“અરે! રમેશ તું ક્યારે આવ્યો?”
“હેમંત, તું અહીં ક્યાંથી?”
બંને જૂના મિત્રો કોફી સોંપમાં ભેગા થઈ ગયા.
“રમેશ, તું તો કેનેડા હતો ને?”
“હા, મને કેનેડાથી ભારત આવ્યાને છ મહિના થઈ ગયા.”
“અને, તું આજે મળે છે? આ તો ઠીક છે, કે જોગાનુજોગ આપણો મેળાપ થઈ ગયો. ફોન નહોતો કરી શકાતો તારાથી?”
“અરે! અરે! તું મારા પર ગુસ્સે ન થતો. હું તને બધી જ વાત કરીશ. પણ તું અહીંયાં ક્યાંથી? અને એ પણ આપણી કૉલેજની કોફી શોપમાં?”
“રમેશ, ઘણી વખત જૂના દિવસોની યાદો, જૂના મિત્રોની યાદો, બહુ સતાવે ત્યારે અહીંયાં આવી કોફીના કપ સાથે જૂનાં સ્મરણોને મમળાવી લઉં છું.”
“પણ, રમેશ, તું અહીંયાં કોફીશોપમાં ક્યાંથી?”
“બસ, તારી જેમ જ સ્મરણોને તાજાં કરી ખુશ થવા માટે અહીંયાં વારંવાર આવતો રહું છું.” બંને મિત્રો ફરી મળવાનો વાયદો કરી, કોફી પીને છૂટા પડ્યા.
“હેમંત, તું ઘરે છે ને?” થોડા દિવસ પછી રમેશનો ફોન આવ્યો.
“હા આવ, હું પણ, તને ફોન કરવાનું વિચારતો હતો. હું ઘરે જ છું. તું આવ, આપણે ખૂબ વાતો કરવાની ભેગી થઈ ગઈ છે.”
“બોલ, રમેશ. તું હવે કેનેડા ક્યારે જવાનો છે?”
“ક્યારે ય નહીં.”
“એમ કેમ બોલે છે? શું વાત છે? કે, તે કેનેડાને સદાયને માટે છોડી દીધું ?”
“અરે યાર! હું તને બધી જ વાત કરીશ. તારાથી શું છુપાવાનું હોય! પણ તું એકલો કેમ છો? ભાભી પિયર ગયા છે?”
“ના, હું મારા સસુર સાથે એકલો જ રહ્યું છું. તું મારી વાત સાંભળીશ એટલે તને પણ બધું સમજાઈ જશે.”
“રમેશ, તું તો મને, આપણે સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી જાણે છે. તારે વિદેશ જવાની અને ત્યાં જ સ્થાયી થવાની ઇરછા હતી. જ્યારે મને વિદેશ પ્રત્યે મોહ નહોતો. તું વધુ અભ્યાસ અને સેટલ થવા માટે કેનેડા ચાલ્યો ગયો. અમે બે બહેનો અને હું થઈને ત્રણ ભાંડરડાં હતાં. પિતાજી ટેલરિંગ કામ કરતા હતા. અમારા અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે વધુને વધુ કામ કરતા. ઘરે પણ મોડી રાત સુધી કામ કરતા. ‘બા’ની તબિયતને લીધે પણ આર્થિક મુશ્કેલી રહેતી હતી. પિતાજીને બીડી પીવાની ટેવ હતી. જે કામના દબાણને લીધે વધતી ગઈ અને પરિણામે પિતાજી ટી.બી.ની બીમારીમાં સપડાઈ ગયા. મારી માથે અભ્યાસ સાથે ટેલરિંગ કામની પણ જવાબદારી આવી ગઈ. હું કામના ભારણ સાથે અભ્યાસ પણ માંડમાંડ કરી શકતો હતો.”
“મેં અભ્યાસ સાથે ઘરની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી, ત્યાં પિતાજીનું અવસાન થયું અને થોડા સમય પછી બા પણ અમને છોડી ચાલી ગઈ. મારી માથે બે બહેનોની જવાબદારી આવી ગઈ. હું પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતો ગયો અને આર્થિક પરિસ્થિતિ સુધારતો ગયો. બંને બહેનોને સારી રીતે ભણાવીને સારા ઠેકાણે પરણાવી દીધી. મેં એક રેડીમેડ ગારમેન્ટ્સ બનાવતી કંપનીમાં જોબ લઈ લીધી. મને ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો. હું પિતાજીને ટેલરિંગ કામમાં મદદ કરતો એ અનુભવ કામ લાગી ગયો. મેં અભ્યાસ સાથે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો હતો.”
