ક્યાંક તણખા, ક્યાંક ભડકા થાય છે,
શી ખબર કેવી હવા અહીં વાય છે.
દૂરથી એ સૂર શું-શું લાવતા ?
કાં અહીં ઓળખ બધી બદલાય છે ?
ગામ, ખેતર, કોસ, કૂવા – આટલું
આગને વેશે બધે ફેલાય છે.
ચાલ મેલી આ કડાકૂટ ગોંદરે,
ઈંટ, પથ્થર ને ચૂનો પણ જાય છે.
ત્યાં હવે કોઈ સલામત ક્યાં રહ્યું?
ક્ષણેક્ષણે આઝાદ મન હોમાય છે!
રક્ત જો આ માર્ગ પર વ્હેતું દીસે,
ચાલ તું, પગલાં બધાં રંગાય છે.
પાગલો ભેળા થયાના છે ખબર,
કોણ જાણે ક્રાંતિગીતો ગાય છે.
દોસ્ત, ઝાઝી ના ગતાગમ જો પડે,
નોંધ તું, દરિયો હવે ઊભરાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 07