‘આત્માનાં ખંડેર‘ —
‘આત્માનાં ખંડેર’ સૉનેટમાળા છે. એમાં, અધ્યાત્મ છે, ‘હું’-નું સત્ય. એ સત્યને ‘હું’-ના રણકારની પીઠિકા પણ મળેલી છે. એ અધ્યાત્મનો ઉમાશંકરની સૃષ્ટિમાં એક અપૂર્વ પ્રૌઢિ સાથે, એક આભા સાથે, બરાબરનો પુટ પણ ભળ્યો છે.

યુવક ઉમાશંકર
સૉનેટમાળા કવિની ૨૪-૨૫ વર્ષની વયે સ્ફુરેલી, એનો રચનાસમય વીસમી સદીની ‘ત્રીસીનો પૂર્વાર્ધ હતો, ૧૯૩૫ સુધીમાં એ માળા પૂરી થઇ હતી. કવિસંવિદમાં અને રચનામાં કોઈ સાતત્યસૂત્ર હોય તો તે છે, આત્મા. કાવ્યકથન એમ કલ્પાયું દીસે છે કે એ આત્મા કેવીક પ્રક્રિયાએ કરીને ખંડેર રૂપ અનુભવાયો, અને છેલ્લે એને શી પ્રતીતિ લાધી.
ગાંધી જેવી વિભૂતિમાં ઉમાશંકરને જે વ્યક્તિતાનું દર્શન થયું હતું તેથી સાવ બીજા જ છેડાની દિશામાં આ કાવ્યનાયકની વ્યક્તિતા છે. એ યુવક છે. પહેલા સૉનેટમાં દર્શાવાયું છે એમ એ ‘આગંતુક’ છે, ‘અતિથિ’ છે. પૂર્વ દેશ, પુર, ટેકરી, સિન્ધુ અને શ્હૅરના સંદર્ભો વચ્ચે એણે ‘આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી’ ઉષાને ઊગેલી દીઠી છે, અને એનો આત્મા પુલકિત થઈ ગર્જી ઊઠ્યો છે – ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’. જો કે એને સમજાયું હતું કે ભલે વિશ્વને વ્યાપી જવા સ્ફુરેલો, છતાં, એ ‘અહંઘોષ’ હતો, અને ખાસ તો ‘વ્યથા’ વધારનારો હતો. જો કે, તેમછતાં, એનું રહસ્ય તો એમાં જ હતું, અહમ્-માં! એટલે, નાયકને ‘કાલસ્થલના મહા વિસ્તારો’ ‘હું-વિણ શૂન્યસરખા’ લાગ્યા છે. જણાવે છે, ‘હતું સૌ : એ સાચું! હતી પણ ખરી હું-ની જ મણા’. એટલે પ્રશ્ન સ્ફુર્યો કે કેવી રીતે ‘વિના હું બ્રહ્માણ્ડે કવન કરતે વિશ્વરમણા?’
કાવ્યનાયક યુવકને એક તરફ સમજાય છે, અહમ્-નો એવો મહિમા, પણ બીજી તરફ એમ પણ સમજાય છે કે માનવજાતિ તો ‘મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ’ માગે છે. એટલે એને પ્રજ્ઞાની જરૂરત વરતાય છે. સૃષ્ટિની ‘પરથમ પલકે સરેલી’ અને અન્તે ‘મનુજ રૂપમાં ઉત્ક્રમવતી’ ‘ચેતનતણી તણખ’-ની જરૂરત વરતાય છે – તણખ એવી કે જેથી પોતે ‘વિકસીને આગે’ પ્રગટ ‘પ્રજ્ઞાપુરુષ’ બની શકે.
પ્રકૃતિરમણીનાં નવનવાં રૂપો એને આમન્ત્રે છે, છતાં જણાવે છે કે પોતાને તો ‘અમૃતે મનુષ્યે છાયેલી’ ઉરની કુંજ જ પ્રિયતર છે. એટલે તો એણે પ્રકૃતિમૈયા પાસે ‘પયઘૂંટ’ માગ્યો છે ને પ્રાર્થના કરી છે, ‘રે ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા, …’ વળી, સંતોષ પણ ધાર્યો છે, ‘નજર ટૂંકી નથી, દૃષ્ટિફલક ટૂંકો નથી, જગત ટૂંકું નથી.’ અને તેથી આંખને કહ્યું છે કે જનસ્વભાવના કીમતી ‘બહુયે પ્રકાર’ જે છે, એ એને જુએ. વળી, હૃદયને પણ કહ્યું છે,
‘અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે’.
એણે આત્મતત્ત્વ અને વિશ્વ વચ્ચે જનમેલી એવી બધી સમવિષમ અવસ્થાઓ સ્વીકારી લીધી છે; છતાં, વાત તો વણસે જ છે. કહે છે,
‘અધીરપભર્યા ભાવે વેણુ સુણી’તી વસંતની,
નીરખી’તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ,
શરદસરમાં દીઠી હોડી સરંતી મયંકની,
પણ ક્હીંય તે આ હૈયાને થયો નવ સ્પર્શ કો’.
એટલે એને થાય છે કે,
‘મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી’.
જો કે, એ જ મૃત્યુને કહે છે,
‘મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’
‘આઇ થિન્ક ધૅઅરફર આઇ ઍમ’ એટલું જ નહીં, પણ ‘હું છું’ માટે જ વિશ્વ છે એવી શૈલીનો ઉદ્રેક કાવ્યનાયક યુવકનું પ્રસ્થાનબિન્દુ છે. પરન્તુ એની અન્તિમ પ્રતીતિ યથાર્થના ખણ્ડેરની છે, પોતાના અને માનવજાતના આત્માનાં ખણ્ડેરની છે.
જરા વીગતે જોઈએ —
“આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી’ એ પ્રથમ ઉષા (૨૩૧) અને સોળમા સૉનેટની ‘અફર એક ઉષા’, એ બન્ને વચ્ચેની આખી પ્રક્રિયા, ઉમાશંકરની કાવ્યપ્રવૃત્તિની તેમ જ જીવનપ્રવૃત્તિની પણ એક પ્રકારે નિર્ણાયક ભાસશે. એમાં આશા છે, નિરાશા છે, ઉત્સાહ છે, ઉદ્વેગ છે, ભ્રાન્તિ છે, નિર્ભ્રાન્તિ છે. એ પ્રક્રિયાનું દાર્શનિક પરિણામ છે, કરુણ અનુભૂતિ, કહે છે :
‘આત્મા તણા અરધભગ્ન ઊભેલ અર્ધાં
ખંડેરની જગપટે પથરાઈ લીલા’. (૨૪૦).
અહમ્-નો મહિમા એ પ્રક્રિયામાં, સ્વાભાવિકપણે જ કેન્દ્રમાં છે. અહમ્-માં નાયક ‘કાલસ્થલના સૌન્દર્યખચિત વિસ્તારો’-નો ઉલ્લેખ કરે છે, અને નૉંધે છે કે
‘પણ હું વિણ સૌ શૂન્ય-સરખાં’. (૨૩૨).
નગરમાં આવ્યો ત્યારે પોતે ‘આગંતુક’ હતો, ‘અતિથિ’ હતો, છતાં, આત્મબળથી છલકાતો હતો, મનુજ રૂપે ઉત્ક્રમવતી ચેતન-તણખથી સભર હતો. (૨૩૩). અને તેથી, મહત્ત્વાકાંક્ષી હતો. એ સવારે મહત્ત્વાકાંક્ષા ગરજી ઊઠેલી :
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા. (૨૩૨).
એ જુએ છે કે સામે છે તેવો જ માનવસિંધુ અહીં આ નગરમાં ય ગર્જે છે પરન્તુ સામેના અણમૂલ રત્નોથી સભર સમુદ્ર જેવો એ સત્ત્વસભર નથી. અને, સંક્ષુબ્ધ માનવરાશિ તો ‘મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ’ ઝંખે છે. (૨૩૩).
કાવ્યનાયક યુવકને થાય છે કે પોતે એ દિશામાં કંઈક કરી શકે એમ છે. એનામાં આકાંક્ષા મ્હૉરી છે કે પેલી તણખને વિકસાવીને ‘આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું’, પણ એને સમજાયું કે એ તો ‘અશક્યાકાંક્ષા’ છે. (૨૩૩).
એને શ્રદ્ધા તો એ હતી કે પોતે પ્રજ્ઞાપુરુષ રૂપે વિકસી શકે, પણ હવે, એ શ્રદ્ધાને બદલે એને વિશેની શંકાથી એ વિહ્વળ છે. તેથી અધીર થઈ જાય છે. તાલાવેલી અને આગ્રહની મિશ્ર બાનીમાં વિશ્વજનનીને પ્રાર્થે છે, કે, ‘દે પયઘૂંટ મૈયા’. એ પાંચમા સૉનેટની કાવ્યબાની સદ્યોવેદી છે :
‘રે ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારાને
ન પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!’ (૨૩૪).
વિશ્વમૈયાને કરેલી પ્રાર્થનાથી કાવ્યનાયક યુવકની મોટા થવાની મહત્ત્વાકાંક્ષાનું નિરસન થાય છે. એને સમજાય છે કે એ મહત્ત્વાકાંક્ષા માત્ર અશક્ય છે એટલું જ નહીં, વ્યામોહપૂર્ણ પણ છે. એની હવે સમજ બંધાઈ છે કે મૈયા-શિશુના સાત્ત્વિક અનુસન્ધાન વિના મોટા ન થવાય —
‘એ દૂધથી છૂટી, ભ્રમે જ થવાય મોટા’. (૨૩૪).
કારકિર્દીના પ્રારમ્ભે, “વિશ્વશાન્તિ” વખતે, એ જ નામના કાવ્યમાં, ઉમાશંકરના કાવ્યનાયકને ‘મંગલ શબ્દ’ ‘ચેતનમન્ત્ર’ ભાસેલો. ‘તેજભાનુ શા ગાંધી ઊગ્યા’ ત્યારે લાગેલું કે
‘આનંદે વનમાં જેવી કૂજે છે કુંજ કોકિલા
એવી આત્મન્ કોકિલાઓ કૂજે છે પ્રભુની લીલા’.
પણ હવે એ આત્મન્ કોકિલાઓ ઊડી ગઈ છે, આત્માનાં ખણ્ડેર બચ્યાં છે. નખી સરોવર પર એને ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમૅળે’-નો ‘ધ્યાન-મન્ત્ર’ લાધ્યો હતો. એ મન્ત્ર પણ હવે પોતાની વાસ્તવિક છટાઓ ધરવા લાગ્યો છે.
“વિશ્વશાન્તિ”-સમયની એ આશા-શ્રદ્ધાઓનું અહીં યથાર્થની ભૂમિ પર પર્યવસાન થયું છે. એ યથાર્થમાં અધિકૃત ‘હું’ કેન્દ્રમાં છે અને એ કેન્દ્રથી સત્યનો આલોક પ્રભવ્યો છે. એ એક લાક્ષણિક બોધ છે – માનવીય અસ્તિત્વ અને આ વિશ્વને જોડતી કડીના અભાવનો બોધ, જીવનના વાહિયાતનો બોધ, ઍબ્સર્ડનો બોધ. એને એક ઉપલબ્ધિ કહી શકાય. ઉપલબ્ધિ કાવ્યના નાયકની જ નહીં, વ્યક્તિ ઉમાશંકરની જ નહીં, પરન્તુ મનુષ્યમાત્રની.
કાવ્યનાયક યુવકે એ સત્યનો સાક્ષાત્કાર કર્યો, એટલું જ નહીં, એ વાહિયાતને સરળતાપૂર્વક વધાવી લીધું; સમજની જ્યોત પ્રગટે એવી સમુદાર અને માનવબાળને છાજે એવી શરણાગતિનો ભાવ ધારણ કર્યો, સમર્પણશીલતા ધારણ કરી, અને એને પ્રતીતિ થઈ કે —
‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે ….’, (૨૪૧).
(‘આત્માનાં ખંડેર’ વિશે – ક્રમશ:)
(09/09/24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર