પ્રિય ઉર્વીશભાઈ, અન્ય મિત્રો સાથે તમે પ્રકાશભાઈનું જાહેર અભિવાદન કરવાનું યોજ્યું છે તે કરવા જેવું કામ-કાર્ય છે. એ માટે તમે મિત્રોએ પ્રકાશભાઈ એંસીમાં વર્ષમાં પ્રવેશે અથવા એંસી વર્ષ પૂરાં કરે તે અવસરની રાહ ન જોઈને એક નવો ચીલો પાડ્યો છે. તે એક અનુકરણી દાખલો બને તેવી તેવી આશા રાખીએ.
પ્રકાશભાઈ જાહેર જીવનમાં એક સક્રિય કાર્યકર રહ્યા છે. કોઈ પદની કે પ્રસિદ્ધિની સ્પૃહા વિના મુખ્યત્વે પત્રકારત્વના માધ્યમથી તેમણે પોતાની સામાજિક નિસબત દાખવી છે. આ નિસબત તેમણે તત્કાલીન શાસનમાં લોકશાહીનાં મૂલ્યોથી વિપરિત કે સમાજના હિતમાં ન હોય એવાં પગલાંની સતત ટીકા દ્વારા દાખવી છે, તેથી તો એમને ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીમાં કારાવાસ ભોગવવો પડ્યો હતો. અલબત્ત, પ્રવર્તમાન શાસને કેટલાંક સારાં પગલાં પણ ભર્યાં હોય છે, તેને પ્રકાશભાઈ નજરઅંદાજ કરીને કેવળ શાસનનાં અયોગ્ય પગલાંને લક્ષમાં લઈને તેની ટીકાઓ જ કરે છે તે ઘણાને યોગ્ય લાગતું નથી. પણ લોકો એ ભૂલી જાય છે કે પોતાની સિદ્ધિઓની પ્રસિદ્ધિ તો શાસકો પોતે અને તેમના ખુશામતખોરો કરતા જ હોય છે. સમાજના હિતમાં શાસકોની ખામીઓ દર્શાવવી એ બૌદ્ધિકોની ભૂમિકા છે. પ્રકાશભાઈ એ કાર્ય દસકાઓથી કરતા આવ્યા છે. આવા ‘ટીકાખોરો’ની સમાજમાં કદર થતી નથી પણ તમે યોગ્ય રીતે એમની કદર કરી રહ્યા છો.
પ્રકાશભાઈ એક મોટો વાચક છે. એમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એચ.કે. આટ્ર્સ કૉલેજમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયેલા, અધ્યાપક આજીવન વિદ્યાર્થી રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણા દેશમાં જૂજ અધ્યાપકો આ અપેક્ષા સંતોષે છે. પણ થોડા સમય માટે જ અધ્યાપક રહેલા પ્રકાશભાઈ આજીવન વિદ્યાર્થી રહ્યા છે. એમને જો આપણે પત્રકાર તરીકે જોઈએ તો તેઓ એક અભ્યાસુ પત્રકાર છે. ગુજરાતમાં એવા અભ્યાસુ પત્રકાર શોધવા પડે તેમ છે.
પ્રકાશભાઈની લેખનશૈલી અનોખી છે. જો કે એમના લેખો સમજાતા નથી એ વિશે વ્યાપક સંમતિ પ્રવર્તે છે. એમની લેખન શૈલી સામેની આ ફરિયાદ વિશે ચર્ચા કરતા બે લેખો ‘નિરીક્ષક’માં હું લખી ચૂક્યો છે. તેથી એની ચર્ચા અહીં નહિ કરું પણ પોતાના લેખોની ટીકા કરતા પત્રો કે લેખો એ ‘નિરીક્ષક’માં બેધડક પ્રગટ કરતા રહ્યા છે. પોતાના આ આચરણ દ્વારા તેમણે વાણી સ્વાતંત્ર્યનાં મૂલ્યોનો પુરસ્કાર કર્યો છે. એમના ગદ્યની મર્યાદા સાથે એમના એક વિશિષ્ટ પ્રદાનની નોંધ પણ લેવાવી જોઈએ : એમણે ગુજરાતી ભાષાને ઘણા નવા શબ્દોની ભેટ આપી છે.
૨૦મી જુલાઈએ યોજવામાં આવેલા અભિવાદન-કાર્યક્રમમાં હું હાજર રહી શકું તેમ નથી. તેથી આ પત્ર દ્વારા આગોતરી હાજરી પુરાવું છું. કાર્યક્રમની સફળતા કોઈની શુભેચ્છા પર અવલંબતી નથી. તેથી શુભેચ્છાની ઔપાચારિકતા વિના પત્ર પૂરો કરું છું.
તા. ૨૩-૬-૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 11
![]()


એક તરફ આ દેશનું લોકતંત્ર અત્યારે બહુમતીવાદ, રાષ્ટ્રવાદ, વર્ણવાદ, હિન્દુવાદ, એકપક્ષવાદ જેવાં ભાવાવેશમાં કહો કે તણાઈ રહ્યું છે. બીજી તરફ દલિત, આદિવાસી, લઘુમતી જેવા કચડાયેલા તબકાઓ સાથે સરેઆમ હિંસાની ઘટનાઓ ઘટી રહી છે – અને એની હ્રદય વિદારક ચીસોને રાષ્ટ્રવાદના મહિમાગાનથી ઢાંકવામાં આવી રહી છે. એ હકીકત આંખમાથા પર કે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદ તથા પ્રબળ પ્રચાર તંત્રનાં જોરે બહુમતીથી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યો છે, પણ એનો અર્થ એવો કદાપિ ન કાઢવો જોઈએ કે એમનાં હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદને ન માનનારા અને એમના હિંદુત્વ આધારિત શાસન સાથે અસહમતી ધરાવનારા સહુ હારી ગયા છે; અને પોતાના તમામ લોકતાંત્રિક અધિકારો ગુમાવી બેઠા છે. જે રીતે વીતી ગયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રીએ પોતે એમનો વિરોધ કરનારા સહુને દેશવિરોધી હોવાનાં ખોટાં ખાનામાં મૂકી ઝૂડવાનું શરૂ કર્યું એ એમની શક્તિ અને અશક્તિ બન્ને દર્શાવે છે. એમની શક્તિ એ કે એમનાં આવા લોકભોગ્ય વલણને બહુમતી હિંદુ સમાજનો “મોદી .. મોદી ..”નાં ગગનભેદી નાદ સાથે દેશ-વિદેશમાં ભરપૂર સાથ મળ્યો. અશક્તિ એ કે એમનામાં લોકતાંત્રિક લડાઈ લોકતંત્રનાં ધારાધોરણો પ્રમાણે લડવાની ક્ષમતાનો કોઈ અંશ પણ દેખાયો નહીં.

