
રાજ ગોસ્વામી
ચિત્તચોર, સાવન કો આને દો અને ઘરોંદા જેવી ફિલ્મોથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝરીના વહાબને એક વાતનું શ્રેય આપવું પડે; તે તેના કાછડી છૂટા પતિ આદિત્ય પંચોલી સાથેનાં ખરાબે ચડેલાં લગ્ન ની વાત કરતાં શરમાતી નથી.
ભારતીય સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાનાં લગ્ન કે પતિ અંગેની અપ્રિય વાતોનો જાહેરમાં એકરાર કરતી નથી. તેનાં બે કારણો છે : એક તો ઘરની ઈજ્જતનો સઘળો ભાર સ્ત્રીના માથે હોય છે, એટલે તે સહન કરે છે પણ હરફ ઉચ્ચારતી નથી. બીજું કારણ એ છે કે સ્ત્રીઓની વ્યક્તિગત ઓળખ અને માન-સન્માન લગ્ન અને પતિ સાથે જોયેલું હોય છે. એટલે તેમાં કોઈ ખરાબી હોય તો સ્ત્રી તેને પોતાની અંગત નિષ્ફળતા માને છે.
ફિલ્મો જેવા ગ્લેમરસ અને લોકપ્રિય વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓ માટે તો આ વધુ મુશ્કેલ છે કારણ કે સામાન્ય સ્ત્રી વિશે તો કદાચ ગલી-મહોલ્લા કે તેના સમાજના લોકો કાનાફૂસી કરશે, પણ બોલીવુડની પત્નીઓ અને પતિઓ તો આખા દેશની નજરમાં હોય છે અને તેમનું ‘પાપ’ છાપરે (અને છાપે) ચઢીને બોલે છે.
બોલીવુડમાં તો આમ પણ એવો શિરસ્તો છે કે હસતા મોઢે ઘરના કંકાસ છુપાવી રાખવાના. બોલીવુડમાં વ્યભિચાર તો ઘર-ઘરનો વિષય છે, પણ તેનો ઇનકાર કરતા રહેવાનું પણ એટલું જ જબરદસ્ત ચલણ છે. અહીં, ઘરનો અને (ઘર બહારનો) કચરો કાર્પેટ નીચે સંતાડી રાખવો અપવાદ નહીં, નિયમ છે.
આવી દંભી અને બે મોઢાવાળી દુનિયામાં, ઝરીના વહાબ જેવી સ્ત્રીઓ જ્યારે બેબાક રીતે તેના પતિનાં કરતૂતોનો એકરાર કરે એટલું જ નહીં, તેને ચલાવી લેવાનાં પોતાનાં કારણો આપે ત્યારે, તેના સાહસ અને આત્મવિશ્વાસને સલામ કરવી પડે.
ઝરીનાની નિર્ણયકતા તો ત્યારે જ નજર આવી ગઈ હતી જ્યારે તેણે તેનાથી પાંચ વર્ષ નાના આદિત્ય પંચોલીને, એક ફિલ્મ સેટ્સ પર મળ્યાના 15 દિવસમાં જ જીવનસાથી તરીકે સ્વીકારવાનો ફેંસલો લઇ લીધો હતો. તે જ ઝરીનાએ હવે લગ્નનાં 38 વર્ષ પછી તેના પતિના અનેક વ્યભિચારનો એકરાર કર્યો છે એટલું જ નહીં, તે તેનાથી વિચલિત પણ નથી.
તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, ‘અમે મળ્યાના 15-20 દિવસમાં લગ્ન કરી લીધાં હતાં. તે બહુ દેખાવડો હતો. એક ફિલ્મ સીનમાં તેને રડવાનું હતું. તેણે રડવાનું શરૂ કર્યું પછી અટક્યો જ નહીં. મેં કારમાં તેનો હાથ પકડીને કહ્યું હતું – ‘રડીશ નહીં.’ તે વખતે તેણે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો હતો. 15 દિવસમાં તો અમારાં લગ્ન થઇ ગયાં. ત્યારે લોકોએ કહ્યું હતું કે આ એટલો દેખાવડો છે કે એક અઠવાડિયામાં તને છોડી દેશે. પણ જુઓ, 38 વર્ષ થઇ ગયાં.’
લગ્ન પછી આદિત્યના બીજી અભિનેત્રીઓ સાથેના સંબંધો છાપે ચડ્યા હતા, પણ ઝરીનાને ફર્ક પડ્યો નહોતો અને ઉપરથી તે એના માટે તૈયાર હતી. તેણે કહ્યું હતું, ‘લોકોને એવું લાગે છે કે હું બહુ સ્ટ્રેસમાં છું. તેમને લાગતું હશે કે હું રોદણાં રડતી હોઈશ, પણ પરણિત પુરુષને આરોપી બનાવવો અને તેની સાથે સંબંધમાં હોય તે છોકરીને કશું ન કહેવું તે બરાબર નથી. પણ આવું થતું રહે. હું તેને ગંભીરતાથી લેતી નથી. મને ખબર છે કે તે મને પ્રેમ કરે છે અને કોઈની સાથે સંબંધમાં ગંભીર નહીં થાય.’
‘એ ઘર બહાર શું કરે છે તેની મને કોઈ પડી નથી,’ એવું કહેતાં ઝરીના ઉમેરે છે કે, ‘એ ઘરમાં આવ્યા પછી બહુ સરસ પિતા અને પતિ તરીકે વર્તે છે. મારા માટે એટલું જ મહત્ત્વનું છે. એ તેના અફેરને ઘરમાં લાવતો હોત તો મને ખરાબ લાગ્યું હોત. ઘણા પુરુષો અફેરની સાથે પરિવારને પણ ચલાવે છે. હું જો આવી બાબતોને મન પર લઈને ઝઘડા કરું તો મારે જ સહન કરવાનું આવે. મારે દુઃખી નથી થવું, હું મારી જાતને પ્રેમ કરું છું.’
