વર્ષ હતું ૧૯૫૧. વિનોબાજી ભૂદાનયાત્રા શરૂ કરવાના હતા. ૧૩ વર્ષનો એક કિશોર એમાં જોડાયો. એની માએ એને એક બોક્સ કેમેરા અને બે રોલ આપીને કહ્યું કે પદયાત્રા દરમ્યાન અગત્યનું જે કંઈ બને તેની તસવીરો લેતો રહેજે. એ વખતે કેમેરો ૧૯ રૂપિયાનો આવતો. રોલની કિંમત સવા બે રૂપિયા. સોનું ૧૦૦ રૂપિયે તોલો આવતું એ જમાનાની વાત.
૧,૩૫૦ કિલોમીટરની પદયાત્રા કરી અઢી મહિને દિલ્હી પહોંચ્યા. માના એક પરિચિતે રોલ ધોવડાવી આપ્યા અને ૨૦૦ રૂપિયાની કિંમતનો આગ્ફા ૩.૬ ફોલ્ડિંગ કેમેરો પણ અપાવ્યો. કિશોરને હતું કે થોડા મહિનામાં બધું પૂરું થશે, પણ પદયાત્રા ૧૩ વર્ષ ચાલી. પદયાત્રા પૂરી થઈ ત્યારે આ કિશોર ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. ત્યાર પછી એ જર્મની ભણવા ગયો. નાના ભાઈ અશોકે બધી બચત ખર્ચી પહેલા રોલિફ્લેક્સ કેમેરા અને પછી ૩૫ એમ.એમ. અશાઈ પેન્ટેક અપાવ્યો.
આ કિશોરનું નામ ગૌતમ બજાજ. એનાં માનું નામ અનસૂયા બજાજ. ગાંધીજી જેમને પોતાના પાંચમા પુત્ર કહેતા એ જમનાલાલ બજાજના પરિવારના અને સર્વોદય અગ્રણી રાધાકૃષ્ણ બજાજ તેના પિતા. ગૌતમ બજાજ પછી વિનોબાજીની સાથે જ રહી ગયા અને વિનોબાજીના જીવનના પડાવોને કચકડે મઢતા ગયા. વિનોબાજી ફોટોગ્રાફના વિરોધી, પણ ગૌતમભાઈને ફોટા પાડવા દે. વિનોબાજીનાં કાર્ય અને કાર્યક્રમોને એમણે ફોટોગ્રાફ દ્વારા જે રીતે જીવંત રાખ્યા છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ઉપરાંત તેમણે વિનોબાજીનાં ભાષણોને પણ સંગ્રહિત કર્યા. વિનોબાજીએ સાધના કરવા માગતી સ્ત્રીઓ માટે પવનારમાં બ્રહ્મવિદ્યામંદિર આશ્રમ સ્થાપ્યો ત્યારે એના સંચાલક તરીકે
ગૌતમભાઈને મૂક્યા. ગાંધી-પ્રેરિત રચનાત્મક કામોમાં ક્રાંતિ લાવવાની ગૌતમભાઈને હોંશ હતી. ખૂબ કામ પણ કર્યું અને એવોર્ડો-સન્માનો મેળવ્યાં. વિનોબાજી સ્ત્રી માટે ‘મહિલા’ શબ્દ વાપરતા. ગૌતમભાઈ જીવનભર શિક્ષણ દ્વારા સ્ત્રી-સશક્તિકરણના હિમાયતી રહ્યા. સ્ત્રી શીખે તો એ પોતે, એનાં બાળકો, એનો પરિવાર, સમાજ અને વિશ્વ બધાં ઊંચાં આવે. આજે ગૌતમ બજાજ જીવનના લગભગ સાડાઆઠ દાયકા વટાવી ચૂક્યા છે. હજુ પવનારનો આશ્રમ સંભાળે છે. એમના અવિરત કર્મના ફળ રૂપે પરમધામ પ્રકાશન દ્વારા ‘ફોટોબાયોગ્રાફી ઑફ આચાર્ય વિનોબા ભાવે’ નામનું સુંદર પુસ્તક પ્રગટ થયું છે. તો વાત કરીએ આ પુસ્તકની, વિનોબાજીની અને તેમની અદ્ભુત ભૂદાનયાત્રાની.
વિનોબાજીનો જન્મ ૧૮૯૫માં. ગાંધીજી કરતાં ૨૬ વર્ષ નાના. બ્રહ્મજિજ્ઞાસુ વિનોબાજી હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિની શોધમાં હતા. આ શોધ એમને ગાંધીજી સુધી લઈ ગઈ. ૧૯૧૬માં ૨૧ વર્ષની ઉંમરે સાબરમતી આશ્રમમાં જોડાયા. ૧૯૨૧માં ગાંધીજીએ એમને વર્ધા આશ્રમ સંભાળવા મોકલ્યા. પછીથી પવનાર એમની કર્મભૂમિ બન્યું. ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો હાથ ધરી તપોમય જીવન જીવ્યા. અધ્યયન અને અધ્યાપનના ફળસ્વરૂપે ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતા પ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ વગેરે સાહિત્યનું નિર્માણ થયું. ગીતામાંથી શંકરાચાર્યે જ્ઞાનયોગ, જ્ઞાનદેવે ભક્તિયોગ, તિલક મહારાજે કર્મયોગ તો વિનોબાએ એ ત્રણેયના સમન્વયરૂપ સામ્યયોગ આપ્યો. કહેતા, ‘મને ધ્યાનમાર્ગ બહુ આકર્ષતો. પણ ગીતાએ મને કર્મમાર્ગ તરફ આકર્ષિત કર્યો. ગાંધીજીએ આ બંનેને એક કરવાનું શીખવ્યું.’
એમનાં કામો આધ્યાત્મિક, બૌદ્ધિક અને રચનાત્મક રહ્યાં, જેના ટોચકળશરૂપ હતું ૧૯૫૧માં આરંભેલું ભૂદાનકાર્ય. અઢારમી એપ્રિલે પ્રથમ ૧૦૦ એકર જમીન ગરીબોમાં વહેંચવા દાનમાં મળી અને બીજા દિવસથી ભૂદાનયજ્ઞ આંદોલન માટે વિનોબાની પદયાત્રા શરૂ થઈ. પહેલા વર્ષે એકલા ચાલ્યા – ‘ટાગોર કહેતા, “ઓ રે અભાગી, એકલો જા ને રે” હું કહું છું, “ઓ રે સુભાગી, એકલો જા ને.” એ વર્ષે એમને એક લાખ એકર જમીન મળી હતી. ૧૩ વર્ષની પદયાત્રાના પરિણામે ૫૦ લાખ એકર જમીન મળી, તેમાંની ૩૨ લાખ એકર જમીનનું ગરીબોમાં વિતરણ થયું. પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થઈ શકે એટલી લાંબી એ પદયાત્રા થઈ. ‘ચાલું છું તેથી લોકો સુધી પહોંચું છું. લોકો વિશ્વાસ કરે છે. ખૂલે છે. તેમનામાંનો એક ગણે છે.’ વરસાદ હોય કે આગઝરતી લૂ કે બરફ – એમના પગને કશું અટકાવી ન શકતું.
વિનોબાજી કહેતા, ‘વિચારોના ઊંડા અને ગહન અભ્યાસ વિના કશું સિદ્ધ થતું નથી.’ પદયાત્રાઓને લીધે ગાંધીવિચારનો એક સુવ્યવસ્થિત પિંડ બંધાયો. ચંબલના બહારવટિયાઓનું હૃદય-પરિવર્તન થયું. એમણે વિનોબાજીને ચરણે શસ્ત્રસમર્પણ કરી સ્વેચ્છાએ સજા ભોગવી. ‘ડાકુઓના પરિવર્તને મને બદલી નાખ્યો છે. હું વધારે કોમળ બન્યો છું.’ ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. દેશના જુદા જુદા ભાગોમાં છ આશ્રમોની રચના થઈ. ‘હું ભૂદાન કે ગ્રામદાન કે આશ્રમો વગેરે માટે કામ કરતો નથી. હું જે કરું છું તે આત્મસાક્ષાત્કાર અને ઈશ્વરસાક્ષાત્કાર માટે કરું છું.’
