બે કાવ્યો

‘નવ્યાદર્શ’
11-04-2018

- 1 -

તારો અને મારો સંબંધ 

તારો અને મારો સંબંધ
જાણે ઝાકળનું ધુમ્મસ
સૂરજનો પ્રકાશ આવતા જ વિલુપ્ત,
પણ,
સૂરજના કિરણને ઝીલતું, ઝૂલતું ઝાકળબિંદુ.
તારો અને મારો સંબંધ
એક સુંદર મેઘધનુષી સ્વપ્ન જેવો
બંદ આંખોની અંદર એક ભર્યો ભર્યો અહેસાસ
અને આંખ ખૂલે બધું જ જાણે વિલુપ્ત.
પણ,
એક ઉમ્મીદ, હૃદયનો ધબકાર અને ફરી સ્વપ્ન જોવાની તલપ.
તારો અને મારો સંબંધ
વાદળ પરની નાજુક સવારી,
ચંદ્રની શીતળતા, ઝરણાંની જેમ ખળખળ વહેવું
બે કિનારાઓનું એક ન થવું
પણ,
તું હોય છે ચંદ્ર માફક દૂર, પણ મારા હૃદયમાં.
તારા અને મારા સંબંધને શું નામ આપવું મારે ?
જ્યારે જ્યારે તારા અને મારા સંબંધને
નામ આપવાનો પ્રયાસ કર્યો છે
ત્યારે તારો અને મારો સંબંધ વિલુપ્ત
પણ
તારા અને મારા અનામ સંબંધને પણ કોઈ સંબંધ છે,
જેને કોઈ નામની જરૂર નથી
બસ તારું હોવું એટલે મારા હોઠો પરનું મુગ્ધ, નિખાલસ સ્મિત.

- 2 - 

પપ્પા આજે મૌન છે

પપ્પા ચોકલેટ લાવતા
એક મારી અને એક મારી મોટી બેન માટે
પપ્પા ચોકલેટ બતાવીને કહેતા –
‘પહેલાં તું લઇ લે.’
હું બધી જ લઇ લેતી.
પપ્પા કપડાં લાવતાં, સરસ સરસનાં
મારા માટે અને બહેન માટે
મને કહે –
‘તને જે પસંદ હોય તે તું લઇ લે.’
હું બંને લઇ લેતી.
પપ્પા પણ હસીને કહેતા –
‘મારી દીકરીને બધું જ બબ્બે જોઈએ.’
મારે ભાઈ પણ બે જ છે, હો.
આ તો બહુ પહેલાંની વાત થઈ
આજે પણ એ આદત ગઈ નથી, હો.
પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે.
આજે પપ્પાની જગ્યા પર મોટા ભાઈ કહે છે મને –
‘કાં તો પરિવાર રાખ નહિ તો પ્રેમ રાખ, કોઈ પણ એક.’
આજે હું કેમ કહું – ‘મારે તો બંને જોઈએ ?’
આજે પરિવારે મને જ વસ્તુ બનાવી દીધી છે
વસ્તુ માફક આજે હું પરિવાર પાસે રહી શકું અથવા પ્રેમ પાસે.
મારી કોઈ ઈચ્છાઓ, સ્વપ્નાંઓ, ખુશીઓનું કોઈ સ્થાન નથી.
પપ્પા આજે મૌન છે, કહેતા નથી કે –
‘આને તો બધું જ જોઈએ છે ?’
અને મારી આંખોમાં ખરતા તારાઓ અને તેની રાખ.

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry