આપણી જાત સિવાય કોઈને માટે નથી આ શબ્દ!

રજનીકુમાર પંડ્યા
22-02-2017

૧-૨-’૧૭ના ‘નિરીક્ષક’ના અંકમાં [તેમ જ 20 જાન્યુઆરી 2017ના “ઓપિનિયન” વેબસાઇટ પરે, http://opinionmagazine.co.uk/subcategory/31/ami-ek-jajabar] મિત્ર વિપુલ કલ્યાણીના સુંદર લેખમાં ગુજરાત સાહિત્ય પરિષદની એક નોંધ લેખે ભોગીલાલ ગાંધીને ‘સત્યાગ્રહોમાં એક અદના સૈનિક’ તરીકે ઓળખાવ્યા છે. વાસ્તવમાં એ ભૂલ વિપુલભાઈની નહીં, ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈ સંદર્ભ માંહે એ નોંધ કરનારની છે.

‘અદના’ એટલે મામૂલી અથવા રાંક. ભોગીલાલ ગાંધી તો શું પણ કોઈ પણ વ્યક્તિ માટે આપણાથી એ વિશેષણ ના વાપરી શકાય. નમ્રતા બતાવવા ખાતર આપણે આપણી જાતને માટે એ શબ્દપ્રયોગ કરી શકીએ એ એક વ્યાવહારિક ઔપચારિકતા છે, પણ બીજી વ્યક્તિ માટે તો હરગિજ નહીં. (સિવાય કે કોઈ ચોક્કસ હેતુપૂર્વકની આવશ્યકતા હોય.)

આપણે ત્યાં આ વિશેષણનો પ્રયોગ કેટલા ય જાણીતા લેખકો દ્વારા ‘દર્શક’થી માંડીને રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભાવો માટે થતો મેં જોયો છે. સંભવ છે કે એ લોકોના મનમાં અદના એટલે અદકા (અધિક) જેવો ભાવ હોય, જે સાચું નથી.

ભવિષ્યમાં આપણે સૌ આના પરત્વે સભાન રહીએ એટલા વાસ્તે જ આટલી નુક્તેચીની !

E-mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10

Category :- Opinion / User Feedback