હતા. મોટા શહેરોમાં કાનપુરમાં દર એક હજારની વસ્તીએ ૧૮, કોલકાતામાં ૧૫, દિલ્હીમાં ૧૪ અને મુંબઈમાં ૧૨ બેઘર છે. બેઘરોની વસ્તીમાં યુ.પી. મોખરે છે. તે પછીના ક્રમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ છે. ગુજરાતનો ક્રમ ઘરવિહોણાંમાં છઠ્ઠો છે. ગુજરાતમાં ઘરવિહોણાં લોકો ૧.૪ લાખ છે. પ્રધાનમંત્રી, સરદાર, ઇન્દિરા અને આંબેડકરનાં નામે આવાસ યોજનાઓ છતાં લાખો બેઘરો કોરોના કાળની વર્તમાન ઘરબંધીમાં ક્યાં રહેતાં હશે તે સવાલ છે. બેઘરો માટે દર એક લાખની વસ્તીએ એક આશ્રય ગૃહ બનાવવા સુપ્રીમ કોર્ટના ૨૦૧૦ના આદેશ પછી ૨,૪૦૨ આશ્રય ગૃહોની જરૂરિયાત સામે દેશમાં ૨૦૧૫ સુધીમાં ૧,૩૪૦ જ આશ્રય ગૃહો હતા. એ હકીકતે પણ લાખો બેઘરો અને જર્જર, કાચા મકાનોમાં રહેતાં ભારત માતાનાં આ સંતાનો કઈ રીતે ઘરબંધી પાળી શકતાં હશે ? કોરોનાની મહામારીથી બચવા માટે એક વ્યક્તિએ બીજી વ્યક્તિથી એક મીટરનું અંતર જાળવવા કહેવાય છે. પરંતુ દેશમાં જે ૩૭ ટકા લોકો એક જ ઓરડાના અને બારી કે રસોડા વગરના ઘરમાં રહે છે અને સરેરાશ પાંચ વ્યક્તિનો પરિવાર હોય તો તેઓ ક્યું શારીરિક અંતર જાળવે ?
એક તરફ મસમોટી મહેલાતો અને ફાર્મ હાઉસોમાં રહેતા લાટસાહેબો છે તો બીજી તરફ ઘર વગર કે ઘરનાં નામે મશ્કરીરૂપ જગ્યાએ રહેતાં લોકો છે. સરકારની ઘર ધરાવનારની વ્યાખ્યામાં સામેલ લોકો પૈકી ૫.૩૫ % કુટુંબો જર્જર ઘરોમાં રહે છે. તેમાં ૮.૧ ટકા દલિતો અને ૬.૩ ટકા આદિવાસી કુટુંબો છે. દેશમાં ધાબાબંધ ઘરોમાં માત્ર ૨૯.૦૪ ટકા પરિવારો જ રહે છે, તેમાં દલિતો માત્ર ૨૧.૯ ટકા અને આદિવાસીઓ ૧૦.૧ ટકા જ છે. એશિયાની સૌથી મોટી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પણ કોરોનાગ્રસ્ત લોકો છે. ધારાવીમાં અંદાજે આઠથી દસ લાખ લોકો દોજખની જિંદગી જીવે છે. દેશમાં આવી ઝૂંપડપટ્ટીઓ કે સ્લમ્સમાં રહેતાં લોકોની સંખ્યા સાડા છ કરોડની છે. આ સૌ માટે કોરોનાથી બચવા ઘરબંધીનો ઉપાય અજમાવવો અઘરો છે.
આમ તો આપણો દેશ પૂરતા કે વધારે પાણી ધરાવતા સત્તર દેશોમાં તેરમા ક્રમે છે. પરંતુ દેશની ઘણી બધી વસ્તી પાણીના અભાવથી પીડાય છે. એ સંજોગોમાં કોરોનાના પ્રતિકાર માટે વારંવાર હાથ ધોવા પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન છે. દેશની લગભગ ૮૨ કરોડ વસ્તી પાણીની હાલાકી વેઠે છે. અને દેશમાં ૭૦ ટકા પીવાનું પાણી દૂષિત છે. જો દેશવાસીઓને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી જ ન મળતું હોય અને પાણીનાં વલખાં હોય ત્યાં વારંવાર હાથ ક્યાંથી ધોવા ? છોંતેરમા નેશનલ સેમ્પલ સર્વે અનુસાર દેશના ૨૧.૪ ટકા ઘરોમાં જ પાઈપ લાઈનથી પાણી પહોંચે છે. ગ્રામીણ ભારતમાં હજુ માંડ ૧૮ ટકા ઘરોને જ નળ સે જળ મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ જો વીસ સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા હોય તો એક વ્યક્તિ દીઠ એક થી બે લીટર પાણી વપરાય. તે હિસાબે એક વ્યક્તિને રોજ હાથ ધોવા ૧૫થી ૨૦ લીટર અને પાંચ વ્યક્તિના કુંટુંબને રોજનું ૧૦૦ લીટર પાણી માત્ર હાથ ધોવા જ જરૂર પડે. શું આટલી માત્રામાં આપણે પાણી આપીએ છીએ ? દેશના ઘણાં રાજ્યોમાં નપાણિયા મુલકો છે. ઉનાળામાં આરંભે જ પાણીની બૂમરાણ મચે છે. હવેનો દુકાળ અનાજના નહીં, પાણીના અભાવનો હોય છે. આજે પણ દેશના અનેક રાજ્યોમાં એવાં નગરો, ગામો છે જ્યાં અઠવાડિયે એક દિવસ પાણી મળે છે. સ્ત્રીઓને પાણી માટે દૂર દૂર જવું પડે છે. પાણીનો સંગ્રહ કરવાની પણ લોકો પાસે વ્યવસ્થા નથી. આ સ્થિતિમાં વારંવાર હાથ ધોવાની સલાહ મહાનગરોમાં પાણીના વેડફાટ કરતા લોકો માટે જ કામની છે.
વડાપ્રધાને ૨૦૨૪ સુધીમાં તમામ ઘરવિહોણાંને ઘર આપવાનું અને ૨૦૨૨ સુધીમાં દેશના પ્રત્યેક ઘરે નળથી જળ પહોંચાડવાનું વચન આપ્યું છે. ગુજરાતના આદિજાતિબહુલ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં વસ્તી છૂટીછવાઈ વસે છે ત્યાં હજુ પાણી પહોંચ્યું નથી. મહાનગર અમદાવાદના ૨૦ % વિસ્તારોમાં આજે ય પાણીનું કોઈ નેટવર્ક જ ઊભું કરી નથી શકાયું. ગયા વરસે અમદાવદમાં ટેન્કરથી પાણી પહોંચાડવા માટે ૨.૭૯ કરોડનો ખર્ચ થયો હતો. શહેરના સરખેજ, દાણીલીમડા, બહેરામપુરા, વટવા, સરદારનગર અને રામોલના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. એટલે ટેન્કર્સથી પાણી પહોંચાડાય છે.
જેમ ગુણવત્તયુક્ત પાણી તેમ પાણીની સમાન વહેંચણીનો સવાલ પણ ઊભો રહે છે. આદિજાતિઓને તેમના છૂટાછવાયા અને ડુંગર વિસ્તારોમાં વસવાટને કારણે તો દલિતોને જાતિભેદ અને આભડછેટને કારણે પાણી મળતું નથી. કે અપૂરતું મળે છે. પાણીનાં કારણે દલિતો પર અત્યાચારો થાય છે, પાણીનું સમાન વિતરણ ભાગ્યે જ થાય છે. આપણી જળનીતિ લોકો તરફી નહીં ઉદ્યોગો તરફી છે. તે પણ પ્રમુખ કારણ છે. ઓડિસ્સા સરકારે કોરોનાનો ચેપ ન ફેલાય એટલા માટે નદી, તળાવો અને બીજાં સાર્વજનિક સ્થાનોથી પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કદાચ બીજા રાજ્યોએ પણ આવું કર્યુ હોય. તેને કારણે સાર્વજનિક પાણીનાં જળ સ્ત્રોતો પર આધારિત વસ્તીને મુશ્કેલી પડે છે. ગુજરાતમાં ૨૦૧૮ના વરસમાં ૧,૦૭૨ ખૂનના બનાવો બન્યા હતા. તેમાં ૧૮ ખૂન પાણીના ઝઘડાને કારણે થયા હતા ! જો એક વરસમાં ૧૮ અને મહિને દોઢ ખૂન પાણીનાં કારણે થયા હોય, તો પાણીના કારણે થયેલા ઝઘડા કેટલા બધા હશે. પાણી અને ઘર જેવા બે જ મુદ્દે કોરોના કેટકેટલી રીતે ગરીબોને રંજાડી રહ્યો છે તેની પ્રતીતિ સરકાર અને સમાજને થાય તો સારું.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020