ગુજરાતી ભાષાનાં અનન્ય પ્રકાશન અને પુસ્તકભંડાર ‘લોકમિલાપ’ આ રવિવારે વિદાય લેશે. લોકમિલાપ પુસ્તકો વાંચનાર-વસાવનાર લોકોના જીવનનો હિસ્સો છે. ભાવનગરનાં લોકમિલાપે રસાળ, સુબોધ અને સત્ત્વશીલ સાહિત્યનાં પુસ્તકો થકી ગુજરાતને વાંચતું રાખ્યું.
દેશના પહેલા લોકતંત્રદિન 26 જાન્યુઆરી 1950થી લઈને આજ સુધી લોકમિલાપે ઓછા દરે લગભગ અવિરતપણે બહાર પાડેલાં પુસ્તક-પુસ્તિકાઓ અક્ષરશ: લાખોની સંખ્યામાં ગુજરાતી વાચકોએ વસાવ્યાં છે. લોકમિલાપ પુસ્તકભંડાર ભાવેણાનું ઘરેણું હતો. વળી, ઑનલાઈનના જમાના પહેલાં સાઠ વર્ષ સુધી તેણે દુનિયાભરના વાચનપ્રેમીઓ સુધી પુસ્તકો પહોંચાડ્યાં. તેના માટે ટપાલસેવાના ઉપયોગ કરવા ઉપરાંત સેંકડો પુસ્તકમેળાઓ પણ યોજ્યા. પુસ્તકમેળો શબ્દ લોકજીભે ચઢ્યો તે લોકમિલાપને કારણે.
લોકમિલાપે ખૂબ વ્યવસાયકુશળતા એટલે કે પ્રોફેશનાલિઝમથી ઉત્તમ પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનો વ્યાપાર કર્યો. પણ તેના સ્થાપક મહેન્દ્ર મેઘાણી માટે તે ‘પુણ્યનો વેપાર’ હતો. ગયાં ત્રીસેક વર્ષથી ‘લોકમિલાપ’ની ખૂબ ચીવટ અને ચોકસાઈભરી પ્રચંડ કામગીરી મહેન્દ્રભાઈના ચિરંજીવી અને પુત્રવધૂ ગોપાલભાઈ અને રાજુલબહેનનાં સમર્પણને કારણે શક્ય બની છે.
મહેન્દ્રભાઈ ‘લોકમિલાપ’નો પર્યાય છે. અત્યારે 96 વર્ષના મહેન્દ્રભાઈને લોકોએ ‘ગુજરાતના ગ્રંથના ગાંધી’ તરીકે પોંખ્યા છે. ગયા સાત દાયકા દરમિયાન ‘લોકમિલાપે’ બહાર પાડેલાં બસો કરતાં ય વધુ પુસ્તકોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈનાં શબ્દકર્મને આભારી છે. પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગીથી શરૂ કરીને પુસ્તક કોઈ ભૂલ વિના વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખી ય સાંકળની દરેક કડીમાં ‘શબદના સોદાગર’ મહેન્દ્ર મેઘાણીની સમાજલક્ષી સાહિત્યની ઊંડી સમજ અને સખત મહેનત છે.
મહેન્દ્રભાઈએ પુસ્તકો તેમ જ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, અને નિવડેલાં સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું જે કામ આજીવન કર્યું છે તે લોકોત્તર છે. તેમાં ન્યોછાવરી કે ત્યાગનો દાવો તેમણે કર્યો નથી. પણ ટૉલ્સ્ટૉય-ગાંધી પ્રણીત ‘બ્રેડ-લેબર’ એટલે કે ઇમાનદારીપૂર્વકના સખત સતત ઉત્પાદક પરિશ્રમ દ્વારા વધુ સારી દુનિયા બનાવવાની કોશિશની જરૂર કરી છે. ‘ઇતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, ‘લોકમિલાપ’ બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે’, એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન છે.
જ્ઞાન થકી દેશના ઘડતરનાં આદર્શ સાથે ઝવેરચંદ મેઘાણીના પુત્ર એવા મહેન્દ્રભાઈએ પહેલા પ્રજાસત્તાક દિને અંગ્રેજી ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું ‘મિલાપ’ માસિક શરૂ કર્યું. તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામાયિકોમાંથી સભાન અને સંવેદનશીલ નાગરિકના ઘડતરમાં ફાળો આપી શકે તેવી સામગ્રીને તારવણી-સારવણી અને ટૂંકાણ-તરજુમા થકી ગુજરાતી વાચકોને પૂરી પાડી.
બીજી બાજુ, લોકમિલાપ પુસ્તકભંડારમાંથી દેશ અને દુનિયાનાં નિવડેલાં પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ. એટલે ઘસાઈને ઉજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ ‘નહીં નફો નહીં નુકસાન’નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી. ગુજરાતી સાહિત્યકૃતિઓની ઓછી કિંમતની આવૃત્તિઓ જુદા જુદા સંપુટો સ્વરૂપે લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી 1970થી વીસેક વર્ષ લગી વિક્રમો સર્જ્યા. આ બધા સંપુટોની ખાસિયત એ હતી કે ખૂબ સુઘડ રીતે છપાયેલાં, સાદગીભરી સુંદરતાવાળા મુખપૃષ્ઠો સાથેનાં, સાતસોથી નવસો પાનાંનું અચૂક ગુણવત્તાવાળું વાચન વધુમાં વધુ દસથી બાર રૂપિયામાં મળી રહેતું.
‘કાવ્ય-કોડિયાં’ થકી લોકમિલાપે કવિતાઓને ગુજરાતના કેટલાં ય ઘરોમાં રમતી કરી. ‘કાવ્ય-કોડિયાં’ એ કવિતાની ચાળીસ રૂપકડી ખીસાપોથીઓ અર્થાત્ પૉકેટ-બુક્સ હતી. ઘાટ-ઘડામણમાં થોડા ફેરફાર સાથે ખીસાપોથીઓની હારમાળા પછીનાં વર્ષોમાં, છેક હમણાં 2011 સુધી ચાલુ રહી. અનેક પ્રકારનાં લખાણો પરની ખીસાપોથીઓ આવી. ગયાં દસેક વર્ષમાં પંદર લાખ ખીસાપોથીઓ ગુજરાતી વાચનારા લોકોના ખીસામાં ગઈ છે !
લોકમિલાપનું એક મોટું મોજું હજારો ઘરો અને ગ્રંથાલયોમાં પહોંચ્યું તે 2003થી ચાર વર્ષ દરમિયાન બહાર પડતાં રહેલાં ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ થકી. તેનો આધાર હતો તે ‘મિલાપ’માંનાં લખાણો. ‘અરધી સદી’ના પાંચસો જેટલાં પાનાંના દરેક ભાગની કિંમત પંચોતેર રૂપિયા, જેનો બજાર ભાવ ચારસો રૂપિયા હોય.
લોકમિલાપે સમાજઘડતર માટે કરેલાં કેટલાંક કામોનો ગુજરાતમાં જોટો નથી. જેમ કે તેણે ભાવનગરમાં ફિલ્મ-મિલાપ ઉપક્રમ ચલાવ્યો. જેમાં 1970ના દાયકામાં દર રવિવારે માત્ર એક રૂપિયામાં ઉત્તમ ફિલ્મો બતાવી. તેમાં આવવા-જવા-બેસવામાં મહેન્દ્રભાઈએ સહજ રીતે શિસ્ત અને સમયપાલન માટે કેળવ્યાં. તેમની પાસેથી ખાઉ તરીકે મળતા એક-એક ઘઉંના લોટના બિસ્કિટની સાથે તમામ ઘરોમાંથી આવતા બાળપ્રેક્ષકો આનંદને સંતોષથી અને સરખા ભાગે માણતાં થયાં.
ન માની શકાય તેવી વાત તો 1979ના આંતરરાષ્ટ્રીય બાળક વર્ષની છે. આ વર્ષની ઉજવણી કરવા મહેન્દ્રભાઈએ ભારતમાં બહાર પડેલાં બાળસાહિત્યનાં અંગેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો. પછી તેમણે ‘એર ઇન્ડિયા’ને સૂચન કર્યું કે લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટેની બે ટિકિટો ‘એર ઇન્ડિયા’ આપે. તેની સામે લોકમિલાપ એર ઇન્ડિયાને એટલી કિંમતના બાળસાહિત્યના સેટ આપશે. તે સેટ વિમાન-કંપની દુનિયાભરના દેશોમાં આવેલી તેની કચેરીઓમાં આવનાર યજમાન દેશના બાળકોને બાળવર્ષ નિમિત્તે ભારતનાં બાળકો તરફથી ભેટ આપે. તેમની આ યોજનાને કંપનીએ તરત વધાવી લીધી, અને એ મુજબ યુરોપ-અમેરિકાના દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓએ કુલ અગિયાર મહિના સુધી બાળસાહિત્યનાં પ્રદર્શનો યોજ્યાં.
એક વર્ષે સ્વીડને ભારતનું નેવું કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. મહેન્દ્રભાઈએ એવી ગણતરી માંડી કે તે વખતે ભારતના 60 કરોડ કુલ નાગરિકોમાંથી દરેકને 90 લાખથી પણ ઓછી વસ્તી ધરાવતા સ્વીડનના દરેક નાગરિકે નેવું રૂપિયાની ભેટ આપી. તેના ઋણસ્વીકાર તરીકે મહેન્દ્રભાઈએ યોજના ઘડી કે ગુજરાતના વાચકો સ્વીડનનાં બાળકો માટે પુસ્તક-ભેટ મોકલે. તેમની ટહેલને લોકોએ ઝીલી. મહેન્દ્રભાઈએ ચૂટેલાં અંગ્રેજી બાળપુસ્તકોના નેવુ રૂપિયાનો એક એવા સો સેટ બનાવીને સ્વીડીશ રાજદૂતને પહોંચાડ્યા.
મહારાષ્ટ્રના ઔરંગાબાદના શિક્ષક હેરંબ કુલકર્ણીએ દેશના અસમાનતાના માહોલમાં છઠ્ઠા પગારપંચનું વેતન વધારે લાગતું હોવાથી અંતરાત્માના અવાજને અનુસરીને તેનો અસ્વીકાર કર્યો અને તે અંગે સરકારને જાહેર પત્ર પણ લખ્યો. આ પત્રનો ગુજરાતી અનુવાદ વાંચીને મહેન્દ્રભાઈએ કુલકર્ણીને લોકમિલાપનાં પુસ્તકો ભેટ મોકલ્યાં.
જાન્યુઆરી 1999માં ઓરિસ્સાના મનોહરપુરમાં સેવાકાર્ય કરતાં મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેનાં બે બાળકોને હિન્દુત્વવાદીઓના ઝનૂની જૂથે જીવતાં બાળી મૂક્યાં. અત્યંત વ્યથિત મહેન્દ્રભાઈએ એ કરુણાર્દ્ર હાકલનો પત્ર લખીને એકઠી થયેલી રકમમાંથી સ્ટેન્સનાં પત્ની ગ્લૅડિસને પુસ્તકો અને સહાય મોકલ્યાં.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી ગાળામાં લોકમિલાપે ‘સહુને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ નામે અવતરણોની સોળ પાનાંની ખીસાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી.
ગુજરાતનાં 2002નાં રમખાણો દરમિયાન મહેન્દ્રભાઈએ સાહિત્યના માનવતાવાદી કર્મશીલ તરીકે ‘આંસુ લૂછવા જાઉં છું …’ નામે સંક્ષેપ-અનુવાદનું પુસ્તક આપ્યું. તેમાં ગાંધીજીએ તેમના છેલ્લા પંદર મહિના દરમિયાન, ભાગલાને પરિણામે લાગેલા કોમી દાવાનળને ઠારવા માટે નોઆખલી પંથકમાં એકલવીરના આત્મબળથી ચલાવેલ શાંતિતપની ઝાંખી મળે છે. તેની પ્રસ્તુતતા વિશે એમણે કહ્યું છે : ‘તેમાં ગુજરાતનું નામ દીધા વિના ગુજરાતની પરિથિતિનું વર્ણન અને ઉકેલ ગાંધીજીએ બતાવ્યાં છે.’
લોકમિલાપના અનંત અહેસાન તરફ આભારના પ્રતીક તરીકે આ રવિવારે સવારે અગિયાર વાગ્યે ‘સાર્થક પ્રકાશન’ મહેન્દ્રભાઈની દીર્ઘ મુલાકાત પરનું એક પુસ્તક તેમને ઔપચારિક કાર્યક્રમ વિના પુસ્તકભંડારમાં જ અર્પઁણ કરશે. ગુજરાતભરના વાચકો જ્યાં હશે ત્યાંથી લોકમિલાપને રવિવારે મનોમન વિદાય-વંદના પાઠવશે.
*****
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 24 જાન્યુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત]