ભારતમાં કુલ મળીને બે કરોડ ૧૫ લાખ સરકારી નોકરીઓ છે. એમાં રાજ્ય સરકારો પણ આવી ગઈ. એક લાખ પરિવારો(પ્લીઝ નોટ, પરિવારો – હાઉસહોલ્ડ)એ ૧,૬૨૨ વ્યક્તિ (પ્લીઝ નોટ, વ્યક્તિ) સરકારી નોકરી કરે છે
ઠાકોરસાહેબે ગોંદરે ચોખા મૂકીને ગામધુમાડો તો જાહેર કરી દીધો, પણ કોઠલા ખાલી છે એનું શું? રાજીના રેડ થઈ ગયેલાઓ સમજી લે કે અનામતની જે જોગવાઈ આપવામાં આવી છે એ માત્ર સરકારી નોકરીઓ માટેની છે અને બીજી એવી ખાનગી સંસ્થાઓ માટે છે જે સરકાર પાસેથી અનુદાન મેળવે છે.
બાકીનું આખું ખાનગી સેક્ટર અનામત હેઠળ નથી આવતું. સરકાર પાસે મોટા-મોટા ઉદ્યોગો હતા જે એણે વેચી નાખ્યા છે અને જે નથી વેચ્યા એને ડુબાડી રહી છે. જેમ કે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ. સરકારે રાફેલ વિમાનના સોદામાંથી હિન્દુસ્તાન ઍરોનૉટિક્સને તગેડી મૂકીને અનિલ અંબાણીને પ્રવેશ આપ્યો છે. જો થોડીઘણી રોજગારી પેદા થશે તો અનિલ અંબાણીને ઘેર પેદા થશે જેને અનામતની જોગવાઈ લાગુ નથી પડતી અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડમાં રોજગારી પેદા થવાની કોઈ શક્યતા નથી.
ભારતમાં કુલ મળીને બે કરોડ ૧૫ લાખ સરકારી નોકરીઓ છે. એમાં રાજ્ય સરકારો પણ આવી ગઈ. એક લાખ પરિવારો(પ્લીઝ નોટ, પરિવારો – હાઉસહોલ્ડ)એ ૧,૬૨૨ વ્યક્તિ (પ્લીઝ નોટ, વ્યક્તિ) સરકારી નોકરી કરે છે. ટકાવારીની વાત કરીએ તો માત્ર ૨.૭ ટકા નોકરીઓ સરકારમાં અને સરકારી માલિકીના ઉપક્રમોમાં છે અને ૯૭.૩ ટકા જૉબ ખાનગી ક્ષેત્રમાં છે. હવે ભારતમાં કેટલા લોકો કમાવાની ઉંમરના છે? અંદાજે ૪૦ કરોડ. હવે ૪૦ કરોડ લોકો રળે છે કે રળવાની જવાબદારી ધરાવે છે એમાંથી સરકાર માત્ર સવાબે કરોડ કરતાં પણ ઓછા લોકોને કામ આપી શકે છે.
આ બે કરોડ ૧૫ લાખ સરકારી કર્મચારીમાંથી ૧૦ ટકા બેઠકો આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામત રાખવામાં આવનાર છે એનો અર્થ એ થયો કે કુલ મળીને ૨૧ લાખ નોકરીઓ સવર્ણો માટે અનામત કરવામાં આવશે. વાત અહીં પૂરી નથી થતી. હવે જે ૨૧ લાખ સવર્ણો માટેની અનામત સરકારી નોકરીઓ છે એમાંથી વરસે દસ ટકા નિવૃત્ત થતા હશે એમ માની લઈએ તો ભારત સરકાર ૨૧ હજાર નોકરીઓ વરસેદહાડે સવર્ણોને આપશે. જી હા, માત્ર ૨૧ હજાર નોકરીઓ વરસેદહાડે. એ પણ જ્યારે ભરતી કરવામાં આવે ત્યારે. મહારાષ્ટ્ર સરકારે પાંચ વરસથી કર્મચારીઓની ભરતી કરી જ નથી. હવે ૭૨ હજાર જૉબ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. બીજું, સરકારોની નીતિ કર્મચારીઓની સંખ્યા ઘટાડતા જવાની નીતિ છે. આ સિવાય સરકારી અનુદાન ધરાવતી સંસ્થાઓ ઉમેરો તો વધુમાં વધુ વરસે ૫૦ હજાર નોકરી. ટૂંકમાં કીડિયારું પૂરી શકાય એટલો પણ લોટ નથી અને ગોંદરે ચોખા મૂકી આવ્યા. શો ફરક પડે છે?
ચૂંટણીનો ખેલ છે.
સુરજિત ભલ્લા નામના એક અર્થશાસ્ત્રી છે જેની તુલના ફિલ્મ-અભિનેતા અનુપમ ખેર સાથે કરી શકાય. પ્રામાણિક હોવાનો દંભ કરવો અને સરકારને વહાલા થવાય એવું બોલવું તેમ જ કરવું. આ આવડતના પરિણામે તેમને વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રોબસ્ટ જૉબ ગ્રોથ, નૉટ ફેક ન્યુઝ એવો એક લેખ લખીને દાવો કર્યો કે ૨૦૧૭માં દોઢ કરોડ નવી રોજગારી પેદા કરવામાં આવી છે. તેમણે પોતાના દાવાના સમર્થનમાં સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી(CMIE)ના સર્વેના આંકડાનો ઉપયોગ કર્યો હતો. CMIE આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા છે જે સરકારી આંકડા તેમ જ સ્વતંત્ર સર્વેક્ષણો કરીને આર્થિક સ્થિતિના અહેવાલો તૈયાર કરે છે. ઇચ્છા થાય એ બોલવું, પણ આત્મવિશ્વાસથી બોલવું એવો આજનો યુગ છે અને સુરજિત ભલ્લા આવો ગુણ ધરાવે છે.
સુરજિત ભલ્લાના લેખના જવાબમાં CMIEના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મહેશ વ્યાસે કહ્યું કે CMIEએ એના અહેવાલમાં કોઈ જગ્યાએ કહ્યું જ નથી કે દેશમાં દોઢ કરોડ નવી જૉબ પેદા થઈ છે અને ભલ્લા જો CMIEનો હવાલો આપીને આવો દાવો કરતા હોય તો એ ફેક ન્યુઝ છે. સુરજિત ભલ્લા શું બોલે? આજ સુધી તેમણે કોઈ ખુલાસો નથી કર્યો, પરંતુ આબરૂ બચાવવા અને સ્વતંત્ર હોવાનો દેખાવ કરવા વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું. આમ પણ આ પરિષદ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક મંડળ જેવી છે.
હવે CMIEએ ૨૦૧૮ માટે શું કહ્યું છે એ જોઈએ. સંસ્થા કહે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ૨૦૧૮માં ૭.૩૮ ટકા સુધી પહોંચ્યું છે અને એ છેલ્લા ૨૭ મહિનામાં સૌથી ઊંચું છે. ૨૦૧૮માં એક કરોડ નવ લાખ લોકોએ જૉબ ગુમાવી છે. ૨૦૧૭માં ૪૦ કરોડ ૭૮ લાખ રોજગારી હતી જે ઘટીને ૩૯ કરોડ ૬૯ લાખ થઈ ગઈ છે. બે કરોડ જૉબ પેદા થવાની વાત બાજુએ રહી એક કરોડ જૉબ ઓછી થઈ છે. નરેન્દ્ર મોદીએ તો ૨૦૧૪માં દર વરસે બે કરોડ નવી જૉબ પેદા કરવાનું વચન આપ્યું હતું. CMIEએ એક લાખ ૫૮ હજાર પરિવાર(હાઉસહોલ્ડ્સ)ના સભ્યોને મળીને સર્વે કર્યો હતો અને આ કોઈ મામૂલી સૅમ્પલ સાઇઝ ન કહેવાય. જેને ખાતરી કરવી હોય એ CMIEની વેબસાઇટ પર જઇને ખાતરી કરી શકે છે. વેબસાઇટ પર જશો તો નોટબંધીનાં અર્થતંત્ર પર થયેલાં માઠાં પરિણામોને લગતો અહેવાલ પણ જોવા મળશે.
તો વાતનો સાર એ કે ૨૦૧૮માં એક કરોડ નવ લાખ જૉબ ઘટી છે એટલે એટલા લોકો બેકાર થયા છે. બીજી બાજુ સરકાર મહાન ક્રાન્તિ કરી રહી છે જેને કારણે વરસે દહાડે ૨૧ હજાર આર્થિક રીતે નબળા સવર્ણોને નોકરી મળશે. એ પણ ભરતી કરાશે તો. વિદેશી ધન ભારત લાવીને દરેક ભારતીયના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિયા જમા કરાવવાના શાબ્દિક જુમલામાં અને ૧૦ ટકા અનામત આપવાના કાનૂની જુમલામાં કોઈ ફરક નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 જાન્યુઆરી 2019