વાત એ વેળાની છે જ્યારે ભારતને મળેલી આઝાદીની સિલ્વર જ્યૂબિલી હજુ એક વર્ષ પહેલાં જ ઊજવવામાં આવી હતી અને લોકશાહી ભારતમાં ટકી નહીં શકે એવો દાવો કરનારા પશ્ચિમના વિચારકો ખોટા ઠરવા લાગ્યા હતા.
આ વિચારકો ખોટા તો ઠરવા લાગ્યા હતા પણ દેશમાં લોકશાહીના આદર્શો સાથે ચેડાં થવાની શરૂઆત પણ થવા લાગી હતી અને એની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો હતો.
ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આક્રોશનો પ્રતિઘોષ ઝીલ્યો અને 'નવનિર્માણ આંદોલન'નો આરંભ થયો. જયપ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા, ગુજરાતના આંદોલનમાં તેમને 'અજવાળું દેખાયું' અને બિહાર પરત ફરીને તેમણે 'સંપૂર્ણ ક્રાંતિ'નો પાયો નાખ્યો.
વર્ષ 1973નું તથા મહિનો ડિસેમ્બરનો હતો અને ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું હતું.
એવામાં 20મી ડિસેમ્બરનો આખો દિવસ એલ.ડી. એન્જિનિયરિંગ તરીકે ઓળખાતી લાલભાઈ દલપતભાઈ કૉલેજ ઑફ એન્જિનિયરિંગને વિદ્યાર્થીઓએ માથે લીધી હતી અને હાડમાં ઊતરી જાય એવી ટાઢમાં પણ વિદ્યાર્થીઓના વિરોધના કારણે કૉલેજના કૅમ્પસમાં તપારો વ્યાપી ગયો હતો.
સાંજ પડતાં પડતાં વિદ્યાર્થીઓનો વિરોધ હિંસક બન્યો અને તોડફોડ શરૂ થઈ ગઈ. વિરોધની આગે જોર પકડ્યું અને એમાં પી.ડબ્લ્યૂ.ડી.નો સ્ટોર સળગાવી દેવાયો. વિદ્યાર્થીઓ જ્યાં બેસીને નાસ્તો કરતા હતા કે ગપ્પાં મારતાં હતા એ કૅન્ટીન પણ વિરોધનો ભોગ બની અને તેને પણ આગ લગાવી દેવાઈ.
પી.ડબ્લ્યૂ.ડી.નો સ્ટોર અને કૅન્ટીન સળગાવાયાં બાદ વિરોધની આગે રેક્ટરના આવાસ તરફની દિશા લીધી. પત્ની તથા બે સંતાનો સાથે જીવ બચાવવા રેક્ટર ઘર છોડીને ભાગ્યા અને પાડોશમાં આવેલા એક આવાસમાં છુપાઈ ગયા.
રેઢા ઘરમાં વિદ્યાર્થીઓએ ભારે તોડફોડ કરી. ફર્નિચર, સીધુંસામાન, રેડિયો, કૅમેરા, પુસ્તકો અને બીજી વસ્તુઓ બહાર કાઢી અને આગ લગાડી દીધી.
વાતાવરણમાં ભયાનક હદે ઉશ્કેરાટ તથા ભય છવાયેલા હતા એટલે પરિસ્થિતિને થાળે પાડવા તાબડતોબ પોલીસ બોલાવાઈ.
પોલીસ આવી અને તેણે વિદ્યાર્થીઓને ઝૂડવાનું શરૂ કરી દીધું. 500થી પણ વધારે વિદ્યાર્થીઓનાં ટોળાંમાંથી પોલીસે ત્રણની ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા. એ સિવાયના બીજા કેટલાક વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ આગજની અને ગેરકાયદે ભેગા થવાના કેસ દાખલ કરાયા. જો કે, શાંત થવાને બદલે વિદ્યાર્થીઓ વધુ વીફર્યા. તેમણે બેઠક યોજી અને પોતાના સાથી વિદ્યાર્થીઓને છોડાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા.
મેસના બિલમાં કરાયેલા વધારાથી વિદ્યાર્થીઓ નારાજ હતા અને એ નારાજગીએ હિંસક રૂપ લીધું હતું. 'યૂથ પાવર ઇન ગુજરાત' નામના પુસ્તકમાં અમિતા શાહે 'નવનિર્માણ આંદોલન'ની ઉપરોક્ત શરૂઆત આલેખી છે.
ગુજરાતમાં અનાજના ભાવ વધી રહ્યા હતા તથા મોંઘવારી માઝા મૂકી રહી હતી અને એનો પડઘો વિદ્યાર્થીઓના આક્રોશમાં પડી રહ્યો હતો. એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં જે ઘટના ઘટી એના એક દિવસ પહેલાં જ મોરબીની એન્જિનિયરિંગ કૉલેજમાં પણ આવો જ બનાવ બન્યો હતો.
નવનિર્માણ આંદોલન અને ગુજરાતમાં થયેલાં બીજાં કેટલાંક આંદોલનો પર 'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' નામનું પુસ્તક લખનારાં વર્ષા ભગત-ગાંગુલી 'ગુજરાતના નવનિર્માણ આંદોલનની પુનર્મુલાકાત' નામના એક લેખમાં લખે છે, "અનાજના ભાવવધારા અને ભ્રષ્ટાચારના મુદ્દે આ વિરોધ થયો અને તેને સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સમૂહોનું સમર્થન મળ્યું. દસ અઠવાડિયાંમાં તેણે બે રાજકીય ઉદ્દેશ પૂર્ણ કર્યા. 9મી ફ્રેબ્રઆરીએ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલનું રાજીનામું લેવાયું અને 15મી માર્ચે વિધાનસભાનું વિસર્જન કરાયું. સ્વતંત્ર ભારતનું કદાચ આ પહેલું સફળ આંદોલન હતું કે જેમાં બિનસંસદીય જનજમાવટે ચૂંટાયેલી સરકારને હઠાવી દીધી."
નવનિર્માણ આંદોલન પહેલાંનું ભારત 'લંડન ટાઇમ્સ'ના પત્રકાર નૅવિલ મૅક્સવેલ અનુસાર
'લંડન ટાઇમ્સ'ના પત્રકાર નૅવિલ મૅક્સવેલે 1967માં ભારતમાં 'વિખરાઈ રહેલા લોકતંત્ર પર લેખોની શ્રેણી' લખી હતી.
મૅક્સવેલે અનુભવ્યું હતું કે ભારતમાં દુષ્કાળનું જોખમ તોળાઈ રહ્યું હતું અને સરકાર કંઈ પણ કરવામાં નિષ્ફળ નીવડી રહી હતી. જનતા સામાન્ય રીતે સરકારને ભ્રષ્ટ માનવા લાગી હતી. સરકાર અને સરકારી પક્ષો જનતાનો વિશ્વાસ તો ગુમાવી જ ચૂક્યા હતા પણ ખુદ પરનો તેમનો ભરોસો પણ ખતમ થઈ ગયો હતો.
મૅક્સવેલે રાજકીય રીતે જાગૃત ભારતીયો સાથે વાત કરી હતી અને તેમને તેઓ 'હારેલા માનવી જેવા' જણાઈ રહ્યા હતા. તેઓ વધારે પડતા સતર્ક હતા અને તેમને પોતાનું ભવિષ્ય અંધકારમય જ નહીં, અનિશ્ચિત પણ જણાઈ રહ્યું હતું.'
મૅક્સવેલનું એવું પણ કહેવું હતું કે 'લોકતંત્રના ક્ષેત્રે ભારતને વિકસિત કરવાનો એક મહાન પ્રયોગ નિષ્ફળ થઈ ગયો છે.' આવો મત માત્ર મૅક્સવેલ એકલાનો જ નહોતો. 1965માં 'ક્રાઇસિસ ઑફ ઇન્ડિયા' નામનું પુસ્તક લખનારા લેખક રૉનાલ્ડ સીગલને પણ ભારતમાં લોકતંત્ર ટકે એવી કોઈ આશા નહોતી દેખાઈ રહી. દેશમાં જે ઘટી રહ્યું હતું એનાથી ગુજરાત પણ બાકાત નહોતું. વર્ષ 1973માં ગુજરાતની પરિસ્થિતિ આલેખતાં અમિતા શાહ 'યૂથ પાવર ઇન ગુજરાત' પુસ્તકમાં લખે છે :
'આર્થિક મોરચે કિંમતો સતત વધી રહી હતી. ચોમાસું સારું રહ્યું હતું એટલે અનાજ અને ખાદ્યતેલની કિંમતો ઘટશે એવી લોકોને આશા હતી. પણ એમની આશા ઠગારી નીવડી અને કિંમતો એટલી વધી ગઈ કે સામાન્ય લોકોની ક્ષમતામાંથી બહાર નીકળી ગઈ. લોકોની હાલાકી વધી ગઈ. પરિસ્થિતિના પડઘા અખબારોમાં પડ્યા અને વિવિધ પક્ષો દ્વારા મોરચા-સરઘસો કઢાયાં, જાહેરસભાઓ યોજાઈ અને વિવિધ શહેરોમાં બંધ પળાયા. આવું છેક ઑક્ટોબર-નવેમ્બરથી ચાલી રહ્યું હતું.'
'નાગરિક પુરવઠાની સ્થિતિ દિવસેદિવસે કથળી રહી હતી. સરકારી રૅશનની મોટા ભાગની દુકાનો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની દુકાનો ખાલીખમ થઈ ગઈ હતી. સામાન મેળવવા માટે લાંબીલાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં લોકોને ખાલી હાથે અને વીલાં મોઢે પરત ફરવું પડતું હતું. સરકારે વ્યક્તિદીઠ 8 કિલોનો પુરવઠો આપવાનું વચન આપ્યું હતું પણ રૅશનની દુકાનો 2 કિલોની વહેંચણી કરવા માટે પણ સક્ષમ નહોતી. લોકોની હાલાકીની કોઈ સીમા નહોતી રહી અને ડિસેમ્બર માસ આવતાંઆવતાં અખબારોમાં ભૂખમરાના સમાચારો પણ પ્રસિદ્ધ થવા લાગ્યા હતા.'
'મગફળીએ આ આગમાં તેલ પૂરવાનું કામ કર્યું. ઑક્ટોબર મહિનામાં મગફળીનો મબલક પાક થયો પણ મગફળીના તેલની કિંમત ઘટવાને બદલે અતિશય વધી ગઈ. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેપારી અને તેલની મિલોના માલિકો સાથે સરકાર બેઠકો યોજી રહી હતી, પરામર્શ કરી રહી હતી પણ લોકોને રાહતના સંકેત નહોતા જણાતા. એટલે સરકાર પ્રત્યેનો એમનો વિશ્વાસ ઘટી રહ્યો હતો. તેલની કિંમતો પર કાબૂ મેળવવામાં સરકારની સદંતર નિષ્ફળતાએ લોકોમાં શંકા જન્માવી કે મુખ્ય મંત્રી અને તેલના વેપારીઓ વચ્ચે કોઈ સાઠગાંઠ થઈ છે. આશંકાએ જોર પકડ્યું અને રાજ્યભરમાં સરકારવિરોધી ચળવળનો આરંભ થયો.'
'જ્યારે મોંઘવારી માઝા મૂકી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ એના મારથી ન બચી શકે એ સ્વાભાવિક છે. વિદ્યાર્થીઓ હૉસ્ટેલના રેક્ટરને આ અંગે સતત રજૂઆતો કરી રહ્યા હતા પણ કોઈ ફાયદો નહોતો થઈ રહ્યો. વિદ્યાર્થીઓની હતાશા વધી રહી હતી અને તેમના આક્રોશમાં પણ વધારો થઈ રહ્યો હતો. અન્ય લોકોની માફક વિદ્યાર્થી સમુદાયમાં પણ સરકારવિરોધી ભાવના ઉફાણો મારી રહી હતી.'
'એ જ વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ વિદ્યાર્થીમાં વ્યાપી રહેલા આક્રોશનો પડઘો પડ્યો હતો. સાબરકાંઠામાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં વિદ્યાર્થીઓએ સરકારવિરોધી પ્રચાર કર્યો હતો. વિદ્યાર્થીઓનું આ વલણ કોઈ રાજકીય પક્ષથી પ્રેરિત નહોતું પણ પ્રવર્તમાન પરિસ્થિતિનો પડઘો માત્ર હતું.'
વિદ્યાર્થીઓનો આદર્શવાદ
"એ વખતે માહોલ જ પરિવર્તનનો હતો. હજુ થોડાં વર્ષો પહેલાં જ દેશમાં નક્સલવાદી ચળવળની શરૂઆત થઈ હતી. ગ્રામખેડૂતો માટે કલકત્તા યુનિવર્સિટીના બૌદ્ધિક વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા અને તેમણે ભારે પોલીસદમન સહન કર્યું હતું. ઘણા બૌદ્ધિકો પણ એ ચળવળના સમર્થનમાં આવ્યા હતા અને સંસદીય રાજકારણ કરતાં અલગ દિશામાં દેશને વાળવાની વાત કરાઈ હતી."
"વિશ્વની વાત કરીએ તો એ વખતે વિયતનામ સાથેના યુદ્ધની વિરુદ્ધ અમેરિકન સરકાર સામે વિદ્યાર્થીઓ પડ્યા હતા. ફ્રાન્સની સરકાર સામે પેરિસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. એમ એ વખતે વિશ્વભરમાં નવપરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો."
"શિક્ષણક્ષેત્રે નવાનવા વિચારો રજૂ કરાઈ રહ્યા હતા અને નવીનવી વાતો વહેતી થઈ રહી હતી. આવા માહોલમાં અમારા જેવા યુવાનો કૉલેજોમાં ભણી રહ્યા હતા. અમે બધા નાટક-સાહિત્યના માણસો હતા. નિસ્બતના સાહિત્યના અમે સૌ સમર્થક હતા. એક આદર્શવાદી ભૂમિકામાં અમે સૌ જીવી રહ્યા હતા."
"વર્ષ 1973માં જ્યારે ચીમનભાઈ મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે અમદાવાદના 'પંચવટી ફાર્મ'માં ધારાસભ્યોને ખરીદીને પૂરી દેવાયા હતા. એનાં વર્ષો બાદ હજૂરિયા-ખજૂરિયાનો કાંડ થયો. હાલમાં મહારાષ્ટ્રમાં રાજકારણનો જે ખેલ (2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે ભા.જ.પ., શિવસેના અને કૉંગ્રેસ-એન.સી.પી. વચ્ચે રમાયેલા રાજકીય કાવાદાવા) ભજવાયો, એવા રાજકારણની એ શરૂઆત હતી."
આઝાદ ભારતમાં ભ્રષ્ટાચારનાં મંડાણ થયાં અને એની સામે વિદ્યાર્થીઓનો આદર્શવાદ ટકારાયો. જેમાંથી નવનિર્માણ આંદોલનનો જન્મ થયો.
નવનિર્માણ આંદોલનના જન્મની વાત કરતાં આંદોલનની આગેવાની કરનારા એ વખતના વિદ્યાર્થીનેતા મનીષી જાની ઉપરોક્ત વાત કરે છે. આંદોલનનું સંકલન કરનારી 'નવનિર્માણ યુવક સમિતિ'નું નેતૃત્વ મનીષી જાનીએ કર્યું હતું.
મનીષી એ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં ફિલસૂફીનો અભ્યાસ કરતા હતા.
નવનિર્માણ આંદોલનનો સમો જ નવીનતાની માગનો હોવાનું રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહનું પણ માનવું છે. તેમના મતે નવા ચહેરા અને તાજા વિચારોને એ વખતે લોકો વધાવવા માટે આતુર હતા.
——————————————————
વર્ષ 1973-1974ના ગાળામાં જ બૉબી ફિલ્મ રજૂ થઈ હતી. ફિલ્મમાં નવા ચહેરા હતા અને લોકોએ એને વધાવી લીધી હતી. એ જ રીતે આપણા જાહેરજીવનમાં મનીષી અને બીજા નવા ચહેરા આવ્યા અને લોકોએ તેમને પણ વધાવી લીધા.
– પ્રકાશ ન. શાહ
——————————————————
જો કે, ઋષિ કપૂર એક અભિનેતા હતા અને મનીષી જાની એક સામાજિક કાર્યકર.
એ ન્યાયે બન્નેની સરખામણી ન થઈ શકે પણ નવનિર્માણ આંદોલન વિશે વાત કરતાં શાહ 'બૉબી-ફિનોમિના' સંદર્ભે કહે છે, "નવા ચહેરાઓની અપીલ લોકોને સ્પર્શી ગઈ. એમણે નવાં માનકો રજૂ કર્યાં અને નવાં વચનો આપ્યાં."
આ નવા ચહેરાઓનાં માનકો અને વચનોમાં આદર્શવાદ ઝળકતો હતો.
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ ઇન ટુ ઇન્ડિયન સ્ટેટ્સ' પુસ્તકમાં ઘનશ્યામ શાહ લખે છે, "નવનિર્માણ યુવક સમિતિના પ્રમુખ મનીષી જાની પોતાનાં ભાષણોમાં ગરીબી પર વાત કરતા હતા. સંપત્તિની સમાન વહેંચણી અને મજૂરવર્ગ સાથે બહેતર વર્તન કરનારા વર્ગવિહીન સમાજના નિર્માણમાં તેઓ માનતા હતા. સુરતની યુવક સંગ્રામ સમિતિના વિદ્યાર્થીનેતા ભગીરથ શાહ પણ વર્ગવિહીન સમાજમાં માનનારા હતા."
પંચવટી કે પ્રપંચવટી-ફાર્મ?
17 જુલાઈ, 1973માં ચીમનભાઈએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા એ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ઘનશ્યામ ઓઝા હતા.
મુખ્ય મંત્રીપદેથી ઓઝાના જવાના અને પટેલના આવવાના ક્રમ વચ્ચે ઘટેલા ઘટનાક્રમ અંગે વાત કરતાં 'સમયના સથવારે ગુજરાત' નામના પુસ્તકમાં કુંદનલાલ ધોળકિયા લખે છે :
'મુખ્ય મંત્રી તરીકે ઘનશ્યામ ઓઝા દિલ્હીથી પસંદ થયા હતા. ગુજરાત કૉંગ્રેસમાં તેમનાં થાણાં નહોતાં અને પક્ષમાં મૂળિયાં પણ ઊંડાં નહોતાં. તેઓ ક્યાંક સાચા અને ક્યાંક સિદ્ધાંતના આગ્રહી પણ તેમનામાં રાજકીય કુનેહ નહીં. તેઓ પક્ષ સાચવી ન શક્યા.'
'માજી ગૃહમંત્રી રસિકલાલ પરીખના પ્રમુખપદે 70 ધારાસભ્યોએ 27 જૂન, 1973ના રોજ ઘનશ્યામ ઓઝાની સામે અવિશ્વાસની તજવીજ હાથ ધરી એટલે ઘનશ્યામભાઈ દિલ્હી દોડ્યા, અકળાયા અને 29 જૂને મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતાપદેથી રાજીનામું ધરી દીધું.'
'નવા નેતા તરીકે દિલ્હીએ રતુભાઈ અદાણી કે કાંતિલાલ ઘિયાની તરફેણ કરી એટલે ચીમનભાઈએ દલીલ કરી કે નેતા પસંદ કરવાનો અધિકાર ગુજરાતના ધારાસભ્યોને છે. પછી તો રમતો શરૂ થઈ. છાપાં ચમક્યાં. ચીમનભાઈએ પોતાના સાથી ધારાસભ્યોને અમદાવાદ પાસે 'પંચવટી' નામના ફાર્મમાં રાખ્યા પણ અખબારી ભાષામાં ગોંધી રખાયા. આબુપ્રવાસ શરૂ થયો અને ભ્રષ્ટાચારની શેતરંજો મંડાઈ.'
'દિલ્હીમાંથી કૉંગ્રેસના નિરીક્ષક સ્વર્ણસિંહ જુલાઈમાં ગુજરાત આવ્યા અને ચીમનભાઈને ખસી જવા માટે ઇંદિરા ગાંધીના હાકેમ તરીકે સમજાવ્યા. પણ ચીમનભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી એટલે કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણી ગાંધીનગરમાં યોજાઈ અને મતગણતરી દિલ્હીમાં થઈ. તારીખ 16 જુલાઈ, 1973ના રોજ પરિણામ જાહેર થયું. ચીમનભાઈ પટેલને 72 મત મળ્યા અને કાંતિલાલ ઘિયાને 62 મત.'
'ઇંદિરા ગાંધીના કૃપાપાત્ર ગણાતા કાંતિલાલ ઘિયા હાર્યા અને બળવાના પ્રતીક ગણાતા ચીમનભાઈ જીત્યા.
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' પુસ્તકમાં લેખિકા વર્ષા ભગત-ગાંગુલી લખે છે, 'મુખ્ય મંત્રી બનવા માટે તેમણે (ચીમનભાઈએ) કથિત રૂપે કાં તો ધારાસભ્યો પર દબાણ કર્યું હતું કાં તો ધારાસભ્યોને ખરીદી લીધા હતા. પંચવટી ફાર્મમાં લગભગ 70 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. જેને પગલે પંચવટી ફાર્મને લોકો 'પ્રપંચવટી ફાર્મ' કહેવા લાગ્યા હતા.'
'મુખ્ય મંત્રી બન્યા બાદ ચીમનભાઈ પટેલે ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી આગામી ચૂંટણીમાં શાસક કૉંગ્રેસને કથિત રીતે મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. એટલું જ નહીં, ગુજરાતને મળનારા અનાજના ક્વૉટામાં 50 ટકા કરતાં વધારે કાપ મુકાયો હોવા છતાં રાજ્યની જરૂરિયાત મુજબનું અનાજ આપવા માટે તેમણે કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું નહોતું.'
જો કે, નવનિર્માણ આંદોલન બાદ ચીમનભાઈ પટેલે પ્રસિદ્ધ કરેલી 'ગુજરાતની ઘટનાઓ-ઘટસ્ફોટ' નામની પુસ્તિકાને ટાંકીને કુંદનલાલ ધોળકિયા લખે છે કે 'દર મહિને ગુજરાતને કેન્દ્રમાંથી 1 લાખ પાંચ હજાર ટન અનાજ મળતું હતું પરંતુ ઇંદિરા ગાંધી ચીમનભાઈ પર ખફા હતાં. એટલે 1973ના ડિસેમ્બરમાં ગુજરાત માટેના અનાજનો ક્વૉટા 70 હજાર ટન ઘટાડી માત્ર 35 હજાર કરી દેવાયો હતો. ચીમનભાઈએ ઇંદિરા ગાંધીને વિનંતી કરી હતી પણ બધું વ્યર્થ ગયું અને પ્રજા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ.'
મોંઘવારી અને અનાજની અછતની સીધી જ અસર વિદ્યાર્થીઓની હૉસ્ટેલના ફૂડ-બિલ પર પડી. સરકારી કૉલેજોની હૉસ્ટેલોમાં સરકારે રાહતદરે અનાજ આપવાનું બંધ કરી દીધું એટલે મેસનું બિલ રૂપિયા 70થી વધીને રૂપિયા 125 થઈ ગયું.
મોંઘવારીના આ મારથી વિદ્યાર્થીઓ પણ બચી ન શક્યા. ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના પ્રોફેસર જે. ધોળકિયાએ અમદાવાદની કૉલેજોની હૉસ્ટેલોમાં પ્રવર્તમાન આર્થિક સ્થિતિને લઈને કરેલા એક સર્વેમાં વિદ્યાર્થીઓ પર પડેલી મોંઘવારીની અસરનો અંદાજ આવે છે.
સર્વે અનુસાર :
1) નિમ્ન-મધ્યમ વર્ગમાંથી આવતા લગભગ 52 ટકા વિદ્યાર્થીઓને ફૂડ-બિલમાં થયેલા વધારાને લીધે દિવસના એક ટંકનું ભોજન ગુમાવવું પડ્યું હતું.
2) 17 ટકા વિદ્યાર્થીઓને ભોજનનું બિલ ચૂકવવા માટે દેવું કરવું પડ્યું હતું.
3) 37 ટકા વિદ્યાર્થીઓને પોતાનો શૈક્ષણિક ખર્ચ ચૂકવવા માટે દેવું કરવું પડ્યું હતું.
… અને ભડકો થયો
અમિતા શાહની નોંધ પ્રમાણે એક દિવસ એન્જિનિયરિંગ કૉલેજના રેક્ટરે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓને બોલાવીને જણાવ્યું કે ફૂડ-બિલ 100 રૂપિયાથી વધીને મહિનાના રૂપિયા 110 થઈ શકે એમ છે.
પહેલાંથી જ વધેલા બિલે વિદ્યાર્થીઓ માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ સર્જી હતી અને તેમાં હવે વધુ દસ રૂપિયાનો વધારો ઝીંકાવાનું જોખમ હતું.
સિનિયર વિદ્યાર્થીઓએ તમામ વિદ્યાર્થીઓને આ વાત કરી અને 'ભડકો' થયો. મનીષી જાની આ અંગે વાત કરતાં જણાવે છે, "એલ.ડી. એન્જિનિયરિંગ અને મોરબી કૉલેજની હૉસ્ટેલનું ફૂડ-બિલ રૂપિયા 70થી વધારીને રૂપિયા 100 કરી દેવાયું હતું. જેને લઈને વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો અને ધમાલ મચાવી."
"વિદ્યાર્થીઓએ ધમાલ મચાવી એટલે પોલીસ આવી અને વિદ્યાર્થીઓને માર્યા. જેલમાં પૂરી દીધા. આ વિદ્યાર્થીઓને છોડાવવા માટે બીજા દિવસે અમે સરઘસ યોજ્યું અને તેમને મુક્ત કરવાની માગ કરી."
"અમને સવાલ થતો હતો કે આખરે ફૂડ-બિલ વધ્યું કેમ? વધારા પાછળ મેસનો કોઈ કૉન્ટ્રેક્ટર નહીં, પણ ચોતરફ કરાયેલો ભાવવધારો જવાબદાર હતો. એ વખતે ન તો કોઈ દુકાળ હતો કે ન તો વધારે વરસાદ પડ્યો હતો."
"એ એક માનવસર્જિત અછત હતી. સંગ્રહખોરી અને રાજકારણીઓની સાઠગાંઠને કારણે આવું થયું હતું એવો અમારો મત હતો. અમારું માનવું હતું કે પ્રજાએ ચૂંટેલા ધારાસભ્યો અમારા કામના નથી અને એવા ધારાસભ્યોવાળી વિધાનસભાનું વિસર્જન થઈ જવું જોઈએ. એટલે અમદાવાદની કૉલેજોના જનરલ સેક્રેટરીઓ સાથે મળીને અમે બંધનું એલાન આપ્યું."
વિદ્યાર્થીનેતાઓએ બંધનું એલાન આપ્યું અને નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ.
સૌરાષ્ટ્રમાં પણ નવનિર્માણ
અમદાવાદ જેવી જ ઘટના મોરબીમાં પણ ઘટી. 'યૂથ પાવર ઇન ગુજરાત'માં અમિતા શાહ લખે છે :
'મોરબી એન્જિનિયરિંગ કૉલેજની છ હૉસ્ટેલોના વિદ્યાર્થીઓ હૉસ્ટેલની મેસના કથિત ગેરવહીવટને લઈને છેલ્લા કેટલાક સમયથી જવાબદાર તંત્રને ફરિયાદ કરી રહ્યા હતા. બે વર્ષમાં વિદ્યાર્થીઓએ આ મામલે 33 જેટલાં આવેદનપત્રો આપ્યાં હોવા છતાં પણ સમસ્યાનો કોઈ નીવેડો આવતો નહોતો.'
'એટલે 29મી ડિસેમ્બરની રાતે વિદ્યાર્થીઓ વીફર્યા. તેમણે હૉસ્ટેલનાં રસોડાં તથા મિકૅનિકલ વર્કશૉપનું ફર્નિચર અને અન્ય સામાન બહાર કાઢીને સળગાવી દીધો. અહીં પણ એમનો આક્રોશ ન શમ્યો એટલે તેઓ મેસના કૉન્ટ્રેક્ટરના આવાસે પહોંચ્યા અને એમની મોટરસાઇકલ સળગાવી દીધી.'
'આ બધું રાતે દસ વાગ્યે શરૂ થયું અને પાંચ કલાક સુધી ચાલ્યું. પોલીસ બોલાવાઈ તો વિદ્યાર્થીઓએ એમના પર પણ પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં કૉલેજના આચાર્ય, હૉસ્ટેલના રેક્ટર અને એક પોલીસકર્મીને ઈજા પહોંચી. પરિસ્થિતિ ગંભીર જણાતાં રાજકોટમાંથી સ્પેશિયલ રિઝર્વ પોલીસની ટુકડી બોલાવાઈ. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ફાયર-બ્રિગેડની મદદ માટે નજીકના વાંકાનેરમાંથી પણ ફાયરફાઇટરો બોલાવવા પડ્યા.'
'હૉસ્ટેલના પરિસરમાં પોલીસ ખડકી દેવાઈ અને 24 જેટલા વિદ્યાર્થીઓ પર હુલ્લડ કરવા અને ગેરકાયદે ભેગા થવાનો ગુનો દાખલ કરાયો.'
'ગુનો દાખલ કરાયો એટલે વિદ્યાર્થીઓ વધુ વીફર્યા. તેમણે ચીમકી ઉચ્ચારી કે જો વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે તો એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ભારેલો અગ્નિ જોઈ સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક તેમ જ રાજકીય કાર્યકરોને દખલ દેવી પડી અને વિદ્યાર્થીઓને જામીન પર છોડવા પડ્યા.'
'પણ રાજ્યનાં શિક્ષણમંત્રી આયેશા બેગમે વિદ્યાર્થીઓના આ પગલાને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું અને સરકારે અમદાવાદ અને મોરબીની ઘટનાની તપાસ કરવા માટે સમિતિની રચના કરી.'
‘જો કે, વાત હવે હાથમાંથી સરી ગઈ હતી. મોરબીની ઘટનાના જેતપુરમાં પડઘા પડ્યા. 1 જાન્યુઆરીએ શહેરે બંધ પાળ્યો. આંદોલનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું અને પોલીસને ગોળીબાર કરવાની ફરજ પણ પડી. એ જ દિવસે અમરેલીમાં પણ એક મોટું સરઘસ કઢાયું અને કલેક્ટરને કાબૂ બહાર જતી રહેલી કિંમતો મામલે આવેદન અપાયું. દરમિયાન વાત વણસી અને પ્રદર્શનકારીઓએ કલેક્ટરની ઑફિસને તાળું મારવાનો પ્રયાસ કર્યો. જેને પગલે 300 લોકોની ધરપકડ કરવામાં આવી.'
અમદાવાદ જેવો જ તીવ્ર સરકારવિરોધી જુવાળ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રમાં રાજકોટ આંદોલનનું ગઢ બન્યું હતું. અહીં 'નવનિર્માણ યુવક સમિતિ-અમદાવાદ પ્રેરિત' એવી સમિતિ રચાઈ હતી અને આગેવાની અનામિક શાહને સોંપાઈ હતી.
આ અંગે વાત કરતાં અનામિક શાહ જણાવે છે, "મનીષી જાની, ઉમાકાંત માંકડ, નરહરિ અમીન, રાજકુમાર ગુપ્તા વગેરે સાથે અમારું સંકલન ચાલતું અને સૌરાષ્ટ્રમાં અમે લડત ચલાવતા હતા."
"એ વખતે રાજકોટમાં સરકારવિરોધી લડતનાં બે કેન્દ્ર હતાં. એક મોટી ટાંકી છાવણી અને બીજી ત્રિકોણબાગ છાવણી."
અનામિક શાહ અને અન્ય વિદ્યાર્થીઓની આગેવાનીમાં મોટી ટાંકી છાવણી પર આંદોલન ચલાવાતું હતું. જ્યારે ત્રિકોણબાગ છાવણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં સરકારવિરોધી આંદોલન ચાલી રહ્યું હતું.
શાહના દાવા અનુસાર તેમણે સૌરાષ્ટ્રભરમાં 300 જેટલી નવનિર્માણ આંદોલન સમિતિઓને મંજૂરી આપી હતી.
આંદોલનનું વિસ્તરણ
અમદાવાદમાં પડેલો તણખો ધીમેધીમે સરકારવિરોધી આગમાં ફેરવાઈ ગયો અને ગુજરાતમાં અલગઅલગ શહેરોમાં વિદ્યાર્થીઓ તથા લોકો રસ્તા પર ઊતરી આવ્યા.
આ અંગે વાત કરતાં મનીષી જાની જણાવે છે, "ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલી લડત જાન્યુઆરીના આરંભમાં વ્યાપક બની ગઈ. વિદ્યાર્થીની એ લડતમાં જનસમુદાય ઉમેરાયો એનું કારણ એ હતું કે છેલ્લા એક-દોઢ વર્ષમાં તમામ વસ્તુઓ પર 100થી 150 ટકા જેવો ભાવવધારો થયો હતો. સરકારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનો જ પ્રયાસ ન કર્યો અને વિરોધને અટકાવવા માટે મોટા પ્રમાણમાં પોલીસદમન કરાયું. ટ્રૅડ-યુનિયનો, પત્રકારો, વિદ્યાર્થી, શિક્ષકો પણ એમાં જોડાયાં."
3 જાન્યુઆરીએ એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ પાસેથી અગાઉના મહિના કરતાં ફૂડ-બિલમાં 30 રૂપિયા વધારે વસૂલાયા અને પહેલાંથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ફરીથી વીફર્યા. ફરી તોડફોડ કરાઈ અને ફર્નિચરને આગ લગાડાઈ. ફરી પોલીસ આવી અને આ વખતે અશ્રુગૅસના 100 ગોળા છોડાયા. 326 વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ અને 40 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા. ફરી હિંસાની ઘટના ઘટી એટલે અનિશ્ચિતકાળ માટે કૉલેજને બંધ કરી દેવાઈ.
4 અને 7 જાન્યુઆરીનાં વિરોધપ્રદર્શનો બાદ 9 જાન્યુઆરીની સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મંત્રીઓને ઘેરવાનો કાર્યક્રમ આપ્યો. અમદાવાદમાં શહેરી પરિવહનની બસો અને અન્ય વાહનો પર વિદ્યાર્થીઓએ હુમલો અને તોડફોડ કરી. કેટલીય જગ્યાએ વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણના સમાચારો કેટલીય જગ્યાએથી આવ્યા. 10 જાન્યુઆરીએ '14 ઑગસ્ટ શ્રમજીવી સમિતિ'એ ગુજરાત બંધનું એલાન આપ્યું અને ગુજરાત યુનિવર્સિટી એરિયા ટીચર્સ ઍસોસિયેશન (ગૌટા) દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસદમન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરાયો.
આ દરમિયાન વિદ્યાર્થીનેતાઓ અને મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ વચ્ચે વાતચીત યોજાઈ પણ નિષ્ફળ રહી. વિરોધપ્રદર્શન શાંત થાય એવા અણસાર નહોતા આવી રહ્યા.
11 જાન્યુઆરીએ વિવિધ વિદ્યાર્થીસંગઠનોએ મળીને એ વખતના સાંસદ પુરુષોત્તમ માવળંકરના માર્ગદર્શન હેઠળ 'નવનિર્માણ યુવક સમિતિ'ની રચના કરી. સમિતિના પ્રમુખ મનીષી જાનીને બનાવાયા. જ્યારે ઉમાકાંત માંકડ અને શૈલેશ શાહ મહાસચિવ બન્યા. સાંસદ પુરુષોત્તમ માવળંકર સલાહકાર બન્યા એ માટે બે કારણો જવાબદાર હતાં. એક તો વિદ્યાર્થીઓએ તેમના માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો અને બીજું એ કે તેમના પુત્ર આનંદ માવળંકર પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.
નવનિર્માણ યુવક સમિતિનું ગઠન થયું અને ગુજરાત વિધાનસભાના વિસર્જનની વિદ્યાર્થીઓએ માગ કરી એવું મનીષી જાની જણાવે છે.
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' પુસ્તકમાં વર્ષા ભગત-ગાંગુલી લખે છે, 'ગુજરાતના વિવિધ ભાગોમાં દરરોજ વિરોધકાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. કેટલાક રાજકીય પક્ષો દ્વારા, તો કેટલાક પ્રજા દ્વારા. જેને પગલે 12 જાન્યુઆરીના રોજ રાજ્યનાં 24 શહેરોમાં કર્ફ્યુ લાદવો પડ્યો અને ત્રણ વિદ્યાર્થીની મીસા (મેન્ટનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ) અંતર્ગત ધરપકડ કરવામાં આવી. રાજ્યના અલગઅલગ ભાગોમાં એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. 20 જાન્યુઆરી સુધીમાં રાજ્યના અલગઅલગ વિસ્તારોમાં પોલીસે કરેલા ગોળીબારમાં 42 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.'
'નવનિર્માણ યુવક સમિતિ' દ્વારા 'ચીમનભાઈના મૃત્યુઘંટ'નો કાર્યક્રમ અપાયો હતો અને લોકોમાં એ ભારે લોકપ્રિય થયો હતો. આ કાર્યક્રમ અનુસાર એક નિશ્ચિત સમયે લોકો થાળી વગાડીને વિરોધપ્રદર્શન કરતા હતા. એક મહિના કરતાં પણ વધારે સમય સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. નવનિર્માણ બાદ ગુજરાતમાં થયેલાં અલગઅલગ આંદોલનોમાં પણ થાળી વગાડીને વિરોધ કરવાની આ રીત લોકપ્રિય બની હતી.
નવનિર્માણ દરમિયાન ગુજરાતે વિરોધ કરવાની પરંપરાગત અને બિનપરંપરાત રીતો જોઈ. આ દરમિયાન મુખ્ય મંત્રીનું પૂતળું બાળવું, અમદાવાદથી પાટનગર ગાંધીનગર સુધીની પદયાત્રા યોજવી, ધારાસભ્યોનો ઘેરાવો કરીને રાજીનામાં માગવાં, સરકાર પર ભરોસો ન હોવા અંગેનાં આવેદનો પર સામૂહિક સહીઓ કરાવવી અને નાગરિકો પાસે આ મામલે ટપાલો લખાવવી, ધારાસભ્યોનાં ઘરો સુધી મહિલાઓ દ્વારા રેલીઓ કાઢવી અને લોહીથી લખાયેલાં આવેદનપત્રો પાઠવવાં જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા.
આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આંદોલન પ્રસરી ચૂક્યું હતું. જો કે, દક્ષિણ ગુજરાત હજુ પણ શાંત હતું. વર્ષા ભગત-ગાંગુલી લખે છે, 'દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર શાંત હતો અને ત્યાં વિરોધના કાર્યક્રમોનું ખાસ આયોજન નહોતું કરાયું. આથી અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ સુરતની એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓને 'કાયરતાના પ્રતીકરૂપે' બંગડીઓ મોકલી અને સુરતના વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા.'
જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાતભરમાં નવનિર્માણ યુવક સમિતિઓ રચાઈ અને વિરોધ પણ વધારે તીવ્ર થઈ ગયો. 26મી જાન્યુઆરીએ ગૌટા, 14 ઑગસ્ટ શ્રમજીવી સમિતિ, નવનિર્માણ યુવક સમિતિ જેવાં 80 સંગઠનોએ બંધનું એલાન આપ્યું અને રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોમાં કર્ફ્યુ લદાયો. ધ્વજવંદન પણ કર્ફ્યુ વચ્ચે જ કરાયું.
પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હોવાથી સરકારે 29 જાન્યુઆરીએ સૈન્ય બોલાવ્યું. જો કે, નવનિર્માણ સમિતિએ સૈન્યનું સ્વાગત કર્યું અને એમને પણ વિશ્વાસમાં લઈ લીધું.
આ અંગે વાત કરતાં નવનિર્માણ યુવક સમિતિના એ વખતના મહાસચિવ ઉમાકાંત માંકડ જણાવે છે, "સૈન્ય આવ્યું એટલે અમે તેમને જણાવ્યું કે આ 'કોમી રમખાણ' નથી 'રોટીરમખાણ' છે. આ માટે અલગઅલગ ભાષામાં બેનરો લખીને અમે સૈન્યની ટ્રકોમાં નાખ્યાં અને એ રીતે સૈન્યે પણ અમારી સામે તાકેલાં હથિયારો હેઠાં મૂકી દીધાં."
માંકડનો દાવો છે કે સરકારે સૈન્યને એવું કહીને બોલાવ્યું હતું કે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં છે.
વર્ષા ભગત-ગાંગુલી લખે છે કે આ દરમિયાન વિદ્યાર્થીઓએ જે તે વિસ્તારના ધારાસભ્યોને મળીને રાજીનામું માગવાનું શરૂ કરી દીધું. કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતનાં વિવિધ શહેરોમાં ઉપવાસ પર બેઠા. જો મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું ન આપે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ એક વિદ્યાર્થીએ ઉચ્ચારી.
આ દરમિયાન રાજ્યમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી અને 10 શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો. 5 ફેબ્રુઆરીએ વિવિધ ધારા હેઠળ અમદાવાદમાંથી 172 વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ.
ચીમનભાઈનું રાજીનામું … અને વિધાનસભાનું વિસર્જન
રાજ્યમાં વિરોધ વધી રહ્યો હતો અને પરિસ્થિતિ બેકાબૂ બનતી હતી. જેને લઈને કેન્દ્ર સરકાર પણ મૂંઝવણમાં મુકાઈ હતી.
'યૂથ પાવર ઇન ગુજરાત'માં અમિતા શાહ લખે છે :
'આ દરમિયાન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ જ્યાં સુધી ગુજરાતમાં હિંસાનો અંત ન આવે ત્યાં સુધી રાજ્યના કોઈ પણ પ્રતિનિધિને મળવાનો ઇન્કાર કરી દીધો અને મોરારજી દેસાઈએ ચીમનભાઈને ગૌરવપૂર્ણ પદત્યાગ કરવાની ભલામણ કરી. મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા અને પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા યુવકોના પરિવારજનોને મળ્યા. તેમણે ગુજરાતના યુવકોની હિંમતને વધાવી.'
રાજ્યમાં ફેલાયેલી અશાંતિ માટે તેમણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી અને આ માટે હાઈ-કમાન્ડને એક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા માટે પણ ભલામણ કરી.
7 ફેબ્રુઆરીએ રાજ્યના ચાર મંત્રીઓએ ચીમનભાઈને 48 કલાકમાં રાજીનામું ધરી દેવા માટે અલ્ટિમેટમ આપ્યું. જો કે, ચીમનભાઈએ શિસ્તભંગના આરોપસર ચારેયને બરતરફ કરી દીધા.
વિરોધનો વંટોળ શમે તેમ નહોતો અને એવામાં કેન્દ્ર સરકાર પણ ચીમનભાઈની કોઈ વાત માનવા તૈયાર નહોતી.
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત'માં વર્ષા ભગત-ગાંગુલી લખે છે :
'રાજ્યના તમામ તબક્કામાંથી મુખ્ય મંત્રીના કરાઈ રહેલા વિરોધને પગલે આખરે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના ખાસ પ્રતિનિધિ તરીકે ગોખલે 8મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા પણ કોઈ વિદ્યાર્થીનેતાને મળવા ન દીધા. ગોખલે સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે કેટલાક વિદ્યાર્થીઓ રાજભવન ખાતે ઉપવાસ પર બેઠા અને વકીલોએ મોટી રેલી યોજીને ચીમનભાઈ પટેલના રાજીનામાની માગ કરી.'
'પ્રજાનો દરેક તબક્કો ચીમનભાઈને જાકારો આપી ચૂક્યો હોવાની વાત ગોખલેએ વડાં પ્રધાનને કરી અને એક વાગ્યે તેમણે ચીમનભાઈને રાજીનામું ધરી દેવા આદેશ આપ્યો. બપોર સુધીમાં રાજ્યના ઉપમુખ્ય મંત્રી કાંતિલાલ ઘિયાએ રાજીનામું આપી દીધું અને 9મી ફ્રેબુઆરીએ સાંજ સુધીમાં ચીમનભાઈને પણ રાજીનામું આપી દેવું પડ્યું.'
ચીમનભાઈએ રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં રાજ્યમાં 54 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો હતો.
જો કે, ચીમનભાઈ રાજીનામું આપે એટલે આંદોલન પૂર્ણ થઈ જાય એવું નહોતું. મુખ્ય મંત્રીના રાજીનામા બાદ નવનિર્માણ આંદોલન હવે બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું હતું.
10મી ફ્રેબુઆરીએ નવનિર્માણ યુવક સમિતિની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વિધાનસભાનું વિસર્જન ન થાય ત્યાં સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
આ અંગે વાત કરતાં મનીષી જાની જણાવે છે, "વિધાનસભાના વિસર્જનની માગ પાછળનું કારણ એવું હતું કે અમને લાગતું હતું કે વિધાનસભામાં ચૂંટાઈને ગયેલા જનપ્રતિનિધિઓ ખરા અર્થમાં જનતાના પ્રતિનિધિ નહોતા. બધા ભ્રષ્ટ આચરણમાં લાગી ગયા હતા."
13મી ફેબ્રુઆરીએ સર્વોદય કાર્યકરો દ્વારા ગુજરાતમાં એક સભા યોજવામાં આવી અને તેમાં જયપ્રકાશ નારાયણે કાર્યકરોને સંબોધ્યા.
તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકો આ ભ્રષ્ટ સરકારને સહન કરી શકે એમ નથી અને જ્યાં સુધી નિ:સ્વાર્થ અને પ્રામાણિક લોકો જાહેરજીવનમાં નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચારની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે. રવિશંકર મહારાજે પણ રાજ્યના ધારાસભ્યોને સ્વૈચ્છિક રાજીનામું આપવા જણાવ્યું. આ સભામાં પણ વિધાનસભાના વિસર્જનનો પ્રસ્તાવ પસાર કરાયો.
આંદોલનની તીવ્રતા ફરી એક વખત વધી ગઈ હતી અને ઠેરઠેર હિંસાના સમાચારો આવી રહ્યા હતા.
આ દરમિયાન દિલ્હી ગયેલા વિદ્યાર્થીઓ વિધાનસભાના વિસર્જનની માગ સાથે બોટ ક્લબ ખાતે ધરણાં અને પ્રતીક ઉપવાસ પર બેઠા. આ ગુજરાતી વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું. એ વખતે વડાં પ્રધાન સાથે વાતચીત કરવા માટે ગુજરાતના 214 વિદ્યાર્થીઓ દિલ્હી ગયા હતા. સંસદ ખાતે ધરણાં કરવાં બદલ તેમની ધરપકડ કરાઈ. તેમને કોર્ટમાં રજૂ કરાયા અને કોર્ટે તેમને એક સપ્તાહની કેદની સજા ફટકારી. 5મી માર્ચે દિલ્હીમાં આવેલા ગુજરાતી સમાજથી કનૉટ પ્લેસ સુધી 30 કિલોમિટરની મૌન રેલી યોજવામાં આવી. વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ગુજરાતના સાંસદોનો ઘેરાવ કર્યો અને 11 કલાક સુધી તેમને ભૂખ્યા રાખ્યા.
દિલ્હીમાં પણ ગુજરાતી વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં પ્રદર્શનો યોજ્યાં.
'યૂથ પાવર ઇન ગુજરાત' પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર 10 માર્ચે મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા અને 11મી માર્ચે તેઓ વિધાનસભાના વિસર્જનની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા. મોરારજી દેસાઈ ઉપવાસ પર બેસતાની સાથે જ કેન્દ્રીય નેતાગીરી ધ્રૂજી ગઈ.
મોરારજી એ વખતે બોલ્યા હતા, "ગુજરાતના હિરોઇક સંઘર્ષને વધુ મજબૂત કરવા અને નિર્દોષ જિંદગીઓને બચાવવા માટે આમરણાંત ઉપવાસ સિવાય મારી પાસે બીજો વિકલ્પ બચ્યો નહોતો."
ઉપવાસ પર બેઠેલા મોરારજી દેસાઈની તબિયત કથળવા લાગી અને ગુજરાતમાં ફરીથી હિંસા ફાટી નીકળી. અમદાવાદમાં મોટા પાયે પથ્થરમારો કરાયો અને કેટલીય બસોને આગ લગાવી દેવાઈ. પરિસ્થિતિને પામી જતાં ધારાસભ્યો પણ રાજીનામાં દેવાં લાગ્યાં. ઘિયા સહિત 17 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં.
ગુજરાતમાં પરિસ્થિતિ કોઈ રીતે થાળે પડતી નહોતી. દિલ્હીમાં વડાં પ્રધાને વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને આ મામલે શું કરી શકાય એની ચર્ચા કરી અને નક્કી કરાયું કે કોઈ અંતિમ નિર્ણય લેતાં પહેલાં બે દિવસ સુધી રાહ જોવી.
આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરી મોરારજી દેસાઈને પારણાં કરવાં સતત ભલામણ કરી રહી હતી પણ એમ માની જાય તો મોરારજી શાના! રાજ્યમાં ધારાસભ્યોનાં રાજીનામાં આપવાનો સિલસિલો વણથંભ્યો રહ્યો અને રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા 85 સુધી પહોંચી ગઈ હતી.
આંદોલન પોતાના અંતિમ તબક્કે પહોંચી ગયું હતું એટલે લડતને વધુ તીવ્ર બનાવવા માટે નવનિર્માણ સમિતિએ વિરોધના વધુ કાર્યક્રમો જાહેર કર્યા. સરકારી કચેરીઓ અને ધારાસભ્યોને ઘેરવામાં આવ્યાં, લોકોને કરવેરા ન ચૂકવવા હાકલ કરાઈ અને મોટા પ્રમાણમાં જેલભરોના કાર્યક્રમ અપાયા.
આખરે ગુજરાતના વિદ્યાર્થીઓ સામે ચીમનભાઈ પટેલ બાદ ઇંદિરા ગાંધીની સરકાર પણ ઝૂકી ગઈ.
15 માર્ચે રાતે 11 વાગ્યે રાજ્યપાલે બંધારણના આર્ટિકલ 174(2) અંતર્ગત વિધાનસભાના વિસર્જનની જાહેરાત કરી. દિલ્હીમાં કેદ વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા. મોરારજી દેસાઈએ પારણાં કર્યાં અને ગુજરાતના વિદ્યાર્થીઓની બહાદુરીને બિરદાવી.
આંદોલનથી હાંસલ શું થયું?
આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા અને બિહાર પરત ફરીને સામાજિક ન્યાય માટે હાકલ કરી હતી.
'સંપૂર્ણ ક્રાંતિ' નામના પુસ્તકમાં જયપ્રકાશ લખે છે કે સમસ્યાઓથી ઘેરાયેલા દેશને ગુજરાતે અજવાળું દેખાડ્યું હતું.
'ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેય આપવું ઘટે કે તેમણે પ્રથમ વખત પોતાની માગ પરથી ઉપર ઊઠીને કેટલીય એવી માગ માટે સંઘર્ષ કર્યો કે જે રાષ્ટ્રની માગ હતી. સમગ્ર દેશના લોકોની માગ હતી.'
'એ વાત ગુજરાતે સામે રાખી કે આજે જે મંત્રીમંડળ છે એ બહુ જ ભ્રષ્ટ છે. એનો ભ્રષ્ટાચાર સહન કરવાને લાયક નથી અને ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો આ મંત્રીમંડળને હઠાવવું જોઈએ. મોંઘવારી બહુ છે તે ખતમ થવી જોઈએ. બેરોજગારી છે, ભણેલાઓની, અભણોની એ ખતમ થવી જોઈએ. હવે આ ત્રણ જે વાત હતી – ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી. એ કંઈ ગુજરાતના વિદ્યાર્થીઓની જ સમસ્યા નહોતી. સમગ્ર સમાજની હતી અને ગુજરાતના સમાજની જ નહીં, સમગ્ર દેશના સમાજની હતી. આવું પ્રથમ વખત થયું છે.'
———————————
73 દિવસ સુધી ચાલેલા આ આંદોલનમાં કુલ 105 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 88નો ભોગ પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં લેવાયો હતો. 88 મૃતકોમાંથી 61 વિદ્યાર્થીઓ અને યુવાનો હતા, જે તમામની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હતી. આંદોલન દરમિયાન 8,053 લોકોની વિવિધ ધારાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 184 લોકોની ધરપકડ મીસાના કાયદા હેઠળ કરાઈ હતી. લાઠીચાર્જની કુલ 1,654 ઘટનાઓ ઘટી હતી, જ્યારે અશ્રુગૅસના કુલ 4,342 ગોળા છોડવામાં આવ્યા હતા. 73 દિવસ દરમિયાન કુલ 1,405 ગોળીઓ છોડાઈ હતી. સમગ્ર આદોલનમાં કુલ 310 લોકોને ઈજા પહોંચી હતી.
– 'યૂથ પાવર ઇન ગુજરાત' પુસ્તકમાં અમિતા શાહની નોંધ
———————————
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત' પુસ્તકમાં આંદોલનના 'આઉટકમ' અંગે વાત કરતાં વર્ષા ભગત-ગાંગુલી લખે છે :
'મુખ્ય મંત્રીનું રાજીનામું અને વિધાનસભાનું વિસર્જન એ આંદોલનની મુખ્ય બે સિદ્ધિ હતી. વિધાનસભાના વિસર્જન બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયું. જો કે, બન્ને ઉદ્દેશ હાંસલ કરી લીધા બાદ પણ સામાજિક પુનર્નિર્માણની પહેલ અધૂરી જ રહી."
'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ ઇન ટુ ઇન્ડિયન સ્ટેટ્સ' પુસ્તકમાં ઘનશ્યામ શાહ લખે છે :
'ગુજરાતનું વિદ્યાર્થીઆંદોલન એ બાબત તરફ નિર્દેશ કરે છે કે વિદ્યાર્થીઓ સરકાર તો ઉથલાવી શકે છે, પણ રાજકીય પરિવર્તન આણનારી સ્વતંત્ર શક્તિ બનતા નથી.'
જો કે, મનીષી જાની આ મામલે પોતાનો મત વ્યક્ત કરે છે, “વિદ્યાર્થી ચળવળ વિરોધની ચળવળ હોય છે. વિદ્યાર્થી વિરોધ કરી શકે. વિદ્યાર્થીની અવસ્થા કાયમી અવસ્થા નથી. કૉલેજ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ત્રણથી ચાર વર્ષ માટે હોય છે. દુનિયા આખીમાં ચળવળની શરૂઆત વિદ્યાર્થીઓ કરતા હોય છે. અમારી મુખ્ય માગ હતી કે લોકશાહીમાં સાચા પ્રતિનિધિઓ ચૂંટાય. એ વખતે તો 21 વર્ષે મતાધિકાર હતો અને મત આપવાની પણ અમારી ઉંમર નહોતી. અમે એ પણ સ્પષ્ટ કહેતા કે અમે કોઈ ચૂંટણી લડવાના નથી."
"આંદોલનમાંથી હાંસલ એ થયું કે ધારાસભામાં નેતાઓને મોકલનારા લોકો ધારે તો એમને પરત પણ ખેંચી શકે છે."
અનામિક શાહ આંદોલનની ફળસિદ્ધિ અંગે વાત કરતાં કહે છે, "જયપ્રકાશ કહેતા હતા એમ લોકશક્તિ, સમાજની ચેતના જગાડવા અને વિદ્યાર્થીઓ સમાજના પરિવર્તનના વાહક બને એ રીતે અને એ દિશામાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું."
જો કે, તેઓ સ્વીકારે છે કે આંદોલન બાદ યુવકોની નવી નેતાગીરી ઊભી કરી ન શકાઈ.
તેઓ જણાવે છે, "નવનિર્માણના આંદોલનના યુવાનોનો આ પ્રથમ અનુભવ હતો એટલે નેતાગીરીની જે સિસ્ટમ ઊભી થવી જોઈએ એ અમે કરી ન શક્યા. અમે નવી કૅડર તૈયાર કરી જ ન શક્યા."
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ નવનિર્માણ આંદોલનની સફળતા અંગે વાત કરતાં જણાવે છે, "દરેક વિદ્યાર્થી આંદોલન કે જન આંદોલનનો રાજકીય ઉપયોગ થતો હોય છે અને એ ઉપયોગ સત્તાપ્રાપ્તિ માટેનો હોય છે. નવનિર્માણના પગલે ગુજરાતમાં સત્તાપલટો તો આવ્યો પણ વિકલ્પ શોધી રહેલા લોકો છેતરાયા."
ઘનશ્યામ શાહનું માનવું છે, "આંદોલનની આંધી શાંત પડવા લાગી ત્યારે લોકોને અનુભવાયું કે પાયાની જે સમસ્યાઓ માટે તેમણે બે મહિના સુધી વિદ્રોહ કર્યો હતો એ વણઉકેલી જ રહી. આંદોલન બાદ પણ ભાવવધારો અને અછત એમનાં એમ જ રહ્યાં અને પહેલાં કરતાં પણ વધી ગયાં."
માનવાધિકારના પ્રખર હિમાયતી વકીલ ગિરીશ પટેલને ટાંકીને 'પ્રોટેસ્ટ મૂવમૅન્ટ્સ ઍન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત'માં વર્ષા ભગત-ગાંગુલી લખે છે, "નવનિર્માણ આંદોલનથી પ્રેરાઈને જે.પી.એ આદરેલી 'સંપૂર્ણ ક્રાંતિ'ની ચળવળ એક ભ્રમ માત્ર હતી. એ ચળવળની અસર એ રહી કે તેણે મોટા ભાગે રાજકીય સંસ્થાનો અવૈધ બનાવ્યાં, ચીમનભાઈના રાજીનામા બાદ આંદોલનના બીજા તબક્કામાં આર.એસ.એસ., એ.બી.વી.પી. અને જનસંઘના નેતૃત્વવાળી જમણેરી શક્તિઓ તથા નવનિર્માણના કેટલાક ભ્રષ્ટ નેતાઓ સશક્ત બન્યા અને સમાજમાં ફાસીવાદી વલણનો ઉદય થયો.”
સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી; 10 જાન્યુઆરી 2020
છબિ સૌજન્ય : કલ્પિત ભચેચ