“હું જુદીજુદી ફેશન ડિઝાઇન કરતો અને કંપની એ માર્કેટમાં મૂકતી. મારું કામ વખણાવા લાગ્યું. કંપનીના માલિક પણ મારા કામથી ખુશ હતા. અમારી કંપનીની ડિઝાઇનની માર્કેટમાં માગ વધવા લાગી. હું તો મારા કામમાં સખત ડૂબી ગયો હતો. બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો. બને બહેનો તેના ઘરે સુખી હતી.”
“એક વખત કંપનીના માલિકની દીકરીની મુલાકાત થઈ. તેને ખબર પડી કે તેને જે ફેશનના ડ્રેસ ગમે છે, એ તો મેં ડિઝાઇન કર્યા છે. ફરીથી માલિકની દીકરીએ મારી મુલાકાત કરી અને પછી અમારી મુલાકાતો વધતી ગઈ. માલિક મારા કામથી ખુશ હતા. તેને આ બાબતે કોઈ વાંધો નહોતો તેમણે સંમતિ આપી. અમારા, મારા અને માલિકની દીકરી રેખાના લગ્ન થઈ ગયાં.”
“હેમંત, આટલી સારી, તારી સ્થિતિ બની ગઈ હતી, તો પછી વાંધો ક્યાં પડ્યો?”
“અમારા લગ્ન પછી જ બધી સાંસારિક તકલીફો શરૂ થઈ. રેખા, પૈસાદાર બાપની દીકરી હતી. બહુ જ લાડકોડમાં ઉછરી હતી અને વૈભવી જીવન, બધી રીતનું મુક્ત જીવન અને દરેક પ્રકારના મોજશોખ કરવા ગમતા હતા. લગ્ન પહેલાં એ બધું ઠીક હતું. પણ લગ્ન પછી રેખાનું મોડે સુધી પાર્ટીમાં વ્યસ્ત રહેવું, કહ્યાં વગર ગમે ત્યારે મિત્રો સાથે ફરવા ચાલ્યા જવું. આ બધું મને યોગ્ય નહોતું લાગતું.”
“હેમંત, તને મારે પૂછાય નહીં, પણ તારી વાત સાંભળીને તને પૂછવાનું મન થાય છે કે લગ્ન પહેલાં તને રેખાભાભીની આ બિન્દાસ જિંદગીની નહોતી ખબર? અને જો ખબર હતી, તો તે લગ્ન કર્યા શા માટે?”
“રમેશ, તારી વાત બરોબર છે. તને પૂછવાનો પૂરો હક છે. હું આ વાત જાણતો હતો. મેં આ બાબતની ચર્ચા રેખાના પપ્પા સાથે પણ કરી હતી પણ તેમણે મને સમજાવ્યું કે ‘એકની એક દીકરી છે. લાડકોડમાં ઉછરી છે, એટલે રેખાએ અમારા લાડનો ગેરલાભ ઉઠાવ્યો છે. અમે તેને સમજાવવાનો અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. દીકરી પ્રત્યેના વધુ પડતા પ્રેમે અમને સખ્ત થતા રોક્યા પણ, તું ચિંતા કર મા. અમે તારી સાથે છીએ. લગ્ન પછી બધું જ સરખું થઇ જશે.’ અને મારે પણ કોઈ સધ્ધર સહારાની જરૂર હતી. બંને બહેનો તેની ઘર ગૃહસ્થીમાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. આ બધું જાણતો હોવા છતાં મેં રેખા સાથે લગ્ન કરી લીધાં.”
“રમેશ, લગ્ન પછી શરૂઆતમાં બધું જ બરોબર ચાલતું હતું. રેખા પણ ઘીમે ઘીમે ઘર ગૃહસ્થીમાં સેટ થઈ રહી હતી. તેણે બહાર પણ જવાનું ઓછું કરી નાખ્યું હતું. ત્યાં એક દિવસ તેની જૂની સહેલી મળવા આવી અને રેખાના વખાણ કરી ખૂબ ઉશ્કેરી કે તારા વગર અમારી પાર્ટી અને ટૂર, મહેફિલો બધું શુષ્ક અને નિરસ લાગે છે. અમને તારી બહુ ખોટ લાગે છે. આમ વાત કરીને ટૂરનું આમંત્રણ આપીને જતી રહી. અમે રેખાને ટૂરમાં ન જવા માટે બહુ સમજાવી પણ રેખા ન માની અને ટૂરમાં ગઈ. ટૂરમાંથી પાછા આવ્યા પછી, એ જૂનો હરવા ફરવાનો, બિન્દાસ જિંદગીનો ચીલો ચાલુ થઈ ગયો. રેખા મોટા ભાગે રાત્રે મોડી આવતી. ક્યારેક પીધેલ પણ હોય. આ બધી બાબતને લીધે અમારી વચ્ચે વારંવાર ચકમક ઝરતી. નાના મોટા ઝઘડા થતા. તેના પપ્પાએ પણ સમજાવી હતી કે ‘બેટા, લગ્ન પહેલાં જે તું કરતી એ ત્યારે તારી દૃષ્ટિએ યોગ્ય હતું પણ અમારી દૃષ્ટિએ તો એ ત્યારે પણ અયોગ્ય જ હતું. ત્યારે પણ અમે તને બહુ સમજાવી હતી પણ તે તારી બિન્દાસ જિંદગી ચાલુ રાખી હતી. અત્યારે તું જે કરે છે તે અયોગ્ય તો છે જ સાથે સાથે અનૈતિક પણ છે. મારી આબરૂનું પણ તું ધ્યાન રાખતી નથી. આ તો ઠીક છે સમાજમાં મારું વર્ચસ્વ છે, એટલે કોઈ સામે મોઢામોઢ બોલતું નથી પણ પાછળથી બધાં જ કંઈ ને કંઈ વાત કરે જ છે. બેટા, હેમંત જેવો પતિ છે. સારો બિઝનેસ છે. તારી ગૃહસ્થી સંભાળને આ બધી ઝંઝટમાં શું કામ પડે છે?’ આટલી સમજાવટ છતાં રેખામાં કંઈ ફેરફાર ન થયો અને પરિણામે માથેરાનથી તેના બોયફ્રેન્ડ સાથે કારમાં પાછી આવતી હતી. ત્યારે બંને એ ચિક્કાર પીધો હતો. કાર પરનો કંટ્રોલ ગુમાવી દીધો અને કાર ઊંડી ખાઈમાં જઈને પડી. કાર પૂરેપૂરી સળગી ગઈ હતી. બંનેના અંતિમ સંસ્કાર કરવા જેવું કંઈ બચ્યું નહોતું. આ બનાવથી રેખાનાં મમ્મી-પપ્પા ભાંગી પડ્યાં હતાં.”
તેમણે મને કહ્યું, “બેટા, રેખા તો ચાલી ગઈ. પણ, હવે જો તું અમારા ઘડપણનો સહારો બને તો બાકીની જિંદગી તારા સહારે જીવી નાખીએ.”
“રમેશ, પહેલાં તો મારી ઇરછા નહોતી પણ પછી વિચાર્યું કે રેખાએ જે કર્યું તેમાં તેનાં મમ્મી-પપ્પાનો શું દોષ? આજે હું જે કંઈપણ છું એ રેખાના પપ્પાને લીધે છું. હું રેખાના પપ્પા સાથે જ રહું છું. મને દીકરાની જેમ રાખે છે. પણ મેં રેખાને કરેલા પ્રેમના સ્પર્શનો દાહ હજી ભૂલાતો નથી અને વારંવાર રેખાનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે અને મનમાં સવાલ ઊઠે છે? રેખા મારો શું વાંક હતો? કે, તે મને આ સજા આપી.”
રમેશ, ઊભો થયો. હેમંતને પાણી આપ્યું.
“અરે! હું તો મારી કથા માંડીને બેસી ગયો. ભાઈ તું તો કહે, હવે તારે કેનેડા કેમ નથી જવું? કેમ સદા માટે કેનેડાને અલવિદા કરીને આવ્યો છે? તને તો કેનેડાનો બહુ મોહ હતો એટલે તો તું કેનેડા ગયો હતો.”
“તો, હેમંત, હવે મારી વાત તું સાંભળ અને પછી તને પણ મારું ભારત પાછા આવવાનું પગલું યોગ્ય લાગશે.”
“હેમંત, તારી જેવી જ મારી વાત છે. મારી યાદ પણ એક ન ભુલાય એવા દાહક સ્પર્શની છે. આજે તેની યાદ રૂપી સ્પર્શ મને દઝાડી રહ્યો છે. એ ભૂલવા અને બાકીની જિંદગી જીવવા માટે તો ભારત પાછો આવ્યો છું.”
“હેમંત, તારી પાસે તો પિતાતુલ્ય સસરા છે. મારી પાસે તો હું અને મારી યાદો એ સિવાય કંઈ જ નથી બચ્યું. હું કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. મારો ધ્યેય હતો સારી ડિગ્રી પ્રાપ્ત કરી સારામાં સારી અને ઊંચા પગારની નોકરી લઈને કેનેડામાં જ સેટલ થઈ જવું. અને ભાગ્યના સાથથી, ત્યાં મને આપણા જ ગુજરાતી ફેમિલી સાથે રહેવા, જમવાની વ્યવસ્થા મળી ગઈ હતી. કાકા-કાકી બે જ હતાં. એમને પણ મારી સાથે ફાવી ગયું હતું. મને પણ એ લોકો સાથે સારી રીતે ફાવી ગયું હતું. કાકી તો હાઉસવાઈફ હતાં. કાકા નિવૃત્ત થઇ ગયા હતા. ઘરના આંગણામાં સરસ મજાનો બગીચો હતો. કાકા-કાકીને બગીચાનો શોખ હતો. બંને બગીચાનાં કામકાજ સાથે મોજ મસ્તીથી દિવસો પસાર કરતાં હતાં.”
“કાકાને કોઈ સંતાન નહોતું. મને દીકરાની જેમ રાખતા હતા. હું વિકએન્ડની રજાઓ તેમની સાથે પસાર કરતો. બહાર ફરવા કરતા મને તેમની સાથે રહેવાની મજા આવતી હતી. કાકી નવી નવી વાનગીઓ બનાવવાના શોખીન હતાં. જે વિકેન્ડમાં બનાવતાં. જેથી હું એની મજા માણી શકું. અમે વિકેન્ડને ભરપૂર માણતાં, મોજમજા કરતાં. આ રીતે કાકા-કાકીનો પણ સમય પસાર થઈ જતો.”
“કાકા-કાકી કહેતાં, “દીકરા, અમે બીજા વિકેન્ડની રાહમાં બાકીના દિવસો ખેંચી કાઢીએ છીએ. તારી સાથે અમારી જિંદગી પણ સરળતાથી પસાર થવા લાગી છે.”
“મારી કંપનીમાં એક ‘એની’ નામની કેનેડિયન મારી સહકાર્યકર હતી. અમે સાથે કામ કરતાં કરતાં ક્યારે નજીક આવી ગયાં એ ખબર ન પડી. અમે એક બીજાને ચાહવા લાગ્યાં હતાં. અમે બંને અમારા પ્રેમની લાગણીને સમજતાં હતાં પણ, પહેલ કોણ કરે એ વાતે અટક્યું હતું. અંતે મેં, એક દિવસ કહ્યું, ‘એની, આઈ લવ યુ.’ એનીએ શરમાઈને આંખો ઢાળી દીધી. કેનેડામાં મારા તો બીજાં કોઈ સગાંસંબંધી તો નહોતાં. મેં, કાકા-કાકીને વાત કરી એનીની મુલાકાત કરાવી. કાકીએ કહ્યું, “દીકરા, આ “એની” મને ભરોસા પાત્ર લાગતી નથી. તું રહ્યો સાદો સીધો ભારતીય છોકરો અને એની છે ઊડતું મુક્તપંખી. મારી તને સલાહ છે કે તું આમાં ન પડે તો સારું.” પણ હું એનીના પ્રેમમાં પાગલ હતો. મેં, કાકા-કાકીની સલાહ અવગણીને એની સાથે લગ્ન કરી લીધાં. કાકા-કાકીને પગે લાગીને આશીર્વાદ લીધા. એનીએ ત્યારે પણ કાકા-કાકીને પગે લાગવા માટે અણગમો દેખાડ્યો હતો અને પરાણે પરાણે કાકા-કાકીને પગે લાગી હતી. ત્યારે એ વાતને મેં બહુ ગંભીરતાથી લીધી નહોતી.”
“એની, મને સીધી લાગતી હતી. લગ્ન પછી મને ખબર પડી કે એનીને તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ છે. ક્લબ, પાર્ટીમાં તો એની વગર કોઈને ચાલતું નથી. એનીનો ફોન સતત ચાલુ રહેતો હતો. અમને જોઈએ તેવું એકાંત મળતું નહોતું. એનીને એ બાબતની કોઈ દરકાર નહોતી, માનને કે એનીને મારી સાથેના એકાંતની જરૂરિયાત નહોતી. મેં, એનીને બહુ સમજાવી. મેં, એનીને એક દિવસ કહ્યું, ‘એની હવે હું છું તારી સાથે ચોવીસ કલાકનો સાથીદાર. પછી આ આટલા મોટા ફ્રેન્ડ સર્કલની શું જરૂર છે? આપણી નાની એવી ગૃહસ્થી છે. આવતી કાલે આપણા આંગણામાં ફૂલ પણ ખીલશે.” એનીએ મને ચોખ્ખું સંભળાવી દીધું કે “હું બાળકની માતા બનવા તૈયાર નથી. મારે બાળક જોઈતું નથી. હું તો મોજમજાની જિંદગી જીવવા માગું છું.” અમારી વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. એની જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ. મેં ઘણી સમજાવી પણ એ ન આવી. એક દિવસ ડાઈવોર્સના પેપર મને કુરિયર મારફત મળ્યા મને આઘાત લાગ્યો. હું હતપ્રત અને નાસીપાસ થઈ ગયો. કાકા-કાકીએ સાંત્વના આપી મને સાચવી લીધો. એનીએ સાથ છોડી દીધા પછી જો કેનેડામાં રહી શક્યો હોઉં તો તે કાકા-કાકીના સ્નેહ અને લાગણીને લીધે, બાકી હું તો તદ્દન ભાંગી પડ્યો હતો. એક વખત તો મને આપઘાત કરવાનો વિચાર પણ આવી ગયો હતો. કાકા-કાકીએ મને કેનેડામાં રહેવા બહુ સમજાવ્યો પણ, મારું મન કેનેડા ઉપરથી ઉતરી ગયું હતું. મને સતત વતન અને તમારા બધાની યાદ આવતી હતી, એટલે હું મારું બધું જ ત્યાં છોડીને ભારત આવી ગયો.”
“એનીએ આમ શું કામ કર્યું? તે જાણવા માટે મેં તપાસ કરી તો જાણવા મળ્યું, કે એનીને તો તેના બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરવા હતા, પણ તેના મમ્મી-પપ્પા તેના બોયફ્રેન્ડ સાથેના લગ્નની વિરુદ્ધમાં હતાં અને ધમકી આપી હતી કે ‘જો એની તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે તો તેને સંપત્તિના તમામ હકમાંથી બેદખલ કરી સંપત્તિ ટ્રસ્ટને દાન કરી દેશે.’ એટલે એનીએ મને ફસાવ્યો. મારી સાથે લગ્ન કર્યા. જે તેના મમ્મી-પપ્પાને દેખાડવા ખાતર જ હતાં. લગ્ન પછી હું એનીનાં મમ્મી-પપ્પાને એક જ વાર મળ્યો હતો. એનીનાં મમ્મી-પપ્પા અમારા લગ્નથી બહુ ખુશ હતાં અને એનીના હકની સંપત્તિ એનીના નામે ટ્રાન્સફર પણ કરી નાખી હતી.”
“એનીએ પોતાના હકની સંપત્તિ પોતાના નામ પર ટ્રાન્સફર થઈ ગઈ પછી જ મને ડાઈવોર્સ પેપર મોકલ્યા હતા. જેથી ડાઈવોર્સ થયે, એની તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે. આમે ય એની તેના બોયફ્રેન્ડ સાથે જ રહેતી હતી. મેં ડાઈવોર્સ આપી દીધા અને સદાને માટે ભારત એ મીઠા દાહક સ્પર્શને ભૂલવા આવતો રહ્યો. પણ, હેમંત, અમૂક સ્પર્શ એવા હોય છે, જે કદી ભૂલાતા નથી કે ભૂલી શકાતા નથી. એનીએ સંપત્તો માટે મારી સાથે જે બેવફાઈ કરી એ દાહ સતત મને એનીની યાદ આપ્યા કરે છે.”
“તો બેટા, તેને ભૂલવાની દવા શોધવી પડે.”
“પપ્પાજી, તમે?”
“હા બેટા! હેમંત, આમ તો છુપાઈને બીજાની વાત સાંભળવી એ અયોગ્ય છે. મેં તારી વાત સાંભળી જે મને ખબર હતી. પછી રમેશની વાત જાણવાની તાલાવેલી થઈ એટલે વાત સાંભળવા ઊભો રહ્યો. અને તમારી વાતમાંથી મને રસ્તો મળી ગયો.”
“કેવો રસ્તો, પપ્પા?”
“રમેશ, તે કેનેડામાં શું અભ્યાસ કર્યો છે?”
“અંકલ, મેં ત્યાં આઇ.ટી.માં એમ.ઇ. કર્યું છે.”
“અમારે એક, આઇ.ટી. એક્સપર્ટની જરૂર છે. અમે બિઝનેસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરીએ છીએ, એટલે અમારે એક કોમ્યુટર એક્સપર્ટની જરૂર પડશે. હેમંત, મારી વાત બરોબર છે ને?”
“હા પપ્પા, તમારી વાત બરોબર છે.”
“તો, રમેશ આવતી કાલથી આપણી સાથે જોડાશે.”
“રમેશ તું, અમારી સાથે જોડાઇશ, પણ એ હેમંતના મિત્ર તરીકે નહીં પણ મારા દીકરા તરીકે.”
“હેમંત, આજનો દિવસ મારા માટે શુભ છે. મને બે દીકરાનો સહારો મળી ગયો.” બંનેના ચહેરા ઉપર ખુશી આવી ગઈ.
“હજી મારી વાત પૂરી નથી થઈ.”
“પપ્પા હજી, શું! વાત બાકી છે?”
“ગંગામાં અનાથ આશ્રમના સંચાલક મારા મિત્ર છે. હેમંત, તું મને દર વર્ષે પૂછે છે કે, પપ્પા, તમે તમારા ખાતે દસથી બાર લાખ રૂપિયા લો છો, પણ હિસાબ નથી આપતા કે અમે માગી નથી શકતા. હું એ પૈસા ગંગામાં અનાથ આશ્રમની કન્યાઓનાં લગ્ન માટે આપું છું. ત્યાં દર વર્ષે કન્યાઓના સમૂહ લગ્ન થાય છે. તેમાં એ પૈસા વપરાય છે. મેં રેખાના નિધન પછી તારા માટે એક કન્યા ઘણા વખતથી જોઈ રાખી છે. હવે બીજી કન્યા પણ રમેશ માટે મળી જશે. હેમંત લોકોમાં એવી માન્યતા હોય છે કે અનાથાશ્રમમાં ઉછરેલી દીકરીમાં શું હોય? તેણે ક્યાં મા-બાપના લાડકોડ જોયાં હોય, કે ન ઘર જેવો ઉછેર થયો હોય પણ બેટા, અનાથ આશ્રમમાં મોટી થતી દીકરીઓ અનાથ નથી હોતી. તેનો તો હજાર હાથવાળો નાથ હોય છે. બધી રીતે કેળવાયેલી અને પૂરેપૂરી સંસ્કારી દીકરીઓ હોય. અમે લગ્ન કરીને વિદાય કરેલી દીકરીઓએ અનાથ આશ્રમના સંસ્કાર અને તેના સસુરાલ ગૃહની આબરૂને સમાજમાં ઉજ્જવળ કરી દેખાડી છે. દીકરા, મારે તો તને કંઈ પૂછવાનું નથી મને ખાતરી છે કે તું ના નહીં જ કહે અને રમેશ પણ મારી વાત માનશે.”
હેમંત અને રમેશે સ્નેહભરી અને માન સૂચક નજરે જોયું. “હવે એક સાથે બે દીકરીઓ મારે ઘરે પધારશે.”
“પપ્પા, તમે પણ.”
“હા બેટા, તેં અમને રેખાની ખોટ પડવા દીધી નથી. તો અમારી પણ કંઈક ફરજ બને છે.”
“અને બેટા, બધાં સ્પર્શ દાહક નથી હોતા. સ્પર્શમાં શીતળતા પણ હોય છે. નવા શીતળ સ્પર્શ તમને જૂની યાદ ભૂલાવી દેશે અને મને બે દીકરીઓને મારે ઘરે લાવવાનું પુણ્ય પણ મળશે. આ વિચાર તો મારા મનમાં ઘણા સમયથી ફરતો હતો, પણ તને વાત કરવાનો યોગ્ય મોકો શોધતો હતો, જે આજે મળી ગયો.”
થોડા સમય પછી ગંગામાં અનાથ આશ્રમમાંથી એક સાથે બે કન્યા, બે કારમાં વિદાય થઈ, ‘શીતળ મીઠા સ્પર્શ માટે …..’
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com