
હેમન્તકુમાર શાહ
લોકશાહીનો અર્થ ચૂંટાયેલા સભ્યોની જવાબદારી, સાચી માહિતીનો નાગરિકોનો અધિકાર અને વાણી સ્વાતંત્ર્ય જેવો પણ થાય છે. એ સંદર્ભમાં કેટલાક મુદ્દા:
(૧) પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી એટલે કે ત્યાંની લોકસભા યુદ્ધ સમયે ચાલુ હતી. ભારતમાં નહીં. ભારતમાં એનું ખાસ સત્ર થોડાક સમય માટે પણ બોલાવી શકાયું હોત પણ એવું કંઈ થયું નહીં. ભારતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી લોકસભાની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ૨૮ એપ્રિલે પહેલી વાર એ માગણી કરેલી, પછી હમણાં પણ ફરી કરી. રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ એ માગણી કરી છે. પણ મોદી સરકાર હજુ તેને માટે તૈયાર નથી લાગતી. આ રાજાશાહી માનસિકતા છે, લોકશાહી નહીં.
(૨) ચાલુ યુદ્ધે પાકિસ્તાનના સાંસદો ત્યાંની નેશનલ એસેમ્બલીમાં બોલે છે અને ત્યાંના વડા પ્રધાન પણ જવાબ આપે છે અને ચર્ચા થાય છે. આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા મળે તો એવું કશું થાય ને.
(૩) પહેલગામની ઘટના બન્યા પછી વિદેશ પ્રવાસ ટૂંકાવીને આવેલા નરેન્દ્ર મોદી સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેતા નથી અને જતા રહે છે બિહારમાં ચૂંટણી સભા સંબોધવા. જાણે કે તેમને અન્ય રાજકીય પક્ષો મહત્ત્વના લાગતા જ નથી! ચૂંટાયેલા સર્વોચ્ચ નેતા તરીકે તેમણે તેમાં હાજર રહેવું જોઈએ કે નહીં?
(૪) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન અનેક જુઠ્ઠાણાં ટી.વી. ચેનલો પર ચાલ્યાં. સાચી માહિતીનો અભાવ રહ્યો એ તો શસ્ત્રવિરામ થયો પછી વધારે ખબર પડી લોકોને. આવું જ પાકિસ્તાનમાં પણ થયું હોઈ શકે છે. એમ થાય છે જ દુનિયામાં બધે બધાં યુદ્ધો પહેલાં, યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પતે પછી પણ. યુદ્ધ થાય એટલે અસત્ય હાવી થઈ જાય. અને હા, ભારતમાં માહિતી અધિકાર કાયદા હેઠળ લશ્કર પાસેથી ઝાઝી માહિતી મેળવી શકાતી નથી. એ ગોપનીય ગણાય છે. લશ્કર કહે તે માનવાનું. જેવા દાવા ભારત કરે છે એવા જ દાવા પાકિસ્તાન પણ કરે છે. બંને બાજુ નાગરિકો માટે સાચી માહિતીનો દુકાળ પ્રવર્તે છે.
(૫) ભયંકર અસત્ય બોલનારી ટી.વી. ચેનલો પર ભારત સરકારે કોઈ જ પગલાં ભર્યાં નહીં. શું એ સરકાર જાણતી નહોતી કે પછી સરકારની મીઠી નજર હતી એમના પર? હવે ભરી શકે?
(૬) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન ભારતમાં એક પણ મહત્ત્વના રાજકીય નેતા દ્વારા એટલે કે વડા પ્રધાન કે સંરક્ષણ પ્રધાન દ્વારા કે પછી ગૃહ પ્રધાન દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી નહિ. લશ્કરી અધિકારીઓ કે વિદેશ સચિવ દ્વારા જ એ કામ થયું. લોકો નેતાઓને ચૂંટે છે, એ અધિકારીઓ લોકોના પ્રતિનિધિઓ નથી. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જવાબદારી ખરી કે નહીં?
યુદ્ધો લોકશાહી ઉપર પણ બોમ્બમારો કરતાં હોય છે એ સમજવાની જરૂર છે, જેમને લોકશાહીની ચિંતા હોય એમણે.
તા.૧૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર