વરંડાના હીંચકા પર બેઠી બેઠી નેહા વિચારી રહી હતી કે, ઉમેશની બદલીને કારણે આ અંતરિયાળ ગામડામાં આવવું પડ્યું. બાકી આવા દિવસોમાં સાસરી કે પિયરનું કોઈ સ્વજન તો મારી પાસે હોવું જોઈએ ને? એ ઘણીવાર ઉમેશને ફરિયાદ કરતી, તમે તો સવારે વહેલા ઘરેથી નીકળી જાવ તે છેક રાત્રે નવ-સાડા નવે આવો. આખો દિવસ એકલી એકલી શું કરું? જેની સાથે બે વાત કરી શકાય એવું ય કોઈ અહીં નથી!
હું સમજું છું, પણ હમણાં જ બદલી થઈ છે એટલે બધું નવેસરથી સમજવું પડે એમ છે. મોડું તો થઈ જ જશે. તારે જમીને સૂઈ જવું. મારી પાસે ડુપ્લીકેટ ચાવી તો છે જ.
અચાનક ઝાંપાનો દરવાજો ખખડ્યો ને સાથે જ અવાજ આવ્યો, આવું કે? ઘણા દિવસથી વિચારતી હતી કે, આ નવાં રહેવા આવ્યાં છે તે કંઈ કામકાજ હોય તો પૂછું. નેહા આશ્ચર્યથી સિત્તેરેકની લાગતી અજાણી સ્ત્રીને જોઈ રહી. ગોળમટોળ ચહેરો, હોઠો પર હાસ્ય ને પ્રેમ નીતરતી આંખો. શરીર પર એક્કે સૌભાગ્યનું ચિહ્ન નહીં.
આવોને આજી, પણ મેં તમને ઓળખ્યાં નહીં.
ક્યાંથી ઓળખે? આ ગામમાં તમે નવાં છો. બોલતાં આમંત્રણની રાહ જોયા વિના આજી નેહાની બાજુમાં હીંચકા પર ગોઠવાયાં.
હું તમારે માટે પાણી લાવું. નેહા ઊભી થવા જતી હતી પણ આજીએ હાથ પકડીને એને બેસાડી દીધી. એમના સ્પર્શમાં એવું કંઈક હતું કે, એકી ઝાટકે વચ્ચેથી અજાણપણાની દીવાલ ખસી ગઈ. નેહાનાં ઉપસેલા ઉદર તરફ જોઈ એમણે પૂછ્યું, કેટલામો ચાલે છે? સાતમો પૂરો થવાની તૈયારીમાં છે. હવે એકદમ સાચવજે. હમણાં ફટાક કરતી ઊભી થઈને, એમ નહીં, હળવેથી ઊઠ-બેસ કરવાની. કંઈપણ ખાવા-પીવાની ઈચ્છા થાય તો કહેજે. અહીંયા ભલે તારું બીજું કોઈ ન હોય, આ આજી તો છે હં!
નેહાને માથે હાથ ફેરવતાં આજી એવી રીતે બોલ્યાં કે, એનું મન ભરાઈ આવ્યું. આંખમાં આવેલાં આંસું છુપાવતાં એણે કહ્યું, ચા પીને જજો હં! મારી પણ મૂકું જ છું. ના રે બાઈ, મારે ચા નથી પીવી. પીને જ આવી છું. ચાલ ત્યારે હું જાઉં. રાત્રે ઉમેશ આવ્યો ત્યારે નેહા એટલી ખુશ હતી કે, એને ભેટી પડી.
શું વાત છે? આજે આટલી બધી મહેરબાની કેમ?
નેહાએ આજીની વાત કરી એ સાંભળીને ઉમેશને રાહત થઈ. ‘ચાલો, કોઈ તો નેહાને જોવા વાળું મળ્યું!’
થોડા પરિચય પછી આજીએ એક વખત ઉમેશને સપાટામાં લીધો,
બેજીવ સોતી પત્ની ઘરમાં એકલી હોય ત્યારે તમારે વહેલા આવી જવું જોઈએ જમાઈરાજ! કામ તો કાયમનું છે.
નેહાને નવાઈ લાગતી કે, હજી ગઈકાલ સુધી જેની સાથે કંઈ ઓળખાણ નહોતી એ સ્ત્રી આજે ઘરના સભ્ય જેવી શી રીતે થઈ ગઈ? આજી જ્યારે આવે ત્યારે એને માટે ખાટું અથાણું, કે તાજો બનાવેલો નાસ્તો લઈને આવતાં. નેહા પણ એ ડબ્બામાં ઘરમાં જે હોય એ મૂકીને એમના હાથમાં આપતી, આજી, આજે પૂરણપોળી બનાવી છે, ખાઈને કહેજો, કેવી બની છે?
આજી, મેં પહેલીવાર જ મારે હાથે ગુલાબજાંબુ બનાવ્યાં છે. ડબ્બામાં આપું કે, અહીં જ ખાશો?
દર વખતે એમનો એક જ જવાબ હોય, ના રે બેટા, હવે આ ઉંમરે પચતું નથી. ભારે વસ્તુ હું ખાઈ જ નથી શકતી. આજ સુધી આજીએ નેહાનાં ઘરનું ખાવાનું તો દૂર, પણ એના ગોળાનું પાણી પણ નહોતું પીધું. સોફા પર આડા પડ્યાં પડ્યાં નેહાને વિચાર આવ્યો, ‘મારા આવ્યા પહેલાં જ આજીને મારી જાત વિશે ખબર પડી ગઈ લાગે છે. ભલે ઉમેશ સાથે લગ્ન થયાં પણ આ ‘નીચી જાતિ’નું લેબલ મારો પીછો છોડતું નથી. બીજા બધાં કરતાં હું આજીને જુદાં માનતી હતી પણ એ પણ એવાં જ નીકળ્યાં.
બેટા, કેમ આજે કટાણે સૂતી છે? તબિયત તો બરાબર છે ને? કહેતાં આજી આવ્યાં ત્યારે નેહાનાં મનમાં વિચારોનું ઘમસાણ મચેલું હતું.
આજી, તમે મારા ઘરનું ખાવા-પીવાનું કેમ ટાળો છો એ હું આજે મોડી મોડી પણ સમજી છું. જો તમે મારાથી અભડાઈ જતાં હો તો મહેરબાની કરીને હવેથી મારે ઉંબરો ન ચડશો. આજી સ્તબ્ધ થઈ ગયાં. આભડછેટ? ને તારી? અરે દીકરા, આખી જિંદગી જેણે પોતે જ વિધવા હોવાની આભડછેટ અને તિરસ્કાર વેઠ્યાં હોય એ તારાથી શું અભડાવાની? નેહાને ઉતાવળ કરવા બદલ પસ્તાવો થયો. એટલે? એણે પૂછ્યું.
આઠ વરસની હતી ત્યારે બાપે પરણાવી દીધી અને હજી તો વર કોને કહેવાય એ સમજું એ પહેલાં કપાળેથી કંકુ ભુંસાયું. ત્યારથી બધા માટે હું અભાગણી ને અપશુકનિયાળ થઈ ગઈ. વિધવા થઈ પછી મારી સગી માએ પણ મારા શરીરે હાથ નથી ફેરવ્યો. કોઈ સ્ત્રીએ પોતાનું બાળક મારા ખોળામાં આજ દિવસ સુધી નથી મૂક્યું. મને હતું કે, હું તારાં સંતાનને નવડાવીશ, માલીશ કરીશ, રમાડીશ ને જીવનમાં પહેલી વાર ખરેખરી આજી હોવાનો લહાવો લઈશ. માવતર દીકરીના ઘરનું ખાય-પીએ તો એનું અહિત થાય એવા સંસ્કાર પડ્યા હોવાને કારણે જ હું … એમની આંખો ચોધાર વહેવા લાગી. નેહા જોરથી એમને વીંટળાઈ વળી અને કહેવા લાગી, આ નાદાન દીકરીને માફ નહીં કરો, આજી? મારી મુરખાઈને લીધે મેં તમને દુભવ્યાં પણ અત્યારથી કહી રાખું છું કે, મારાં બાળકનું બધું તમારે જ કરવાનું છે. મને તો કશું આવડતું નથી.
અરે છોડ મને! આટલી જોરથી ભેટે છે તે આ ઘરડી બાઈ પડશે ને હાડકાં ભાંગશે તો તારી સુવાવડ કોણ કરશે? બેઉ એકમેકનો હાથ પકડીને હીંચકા પર બેઠાં ત્યારે આજી બોલ્યાં, કોઈ આપણને બાથમાં લે ત્યારે કેટલું સુખ મળે એ આજે પહેલી વાર મને ખબર પડી. ચાલ, ત્યારે જાઉં? ને હા, કાલે ફરી પાછી ગુલાબજાંબુ બનાવજે. આપણે સાથે બેસીને ખાશું.
પછી જોરથી હસીને કહ્યું, પેલા સંસ્કાર ગયા તેલ લેવા. બરાબરને?
(સરિતા પવારની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 24