જૂન ૧૯૬૬માં વિનોબાએ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશવાની જાહેરાત કરી. પચાસ વર્ષ પૂર્વે, આ જ દિવસે એ ગાંધીજીને પહેલવહેલા મળેલા. એમના આદેશ પ્રમાણે ૫૦ વર્ષ સુધી આચરેલો કર્મયોગ ગાંધીજીને સમર્પિત કરી એ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશ્યા. તે પછી ચાર વર્ષે જૂન ૧૯૭૦ના દિવસે ‘સૂક્ષ્મતર કર્મયોગ’નો આરંભ થયો. ઑક્ટોબર ૧૯૭૦માં વિનોબાએ ક્ષેત્રસંન્યાસનો નિર્ણય કર્યો. નવેમ્બર ૧૯૮૨માં તેમને હૃદયરોગનો હુમલો થયો. ખૂબ કાળજીભરી સારવારથી ચાર દિવસ પછી તેમની તબિયતમાં સુધારો થયો અને ડૉક્ટરોએ તેમને ભયમુક્ત જાહેર કર્યા. પણ તે જ દિવસથી વિનોબાએ દવા, પાણી, ખોરાક લેવાનું બંધ કર્યું. અગિયાર દિવસ બાદ તદ્દન સહજ રીતે એમનું નિધન થયું.
ગાંધીજીએ એક વખત એમના સાથી એન્ડ્રુઝને કહેલું કે વિનોબા આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક છે. ૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી ત્યારે પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાજીને પસંદ કર્યા – ‘બીજા કામોમાંથી મુક્ત થઈ શકો તો આવો. વ્યક્તિગત સત્યાગ્રહ કરવા ધાર્યું છે.’ તરત વિનોબાએ સંદેશ મોકલ્યો.’ ‘તમારું તેડું એટલે યમદૂતનું તેડું. આવું છું.’ અને વિનોબાજી તરત પહોંચી ગયા. આવો એમનો સંબંધ હતો.
‘ફોટોબાયોગ્રાફી ઑફ આચાર્ય વિનોબા ભાવે’ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં અનેક દુર્લભ ફોટોગ્રાફ છે. આ તમામ ફોટોગ્રાફ સાથે વિનોબાજીના શબ્દોમાં જ એને લગતા વિચારો કે અનુભવો મુકેલા છે. તેનું સંકલન બ્રહ્મવિદ્યામંદિરનાં વિદ્વાન સાધિકા ઉષાબહેને કર્યું છે.
પુસ્તકમાંના મોટા ભાગના ફોટોગ્રાફ ૧૯૫૧-૫૨ વચ્ચેના છે. કોઈને નેગેટિવ આપી હોય કે રોલ ધોવા આપ્યા હોય એવી અમુક અગત્યની તસવીરો ખોવાઈ પણ ગઈ. પછી નેગેટિવ કોઈને ન આપતા. ફિલ્મ ડેવલપ કરી માને મોકલી આપે. મા સાચવી રાખતાં. થોડા ફોટા કનુ ગાંધી અને મોહન પરીખ પાસેથી મેળવ્યા. ત્રણ વિભાગમાં ફોટા વહેંચ્યા છે : બાળપણ, ભૂદાનયાત્રા, બ્રહ્મવિદ્યામંદિર.
વિનોબાજીનો મંત્ર હતો ‘જય જગત’. આ મંત્ર એમને ૧૯૫૭માં કર્ણાટકમાં મળેલો. ૧૯૪૦માં આપણે બોલતા હતા, “જય હિંદ” હવે બોલવાનું છે “જય જગત” કોઈ એક દેશ માટે ગર્વ ન કરો. કોઈ એક ધર્મને ન અનુસરો. કોઈ એક જ્ઞાતિમાં ન રહો. આખું વિશ્વ તમારા અભ્યાસ માટે વિસ્તરેલું છે. ઉત્તમ વિચારોને અપનાવો અને વહેતા મૂકો. વિશ્વમાં પ્રવર્તતી વિવિધતાઓને આદરથી જોવી અને સંવાદિતા-સહયોગ વડે એક વૈશ્વિક દૃષ્ટિ વિકસાવવી એ આપણી શોધ, આપણી તરસ હોવી જોઈએ.’ ‘જે ગાય ચારે છે પણ દૂધ નથી પામતો, વાડીમાં કામ કરે છે પણ ફળ ચાખ્યાં નથી, ખેતરમાં મજૂરી કરે છે પણ ભૂખ્યો રહે છે, જેના માથે છાપરું નથી, જેના પગ નીચે પોતાની જમીન નથી એ અભાગી મારો ઈશ્વર છે.’ ‘મુક્ત મન આકાશ જેવું હોય છે. એમાં બધું જ સમાઈ જાય, છતાં એ ખાલી હોય, દરેકને જગ્યા આપે છતાં પોતે અસ્પર્શ્ય રહે.’
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 18 તેમ જ 19