
રવીન્દ્ર પારેખ
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણતરની મોકળાશ ઘટતી આવે છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આતંકવાદથી બચાવવા બાર દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી તો ફરમાવી જ છે, પણ વિદેશી વિદ્યાર્થીઓ તરફ પણ સૂગ હોય તેમ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લે, એવું જાણવા મળ્યું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશબંધી પર ન્યાયાધીશે કામચલાઉ રોક લગાવી છે. લાગે છે એવું કે વિદેશી ટેલન્ટની હવે અમેરિકાને જરૂર રહી નથી. એમ પણ કહેવાય છે કે અમેરિકામાં હવે કારકિર્દી બનાવવા જેવું વાતાવરણ નથી. એ પણ છે કે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી 33 ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે. IITના ટોપ 100માંથી 60 વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. હવે તેમની પાંખો કપાય એમ બને. ખરેખર તો ભારતે વિદેશ જતા વિદ્યાર્થીઓ અહીં જ રોકાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, મગર વો દિન કહાં કે …
સવાલ તો એ છે કે અહીં જ એવી તકો હોત તો વિદ્યાર્થીઓ અમેરિકા-ઈંગ્લેન્ડ જતે જ શું કામ? એ પણ ખરું કે ઘણા દેખાદેખી વિદેશ દોડ્યા છે, પણ ઘણી ક્ષમતા છતાં, અહીં કૈં પામ્યા ન હોય એવા દાખલાઓ પણ છે જ ! 2020માં નવી શિક્ષણ નીતિ લાગુ તો કરી દેવાઈ, પણ સરકારને એવું હતું કે નવી શિક્ષણ નીતિનો અમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે શિક્ષકો વગર પણ શક્ય છે, એટલે એ દિશામાં ઝાઝું વિચારાયું જ નહીં. હજારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાકી જ છે, પણ શિક્ષણ વિભાગ એ તરફ ઉદાસીન છે. આ હાલત પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી છે.
પ્રાથમિકની વાત કરીએ તો સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એવી જાહેરાત કરી છે કે આ વખતે ઊઘડતી સ્કૂલે જ બાળકોને યુનિફોર્મ ને બૂટમોજાં આપી દેવાશે. આમ તો આ મામલે અત્યાર સુધી ઘણા અખાડા થતા આવ્યા છે, એવામાં આ જાહેરાત આવકાર્ય છે. એ પણ છે કે આજે 9 જૂનથી શરૂ થતાં નવાં સત્રમાં ગ્રાન્ટેડ તેમ જ કોર્પોરેશન સંચાલિત રાજ્યની સરકારી સ્કૂલોમાં ધોરણ 1 થી 12નાં 4.40 કરોડ પુસ્તકોનું વિતરણ થઈ ચૂક્યું છે. જો કે, ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને બજારમાં પુસ્તકો મેળવવામાં મુશ્કેલીઓ હોવાની વાત પણ છે જ ! પાઠ્યપુસ્તક મંડળનો દાવો છે કે 9 જૂન સુધીમાં બજારમાં પણ પુસ્તકો મળતાં થઈ જશે. ઘણી વાર સત્ર પૂરું થવા આવે ત્યાં સુધી પણ પુસ્તકો મળતાં નથી, એવામાં પુસ્તકો સત્રની શરૂઆતમાં જ મળવાની વાત આવકાર્ય છે. આવકાર્ય તો એ પણ છે કે જે વાલીઓ જરૂરતમંદ કે અસહાય છે, તેમને ઘેર બેઠાં પુસ્તકો ફ્રીમાં મળે એવી વ્યવસ્થા પણ પાઠ્યપુસ્તક મંડળે વિચારી છે.
આવું સરસ કામ પાઠ્યપુસ્તક મંડળે કર્યાનો હરખ થાય થાય, ત્યાં તો કાલે જ એવી વાત બહાર આવી કે પાઠ્યપુસ્તકોમાં હલકી કક્ષાનો કાગળ વાપરીને મંડળે 13 કરોડની કટકી કરી છે. મંડળના ડાયરેક્ટરનું કહેવું છે કે એજન્સીએ બીજો કાગળ વાપર્યો હોય એમ બને. પુસ્તકો છપાઈ ગયાં હોય, સ્કૂલોમાં પહોંચ્યાં હોય, તો ડાયરેક્ટરને એક બે પુસ્તકો જોવાથી પણ ખ્યાલ ન આવે કે કાગળની ગુણવત્તા કેવી છે કે પછી જોયા વગર જ ચોપડાં સ્કૂલોમાં ધકેલી દેવાયાં છે? એજન્સીનું કહેવું છે કે ગુણવત્તાવાળા કાગળો જ સપ્લાય થયા છે. એજન્સી યોગ્ય ગુણવત્તાવાળા કાગળોની વાત કરે છે ને લેબોરેટરી ટેસ્ટ નબળી ગુણવત્તાનું સર્ટિફિકેટ આપે છે. એ તો તપાસ મુકાય તો ખબર પડે અથવા તો તપાસ જ ન થાય ને કરોડો કોઈની હોજરીમાં જાય એમ પણ બને. પણ, એટલું ખરું કે ઉલ્લુ બનવા માટે આપણી પાસે લાખો લોકો ફાજલ છે, એટલે આવું ન થાય તો જ નવાઈ ! ઠીક છે, નબળાં પાઠ્યપુસ્તકોથી આંખ બાળકોની બગડશે, પણ ઘણાંની હોજરી સુધરી જશે એ ઓછી પ્રાપ્તિ છે?
એ ખબર નથી કે અન્ય રાજ્યોમાં આવું છે કે કેમ, પણ ગુજરાતમાં તો એ છે જ ને તે કેટલીક સ્કૂલો વાલીઓને એક યા બીજે બહાને લૂંટવાનું કરે છે. અમદાવાદ DEOનો પરિપત્ર છે કે નિયત પાઠ્યપુસ્તકો અને અભ્યાસની સામગ્રી સિવાય કોઈ ખાનગી પ્રકાશનો સ્કૂલમાં માન્ય રહેશે નહીં, તેમ છતાં કેટલીક બજારુ સ્કૂલો ખાનગી પ્રકાશનો સાથે કમિશન ગોઠવીને, વાલીઓને તેવાં પ્રકાશનો ખરીદવાનું દબાણ કરે છે. જે શૈક્ષણિક સામગ્રીની રાજ્ય સ્તરે મંજૂરી ન અપાઈ હોય, તેવી સામગ્રીની ખરીદી કરવા, કમિશન ચાટુ સ્કૂલો, વાલીઓને આગ્રહ કરે એ શરમજનક છે. આવી સ્કૂલો એક બે નથી. આ મોટે પાયે ચાલતો વેપાર છે. આવો વેપાર કરનાર સ્કૂલો સામે DEO પગલાં લેશે એવું પરિપત્રમાં છે, છતાં કોઈ પગલાં અગાઉ કે હમણાં લેવાયાં હોવાનું જાણમાં નથી. મોટે ભાગે તો અધિકારીઓને ઉઘાડેછોગ ચાલતા આવા વેપારની જાણ હોય જ છે, પણ તેમનું કામ પરિપત્રો-ઠરાવો કરવાનું જ છે. બહુ થાય તો જવાબદાર સ્કૂલોને નોટિસ બજાવાય છે, તે સિવાય પગલાં લેવાની બાબતે ઢીલાશ જ જોવા મળે છે. અમદાવાદની એક સ્કૂલે RTE વિદ્યાર્થીઓ પાસેથી દબાણપૂર્વક પુસ્તકોનાં પાંચ હજાર વસૂલ્યા છે. એ પણ છે કે આટલા વાલીઓ, વાલી મંડળો હોવા છતાં તેમણે આ મામલે કૈં કહેવાનું નથી. ઘણી વાર તો ઘટતાં પગલાં નથી લેવાતાં એટલે પણ આવા ધંધા ધમધોકાર ચાલતા હોય છે.
આટલી મહેનત અને ખર્ચા પછી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સુધી પહોંચે છે. યુનિવર્સિટી ઉપરાંતની જાતભાતની પરીક્ષાઓ આપ્યા પછી પણ, તે પાત્રતા પ્રમાણે કૈં પામે છે ખરા? તો, જવાબમાં નિરાશા સાંપડે એમ છે. યુનિવર્સિટીઓ તો આપીને છૂટી જાય છે, પણ એવાં સર્ટિફિકેટો આર્થિક ઉપાર્જન માટે બહુ ઉપયોગી નીવડતાં નથી. 9 જૂને કેન્દ્ર સરકારને 11 વર્ષ થયાં. તેની સિદ્ધિઓની યાદી આપતી એક E બુક બહાર પાડી છે. તે જોઈએ તો 2014માં મેડિકલ કોલેજ 387 હતી, તે 2025માં 780 થઈ છે. 2014માં MBBS બેઠકોની સંખ્યા 51,348 હતી, 2025માં એ સંખ્યા 1.18 લાખ થઈ છે. એ સિદ્ધિ જ છે, પણ હવે MBBS કે એન્જિનિયરિંગ કોલેજોમાં ખર્ચો એટલો વધ્યો છે કે ઘણી બેઠકો હવે ખાલી રહે છે. ડૉક્ટર થવામાં જ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય, તો સાધારણ માણસ MBBS થઈને ડૉક્ટર તો પછી થશે, દેવાદાર પહેલાં થશે. આટલી મોંઘવારીમાં ખર્ચ કરીને વિદ્યાર્થી MBBS કે એન્જિનિયર માંડ થશે, પણ પછી તેને નોકરી મળી જશે?
કેન્દ્ર સરકારે સિદ્ધિમાં જણાવ્યું છે કે 11 વર્ષમાં તેણે 17.1 કરોડ નોકરીઓ ઊભી કરી છે. સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ અત્યાર સુધીમાં 2.27 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ દ્વારા 1.61 લાખ યુવાનોને નોકરી મળી છે. આ સિદ્ધિઓ સંદર્ભે સરકાર પર શંકા કરવાનું કોઈ કારણ નથી, પણ શિક્ષિત બેકારોની સ્થિતિ દયનીય અને ક્યાંક તો ભયાવહ છે. આજે તો કોઈ પણ સાધારણ વિદ્યાર્થીનું લક્ષ્ય ભણીગણીને નોકરી મેળવવાનું હોય છે. કેટલા ય કોર્સિસ એવા ચાલે છે જે રોજગારલક્ષી હોય છે. આમ તો હજારો, લાખો રૂપિયા ભણતર પાછળ વિદ્યાર્થીઓ ખર્ચે છે. તે પછી પણ નોકરી ન મળે તો હતાશ થાય છે. ભણવામાં દેવું થયું હોય તો તે ચૂકવવાની ચિંતા, પેલી હતાશા અને નિરાશામાં વધારો કરે છે ને તેને આત્મહત્યા તરફ ધકેલે છે. એ તો ઠીક, પણ નોકરી માટેની મહત્તમ લાયકાતો હોવા છતાં, નોકરી ન હોય એ દારુણ પરિસ્થિતિ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ દાખલો લઈએ. સામાન્ય રીતે લેક્ચરર થવા માટે ઉમેદવાર નેટ-સ્લેટની પરીક્ષા પાસ હોય તે જરૂરી છે. નેટ-સ્લેટની પરીક્ષા લેક્ચરર થવા જ આપવાની હોય છે. એ પાસ કર્યા પછી પણ લેક્ચરરની નોકરી ન મળે તો એ પરીક્ષા લેવા-આપવાનો કોઈ અર્થ રહેતો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા રોજગાર કેન્દ્રમાં જ અનુસ્નાતક કક્ષાનાં 5,548 ઉમેદવારોનું બેરોજગાર તરીકે રજિસ્ટ્રેશન થાય ને તેમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારની સંખ્યા 56ની હોય તો સવાલ એ છે કે મહત્તમ લાયકાત હોવા છતાં નોકરી ન હોય, તો શું કરવાથી નોકરી મળે તે સરકાર કહી શકે એમ છે? આ તો એક જ યુનિવર્સિટીની વાત છે. અન્ય યુનિવર્સિટીઓની હાલત શી હશે, એની કલ્પના જ કરવાની રહે છે. સવાલ એ છે કે કરોડોની સંખ્યામાં રોજગારી ઊભી થઈ હોય તો મહત્તમ લાયકાતવાળાઓ એમાં સમાવિષ્ટ કેમ નથી? એ જો એમાં ન હોય તો એ રોજગારી કોને માટે છે? અથવા એ જેને માટે હોય તે ભલે હોય, આ શિક્ષિતો માટે કોઈ વ્યવસ્થા છે કે એમણે આત્મહત્યા કરીને કે અપરાધો કરીને જ સંતોષ લેવાનો છે? સીધો સવાલ એ છે કે આ સરકાર શિક્ષણ-રોજગારી માટે છે કે પછી એને માટે બીજી કોઈ સરકાર આવવાની છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જૂન 2025