‘ડૉ. મસિહી પાસેથી ઘણું શીખી શકાશે’

નલિની કિશોર ત્રિવેદી
15-11-2017

સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક, સંશોધક અને સંશોધન-માર્ગદર્શક ડૉ. ઍડવિન મસીહીનું તા. ૬-૬-૨૦૧૭ના રોજ ૮૪ વર્ષે ટૂંકી માંદગી  બાદ અચાનક દેહાવસાન થયું છે. તેઓના પિતા અને સસરા બંને પાદરી હતા. તેઓએ સામાજિક વિજ્ઞાનમાં સર્વોચ્ચ ડિગ્રી મેળવી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવી કુટુંબમાં જુદો ચીલો પાડ્યો હતો. તેઓએ ‘Trade Union Leadership in India’ પર મહાનિબંધ લખીને ડૉ. તારાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને બી.એ. અને એમ.એ.ની ડિગ્રી બરોડાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી મેળવી હતી.

સાડા ત્રણ દાયકા સુધી જૂનાગઢ, બરોડા, નવસારી અને ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન-અધ્યાપન અને સંશોધન કર્યું. આ ગાળા દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રકક્ષાનાં સંશોધનો કરતાં રહેલા. ૧૯૮૨થી તેઓને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા મળી હતી. ડૉ. મસીહીસાહેબે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું પ્રમુખપદ પણ શોભાવ્યું છે અને અજાતશત્રુ એવા મસીહી સાહેબે આ પરિષદ અન્વયે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો પણ આપ્યાં છે.

તેમના સંશોધન-લેખો અને અન્ય લેખો Sociological Bulletin, અર્થાત્‌ સમાજકારણ, પર્યાય, વિશેષણ, વિદ્યા વગેરે જેવા વિષયના અને અન્ય સામયિકોમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં રહ્યા છે અને કેટલાંક રિવ્યૂઝ તેમ જ અનુવાદો પણ પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જુદાં-જુદાં સામયિકોમાં સાંપ્રતપ્રવાહોને અનુલક્ષીને તેઓનાં લેખો અને મંતવ્યો પણ છપાતાં રહ્યાં છે. તેઓનો પીએચ.ડી.નો વિષય ઔદ્યોગિક સમાજશાસ્ત્ર પર આધારિત હતો અને દિલ્હીના અજન્તા બુક ઇન્ટરનેશનલે એ વિષય પરનું તેમનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, પરંતુ ખરેખર તો તેઓ સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગો પર પદ્ધતિસરના અભ્યાસમાં સવિશેષ રસ ધરાવતા હતા, પછી એ મજૂર હોય કે મહિલા, દલિત હોય કે દારૂનાં ભોગ બનનારા હોય.

૧૯૯૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા, પરંતુ વાસ્તવમાં તેઓ જીવનના અંતિમ અઠવાડિયા સુધી સતત કાર્યરત રહ્યાં હતા. નિવૃત્તિ પછી તુરત જ Institute of Social Research and Development (ISRD) નામની સંસ્થા શરૂ કરી. તેઓ સ્વભાવે શિક્ષક અને અદના સમાજશાસ્ત્રી હોવાની સાથે વિષય-વાચનમાં વિદ્યાર્થી જેવી તલપ ધરાવતા હોવાથી પોતાની સંસ્થા અન્વયે સંશોધક-માર્ગદર્શક બની રહ્યા. તેઓ પોતે તો સંશોધનો કરતાં રહ્યા, પરંતુ એ ઉપરાંત સંશોધન-વાંચ્છુઓ, વિદ્યાર્થીઓ અને નવ્ય અધ્યાપકોને એ બાબતે માર્ગદર્શન પણ આપતાં રહ્યા છે. તેઓની ખૂબી એ હતી કે તેઓ પોતાની પાસે આવતા યુવા-સંશોધકો કે વિદ્યાર્થીની કક્ષા મુજબ તેને માર્ગદર્શન કે પ્રોત્સાહન અને જરૂર પડ્યે પૂરતો સમય પણ આપતા, ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઝના પીએચ.ડી. કે એમ.ફિલ.ના કેટલાક વિદ્યાર્થીઓ પણ સંશોધન માટે માર્ગદર્શન લેવા તેઓ પાસે આવતા. મહત્ત્વનું એ હતું કે કેટલાક નિયુક્ત માર્ગદર્શક-પ્રોફેસરો પણ ‘ડૉ. મસીહી પાસેથી ઘણું શીખી શકાશે’ એવું કહીને તેઓ પ્રત્યે આદર વ્યક્ત કરતા અને ડૉ. મસીહી પાસે આવતા પોતાના વિદ્યાર્થી માટે કંઈક અંશે નિશ્ચિંત પણ રહેતા, કેમ કે ડૉ. મસીહી વિદ્યાર્થીની આળસ કે બેદરકારી ચલાવી ન લેતા. કાર્યમાં ગુણવત્તાનો આગ્રહ રાખતા, આથી તેમની પાસે માર્ગદર્શન લેવા જનારે પોતાના પ્રશ્નની સ્પષ્ટતા અને કઠોર પરિશ્રમ કરવાની પૂર્વતૈયારી રાખવી પડતી. સાંપ્રતસમયમાં યુવા સંશોધકો કે વિદ્યાર્થીના પુરુષાર્થના સંસ્કારો સિંચનારા અધ્યાપકો કે સંશોધન-માર્ગદર્શકો સમાજમાં પ્રમાણમાં ઓછા જોવા મળે છે, તેવા સંજોગોમાં મસીહીસાહેબની અનંતયાત્રાથી સાંપ્રત સમાજને મોટી ખોટ પડી છે, તેવું હું માનું છું.

તેઓ વ્યક્તિગત રીતે તેમ જ પોતાની સંશોધન-સંસ્થા ISDR અન્વયે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આ સંસ્થાઓને તેઓ સંશોધન-કાર્યમાં અહેવાલ-લેખનમાં કે અનુવાદ કરી આપવામાં મદદ કરતાં રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાનાં કેટલાંક સંશોધનો તેઓએ સ્વતંત્ર રીતે તો કેટલાક જે તે સંસ્થાની સંશોધન ટીમ સાથે જોડાઈને કર્યાં છે. ક્યારેક તેઓએ સંસ્થાના નિયુક્ત સંશોધકને માર્ગદર્શન પૂરું પાડીને પણ મદદ કરી છે. આ રીતે તેઓએ સમાજ શાસ્ત્રના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના પ્રખર અભ્યાસુ ઉપરાંત એક ‘કર્મશીલ સંશોધક’ તરીકેની ઓળખ પણ મેળવી છે.

તેઓ હંમેશાં પડદા પાછળ રહીને કામ કરતાં રહ્યા છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લેવાની કે લોકો વચ્ચે છવાઈ જવાની એષણા તેઓનામાં ક્યારે ય જોવા મળી નથી. કપરાં સાંપ્રતસમયમાં પણ તેઓએ પોતાનું આંતરિક સત્ત્વ જાળવી રાખ્યું. ‘Simple Living and high thinking’ને ચરિતાર્થ કર્યું, બાકી અંગ્રેજી ભાષા પરની પકડ અને સામાજિક સંશોધન અંગેની ઊંડી સમજણ ધરાવતા હોવાથી તેઓએ ધાર્યું હોત, તો ઘણી કમાણી કરી શક્યા હોત, પણ વધારે કમાણી કરી લેવાની પળોજણમાં પડ્યા વગર પોતાની સંસ્થાના બૅનર હેઠળ, પોતે નક્કી કરેલાં સિદ્ધાંતો અને મૂલ્યોમાં બાંધછોડ કર્યા વગર સામાજિક સંશોધનનાં કાર્યો કરતાં-કરાવતાં રહ્યા. જીવનના અંતિમ કાળ સુધી તેઓ પ્રખર-પ્રામાણિક પરિશ્રમ સાથે કાર્યરત રહ્યા અને સંશોધકો, અધ્યાપકો કે વિદ્યાર્થીઓને મદદ કરતા રહ્યા. તેમની છેલ્લી માંદગી સમયે પણ તેમના વિદ્યાર્થીઓ જ સતત તેમની સાથે રહ્યા હતા.

તેઓની કુટુંબ-વત્સલતા પણ અનેરી હતી. તેઓની વિદાયથી તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ પર વજ્રાઘાત થયો છે. ઈશ્વર તેઓને આવી પડેલી આપત્તિ સહન કરવાની અને તેમાંથી બહાર આવવાની શક્તિ આપે એ પ્રાર્થના છે.

સાદગી, સાલસતા, સ્વાશ્રય, સમયપાલન અને સમયદાન એ તેમના જીવનમંત્રો હતા. સાંપ્રતસમયનો અધ્યાપક ખાસ કરીને સમાજશાસ્ત્રનો અધ્યાપક મંત્રોને વધતે-ઓછે અંશે પણ અપનાવશે, તો તેઓની આપેલી સાચી શ્રદ્ધાંજલિ બની રહેશે.

પૂર્વ અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 07

Category :- Samantar Gujarat / Samantar