શબ્દો તો મીટિંગ પ્લેસ છે

મધુ રાય
29-03-2017

અમદાવાદથી કચ્છના મોટર રસ્તે તપાસ ચોકી પાસે પોલીસ હાથ ઊંચો કરીને કવિની ગાડી રોકે છે. પોલીસ સામાન તપાસી સીટે વળગાડેલું થર્મોસ ખોલે છે: આ સૂં છે સાયેબ? કવિ કહે છે, અલ્યા મારે પરમિટ છે! /બતાવો સાયેબ./ રિન્યુ કરવા મોકલી છે./ એ ના ચાલે, સાયેબ. પોલીસ ચોકીએ ચાલો./ ચિનુ મને ધક્કો મારીને કહે છે, ચલ, જઈએ પોલીસ ચોકી! ત્યાં ઇન્સપેક્ટર સાયેબ આવે છે, સાયેબ, હવે સમજીને પતાવટ કરો ને! ચિનુ થર્મોસ ઢોળવાનો દેખાવ કરે છે, પોલીસ સફાળો થર્મોસ પકડીને મુદ્દામાલ બચાવવામાં સફળ થાય છે./તમારું નામ લખાવસો, સાયેબ?/ ચિનુ મોદી! નામ સાંભર્યું છે?/ ના ભઈ, પોલીસ અફસર ખાખી રંગના હોઠથી ખીખી મશ્કરી કરે છે, ઓલા ગઝલું લખે છે ઈ ચિનુ મોદી તો તમે નઈં ને? / હા ઈ ઈ ઈ, ચિનુ પોતાનો ચત્તો પંજો પોલીસની સામે ઘોંચીને કહે છે, ઈ ઈ ઈ. /જાવ જાવ સાયેબ, હવે, કોને ઊંઠાં ભણાવો છો– ચિનુ તેને અટકાવીને કચ્છના પ્રોગ્રામનું બ્રોશર બતાવે છે, અલ્યા વાંચતાં આવડે છે?

ઇન્સપેક્ટર ટટ્ટાર થઈને બ્રોશર હાથમાં લે છે, ચિનુનો ફોટો નથી, પણ પરિચય, સરનામું, ને ફોન નંબર છે. ઇન્સપેક્ટર નંબર જોડે છે, ચિનુના ખિસ્સામાં તેનો મોબાઇલ વાગે છે, હલો? / હલો, ઇન્સપેક્ટર ભોંઠો પડીને સલામ ભરે છે, સોરી સાયેબ. ને થર્મોસ અંકે થાય છે. લ્યો સાયેબ, આવજો સાયેબ, ઇન્સપેક્ટર ઘેલો ઘેલો થઈને જણાવે છે, ગંજીપાની રાણી આલાગ્રાન્ડ છે, હો મોદી સાયેબ! અને ગાડી ફરી હુંકાર ભરીને વછૂટે છે કચ્છડા ભણી.

ચિનુ ટોટલ ગુજરાતનો, ગુજરાતની પુલીસનો અને ઓવરસીઝ ગુજરાતીઓનો, સૌનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ હતો. ગુજરાતના દરેક સર્કિટ હાઉસમાં તેને સર્વદા આવકાર હતો. નવા ગઝલખોરોનો તે આરાધ્ય હતો. ગુજરાતનાં નાનામાં નાનાં કેન્દ્રોમાં તેનાં પીણીનાં ‘થાણા’ હતાં ને ગુજરાતની મોટામાં મોટી સંસ્થાઓમાં તેની ચાંચનાં નિશાન હતાં. અઠવાડિયાના સાતે દિવસ તેને સાત કાવ્યપ્રેમી પરિવારોમાં દ્રાવણસેવનનું નિમંત્રણ હતું અને હું જ્યારે જ્યારે અમદાવાદ હાજર હોઉં ત્યારે ચિનુ ફીંગડી પકડીને મને તે તે પરિવારો પાસે લઈ જતો. જેમનાં સંતાનો પણ ચિનુકાકાને બેસ્ટ ફ્રેન્ડ માનતાં.

મારા નિજના ઘરમાં પણ સુવર્ણા સાથે અને સુવર્ણાની બહેનો સાથે ચિનુકુમારનો નાતો હતો જે અમારા લગ્નવિચ્છેદ પછી વિકસેલો અને સુવર્ણાના ખબર મને ચિનુ દ્વારા જાણવા મળતા. મારા ભાઈ અરુણને ચિનુભાઈ સાથે મારા કરતાં વધુ ફાવતું. ઠાકોરભાઈ પટેલની ઓળખાણ તો મારા નિમિત્તે ચિનુને થયેલી પણ તે પછી ચિનુ તેમના ઘરનું રાચરચીલું બની ગયેલો. તે જ રીતે દિલીપ, સુચીબહેન, અને મારાં બીજાં મિત્રો ધરાર ચિનુનાં સગલાં બની ગયેલાં.

મારી ગુજરાતની મુલાકાતો દરમિયાન વરસોવરસ ચિનુ ઠેર ઠેર મારાં વ્યાખ્યાન ગોઠવતો. એ ક્રમે તે એક વાર તે મને અસ્મિતાપર્વમાં લઈ ગયેલો. બીજી વાર રાજકોટની એક કોલેજમાં તેને આવેલું ચાર દિવસની નાટ્ય વર્કશોપ ચલાવવાનું આમંત્રણ તેણે મારી તરફ સેરવેલું જે અનુભવ મારા માટે ભારે સંતર્પક હતો. ચિનુને ફરિયાદ હતી, સાલા, તું બે મિનિટ બોલીને તું બેસી જાય છે! પણ આવા પ્રોગ્રામો ગોઠવી ગોઠવીને તેણે મને ‘બોલતો’ કરી દીધેલો.

ચિનુની, આદિલની, મનોજ, મનહર અને અમારી વયના તે સમયના અન્ય શાયરો રમેશ, અનિલની ગઝલો મને ભમરાની સૂંઢ ઉપર ચોંટેલા મધ જેવી તાજી લાગતી. તે પછીથી ગઝલના નામે જે હુલ્લડ ચાલ્યું અને જરી જામા સાથે ગઝલના વિત્ત–નિરપેક્ષ પરસ્પરને વાહવાહ કહીને ચગાવવાનો જે ચાગલો રિશ્તો શિરસ્તો લાગુ થયો તે માટે હું ગઝલઉદ્યોગને ફ્રોડ કહેતો થયો. ચિનુ મને તેનો પેટેન્ટ ચત્તો પંજો ભોંકીને કહેતો, સાલા સૌથી વધુ વાહ તો તારી આવે છે. પણ જાહેરમાં તે મને ‘ગઝલશત્રુ’ કહેતો. હું તેને ‘અમદાવાદનું ઘરેણું’ કહેતો.

મુંબઈના પાર્લામાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં હું પહેલી વાર મારી ઉમરના વીસની આસપાસના રે મઠના કવિઓના કાફલા ઉપરાંત સિતાંશુ, મણિલાલ દેસાઈને મળ્યો. એ અડ્ડામાં હું એકલો વાર્તાકાર હતો છતાં આદિલ, ચિનુ, સિતાંશુ અને મણિલાલ એ ચારેય સાથે તત્કાળ જડબાતોડ યારી બંધાઈ ગઈ જે આજીવન ચાલી છે. ચિનુ જલસાનો માણસ હતો. આજીવન ભરપેટ તેણે સુંદરી, સુરા, માંસ અને મસ્તી ભોગવ્યાં. લાભશંકરનો ગોઠિયો હોવા છતાં તે તેના લોખંડી પ્રભુત્વના પરિઘમાં નહોતો. બેધડક કહેતો કે લાભશંકર કરતાં સિતાંશુની કવિતા ‘સ્ટ્રીટ્સ અહેડ’ છે.

વારે તહેવારે છેક અમેરિકા ફોન કરીને મારા ખબર પૂછતો, હું પૂછતો, નાટક લખ્યું? ને સાલા નાટક તો તારા વાદે હું લખું છું, મારો સાચો પ્રેમ છે કવિતા, કહીને તરત ફોન મૂકી દેતો. ચિનુ અમેરિકાના બીજા મિત્રો રોહિત, આરપી, આદિલ વગેરે સાથે સંપર્ક જાળવી રાખતો. અમારી ઉંમરનાં, અમારાથી મોટી વયનાં, ને અમારા પછીના નવયુવાન સાહિત્યકારોને અને પોલીસોને સમાનભાવે ચિનુ પોતાનો લાગતો. એક ઉગ્ર ચર્ચા બાદ ચિનુએ યુવાન વાર્તાકારોને શીખ આપેલી કે કોઈ વાર્તાનો એક જ અર્થ નથી હોતો. શબ્દો તો મીટિંગ પ્લેસ છે, શબ્દો પછી શરૂ થાય છે વાચકે વાચકે સાચી વાર્તા.

મણિલાલની જેમ તે મસ્તીખોર નહોતો, આદિલ જેવો અટકચાળો નહોતો. સિતાંશુ જેવો અલિપ્ત નહોતો. મારા જેવો અતડો પણ નહોતો. સ્થિરતા ચિનુનો સ્થાયીભાવ હતો. તે જાતે ટીખળ કદી ન કરતો પણ બીજાની રમૂજ તત્કાળ ઓળખી શકતો. અન્ય મિત્રો સાથે મારે સંબંધોમાં ચડઊતર થતી પણ ચિનુની મૈત્રી રેવાલ રહેલી. ચિનુની મિત્ર તરીકેની આભા પાસે તેની કવિ તરીકેની પ્રતિભા ઝાંખી પડે છે. મણિલાલ, રાવજી, બક્ષી, મનહર, મનોજ, ભૂપેન, અશ્વિનીભાઈ, મૃત્યુ આપણી સૌની નિયતિ છે, ભગવાનના ઘર પાસે કોઈનું ચાલતું નથી અને ચિનુદાદા લીલી વાડી મૂકીને ગયા છે,

તેના સ્મરણમાં ભીની ભીની વાતો કહેવાનો અર્થ નથી. સિવાય કે ચિનુને ચત્તો પંજો ભોંકીને કઈંક કહેવું છે, કહેવું છે––પણ ગળેથી ‘શબ્દો’ નીકળતા નથી.

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 29 માર્ચ 2017

Category :- Profile