ઝરીના જેવું વિચારવું અને વર્તવું સામાન્ય સ્ત્રીઓ માટે અઘરું છે. કદાચ એક સ્ત્રી તરીકે ઝરીના માટે પણ તેના પતિનાં કારનામાં ચલાવી લેવાનું સરળ તો નહીં જ હોય, અને તેણે આટલાં બધાં વર્ષો સાથે રહ્યા પછી ‘નિસ્પૃહ’ રહેવાનું શીખી લીધું હશે.
ઘણી સ્ત્રીઓ સામાજિક સ્ટેટ્સ, લાઈફ સ્ટાઈલ અને બાળકોની સલામતી માટે પંચોલી જેવા પતિઓને સહન કરી લેતી હોય છે. લગ્નનો એક સમયગાળો થઇ જાય પછી તેને તોડવાનો વિકલ્પ ઉચિત નથી લાગતો. એવું શક્ય છે કે ઝરીના અને પંચોલી વચ્ચે એવી સમજૂતી થઇ હોય કે તે તેના સંબંધોથી લગ્ન કે પરિવારને પ્રભાવિત થવા નહીં દે અને તેને ઘરની બહાર જ રાખશે.
13 વર્ષ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં ઝરીનાએ પતિના ઉગ્ર સ્વભાવ અંગે કહ્યું હતું, ‘હું તેનો દોષ નથી કાઢતી. મને લાગે છે કે તે ઉંમરનું કારણ છે. તમે યુવાન અને લોકપ્રિય હોવ તો બગડી જવાની સંભાવના હોય છે. આદિત્ય આખાબોલો છે, જે આ ફિલ્મી જગતમાં ડખા ઊભા કરે છે. મારી દીકરી પણ એવી જ છે!’
કેવી રીતે સાથે રહેવું એ તો અંતત: પતિ-પત્ની વચ્ચેનો મામલો છે, એમાં બીજા લોકો કે સમાજ કશું કરી ન શકે. પણ એ ઝરીનાની તાકાત જ કહેવાય કે તેણે તડતડિયા અને લફરાંબાજ પંચોલીને વર્ષો પહેલાં જ ઓળખી લીધો હતો અને ‘સાચવી’ લીધો હતો. એટલું જ નહીં, તેણે બિચારી સ્ત્રી બનીને રહેવાનું પણ પસંદ નથી કર્યું. એટલા માટે જ તે બેબાક રીતે પોતાની વાત કરી શકે છે. ઝરીનાએ આદિત્ય સાથે કેવી રીતે પનારો પાડવો તેનો આગવો રસ્તો શોધી કાઢ્યો છે.
તે વખતે પણ ઝરીનાએ કહ્યું હતું કે આપણે સૌ જીવનમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, પણ આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. ‘મારું જીવન કાયમી ખુલ્લી કિતાબ જેવું છે. બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે. બીજા લોકો ઘરની બહાર સુખી હોવાનો ઢોંગ કરે છે પણ ઘરમાં જુદું જ હોય છે. મારું એવું નથી. આદિત્ય હંમેશાં મારી સાથે પ્રમાણિક રહ્યો છે. તે મારી પાસે પહેલાં એકરાર કરે છે. મેં એને ક્યારે ય સવાલ નથી કર્યો.’
અને ઝરીના તેની ક્યારે ય ઊલટતપાસ લીધી નથી એટલે પતિ પર વધુ દબાવ રહે છે. ‘એવું જ કરવું જોઈએ,’ ઝરીનાએ કહ્યું હતું, ‘પુરુષની જ્યારે ભૂલ હોય, ત્યારે તેને દોષનો અહેસાસ થવો જોઈએ. હું ભૂતકાળમાં ચોંટી રહેતી નથી. એની કોઈ ડિમાન્ડ નથી હોતી. જે બનાવું તે હસતા મોઢે ખાઈ લે છે. મને કંટાળો આવે કે થાકી જાઉં મને ખુશ કરવા માટે બધું કરી છૂટે છે.”
ઝરીના એક મજબૂત સ્ત્રીનું ઉદાહરણ છે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે. તેણે તેના લગ્નને એક ચાન્સ આપ્યો છે, એટલે જ તે 38 વર્ષ ટકી રહ્યાં છે. એવું નહોતું તેને અસર થઇ નહોતી, પરંતુ તેણે ધીરજ જાળવી રાખી હતી. કોઈ રસ્તો બચ્યો ન હોત તો હું જરૂર તેને છોડી ગઈ હોત તેમ તે કહે છે.
એક બાબતમાં ઝરીના સ્પષ્ટ છે કે તે મજબૂરીની મારી આદિત્યની સાથે નથી, પોતાની પસંદગીથી છે. તે કહે છે, ‘હું તેને પ્રેમ કરું છું એટલે તેની સાથે છું, નિર્ભરતાના કારણે નહીં. હું બહુ આઝાદ મિજાજી છું. મારે એકલા રહેવું હોય તો મારી પાસે પૂરતા પૈસા અને મારા નામે સંપત્તિ છે, પરંતુ હકીકત એ છે કે મને તેને છોડી દેવાનો વિચાર ક્યારે ય નથી આવ્યો. અમે આવી વાત ક્યારે ય કરતા નથી.’ બ્રેવો, ઝરીના!
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર