લખન મુસાફિરની ધરપકડ અંગે ખેડૂત સમાજ

સંજય શ્રીપાદ ભાવે
20-06-2017

લખન મુસાફિર આપણને મળતાં મળે એવા હાડોહાડ કર્મશીલ છે. મૂળે તળપદા જ્ઞાન અને વૈકલ્પિક જીવનશૈલીના માણસ છે. તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના ગોરા પહાડોનાં ચાળીસેક ગામોમાં લોકસંપર્ક, જાગૃતિ અને સેવાનાં કામ કરતા હોય છે. તેઓ કંઈ કેટલી ય ચળવળો સાથે પૂરી ઊર્જા અને અભ્યાસ સાથે અણદીઠ રહીને જોડાયેલા રહ્યા છે. મીઠી વીરડી અણુવિદ્યુતમથકની યોજના સામેનું તાજેતરમાં સફળ થયેલું આંદોલન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને ગરુડેશ્વર વિઅરને કારણે થનારા વિસ્થાપનનો વિરોધ,ખેડૂતોના પ્રશ્નો માટે ધરણાં, યુવાનો માટેની શિબિર, જળ-જંગલ-જમીનને લગતાં આંદોલનો એમ આગળ વધીએ, તો  લખનભાઈની વિરલ સામેલગીરીની યાદી લાંબી થાય. તાજેતરમાં લખનભાઈની ગુજરાત પોલીસે ગેરકાયદે ધરપકડ કરી હતી. તે અંગે ગુજરાત ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને નવમી જૂને લખેલો પત્ર અહીં ગુજરાતીમાં મૂક્યો છે.

‘ગુજરાતનું રાજ્યતંત્ર લોકોના અને ખુદ લોકશાહીના અવાજને રૂંધવા માટે પોલીસતાકાતનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે. આ બાબત અમે આ પત્રમાં સહી કરનાર સહુ બહુ આક્રોશ અને વેદના સાથે આપના ધ્યાન પર લાવવા મજબૂર બન્યા છીએ. સરકારના આ વલણનો સહુથી તાજેતરનો દાખલો અમારા સાથી લખન મુસાફિરનો છે. ગયા કેટલાક દાયકાથી લોકસંઘર્ષના ભાગીદાર રહેલા લખનભાઈ પર ગુજરાત પોલીસ ત્રાસ ગુજારી રહી છે. ખરેખર તો લખનભાઈ ઓછામાં ઓછાં પાંચ વર્ષથી આ ત્રાસ વેઠી રહ્યા છે. એ જે વિસ્તારમાં રહીને લોકો વચ્ચે કામ કરે છે, ત્યાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો પણ લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’નો ભોગ બનવું પડે છે અને આવું વારંવાર બને છે.

“પોલીસ દ્વારા લખનભાઈની કનડગતનો બિલકુલ હમણાંનો બનાવ છઠ્ઠી જૂને બન્યો. રાત્રે નવેક વાગ્યે લખનભાઈ તેમના મિત્રના ઘરે જમી રહ્યા હતા. તે વખતે પોલીસવાળાએ આવીને ‘અધિકારીને તમારી સાથે વાત કરવી છે’, એમ કહીને લખનભાઈને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં આવવા જણાવ્યું. લખનભાઈ પોલીસ સાથે રાજપીપળાના જીતનગર પોલીસ  સ્ટેશને ગયા. ત્યાં બીજી છ વ્યક્તિઓ પણ હતી. બીજે દિવસે એટલે કે સાતમી જૂને સવારે દસેક વાગ્યે એ બધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, પણ તેમને મૅજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં ન આવ્યા (અટકાયત પછી ચોવીસ કલાકમાં આમ કરવું કાનૂની રીતે ફરજિયાત છે). આઠમી જૂને બપોરે સાડા બારે તેમને રાજપીપળા સબ-જેલમાં લઈ જવામાં આવ્યા. પોલીસે ખુદના બચાવ માટે ખોટો ઍરેસ્ટ-મેમો બનાવ્યો હતો કે જેમાં અટકાયત/ધરપકડની તારીખ છઠ્ઠીને બદલે સાતમી લખી હતી. આજ તારીખ સુધીમાં લખનભાઈ રાજપીપળા સબ-જેલમાં છે. એમને આવતી કાલની દસમી જૂને, એટલે કે અટકાયતના ચોથા દિવસે ન્યાયાધીશની સામે હાજર કરવામાં આવશે. અત્યારે તે પોલીસની ગેરકાનૂની અને બિનસત્તાવાર હિરાસતમાં છે.

“ગુજરાત પોલીસે આ સંપૂર્ણ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગુનાઇત કૃત્ય ખુલ્લેઆમ કર્યું છે. ગુજરાત પોલીસ તેમના રાજકીય આકાઓના મૌખિક હુકમોને પાળવા માટે કેટલી નીચી પાયરીએ જઈ શકે છે, તેનો નજીકના ભૂતકાળનો દાખલો બનાવટી ઍન્કાઉન્ટર્સના છે. અમે લોકશાહીની આ ગેરકાનૂની, ગુનાઇત અને બેધડક હત્યાની સામે અત્યંત કડક શબ્દોમાં વિરોધ નોંધાવી રહ્યા છીએ.

‘અમે એ પણ ધ્યાનમાં લાવવા માગીએ છીએ કે આ એક છૂટોછવાયો બનાવ નથી અને આ રીતે ત્રાસ વેઠનારામાં લખનભાઈ એકલા નથી. સાણંદ પોલીસે એક ગામના સ્થાનિક ખેડૂતોની સભા એટલા માટે અટકાવી કે આયોજકોએ મંજૂરી લીધી ન હતી. પોલીસ મંજૂરીનો ઇન્કાર કરે એ તો રાબેતો જ બની ગયો છે. અનેક દાખલા આપી શકાય. હમણાં આઠમી જૂને અડસઠ ગામોના ‘ઔડા’માં સમાવેશના પ્રસ્તાવ સામે યોજવામાં આવેલી ખેડૂતોની વાહનયાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. માર્ચ ૨૦૧૫માં દક્ષિણ ગુજરાતમાં ખેડૂત ચેતનાયાત્રાને મંજૂરી મળી ન હતી. ધોલેરા સ્પેિશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન(ડીસર)માં ખેડૂતોની પદયાત્રાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ફીવધારાનો વિરોધ કરનારા વાલીઓની સભાને મંજૂરી મળતી નથી. બૅન્ક-કર્મચારીઓનાં સંગઠનો અને ટાટા મોટર્સના કર્મચારીઓને રેલી/દેખાવો માટે મંજૂરી મળી ન હતી. દલિત કાર્યકરોને અને પોતાની માગણીઓ જાહેર કરવા માટે આશા વર્કર્સ તેમ જ બાંધ્યા પગારદાર કર્મચારીઓના દેખાવો માટે મંજૂરી મળતી નથી. ૧૪૪મી કલમ હંમેશાં લાગુ હોય છે. લોકલ ઇન્ફર્મેશન બ્યૂરો અને ઇન્ટેિલજન્સ બ્યૂરો દ્વારા પૂછપરછ અને ફોનટેપિંગે માઝા મૂકી છે. કર્મશીલોની અટકાયતો જાણે ક્રમ બની ગયો છે. લખન મુસાફિર, સાગર રબારી, જયેશ પટેલ, જિજ્ઞેશ પટેલ, રોમેલ સુતરિયા અને અન્ય કર્મશીલોની અટકાયતો થતી રહી છે. ગુજરાત કલહ કે સંઘર્ષથી મુક્ત રાજ્ય છે, એમ કહેવું એ જુઠાણું છે. ગુજરાતમાં પોલીસરાજ છે અને સંઘર્ષને કેવળ કઠોર બળપ્રયોગથી કચડી નાખવામાં આવે છે.”

૧૧ જૂન, ૨૦૧૭

Email : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 05

Category :- Samantar Gujarat / Samantar