Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376857
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત આપણી, આપણી માતૃભાષાની

કુમારપાળ દેસાઈ|Opinion - Literature|25 April 2017

આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદ્ભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાંકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખુ લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત અને સાહિત્યકારો એ જ સૌથી મોટા સંબંધીઓ. અને તેથી ધૂમકેતુ આવે ત્યારે ઘરમાં પ્રવેશતાંની સાથે જ ચૉકલેટ આપે. ઝવેરચંદ મેઘાણીનો ‘કાં ભાઈ’નો લહેકો હજી કાનમાં અથડાયા કરે છે. કનુ દેસાઈ આવે એટલે દોડીને નિશાળનું ડ્રૉંઇગ-પેપર લઈ આવું અને એના પર કનુ દેસાઈ ચિત્રો દોરે. ગુણવંતરાય આચાર્યની વાક્છટા અને દુલેરાય કારાણીનો જુસ્સો સ્પર્શી જાય.

એમાં ય બે વ્યક્તિઓ પર બાળમન વધુ મોહી ગયું. એક પંડિત સુખલાલજી અને બીજા દુલા ભાયા કાગ. પંડિતજી પાસે બેઠા હોઈએ ત્યારે હોકાના અવાજ સાથે વાણીની બુલંદીનો અનુભવ થતો.

એ જમાનામાં ‘ઝગમગ’ સાપ્તાહિકની બોલબાલા હતી. ‘ગુજરાત સમાચાર’ કરતાં ‘ઝગમગ’ની વધુ નકલો ખપતી ! ‘ઝગમગ’ સાપ્તાહિક સૌથી પહેલું આજના ગાંધીગ્રામ અને એ સમયના એલિસબ્રિજ સ્ટેશને આવતું. હું વહેલો વહેલો સ્ટેશને પહોંચી જતો અને ફેરિયાની રાહ જોતો. કોઈ દિવસ મોડું થાય તો દોડ લગાવીને પહોંચી જતો. વરસાદ આવતો હોય તો ‘ઝગમગ’ ખમીસ નીચે ઢાંકીને સહેજે પલળે નહીં તેમ જીવની માફક જાળવીને ઘરે લાવતો. ઘરે પહોંચીને પહેલું કામ સાપ્તાહિક વાંચવાનું અને વાંચ્યા પછી સાપ્તાહિકના અંકોની ગોઠવણી કરીને સરસ ફાઇલ બનાવવાનું.

રોજ સવારે પિતા જયભિખ્ખુને લખતાં જોતો. ટેબલ પર બેસીને ખડિયાની શાહીમાં કલમ બોળીને સુંદર અક્ષરે લખતા હોય. મને ય લખવાનું મન થાય અને એક દિવસ એક અનામી શહીદની કથા લખીને ‘ઝગમગ’માં મોકલવાનું સાહસ કર્યું. જયભિખ્ખુનો પુત્ર છું એવું જણાવવા દેવું નહોતું. કારણ કે એ કારણે જો વાર્તા પ્રગટ થાય તો એમાં મજા શી ? જયભિખ્ખુનું મૂળ નામ હતું બાલાભાઈ. કદાચ બાલાભાઈ નામ લખવાથી પણ તંત્રીને ખ્યાલ આવી જાય તો ? પરિણામે કુ. બા. દેસાઈના નામથી એ વાર્તા મોકલી.

વળતી ટપાલે સ્વીકારનો પત્ર આવ્યો અને આપણા આનંદનો પાર ન રહ્યો. પહેલો લેખ સ્વીકારાય અને પ્રગટ થાય એ સમયની લહેજત કંઈ ઓર હોય છે ! તે પછી જીવનમાં ગમે તેટલી વાર્તાઓ પ્રગટ થાય, પુસ્તક લખાય પણ પેલો રોમાંચ પુન: સાંપડતો નથી.

થોડા સમયમાં ‘ઝગમગ’ સાપ્તાહિકના તંત્રીએ પેલી વાર્તા ત્રીજે પાને સરસ રીતે પ્રગટ કરી. મનમાં થયું કે બે-ત્રણ વધુ નકલ લઈ આવું કે જેથી મિત્રોને રુઆબભેર બતાવી શકાય. એની નકલો લેવા માટે એ સાપ્તાહિકના કાર્યાલયમાં ગયો અને એના તંત્રીને મળ્યો. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખુનો હું પુત્ર છું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે મને બેસાડ્યો અને એક કૉલમ લખવા કહ્યું. એ કૉલમનું નામ હતું ‘ઝગમગતું જગત’. અને આમ માત્ર અગિયાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમ લખવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો !

આજે આટલા બધા દાયકાઓ પછી પણ લેખનનો એ જ હર્ષ-રોમાંચ મને થાય છે અને એ લેખનયાત્રાનો આજે આ એક વિશિષ્ટ મુકામ જોઉં છું.

આપણી ગરવી ગુજરાતના અસ્મિતાપુરુષ રણજિતરામ વાવાભાઈની સ્મૃિતમાં અપાતો રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવતાં આનંદનો અનુભવ કરું છું. આ માટે ગુજરાત સાહિત્યસભાના હોદ્દેદારોનો, નિર્ણાયકોનો અને શુભેચ્છકોનો આભારી છું. આપણી રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્વાહક શ્રી કનૈયાલાલ મુન્શીએ જેમને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ કૉન્શિયસ)ના અવતાર કહ્યા હતા એ ભાવનાપુરુષ રણજિતરામભાઈની ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યેની જે નિષ્ઠા અને પ્રવૃત્તિ હતાં તેની આગળ આજની હવામાં જે પડકારો ઊભા થયેલા છે તે મને અત્યંત સચેત ને સચિંત કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાના તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાના ધ્યેયને વરેલી ગુજરાતની સૌથી જૂની અને ગૌરવવંતી આ સાહિત્યસભાના આજના સમારંભ-પ્રસંગે ગુજરાતી ભાષાની (માતૃભાષાની) વર્તમાન સ્થિતિ વિશે કેટલાક વિચારો વ્યક્ત કરું તો અસ્થાને નહીં લેખાય.

આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. આજે શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે ! આ પરિસ્થિતિ અંગે સમાજના તમામ વર્ગોએ ચોકન્ના થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.

એક એવો આભાસ ઊભો કરવામાં આવ્યો છે કે આજની પરિસ્થિતિમાં મજબૂત રીતે ટકી રહેવું હોય તો બસ, અંગ્રેજી શીખો. એના પર પ્રભુત્વ મેળવો. અંગ્રેજી ભાષાના મુકાબલામાં ઊતરવાનું બીજી કોઈ ભાષાનું ગજું નથી તો માતૃભાષા ગુજરાતીનું તો ગજું ક્યાંથી હોય? અંગ્રેજીનો કોઈ વિકલ્પ જ નથી. આ દેશમાંથી અંગ્રેજોનું આધિપત્ય ભલે ગયું. એ રીતે અંગ્રેજ સત્ત્તાની ગુલામીમાંથી આપણે ભલે મુક્ત થયા; પરંતુ અંગ્રેજી ભાષાની મોહિનીમાંથી તેમ જ તેના સંસ્કારોમાંથી આપણે ખરેખર કેટલા મુક્ત થયા છીએ તે પ્રશ્ન છે. અંગ્રેજોની સત્તામાંથી મુક્ત થયા બાદ, ઊલટું, અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધુ ને વધુ ફેલાતું અનુભવાય છે ! આપણને અડધી રાત્રે આઝાદી મળી તેમ કહેવાય છે પણ હજી આપણું મંગળ પ્રભાત ઊગવાનું, આપણો ખરો સૂર્યોદય થવાનો બાકી છે ! જે ગુલામીની સૂગ હોવી જોઈએ તે આપણને સદી ગઈ છે ! જેની શરમ લાગવી જોઈએ તેનું ગૌરવ કરતા ફરીએ છીએ ! હકીકતે આપણે હજુ અંગ્રેજિયતમાંથી થવા જોઈએ તેટલા મુક્ત થયા નથી.

વળી ઉદ્યોગો, ટૅક્નોલોજી અને સરકારી તંત્રોને માટે અંગ્રેજી ભાષા ભલે જરૂરી બની પરંતુ એની સાથે પશ્ચિમના સંસ્કાર તેમ જ સંસ્કૃિતએ પણ પેગપેસારો કર્યો અને પછી આપણને ભરડામાં લીધા. આપણે પશ્ચિમી જીવનરીતિના અંધ અનુયાયી જેવા બની રહ્યા. આપણે આપણા દેશકાળને અનુરૂપ એવી પરંપરાગત જીવનશૈલીને વિવેકપુર:સુર સાચવવાની કાળજી ન લીધી. આપણે પશ્ચિમી ભોજનરીતિ અપનાવી ને આપણી પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ આહારરીતિને જોખમાવા દીધી. આપણા ઉત્સવોમાં આપણને જુનવાણીપણું દેખાયું અને પશ્ચિમના તહેવારો ઊજવવામાં દિલચશ્પી દાખવી.

આમ તો પાશ્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃિતના આક્રમણનો પ્રશ્ન એક શતાબ્દી પૂર્વે પણ ચર્ચાતો રહેલો પરંતુ જુદી રીતે. ઈ.સ. ૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં તત્કાલીન પરિષદપ્રમુખ તરીકે ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું :

“અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ …. જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.”

અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક બાળકના આવરદાનાં ક્રમમાં કમ બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે; એટલું જ નહીં પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય. આને બદલે અવળી ગંગા વહી. માતૃભાષાના શિક્ષણની અવજ્ઞા થતી રહી. પહેલાં કૉમર્સ અને સાયન્સના પ્રથમ વર્ષમાંથી ગુજરાતીને વિદાય આપી. એ પછી આર્ટ્સમાંથી પણ એને વિદાય મળી !

યહૂદીઓની માતૃભાષા હિબ્રૂએ અનેક દેશમાં ફેલાયેલા યહૂદીઓને એક તાંતણે બાંધ્યા છે. નાઝી દમનને કારણે દેશાંતર કરનારી યહૂદી પ્રજા દુનિયાના અનેક દેશોમાં વહેંચાયેલી છે. વર્ષોથી બીજા દેશમાં વસતી હોવાથી એ દેશની સંસ્કૃિતથી કેટલેક અંશે એ રંગાયેલી પણ છે; આમ છતાં તાજેતરમાં અમલમાં આવેલા હિબ્રૂ ભાષાના શિક્ષણપ્રયોગોએ જુદા જુદા દેશમાં વસતા યહૂદી લોકોનું ખમીર જગાડ્યું. 1948માં ઇઝરાયેલની રચના થયા બાદ ત્યાંની સરકારે હિબ્રૂ ભાષાને અધિકૃત ભાષા જાહેર કરી અને એ પછી આ ભાષાના પ્રસાર માટે અથાગ પ્રયત્નો આદર્યા. હિબ્રૂ ભાષામાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે ‘હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમ’ સ્થાપવામાં આવી. એ યુનિવર્સિટીમાં જગતભરના વિદ્યાર્થીઓ આવે છે. આમ માતૃભાષા હિબ્રૂના શિક્ષણપ્રતાપે હિબ્રૂઓમાં ખમીર અને ખુમારીનું સંવર્ધન થયું. પરિણામે એ પ્રજા હવે ખૂનખાર દુશ્મનોની વચ્ચે અણનમ રહીને પોતાની અસ્તિતા ને અસ્મિતાને બરોબર જાળવીને સ્વાભિમાનથી ટકી રહી છે. એ રીતે માતૃભાષાના હિબ્રૂએ ઇઝરાયલના જોમ અને જુસ્સાને કેળવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેથી આધુનિક વિશ્વમાં ઇઝરાયલ મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું છે. સમગ્ર પ્રજા પોતાની માતૃભાષા પ્રત્યે અભિમુખ બને તો કેવાં રૂડાં પરિણામો પામી શકે તેનું ઇઝરાયલ ઉદાહરણ છે.

આજે જગતભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાના જે દેશોમાં ગુજરાતીઓ ગયા ત્યાં તેઓ પોતાના ગુજરાતને, ગુજરાતી ભાષાને અને તેનાં સંસ્કાર-સંસ્કૃિતને પણ લઈને ગયા છે અને આજે પણ વિદેશની નિશાળોમાં, ધાર્મિક કેન્દ્રોમાં કે ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા ? આ સંદર્ભમાં પંચાણુ ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઇઝરાયલ આપણને જરૂર યાદ આવે.

જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્થી શિક્ષણ અપાતું હોય. ત્યાં એ અંગેનાં સંશોધન-સંપાદન-અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય ! આજે ય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે.

ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો. આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો.

આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રૂપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય બગડે નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીયે આગળ વધીને વૅકેશન કેર સેન્ટર શરૂ થયાં છે ! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લૉટ’ જેવી બની રહે છે. એ રીતે શિક્ષણે અને સમૂહમાધ્યમોએ માતા-પિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાનાં શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવણી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાં-લખતાં શીખવાથી થતી નથી; ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વાછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે.

આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણે અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને ઘડે છે તે ઊંડી તપાસ માગી લે તેવો યક્ષપ્રશ્ન છે. માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યક્ત થઈ શકતી હોય છે.

આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્કે અનેક રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે. અંગ્રેજીની બારી બંધ કરાય નહીં; પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને ? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગોદ તે માની ગોદ. અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને ધીરે ધીરે એ હીનભાવ કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પણ ફેલાય છે અને વ્યક્તિ પોતાનું આત્મગૌરવ ગુમાવતી જાય છે. પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે.

ગુજરાતની જેટલી વસ્તી છે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે, 2016માં નૉર્વેની વસ્તી 52 લાખ 13 હજાર હતી; ઇઝરાયલની 86 લાખ 2 હજારની અને સ્વીડનની વસ્તી મે, 2016માં 99 લાખ 54 હજારની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. 99 લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચાવિચારણા કરનારાં 27,000 તો ચર્ચામંડળો છે. 2011માં છ કરોડ અને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાની વિકાસની બાબતમાં પાછળ રહે છે ? – પાછું પડે છે ? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં ‘મંડળી મળવાથી થતા લાભ’ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચાવિચારણા ચલાવતાં હોય એવાં કેટલાં મંડળો છે ? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષાવિષયક ચર્ચાઓ કેટલી થાય છે ? એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રૉફીનો ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો; આજે શું સ્થિતિ છે ? वादे वादे जायते तत्त्वबोध: | એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી ? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચાવિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમ જ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે. એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચું આવી શકે.

સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઇચ્છનીય છે, સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડશે. આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે; પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ; અગાઉ ભાષા સાહિત્યમાં સર્જકતાના બળે જે દીપ્તિ જોવા મળતી હતી તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારણ શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા રહે છે.

આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે – તે ભુલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે, ક્ષીણ થશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ આઇન્સ્ટાઇનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માતૃભાષામાં જ શીખવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યા. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિકુયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. શ્વેત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે.

બંગાળીઓ કે મરાઠીઓમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી-ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું ? આવા પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું ? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ – તે માટેની ઘેલછા અને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અક્ષમ્ય જ લેખાય.

આપણે ત્યાં જીવનનાં વિધેયાત્મક મૂલ્યોની કટોકટીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું.

સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમ જ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે. આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃિતનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતાના ‘કર્મયોગ’ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી ‘કર્મ’ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા કરી રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે.

થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન’ શબ્દપ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે એવા ‘વર્ડસ્મિથ’ સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે ‘સમ્યક્ દર્શન’ માટે ‘Enlightened World-View’ પર્યાય પસંદ કર્યો, પણ તેમ કરતાં જોડે એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી.

માતૃભાષામાં ખવાણ થવા લાગે ત્યારે જીવનમૂલ્યો, પ્રજાની કોઠાસૂઝ, એના લોહીમાં ભળેલા સંસ્કારો, એનો ઇતિહાસ જેવી અનેકાનેક બાબતોનું ખવાણ પણ થવા માંડે છે. એટલે કે વ્યક્તિનું સત્ત્વ જ ક્ષીણ થાય છે. એક અર્થમાં કહીએ તો એનાં સઘળાં મૂળિયાંને લૂણો લાગવા માંડે છે. આમ જે તે પ્રજાની માતૃભાષા ક્ષીણ થાય ત્યારે તેનાં પુષ્ટિસંવર્ધક જીવનમૂલ્યોનો પણ હ્રાસ થતો જાય છે અને પરિણામે પેઢી પેઢી વચ્ચેનું અંતર ન પુરાય એવી ખાઈમાં પલટાઈ જાય છે.

બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એને પૂરેપૂરી અપનાવી શકતા નથી – એને આપણી લોહીની ભાષા બનાવી શકતા નથી. આપણા ભાષાવ્યવહારનો સીધો સંબંધ આપણી આંતરિક ચેતના સાથે, આપણી સર્જનાત્મક શક્તિ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સધાય છે ત્યારે એક સંસ્કારલક્ષી ઘટના ઘટે છે, એક ભાષાકીય ઘટના ઘટે છે. એ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વનો સુમેળ સાધવાની ભૂમિકા ઊભી થાય છે ને ત્યારે એ સંબંધના રાસાયણિક સંયોજનમાં માતૃભાષા એક મહત્ત્વનું પ્રેરક-પોષક પરિબળ બની રહેતું હોય છે.

બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી માતૃભાષા એને હૃદયવગી અને જીભલગી હોય છે. કુદરતે આપણને ભાષા આપી; પરંતુ એની આપણે કરેલી માવજત કેટલી મજબૂત હોય છે તે પ્રશ્ન છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજહિતચિંતકો સૌ ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન કરે છે પણ એમાં વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મેનેજમેન્ટના નિષ્ણાતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ ક્યાં છે ?

માણસમાં બહુભાષી થવાની ક્ષમતા છે અને તેથી એકવીસમી સદીના સમગ્ર પરિવેશનો વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે ત્રણ પ્રકારની ભાષાગત ક્ષમતા જરૂરી જણાય છે : એક સ્થાનિક (લોકલ સિચ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નૅશનલ), ત્રીજી વૈશ્વિક (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિઓમાં જુદી જુદી ભાષાઓ કામ લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશી ભાષાને એ દૃષ્ટિએ જોવી અને પામવી જોઈએ. એક ભાષા સાથેનો ઘનિષ્ઠ સંપર્ક બીજી ભાષાઓ શીખવામાં મદદરૂપ થાય છે, આથી બાલ્યાવસ્થામાં માતૃભાષાનો ઉપયોગ થાય એ અનિવાર્ય છે. બાળક મોટું થતાં બીજી ભાષાઓમાં પણ પછી સહેલાઈથી નિપુણ બની શકે છે.

આજે માતૃભાષા ગુજરાતીની કટોકટીનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આને માટે થોડું આંતરદર્શન પણ આવશ્યક છે. આગલી પેઢીઓની જ્ઞાનપિપાસા અને કાર્યનિષ્ઠા કંઈક ઘસાતી જાય છે. એનાં કારણો તપાસવાં અને ઇલાજ શોધવા હવે ખૂબ જરૂરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ક્ષિતિજોનો વિસ્તાર કરવા માટે જુદી જુદી સંસ્થાઓએ જુદા જુદા પ્રકલ્પો વિચારીને એમાં જીવ રેડવાની જરૂર છે. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’, ‘ભગવદ્ગોમંડળ’, ‘ગુજરાતીલેક્સિકન’ કે ‘ગુજરાતી વિશ્વકોશ’ વગેરેએ તેમ જ આપણી કેટલીક સાહિત્યિક સંસ્થાઓએ કેવું માતબર કામ કર્યું છે તે જોવું જોઈએ. આજની આપણી ભાષાકીય કટોકટી સામે સૌએ કમર કસવાની જરૂર છે અને ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું આવે તેવા સત્ત્વશુદ્ધ પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. આપણે નરવી રચનાત્મક સાહિત્યિક ચર્ચાઓને બદલે શા માટે વ્યક્તિગત આક્ષેપો કે પ્રતિઆક્ષેપોના રણમાં ખોવાઈ જઈએ છીએ ?

1858ની 23મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી એ અસિધારાવ્રત એણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તો પણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને નર્મદે ભાષા-સાહિત્ય માટે વ્રતતપનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણને આપ્યું ! એ રીતે મુંબઈમાં ધીકતી વકીલાત છોડી કેટલાંક દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમાં વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ ત્રિપાઠીએ નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનોની સમર્પણવૃત્તિને; ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીજી તેમ જ ગાંધીમૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગૂજરાત વિદ્યાપીઠે દાખવેલી માતૃભાષા માટેની સેવાભક્તિને તેમ જ ભગવતસિંહજી, ચંદુલાલ પટેલ કે રતિલાલ ચંદરયા જેવાઓની ભાષાપ્રીતિને આપણે આજે ય સદ્ભાવપૂર્વક યાદ કરીએ છીએ. આપણે ફાર્બસ કે જૉસેફ વાન ટેલરને ય કેમ ભૂલી શકીએ ? કેટલીક સારસ્વત વ્યક્તિઓ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજે ય કાર્યરત છે. એ કાર્ય ઉત્તમ રીતે ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સાત્ત્વિક પ્રયાસોની જરૂર છે.

આ બધા વિશે આપણે સહિયારો પ્રયાસ કરીએ. એકએક ગુજરાતી પોતાને પોતાની માતૃભાષાનો પ્રતિનિધિ સમજીને કાર્ય કરે તો ‘જય જય ગરવી ગુજરાત’ ગૌરવભેર ગાવાની પાત્રતા તો દાખવી શકશે અને ત્યારે આપણે પણ આત્મશ્રદ્ધાપૂર્વક કહી શકીશું : ‘શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.’

(મુદ્રાંકન સહયોગ : મૈત્રીબહેન શાહ, ‘ગુજરાતી લેક્સિકૉન’)

[રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય, તા. 07.01.2017]

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2017 / માર્ચ 2017 / અૅપ્રિલ 2017 [વર્ષ : 19 • અંક : 05 / 06 / 07]; પૃ. 03-06; 03-05 and 03-04 & 07

Loading

25 April 2017 કુમારપાળ દેસાઈ
← ભારતીય અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો સમન્વય : વનરાજ ભાટિયા
અડવાણીઃ જે પોષતું, તે મરાતું? →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved