ભારતમાં ભીમતાલથી માંડીને દક્ષિણ ભારતનાં અને ગુજરાતનાં ૬૦થી ય વધુ નાનાંમોટાં ગામોની જનતાને ગાંધીકથાની રસલહાણ કરાવ્યા પછી, આદરણીય નારાયણભાઈ દેસાઈ લંડન અને લેસ્ટરના રહેવાસીઓને ગાંધીજીના જીવનસંદેશની વાતો કરવા માટે આવ્યા, એ આપણા સહુનું સદ્દભાગ્ય છે. કથાકારના સ્વાસ્થ્યની જાળવણી અને ઇંગ્લૅન્ડ, કેનેડા તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની થનારી યાત્રા સુપેરે પાર પડે તેનું આયોજન કરવા માટે તેમનાં પુત્રી સંઘમિત્રાબહેનનો સાથ કેટલો અનિવાર્ય છે, તે અનુભવ્યું. સમગ્ર વાર્તા શૃંખલામાં મોતી સમાન પ્રસંગોચિત ગીતોને ભદ્રાબહેન સવાઈ અને નરેન્દ્રભાઈ શાસ્ત્રીનો સ્વર-સથવારો સાંપડ્યો અને સ્થાનિક કલાકારો પણ એમાં ઉત્સાહે જોડાયાં તેથી એ પાંચેય દિવસનું કથાશ્રવણ ખૂબ મધુરું અને યાદગાર બની રહ્યું.
૩૦ જાન્યુઆરી ૨૦૦૩ને દિવસે નારાયણભાઈએ ગાંધીજીનું જીવનચરિત્ર, ‘મારું જીવન મારી વાણી’ લખવાનું કામ સમાપ્ત કર્યું. ચાર ગ્રંથોમાં આકાર પામેલ આ સાહિત્યને આજની, સમયના અભાવ વચ્ચે જીવતી, પ્રજા વાંચશે કે કેમ એવો વિચાર એમને આવ્યો. એનો ઉપાય સૂઝ્યો. એમને થયું કે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વાર્તા કરતો હતો, તો આ સમગ્ર જીવનચરિત્રને કથાના રૂપમાં પ્રસ્તુત કરીશ તો લોકો સાંભળશે જરૂર. તેઓએ અમદાવાદના સાબરમતી આશ્રમ અને સેવાગ્રામનાં મળીને કુલ ૨૩ વર્ષ ગાંધીજીના અત્યંત નિકટના સાન્નિધ્યમાં ગાળેલાં ત્યારે એ મહાપુરુષની જીવનપદ્ધતિ અને કામથી પોતાના જીવનમાં અંદરબહાર અજવાળાં થયાનો જે અનુભવ થયેલો અને અનુભૂતિ સહુ શ્રોતાઓને પણ થાય એ હેતુથી ગાંધીકથા કરવાનાં પગરણ મંડાયાં.
•••••
ગાંધી–કથાના રમમાણ પારાયણી નારાયણ દેસાઈ
લંડન મધ્યે થયેલી કથાનો પ્રારંભ નારાયણભાઈએ આ કર્તવ્યની પ્રેરણા આપવા માટે પરમાત્માને, જેના જીવનની આ કથા છે તે મહાત્માને અને આ કથા જેને સમર્પિત કરી તે લોકાત્માને વંદન કરીને કર્યો, તે એમની નમ્રતા સૂચવે છે. ‘જેનામાં પ્રકાશ હોય તે લોક અને બાકી તે ભીડ’, એવી વ્યાખ્યા આપીને એમણે શ્રોતાઓ પાસેથી ઉચ્ચ વૈચારિક ભૂમિકાની અપેક્ષા વ્યક્ત કરી એ નોંધનીય છે. પાંચ દિવસની અસ્ખલિત વાણી-સરિતાને એક નાના લેખમાં સમાવવી અશક્યવત્ છે, તેથી સમગ્ર કથાશ્રવણના અનુભવમાંથી મુખ્યત્વે શું શું આપણા વિચાર અને આચારમાં અનુકૃત કરી શકીએ, તે નોંધવા કોશિશ કરું છું.
ગાંધીજીના જીવનનું પહેલું લક્ષણ તે એમની સત્યપ્રિયતા અને એનાથી દોરવાયેલ તેમના વર્તનમાં છે. બાળક માટે સત્ય બોલવું સહજ હોય છે, પણ બાળક મોટું થાય તેમ ભય, લોભ અને વાસનાનાં આવરણ ચડે એટલે અસત્ય બોલવા લાગે. ગાંધીજીને આ આવરણ ન ચડ્યું. તેથી સત્યાચરણ એમના માટે સહજ બન્યું. સાત વર્ષની ઉંમરે શ્રવણની પિતૃભક્તિ અને નવ વર્ષની વયે રાજા હરિશ્ચન્દ્રનાં નાટકો જોયાં અને તે પછી જે કંઈ વાંચતા તેમાંથી ન ગમે તે ભૂલી જવું અને ગમે તે તરત આચરણમાં મૂકવું, એ આદતને કારણે તેઓ મોહનમાંથી મહાત્મા થયા. પિતા કરમચંદ ગાંધી પાસે સોનાનું કડું ચોરીને દેવું ભરવાની ભૂલ કબૂલ કરી ત્યારે કબા ગાંધીની વેદના આંખ દ્વારા ટપકી, એ ગાંધીજી માટે અહિંસાનો પહેલો પદાર્થપાઠ હતો. એવી જ રીતે કુમારાવસ્થામાં ધણી બનેલા મોહનના હુકમો કસ્તૂરબાઈ દલીલો કર્યા વિના સાંભળી લેતાં, પણ એ ન્યાયી ન હોવાને કારણે એનો અમલ ન કરતાં, જે ગાંધીજી માટે સવિનય કાનૂન ભંગનો દાખલો બની રહ્યો. આમ પોતાની પ્રકૃતિમાં સત્યને વળગી રહેવું સહજ હતું, તો બીજા ગુણો અન્ય પાસેથી શીખ્યા અને પોતાના જીવનમાં ઉતાર્યા.
લંડન માંહેની ગાંધી–કથા ટાંકણે, નરેન્દ્ર શાસ્ત્રી, ભદ્રા વડગામા, હંસા પુરોહિત, પૂજા શાહ તેમ જ ભદ્રા સવાઈનું, નારાયણ દેસાઈ દીધાં ગાંધીગીતોનાં વૃંદગાનનું, એક દૃશ્ય
દરેકમાં કંઈક સારપ છે એવી શ્રદ્ધા હોવી તે ગાંધીજીનું બીજું લક્ષણ ગણાવી શકાય. આથી જ તો એમના વિરોધીઓ ગણાવી શકાય તેવા અનેકાનેક લોકો સાથે તેઓ શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી શકતા અને મોટા ભાગની વાટાઘાટો હકારાત્મક નિર્ણયમાં પરિણમતી. તેઓ માનતા કે સદ્દગુણો જોવા તે બારી-બારણાં છે અને દુર્ગુણો જોવા તે ભીંતો છે. કોઈના ઘરમાં બારણાંમાંથી જઈએ તો અતિથિ કહેવાઈએ અને ભીંતો તોડીને જઈએ તો ચોર કહેવાઈએ. જેની સાથે સંબંધો બાંધવા હોય એમના વિચારો અને હૃદય સુધી પહોંચવું હોય તો બારણાંમાંથી જવાય, દિવાલ તોડીને જઈએ તો પોતાનું માથું અફળાય અને એ વ્યક્તિ સુધી પહોંચી પણ ન શકાય. બીજાંની સારપ માટે કેવો હકારાત્મક અભિગમ ? આ મહામાનવનું ત્રીજું લક્ષણ એ હતું કે તેઓ દરેકને તેનાં પદ, જ્ઞાતિ, ધન કે ધર્મના લેબલ વિના માત્ર માનવ તરીકે જોતા. તેથી જ દરેકને એમ લાગતું કે ગાંધીજી તેમને જ સંબોધે છે. બે મિનિટની મુલાકાતમાં ગાંધીજી પોતાની જાતને બીજામાં ઉલેચી નાખે છે એવું અનેક લોકોએ અનુભવ્યું છે. રાજાજીએ કહેલું કે ગાંધીજી સાથે જેને મતભેદ હોય એને એમ લાગતું કે પોતાના કરતાં ગાંધીજી એમને વધુ સારી રીતે સમજી શકે છે !
નારાયણભાઈએ ગાંધીજીના જીવનને સમજવા એક બાજુ ઉપરોક્ત લક્ષણો સામે અંગુલિનિર્દેશ કર્યો, તો બીજી બાજુ, એમના વિચારો સમજવા એક આંખને વિચારોના તત્ત્વ તરફ અને બીજી આંખને વિચારોના તંત્ર તરફ સ્થિર કરવા અનુરોધ કર્યો. જે વિચારો સ્થળકાળને અનુરૂપ હોય અને તેના બદલાવા સાથે વિચારો પણ બદલાય તે તંત્ર અને જે સ્થળકાળથી પર હોય તે તત્ત્વ. આ ખ્યાલની સ્પષ્ટતા કરતા કહ્યું કે તે સમયમાં ભારતમાં વ્યાપ્ત બેકારી અને ગરીબીને દૂર કરવા માટે ભારતના લોકો માટે ખાદીનું અર્થતંત્ર સ્વીકારવું જરૂરી લાગ્યું હતું, પણ સમય જતાં આજીવિકા મેળવવા તેના સિવાય તત્ત્વ રૂપ વિચાર એટલે કે શોષણવિહીન બીજાં સાધનો સ્વીકારવા માટે પણ ગાંધીજી એટલા જ તૈયાર હતા. એટલે ખાદીનો સ્વીકાર અને પ્રચાર-પ્રસાર એ તંત્રગત વિચાર છે, જ્યારે અહિંસા અને સત્યનું પાલન કરવું તે સ્થળ-કાળની પરની જરૂરિયાત છે, માટે તે તત્ત્વગત વિચાર છે. જો આ ખ્યાલ સમજીશું તો આપણે કહી શકશું કે સત્ય, અહિંસા અને સહિષ્ણુતાની ત્યારે હતી એટલી જ આજે જરૂર છે અને આવતી કાલે પણ રહેશે; માટે ગાંધીજી આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ રહેશે.
આજે આપણે જેને વિશ્વમાનવ તરીકે ઓળખીએ છીએ તે મોહનદાસ ભણવામાં કંઈ હોશિયાર નહોતા, પણ ચારિત્ર્ય માટેની ચીવટ ગજબની, આથી જ તો બાળપણમાં ચોરી કર્યાની અને ખોટું બોલ્યાની કબૂલાત કરીને સન્માર્ગે વળ્યા. ઇંગ્લૅન્ડમાં આવ્યા ત્યારે અંગ્રેજી સમાજમાં ભળવાના વ્યામોહને સારુ આદરેલો પારાવાર ખર્ચ ‘કોહમ્’નું ભાન થતાં જ ત્યાગીને સાચે રસ્તે પડ્યા અને પર સ્ત્રીના સંગમાં ન પડવાની માતા પૂતળીબાઈ પાસે લીધેલ પ્રતિજ્ઞામાં બે વખત શિથિલતા આવતી જણાઈ ત્યારે મિત્રના ટોકવાથી તત્કાળ ચરિત્ર સ્ખલનમાંથી જાતને બચાવી લીધાના દાખલા નારાયણભાઈએ ખૂબ ૠજુતાથી કહી સંભળાવ્યા. લંડનના અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીનું ઘણી રીતે ઘડતર થયું. મોટાભાઈએ ફર્નિચર વેંચીને અને પત્નીનાં ઘરેણાં ગિરવે મૂકીને ભણવા મોકલ્યા છે એ ખ્યાલ આવવાથી ખોટા ખર્ચ ઘટાડીને અત્યંત સાદાઈથી રહેવા લાગ્યા. પાઈએ પાઈનો હિસાબ ભાઈને લખી મોકલતા, જે આદત એમણે જીવનપર્યંત રાખી અને સંસ્થાઓનો હિસાબ સહુની જાણ માટે ખુલ્લેઆમ મળી શકતો. આવી પારદર્શકતા એમની પ્રામાણિકતામાંથી જ જન્મી. નાનપણમાં અભ્યાસક્રમની બહારનું વાંચન ખાસ વિશાળ નહોતું, પણ લંડન આવીને ગાંધીજીએ ફ્રેન્ચ, લેટિન અને વિજ્ઞાનના ઘણા વિષયોનો અભ્યાસ કર્યો એટલું જ નહીં પણ ગીતા અને બાઇબલ પણ વાંચ્યાં. ધર્મનો મર્મ સમજવાના અંકુર અહીં ફૂટ્યા. વાંચનનો એમનો આ શોખ ચાલુ રહ્યો, જેને કારણે એમના જીવનની દિશા બદલાઈ એવાં પુસ્તકો પણ વાંચ્યાં. ઇંગ્લૅન્ડમાં જ ગાંધીજીને નાગરિકત્વની તાલીમ મળી તેમ કહીએ તો ચાલે. જાહેર સ્થળોની સ્વચ્છતા રાખતાં શીખ્યા, બીજાં સાથે બરોબરીનો વ્યવહાર કરતા અને ખુશામત વિનાની વિવેકી ભાષા બોલતાં શીખ્યા. આવું જીવતરનું ભાથું લઈને યુવાન ગાંધી ભારત પાછા ગયા. સંકોચશીલ સ્વભાવને કારણે વકીલાતની પ્રેક્ટિસ જમાવતાં કેટલી મથામણ અનુભવવી પડી, તેના વર્ણન સાથે પહેલા દિવસની કથા વિરમી.
બીજા દિવસની કથાનો આરંભ દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની વકીલાત અને સત્યાગ્રહનાં મંડાણથી થયો. મૂળ પોરબંદરના, માંડ ત્રણ ધોરણ સુધીનું અક્ષરજ્ઞાન મેળવેલ દાદા અબ્દુલા દક્ષિણ આફ્રિકામાં પોતાના ગણતરને આધારે મોટા સફળ વેપારી થયા. એમના પિતરાઈ ભાઈ સાથેના હિસાબના ઝઘડામાં વકીલાત કરવા ગાંધી ડરબન પહોંચ્યા. કેઇસ વેપારના હિસાબ અંગેનો હતો અને બારિસ્ટર હોવા છતાં ગુમાસ્તા પાસે દેશી હિસાબ શીખ્યા. એ બતાવે છે કે એમને અજ્ઞાન કબૂલ કરવામાં શરમ નહોતી અને નાના માણસ પાસેથી કંઈ શીખવામાં નાનમ નહોતી. બે ભાઈઓ કોર્ટે ચડ્યા તેમાં વકીલોનાં ખીસ્સાં ભરાય અને અસીલોનાં ખાલી થાય તે ગાંધીને ન રુચ્યું તેથી પરસ્પર સમજૂતીથી કેઇસ પતાવ્યો. દાદા અબ્દુલા જીત્યા, પણ ગાંધીજી એમના પિતરાઈ ભાઈ આટલી મોટી રકમ એક સાથે કેવી રીતે ભરી શકે એની ચિંતા સેવે. હારેલા પિતરાઈ ભાઈ પાસેથી હપ્તેથી રકમ લેવા દાદા અબ્દુલ્લાને મુશ્કેલીથી સમજાવ્યા. આથી સામા પક્ષનો અસીલ ગાંધીને ચાહવા લાગ્યો અને ત્યારથી તેઓ મિસ્ટર ગાંધીમાંથી ‘ગાંધી ભાઈ’ બન્યા.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને રંગદ્વેષ ઉઘાડે છોગ જોવા મળ્યો. ગોરા લોકો અશ્વેત પ્રજાને અન્યાય તો કરે, પણ અશ્વેત પ્રજા એ સહન પણ કરે, તે એમને ન ગમ્યું. આથી જ એક પછી એક પ્રસંગે ગાંધીજીનો અન્યાયી વર્તન અને નિયમો — કાયદાઓનો વિરોધ શરૂ થયો, જેમાંથી પ્રથમ સત્યાગ્રહનો જન્મ થયો. સૌ પ્રથમ ડરબનની કોર્ટમાં જજે એમને પાઘડી ઉતારવાનો હુકમ કર્યો, જેનો ગાંધીજીએ સવિનય વિરોધ કર્યો, જે માન્ય રખાયો. તે પછી ડરબનથી પ્રિટોરિયા જતી પિટર મોરિત્ઝબર્ગ સ્ટેશને પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં, અશ્વેત હોવાને કારણે, ધક્કો મારીને ઉતારી મૂકવામાં આવ્યા અને આગળ સિગરામમાં મુસાફરી કરતાં પણ અપમાનજનક આક્રમક વર્તન સહેવું પડ્યું, તે વખતે ક્ષણિક નબળાઈ મનનો કબજો જમાવી ગઈ અને ગાંધીજીને થયું, જ્યાં ડગલે ને પગલે અપમાન થાય છે ત્યાં ક્યાં આવ્યો ? ઘડી ભર દેશ જતા રહેવાનું મન થયું. પણ તરત વ્યક્તિને બદલે સમષ્ટિનો વિચાર આવ્યો અને થયું કે આ અન્યાય માત્ર મને જ નહીં, આખી કોમને ભોગવવો પડે છે. આજે આ બનાવની ફરિયાદ કરું તો એક માણસને સજા થાય, પણ મારા પછી બીજા લોકોનું શું થાય ? આમ પરિસ્થિતિનાં મૂળમાં જઈને એને બદલવાથી જ પરિવર્તન આવે એમ સમજ્યા. સાથે જ જુલમનો વિરોધ કરો, જુલમીનો નહીં. અન્યાયી પદ્ધતિ બદલો. એનો અમલ કરનાર માણસને માફ કરો. જેમ આપણે રોગને કાઢીએ છીએ, રોગીને નહીં અને શિક્ષક અજ્ઞાનનો વિરોધ કરે છે પણ અજ્ઞાનીનો નહીં. એ નીતિ હંમેશને માટે અપનાવી. તેથી જ તો બધા સત્યાગ્રહોને અંતે, ભલે જીત પ્રજાની થઈ હોય, પણ એથી જેની સામે સત્યાગ્રહ કર્યો હોય તે વ્યકિતઓ સાથે કડવાશ ભર્યા સંબંધો એમને નથી થયા.
દક્ષિણ આફ્રિકાની આ ઘટના પછી ગાંધીજી ખરા અર્થમાં દ્વિજ થયા. પ્લેટફોર્મ પર પડેલા ગાંધી કરતાં ઊભો થયેલો ગાંધી આચાર-વિચારે જુદો હતો. અન્યાયનો સામનો કરવો હોય તો કોમમાં સંગઠન હોવું જરૂરી છે અને સંગઠિત કોમને દોરવા પ્રબળ નેતૃત્વની જરૂર છે એ હકીકત પોતે સમજ્યા. સારા નેતા તરીકે પોતાના આરામદાયી જીવન અને આર્થિક લાભોનું બલિદાન કરીને દૃષ્ટાંત પૂરું પાડ્યું જેની અસર કોમ પર ઘણી પડી અને બદલામાં કોમ પાસેથી જાતિ અને ધર્મના ભેદ ભૂલીને એકતા સાધવાનું એલાન કર્યું. અહીં એક વાત નોંધવી જરૂરી છે કે ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહો સંસ્થાનવાદ સામે નહીં પણ રંગદ્વેષના વિરોધમાં થયેલા. એક તરફ ગાંધીજીની રાજકીય ચળવળોનો વ્યાપ વધતો જતો હતો, તો બીજી તરફ એમનું વ્યક્તિગત પરિવર્તન પણ ઝડપથી થતું હતું. આ સમય ગાળામાં એમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને એવાં તારણ પર આવ્યા કે બધા ધર્મોનાં મૂળ તત્ત્વો એક છે. એમણે કહ્યું કે આપણે જો ધર્મને મા સમાન માનતા હોઈએ તો બીજાની માનો તિરસ્કાર કરીને પોતાની માનો આદર ન સચવાય. એટલે જ અધર્મનો વિરોધ કરવો, અધર્મીનો નહીં, એમ પોતે જીવપર્યંત આચરીને બતાવ્યું અને બીજાંને પણ એમ કરવા અનુરોધ કર્યો. ધર્મ અને જ્ઞાતિની સીમાઓ કોમની એકતા અને સંગઠનમાં બાધા રૂપ લાગ્યાં એટલે દાખલો બેસાડવા વિવિધ ધર્મોના અને જ્ઞાતિઓના માણસોને પોતાના ઘરમાં રાખ્યા એટલું જ નહીં, ઘરનાં બધાં જ કામ બધાં માટે જાતે કરવા લાગ્યા અને બીજાં પાસે કરાવ્યાં. આમ આજીવિકા રળનાર વકીલમાંથી સમાજની નિઃશુલ્ક સેવા કરનાર સુધારક આપણને સાંપડ્યો. એ અરસામાં જ જ્હેન રસ્કિનની સામાજિક સમાનતા અને ન્યાયી અર્થવ્યવસ્થાનાં સિદ્ધાંતો, ટોલસ્ટોયના શોષણવિહીન સામૂહિક જીવનના આદર્શો અને શ્રીમદ્દ રાજચંદ્રની ધર્મો પ્રત્યેની તટસ્થતા અને જીવન પ્રત્યેની અનાસક્તિની ગાંધીજી પર ઘેરી અસર પડી. પોતાને ગમે તે વિચારનો અમલ કરવો એ સિદ્ધાંતના ન્યાયે એ ત્રણેય મહા ચિંતકોના વિચારોને મૂર્તિમંત કરવા ડરબનથી ૧૧ માઈલ દૂર જમીન ખરીદી, તેના પર જાત મહેનતથી મકાનો બાંધી, ખેતી કરીને ગુજરાન ચલાવી શકાય તેવો ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. આમ ગાંધીજીએ આશ્રમીજીવન દ્વારા સમાજ પરિવર્તનનાં મૂળ દક્ષિણ આફ્રિકામાં નાખ્યાં. આમ જુઓ તો મોટા ભાગના ગાંધીજીનું જીવનચરિત્ર લખનારાઓ અને દુનિયાના અદના આદમીઓએ પણ એમનું રાજકારણી પાસું જ વધુ દીઠું છે. અહિંસક લડાઈ કરનારા, બ્રિટિશ સલ્તનતનો પાયો હચમચાવનાર અને ભારતને આઝાદી અપાવનાર તરીકે એમને વધુ માન મળે છે, પણ નારાયણભાઈએ કહ્યું કે એમનું વ્યક્તિત્વ આંબા જેવું હતું, જેનાં મૂળમાં ઊંડું આધ્યાત્મિક ચિંતન, થડમાં અર્થકારણ અને સમાજસુધારણાના વિચારો (જેને કારણે તેઓ કરોડોનાં દિલ સુધી પહોંચ્યા) અને એના ફળ સ્વરૂપ રાજકીય પ્રવૃત્તિઓ ગણાવી શકાય. તેથી જ ગાંધીજીએ કહેલું કે મને લોકોએ જાણવો હોય તો ચંપારણ કે ખેડાના સત્યાગ્રહ મારફત નહીં પણ ફિનિક્સ અને સાબરમતી આશ્રમથી જાણજો.
દક્ષિણ આફ્રિકાના લાંબા વસવાટ દરમિયાન ગાંધીજીએ અનેક નિયમો, કાયદાઓ અને અન્યાયી વર્તનોનો વિરોધ, બહિષ્કાર અને સત્યાગ્રહ કર્યો, જેમાં ગિરમીટિયાઓ માટે ઘડેલા અન્યાયી કાયદાઓ, મૂળ ભારતીય લોકો પર લદાયેલ ત્રણ પાઉન્ડનો કર અને રજિસ્ટ્રી સિવાયનાં લગ્નોને ગેરકાયદે ગણવા જેવા કાયદાઓ સામેની શાંતિપૂર્ણ લડાઈ મુખ્ય ગણાવી શકાય. પ્રજાહિતના રક્ષણ માટેની આ ચળવળો દરમિયાન પત્ની કસ્તૂરબા સહિત અન્ય સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાઈને જેલનું કઠિન જીવન જીરવવાની હિંમત બક્ષી અને સમગ્ર શોષિત પ્રજામાં અહિંસાના માર્ગ પર દૃઢપણે આગળ વધીને અત્યાચારો સહન કરવાથી એમની જ જીત થશે એવા વિશ્વાસનું વાવેતર કર્યું. ગાંધીજીના ઓળખપત્ર પર દસ આંગળાંની છાપ દેવા જવાના નિર્ણયની વિરુદ્ધમાં તેમનો જાન લેવા ગોળીઓ છોડનાર મીર આલમને ક્ષમા બક્ષવાથી એ કૃદ્ધ મીર આલમ ગાંધીને પીર માનીને આગળ જતાં સત્યાગ્રહમાં જોડાયો, એટલું જ નહીં, પણ સામે ચાલીને એમનો અંગરક્ષક બન્યો. એવી જ રીતે લગ્ન વિષયક કાયદાનો અમલ કરાવનાર જનરલ સ્મટ્સ પ્રત્યેના વિવેકપૂર્ણ વ્યવહાર અને પ્રેમથી સેન્ડલ બનાવીને ભેટ ધરીને દિલ જીતી લેવાથી ગાંધીનો કટ્ટર વિરોધી એમનો મિત્ર બન્યો. અહિંસક સત્યાગ્રહની સામા પક્ષના હૃદય જીતી લેવાની શક્તિ કેવી અમાપ છે ? સત્યાગ્રહના અમોઘ શસ્ત્રને ગાંઠે બાંધીને ગાંધીજી ભારત પાછા વળ્યા, જેની વિગતો ત્રીજે દિવસે સાંભળશું એવા વચન સાથે બીજા દિવસની કથા સમાપ્ત થઈ.
ઇ.સ. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમને માટે ભારત પાછા આવ્યા. મુંબઈમાં ભદ્ર લોકોએ અને બીજાં અનેક સંગઠનોએ દક્ષિણ આફ્રિકામાં તેમણે મૂળ ભારતના લોકોના અધિકારોની રક્ષા માટે કરેલ કામની પ્રશંસા કરવા એમનું સન્માન કર્યું. એ સભાઓમાં બીજા આગેવાનો અંગ્રેજીમાં બોલતા, જ્યારે ગાંધીજી ગુજરાતીમાં બોલે, નહીં તો હિન્દીમાં અને જરૂર પડે તો અંગ્રેજીમાં પણ બોલતા. ભાષાના માધ્યમથી બહોળા સમાજ સુધી પોતાની વાત પહોંચાડવાની એમની રીત પ્રચલિત બની. ગોખલેએ ગાંધીજીનું હીર પારખ્યું અને કાઁગ્રેસની મહાસભામાં એમની ઓળખ આપતાં કહ્યું, ‘મોહનદાસ ગાંધી જેવો પવિત્ર, હિંમતવાળો અને દેશભક્ત બીજો કોઈ નથી જન્મ્યો.’ ભારતની પ્રજાને આંખ-કાન ખુલ્લાં રાખીને જાણવાની અને એક વરસ સુધી જાહેરમાં ન બોલવાની ગોખલેની અંગત સલાહને ગાંધીજીએ શિરોધાર્ય કરી અને દક્ષિણ આફ્રિકામાં મોભો જાળવવા માટે પહેલા દરજ્જામાં બેસવાનો આગ્રહ રાખનાર એ વકીલ સમાજ સેવા અર્થે પ્રજાની ઓળખ મેળવવા રેલવેના ત્રીજા વર્ગમાં બેસીને આખા દેશનું ભ્રમણ કરવા લાગ્યા. ક્રમશઃ ગાંધીજી અને પ્રજા પરસ્પરને સમજતા થયા. એવી જ રીતે તેઓએ મુંબઈના દલિત છાત્રાલય, મહિલા સમાજ, જ્ઞાતિ મંડળો, વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષના નેતાઓની મુલાકાતો લીધી. કાઁગ્રેસના નરમ દળની નમ્રતા, ગરમ દળની તીવ્રતા, ક્રાન્તિકારીઓની બહાદુરી, સ્વાર્પણ અને જાન ફના કરવાની ભાવનાની એમણે નોંધ લીધી અને પોતે એ બધા ગુણો આત્મસાત કર્યા. વાઇસરોયને ‘ભારત છોડો’નું એલાન આપતા પત્રમાં Dear Friendનું સંબોધન કર્યું હોય કે કોઈ નાની સંસ્થાના અદના કર્મચારીને પોતાની વાત સમજાવતા હોય તેમાં નરમ દળની નમ્રતાનો ગુણ દેખાયો. ૧૯૪૨માં ‘કરેંગે યા મરેંગે’નું એલાન કર્યું, તેમાં ગરમ દળની તીવ્રતાની અસર છતી થઈ. બધી ચળવળો અને સત્યાગ્રહોમાં પોતે અને તમામ સત્યાગ્રહીઓએ બ્રિટિશ સરકારના સૈનિકોને હાથે માર ખાઈને, જેલવાસ ભોગવીને, ભૂખ સહીને અને આર્થિક સંકડામણ ભોગવીને સ્વાપર્ણનું દૃષ્ટાંત પૂરું પાડ્યું અને જાન ફનાનો પુરાવો તો આપણને ૩૦ જાન્યુઆરીને દિવસે મળી જ ગયો.
સ્વદેશગમનના શરૂઆતના સમયના દેશાટન દરમિયાન ગાંધીજીને ભારતમાં પ્રવર્તતા ધર્મ, ભાષા અને રિવાજોનું વૈવિધ્ય, લોકોની આર્થિક વિટંબણાઓ, ધાર્મિક સંકુચિતતા અને કુરિવાજોમાં ફસાયેલા લોકોની કૂપમંડૂકતા, વિરોધી માનસ ધરાવનારાઓની પ્રજાકીય એકતામાં આડખીલી રૂપ બનતી પ્રવૃત્તિઓ અને બેશુમાર ગરીબીનો ખ્યાલ આવ્યો. હીર હણાયેલી, અબૂધ અને વિખંડિત પ્રજાના હાથમાં સ્વતંત્ર દેશની ધૂરા સોંપી ન શકાય એ સમજાયું. સમાજને બેઠો કરવા એક જગ્યાએ ઠરી ઠામ થઈને કામ કરવાની જરૂર જણાઈ. હરિદ્વાર અને વૈદ્યનાથ ધામ જેવાં ધાર્મિક રીતે મહત્ત્વનાં સ્થળોએ આશ્રમ સ્થાપવાના આમંત્રણને નકારીને અમદાવાદમાં એક તરફ જેલ અને બીજી તરફ સ્મશાન છે તેવી જ્યાં દધિચી ૠષિનો આશ્રમ હતો એ ભૂમિ પર જાત મહેનતથી સાબરમતી આશ્રમ સ્થાપ્યો. શહેરના શ્રેષ્ઠીઓએ બે વરસ માટે આશ્રમનો આર્થિક બોજો ઉપાડવાની બાંયધરી આપી એટલે ‘પોતાના લોકોની સેવા હું માતૃભાષા દ્વારા ઉત્તમ રીતે કરી શકું’ એવા ગાંધીજીના વિચારને મૂર્તિમંત કરવાનું શક્ય બન્યું. એ આશ્રમમાં રહેવા આવનાર પાસે તેના નિયમો જે પછીથી ‘જીવન વ્રત’ તરીકે ઓળખાયા, તેનું પાલન કરવાની અપેક્ષા રખાતી. આ સ્થળ સમગ્ર ક્રાન્તિના આધ્યાત્મિક, રાજકીય અને આર્થિક વિચારોની પ્રયોગશાળા બની ગયું. આશ્રમનો ઉદ્દેશ હતો : ‘જગહિતની અવિરોધી એવી દેશ સેવા’. આજે તો હવે પડોશી સાથે દુઃશ્મનાવટ તે દેશ સેવા એવો મંત્ર રાજકારણીઓનો છે, એવી ટકોર નારાયણભાઈએ કરી.
ગાંધીજી પાસે દેશ આખામાંથી અનેકાનેક બાળકો, યુવાનો, બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, વકીલો, ધનવાનો અને વિચક્ષણ રાજકારણીઓ આવ્યા. એ મહાપુરુષની વાતો સાંભળી, સમજી, એમના કામમાં જોડાયા. મોટા ભાગના જીવન પર્યંત સાથે રહ્યા અને ઘણા ખરા તો ગાંધીજીના મૃત્યુ પછી પણ પોતાના જીવનના અંત સુધી એ જ કામ કરતા રહ્યા. આટલી મોટી સંખ્યામાં, જીવનનાં આટલાં બધાં ક્ષેત્રોમાંથી, આટલી ઊંચી કક્ષાની શક્તિઓ ધરાવનારા કાર્યકર્તાઓ દુનિયામાં બીજા કોઈ નેતાને મળ્યા નહીં હોય. વિનોબાજી કહેતા તેમ ગાંધીજીમાં હૃદય ચુંબકની શક્તિ હતી. તે વખતે ઘણા લોકો કાં તો મોક્ષનો માર્ગ શોધતા હતા અથવા દેશભક્તો ક્રાન્તિકારી માર્ગની શોધમાં ભટકતા હતા. વિનોબાજી અને બીજા અનેક લોકોને આ બન્ને માર્ગ ગાંધીજીમાં મળશે એમ લાગ્યું તેથી એ બધાએ પોતાનું જીવન એમને સમર્પિત કર્યું. આશ્રમી જીવન પદ્ધતિમાં સામૂહિક પ્રાર્થના બહુ મહત્ત્વની હતી, જેનાથી વ્યક્તિગત મોક્ષને બદલે સામૂહિક શિસ્ત કેળવાઈ અને સામૂહિક હિત સાધવાની ભાવના જન્મી, જે ધર્મ નિરપેક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતામાં પરિણમી. સામૂહિક સફાઈ એ આશ્રમી જીવનનું બીજું લક્ષણ, જેને કારણે નાગરિકતાની તાલીમની સાથે સાથે જ્ઞાતિની ઊંચ-નીચના ખ્યાલો દૂર થવાને કારણે સામાજિક ક્રાન્તિ લાવવામાં મદદ થઈ. આશ્રમી જીવનની ત્રીજી વિશેષતા તે સામૂહિક કંતાઈ, જેને પગલે શ્રમનું ગૌરવ, સ્વનિર્ભરતા અને શોષણવિહીન અર્થ તથા સમાજ વ્યવસ્થાની સમજણ કેળવાઈ. નારાયણ દેસાઈએ કહ્યું કે ‘આશ્રમનો સ્થાયી ભાવ હતો ‘આનંદ’. મારું બાળપણ ત્યાં વીત્યું. તેથી Bliss was to be young with Gandhi.
ગાંધીજી, તેમના કુટુંબીજનો અને સાથીદારો હજુ તો આશ્રમ સથાપીને ઠરીઠામ થયા ન થયા, ત્યાં જ પહેલા સત્યાગ્રહનું આહ્વાહન આવી પહોંચ્યું. બિહારના ચંપારણ જિલ્લામાં દુનિયાની ૮૦ ટકા ગળીનું ઉત્પાદન થતું હતું. એ ખેતરોના માલિકો ગોરા અને એના ભાવ નક્કી કરે લંડન – પારિસના વેપારીઓ. ખેડૂતો એક વીઘા જમીનમાંથી ત્રણ ગૂંઠા(તીન કઠિયા)માં ગળી વાવવા બંધાયેલા. જો ગળી ન વાવે તો એમને ખાનગી જેલોમાં પૂરે, ફટકા મારે અને એમનાં ઘરો બાળી મૂકાતા. આ અત્યાચાર લગભગ ૧૦૦ – ૧૨૫ વર્ષ ચાલ્યો, જેનો ત્રણેક વખત હિંસક સામનો પણ થયેલો. અહીં સમજવું જરૂરી છે કે હિંસક વિરોધ રોકવા માટે સરકાર પાસે સાધનો હોય છે તેથી તેમાં ખેડૂતોને સફળતા ન મળી, પણ અહિંસક પ્રતિકાર રોકવા માટેનાં સાધનોથી સરકાર અજાણી હતી માટે એમાં સફળતા મળી ! આ અન્યાયી કાયદો દૂર કરાવવા માટે ગળીના ખેડૂતોએ ગાંધીજીની મદદ માગી. જમીન અંગેના કાયદાઓ સમજવા તેઓ પહેલાં વકીલોને મળ્યા એટલું જ નહીં પણ નીલવરોની વાત પહેલાં સાંભળી અને લગભગ ચાળીસેક વકીલોની નિઃશુલ્ક સેવા મેળવીને ચારેક હજાર ખેડૂતોની ફરિયાદો એકઠી કરીને સરકારને એક નિષ્પક્ષ તપાસ સમિતિ નીમવાની ફરજ પાડી. એ તપાસ સમિતિમાં નીલવરો, કમિશનરો, બિહાર ધારાસભા અને સરકારના બબ્બે પ્રતિનિધિઓ, જે બધા ગોરા હતા અને માત્ર એક ગાંધીજી જ ખેત મજૂરોના પ્રતિનિધિ હતા છતાં આ કાયદો ગેરવ્યાજબી છે એવું સર્વાનુમતિથી ઠરાવવામાં આવ્યું. એ બતાવે છે કે ગાંધીજીમાં શોષક વર્ગના જુલમોથી શોષિતો પર ગુજારાતી યાતનાઓ હિંમતપૂર્વક રજૂ કરવાની અદ્દભુત શક્તિ હતી. આ કિસ્સામાં પોતાના પર થતા જુલમોનું બયાન આપવાનું સમજાવીને ગાંધીજીએ ખેતમજૂરોને નિર્ભયતા શીખવી. અસીલોની વાતને અતિશયોક્તિ વગર સરકારી અધિકારીઓની હાજરીમાં લખવાનું કહીને એમણે વકીલોને પ્રમાણિકતા પ્રબોધી. નીલવરો તથા સરકારી અધિકારીઓને પહેલાં અભયદાન આપ્યું. પછી તેમને કાયદાનો તટસ્થતાથી વિચાર કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનું કહીને નીતિમત્તાનો પાઠ ભણાવ્યો. વકીલો બ્રાહ્મણેત્તરના હાથની રસોઈ ન જમતા તેની સાથે રસોઈયાઓ લાવેલા, જેમને પાછા મોકલીને સામૂહિક રસોડે જમતા કર્યા, જેથી જ્ઞાતિની સમાનતા સહેજે કેળવાઈ. ગાંધી એકલો પડશે તો ગોળીએ ઉડાવીશ, એવી ધમકી આપનાર નીલવરને, પોતે સવારના ચાર વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી ખેતમજૂરો અને વકીલોથી ઘેરાયેલા હોવાથી, રાત્રે ત્રણ વાગે ઊઠી, સામે ચાલીને પોતાનું બલિદાન આપવા તેની કોઠી પર ગયા. આવી નિર્ભયતા સામા માણસની સારપ પરના વિશ્વાસમાંથી જ જન્મી હશે.
ચંપારણના સત્યાગ્રહની સફળતાથી પ્રેરાઈને ત્રાવણકોર પાસેના વ્યાઘ્રપાદપુરમ્માં અછૂતો પર મંદિરપ્રવેશની બંધી દૂર કરવા માટે ચળવળ શરૂ થઈ. આ સત્યાગ્રહમાં ગાંધીજીનો સીધો હિસ્સો નહોતો, પણ ક્યાં ય હિંસાનું આચરણ નથી થતું એની ખાતરી કરતા. ખ્રિસ્તી અને શીખ સંગઠનોએ આ લડત લડનારાઓ માટે ખોરાક પૂરો પાડવા તૈયારી બતાવી ત્યારે ગાંધીજીએ ‘હિન્દુ કલંકને કાઢવા સત્યાગ્રહીઓ પોતાના પૈસે જ પ્રશ્ન હલ કરશે તો વધુ બળ મેળવશે’, એમ કહીને એ મદદ નકારી. ચૌદ મહિના સુધી મંદિર તરફ જતા રસ્તા પર અખંડ ભજનો કરીને અસ્પૃશ્ય લોકોએ પોતાની મક્કમતા અને સ્વશિસ્તનો પરિચય કરાવ્યો, જેથી માત્ર એ મંદિર જ નહીં પણ ત્રાવણકોરનાં બધાં મંદિરોનાં દ્વાર એમને માટે ખૂલી ગયાં. આમ ગાંધીચીંધ્યા સત્યાગ્રહના પ્રયોગો વ્યાપક બનતા ગયા, એ વાત સાથે ત્રીજા દિવસની કથા સમાપ્ત થઈ.
ઇ.સ. ૧૯૧૫માં, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે ભારતના લોકો એમના વિચારો અને કાર્ય પદ્ધતિથી અજાણ હતા, પણ પાંચ વર્ષમાં એમને રાષ્ટ્રીય નેતૃત્વ સાંપડ્યું. એમનાથી ઉંમરમાં મોટા અને પ્રજાના મનમાં સફળ નેતાઓ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા, બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના નેતાઓ, જેવા કે, ચિત્તરંજન દાસ, મોતીલાલ નેહરુ, લાલા લજપત રાય, વગેરેએ પહેલાં તો અસહકાર આંદોલનના વિચારનો વિરોધ કરેલો હતો. એ જ નેતાઓ ગાંધીજી સાથે ચારપાંચ દિવસની ચર્ચા કર્યા પછી કાઁગ્રેસમાં ઠરાવ મૂકતા, એને ટેકો આપતા અને એનો અમલ કરવા માટે ગાંધીજીનું નેતૃત્વ સ્વીકારતા થઈ ગયા. એમના આવા નેતૃત્વનું રહસ્ય શું હતું ? એક તો, બ્રિટિશ સરકાર સામે નિઃશસ્ત્ર આંદોલનો કરવા માટેનો કાર્યક્રમ એમની પાસે જ હતો, અને બીજું, એ કે પોતે જે માને તે કરીને બતાવે અને પછી જ બીજાને એ રસ્તે દોરે. આથી જ તો ૧૯૦૫માં બંગાળમાં શરૂ થયેલી વિદેશી માલ વિરોધી ચળવળનો વ્યાપક અમલ ન થયો, જ્યારે ગાંધીજી પોતે સ્વદેશી કપડાં પહેરતાં થયા, સ્વદેશી વસ્તુઓ વાપરતા થયા અને લોકોની ભાષામાં વાત કરીને એ લોકો પણ કઈ રીતે એ વિચારને અનુસરતા થાય એને માટે ખાદી-ગ્રામોદ્યોગનો કાર્યક્રમ ગામેગામ જઈને આપ્યો તેથી સફળ થયા. વલ્લભભાઈ પટેલ ગાંધીજીને ખેડા સત્યાગ્રહ થયો ત્યાં સુધી મળ્યા નહોતા, પણ એમણે જોયું કે મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ ગાંધી સાહેબને સાંભળવા ગયા અને ગાંધી પાસે કાકાસાહેબ કાલેલકર અને કિશોરભાઈ મશરૂવાળા જેવા અનેક લોકો પહોંચી ગયેલા એટલે વલ્લભભાઈને થયું કે આ માણસ સાત્ત્વિક પ્રકૃતિના માણસોને ભેળા કરે છે, ‘જૈસા બોલે તૈસા ચાલે’ની નીતિવાળો છે, તેથી એ અનુસરવાલાયક છે.
ગાંધીજીનો પહેરવેશ સ્થળ-કાળ અનુસાર બદલાતો રહ્યો તે એટલા માટે કે બધામાં એકરસ થવા તેઓ પોષાક પરિવર્તન કરતા. ઇંગ્લૅન્ડ પહેલી વખત ગયા ત્યારે સફેદ સૂટ કરાવેલો, પણ ત્યાં જઈને બધા પહેરે એવો કાળો સૂટ કરાવ્યો. દક્ષિણ આફ્રિકામાં સૂટ પર પાઘડી પહેરતા. ગિરમીટિયાઓ સાથે કામ કર્યું ત્યારે લૂંગી અને ઝબ્બો અને સ્વદેશ આવ્યા ત્યારે કાઠિયાવાડી વકીલને શોભે તેવો પંચ પસાર — પગરખાં, લાંબી ધોતી, ગોઠણ સુધીનો ડગલો, પાઘડી અને ખેસ પહેરતાં. ઓરિસ્સાની યાત્રા દરમિયાન જોયું કે મોટા ભાગની આમ જનતા પાસે તો લાજ ઢાંકવા ય પૂરતાં કપડાં નથી. ‘જૈસા બોલે તૈસા ચાલે’ – એમાં માનનારા ગાંધીજીએ સીવેલ કપડાંનો ત્યાગ કરીને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પોતડી અને ચાદર સ્વીકાર્યાં. દરિદ્રનારાયણના તંત્રની સાથે પોતાના હૃદયના તાર સાંધ્યા. એમણે વિચાર્યું કે ધનિકો પાસે માગે તો કાપડ મળી રહે, પણ એમ કરતાં કરોડો ગરીબો એ ભીખ પર ક્યાં સુધી ટકી શકે ? આમ કરવામાં લેનારાં દીન બને અને આપનારો વગર કારણે ગર્વ કરે. દરિદ્રતાને દીનતા લાવીને નહીં, માનવ સન્માન જાળવીને દૂર કરવાના પ્રયત્નોમાંથી રેંટિયો મળ્યો. પછી તો રેંટિયો માત્ર આજીવિકાનું સાધન જ નહીં, સ્વદેશી માલનો બહિષ્કાર કરીને સ્વરાજની ચળવળ સાથે જોડાયો, એટલું જ નહીં પણ ખાદી પહેરનાર વ્યક્તિ પર લોકો ખૂબ વિશ્વાસ મૂકવા લાગ્યા. એવી એની પ્રતિષ્ઠા બંધાઈ. અહીં આર્થિક અને સામાજિક ક્રાંતિએ જોર પકડ્યું.
૧૯૧૭માં, ચંપારણનો સત્યાગ્રહ થયો ત્યારથી માંડીને ૧૯૪૭માં સ્વરાજ્ય મળ્યું એ ત્રણ દાયકા દરમિયાન ત્રણ રાષ્ટ્રવ્યાપી આંદોલનો થયાં. ૧૯૧૯-૨૧માં અસહકારની ચળવળ, ૧૯૩૦-૩૨ દરમિયાન સવિનય કાનૂન ભંગ અને ૧૯૪૨થી ભારત છોડો આંદોલન થયાં. તે ઉપરાંત પ્રજાની જાગૃતિને પ્રજ્વળિત રાખવા નાનાં સંખ્યાબંધ આંદોલનો થયાં, જે ઘણાં સફળ રહ્યાં. ૧૯૩૦ની પહેલી જાન્યુઆરીની લાહોરની કાઁગ્રેસની બેઠકમાં સવિનય કાનૂન ભંગના આંદોલનોનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સાધન તરીકે ઉપયોગ કરવાનો ઠરાવ પસાર થયો, જેની ધૂરા ગાંધીજીને સોંપવામાં આવી. એ અરસામાં ગાંધીજીએ ભારતની પ્રજાનું હિત જાળવવા વાઇસરોય પાસે ૧૧ મુદ્દાની માગણી રજૂ કરેલી અને એમાંની એક પણ નહીં સંતોષાય તો આંદોલન કરશું એવી ચેતવણી પણ આપેલી. એમાંનો ચોથો મુદ્દો મીઠા પરના કરની નાબૂદીનો હતો. ૧૨મી માર્ચ ૧૯૩૦ને દિવસે ગાંધીજીએ ૭૯ સાથીદારો સાથે કૂચ કરીને દાંડીના દરિયા કિનારે મીઠું પકવ્યું. તે પછી તો ઠેક ઠેકાણે દરિયા કિનારે મીઠું પકાવાયું, લોકોએ કર આપ્યા વિના ખરીદ્યું અને સ્વેચ્છાએ જેલવાસ ભોગવ્યો. બ્રિટિશ સરકાર કાનૂન ભંગની વ્યાપકતા અને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિને કારણે ત્રાહિમામ્ પોકારી ઊઠી. પોતાની લડતોને અસરકારક બનાવવા ગાંધીજી કેટલાક વ્યૂહ ગોઠવતા એ અહીં સમજી લેવા જરૂરી છે. દાંડી કૂચમાં ગાંધીજીની ગિરફતારી પછી એનું નેતૃત્વ અબ્બાસ તૈયબજી અને તેમના પછી સરોજિની નાયડુ સંભાળે એ આદેશ પાછળ મુસ્લિમ અને મહિલાને આગેવાની આપવાનો ય હેતુ હતો. દાંડી કૂચમાં એક પણ મહિલાનો સમાવેશ નહોતો કરાયો તેનો ખુલાસો માગવા ગયેલાં નારાયણ દેસાઈનાં માતા દુર્ગાબહેનને કહ્યું, ‘બ્રિટિશરો આગળ ચાલતી બહેનો પર લાઠી ચાર્જ ન કરે માટે તમે દૂર રહો તેમ ઈચ્છું છું. મને શ્રદ્ધા છે કે અહિંસક ચળવળમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ અસરકારક કામ કરશે. એટલે આના કરતાં વધુ પરાક્રમ કરવાનું હશે ત્યારે બોલાવીશ.’ અને ખરેખર વિદેશી કાપડની દુકાનો અને દારૂનાં પીઠાંઓ પર પિકેટીંગનું કામ મહિલાઓને સોંપ્યું. આજની ભારતની મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રે સમાન તકોના અધિકારી છે તેનાં મૂળ આ સમયમાં નંખાયેલાં. આ આંદોલનોમાં ભાગ લેનારા ભણેલા લોકો જેલ જતાં શીખ્યા, કિશોરોએ ગોળીઓ ઝીલી. વાયવ્ય સરહદ પર નિઃશસ્ત્ર સરઘસ પર ગોળીબાર કરવાનો હુકમ ન ઉઠાવનાર ગઢવાલી ફૌજને દસ વરસની સજા થયેલી. એનો સાર્જન્ટ ચંદનલાલ છૂટીને ગાંધીજીને મળવા સેવાગ્રામ આવેલો. આશ્રમનાં સૌથી વૃદ્ધ મહિલા ગંગાબાને ધ્વજ પકડવાના ગુના બદલ લાઠી વાગી. એટલે ગાંધીજી કહે, તમને ગોળી વાગી હોત તો હું નાચત ! કસ્તૂરબાને કહેલું કે તમે જેલમાં અનશન કરો અને મૃત્યુ નીપજે તો હું તમને જગદંબા કહીશ. આમ સેંકડો વર્ષોથી કચડાયેલાં સ્ત્રી, પુરુષો અને બાળકો તમામને જે બીજા સુધારકો વરસોની મહેનતે કેળવી ન શક્યા તે ગાંધીજીના સ્પર્શે એકાદ કૂચ કે આંદોલનમાં ભયની ધૂળ ખંખેરીને ઊભા થતાં જોવા મળ્યાં છે.
એક તરફ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ જોર પકડતો જતો હતો તો બીજી તરફ બ્રિટિશ સરકારે નેતાઓ સાથે વાટાઘાટો કરવા તત્પર છે, તેવું સાબિત કરવા ગોળમેજી પરિષદ બોલાવી. ૧૯૩૧માં રાજાએ પસંદ કરેલા હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે કોમોના, રાજાઓના, યુરોપના અન્ય દેશોના અને ઉદ્યોગપતિઓના પ્રતિનિધિઓને લંડન બોલાવ્યા. મૌલાના આઝાદના આગ્રહથી કાઁગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી ગયા. આવી વાટાઘાટોમાં લેવાયેલા નિર્ણયોના ભંગ બ્રિટિશ સરકારે પહેલાં કરેલા અને સ્વતંત્રતા અંગે હિન્દુ – મુસ્લિમો વચ્ચે સમાધાન નહોતું થતું, તેથી સ્વતંત્રતા બાબતે ખાસ કંઈ લાભ નહીં થાય એ જાણીને જ એ લંડન આવેલા. ગાંધીજી કહે, મુકમ્મિલ આઝાદી અને બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતનો બરાબરીનો મોભો એ બે માગણી સ્વીકારો તો વચગાળાની વાત કરું. જ્યારે બ્રિટિશ સરકારે કહ્યું, વચગાળાની વાત કરો કેમ કે તમે સ્વરાજને લાયક નથી. હિન્દુ-મુસ્લિમો વચ્ચેના અંટસો વધતા હતા તેમાં અંગ્રેજોએ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવા લલચાવ્યા. ગાંધીજીએ આંબેડકરને કહ્યું, ‘ભારતના ઉત્તર-પૂર્વ અને ઉત્તર – પશ્ચિમમાં મુસ્લિમોની બહુમતી છે. જ્યારે દલિતો તો ગામેગામ છૂટાછવાયા, ગરીબ, અશિક્ષિત અને વધારે ભયમાં મુકાયેલા છે. તમારે એમને કાયમ અછૂત રાખવા છે ? ‘You are a born untouchable, I am untouchable by choice.’ એ વિધાનથી આંબેડકરને ગાંધીજીની દૃષ્ટિ વધુ સમજાઈ. છતાં આ મડાગાંઠનો ઉકેલ તો ગાંધીજીના આમરણાંત ઉપવાસ પછી આવ્યો. સ્વતંત્રતા મળ્યા પછી ગાંધીજીની ભલામણથી જ નહેરુએ આંબેડકરને પ્રધાનમંડળમાં લીધા અને એ બંધારણ સમિતિના વડા બન્યા. વિરોધી પ્રત્યેની ક્ષમા ભાવનાનો આ વધુ એક પુરાવો. દરિદ્રનારાયણના આ પ્રતિનિધિઓની અંગ્રેજ સરકારે લંડનમાં ભારે હાંસી ઉડાવી, પણ એ ઝેરના કટોરા પી જઈને તેઓ તો ઇંગ્લૅન્ડની પ્રજા વચ્ચે રહ્યા. મિલ મજૂરોને મળ્યા. સ્ત્રીઓ અને બાળકો જોડે વાત કરીને તેમને કહ્યું કે અમે બ્રિટિશ પ્રજાના વિરોધી નથી, શાસનકર્તાના શોષણના વિરોધી છીએ. આમ એમણે તો પ્રજાનાં દિલ જીત્યાં, અને એથી જ તો દેશવાસીઓને કહ્યું, ‘ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે આવું છું, પણ મેલા હાથે નહીં.’ એ વિધાન પાછળનો ગાંધીજીના મનનો વિષાદ મનમાં ભરીને ચોથા દિવસની કથાનું સમાપન થયું.
પાંચમા દિવસની કથામાં નારાયણભાઈએ પ્રસંગોના વિવરણને બદલે ગાંધીજીના જીવનના નિચોડરૂપ એમની કેટલીક વિશિષ્ટતાઓ આપણી સામે ધરી તે યોગ્ય જ થયું. ગાંધીજીની ૭૯ વર્ષની આયુમાં છેલ્લાં ૫૦ વર્ષો પ્રવૃત્તિથી ઠસોઠસ ભરેલાં હતાં, જેમાં અનેક પ્રકારના ભેજાવાળા લોકો સાથે કામ પાડવાનું હતું તેથી મતભેદો તો થાય જ, છતાં મનભેદ ન થતા એટલે કોઈ સાથે અંગત સંબંધો ન બગડ્યા. જેની સાથે મતભેદ થાય એના પણ ગુણો શોધે, વિચારો પારખે અને એમાંથી ય સારું ગ્રહણ કરે. પોતાના વિરોધીઓ પ્રત્યે ગાંધીજીને કશો વિરોધ નહોતો, એટલે જ તો ૧૯૨૪માં એમના એપેન્ડિક્સના ઑપરેશન વખતે ત્રણ સગાંની બાંયધરીની જરૂર હતી ત્યારે તિલક અને ગોખલેના શિષ્યો, પણ પોતાને ગાંધીજીના વિરોધી ગણતા એવા એન.સી. કેળકર અને શ્રીનિવાસ શાસ્ત્રી તથા ખાદી ભંડારના ચોથા વર્ગના કર્મચારી હરિભાઉને પોતાના મૃત્યુના ખબર દુનિયાને આપવાની જવાબદારી સોંપી. સામા માણસના વિચારો સાથે મેળ ન પડે, પણ એને વ્યક્તિ તરીકે પોતાના સગાં માની શકવાની શક્તિ ગાંધીમાં જ જોવા મળે છે.
આ મહામાનવે કદી ‘મહાત્મા’ હોવાનો દાવો કર્યો નથી. સિદ્ધ હોવાનો દાવો ય કર્યો નથી. એક માત્ર સાધક હતા. હા, સાધનાથી સત્યની એક પછી એક ટૂંકો ચડતા ગયા. એક ખ્રિસ્તી પ્રશંસક બહેને કહ્યું, ‘ખ્રિસ્તી ધર્મના ત્રણ મુખ્ય આદેશો તમે બરાબર પાળી બતાવ્યા : ‘Love one another; Love thy neighbour as thyself; and, Love thy enemy.’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘મેં એક બીજાને પ્રેમ કર્યો છે, પડોશીને પણ પ્રેમ કર્યો છે, પણ ત્રીજો આદેશ નથી પાળ્યો. કેમ કે, I know no enemies.’ કેવા અજાતશત્રુ હતા એ?!
ગાંધીજીનો બીજો મોટો આગ્રહ હતો સાધનશુદ્ધિનો, જેનું પાલન બધા ન કરી શકતા. ખાસ કરીને રાજકારણમાં. બીજા નેતાઓને પોતાના વર્ગનું કલ્યાણ અને ઉદ્ધાર કરવાની ઈચ્છા રહેતી, જ્યારે ગાંધીજી આખા સમાજનું કલ્યાણ કરો તો એના એક અંગનું પણ ભલું થશે એમ માનતા. આંબેડકરની ‘અસ્પૃશ્યોનું જ કામ કરો તો હું તમારી પાછળ ચાલું’ અને જિન્હાની ‘મુસ્લિમોના જ નેતા બનો તો તમે અમારા નબી’ એવી માગણી પાછળ ગાંધીજીને તેમના ‘જ’ની મર્યાદાનો વાંધો હતો. ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળ પછી બનાવો બહુ ઝડપથી બનતા રહ્યા. બીજા વિશ્વ યુદ્ધના અંતે બ્રિટનમાં ચૂંટાઈ આવેલી મજૂર પક્ષની સરકારે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં જ પોતાનું ભલું જોયું.
નોઆખલીના હત્યાકાંડની હકીકતો જગજાહેર છે, પણ એનાં મૂળ ચાર નેતાઓએ કરેલા વિધાનોમાં છે તે બહુ ઓછા લોકોને જાણ હશે. ૧૯૪૬માં મુસ્લિમ લીગના Direct Action Dayના ઠરાવ વખતે જિન્હા બોલ્યા, ‘અત્યાર સુધી બંધારણીય રીતો અજમાવી. અંગ્રેજો પાસે શસ્ત્રો છે, કાઁગ્રેસ પાસે સત્યાગ્રહ છે, તો આપણી પાસે પિસ્તોલ છે તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.’ લિયાકતઅલી ખાને everything extra constitutional કરવાનું સૂચવ્યું. બંગાળના નિઝામુદ્દીને કહ્યું કે અમારી પાસે અહિંસાની મર્યાદા નથી અને વાયવ્ય સરહદના પ્રાંતના નેતાઓ કહે, લોહીની નદી વિના પાકિસ્તાન નહીં મળે. મુસ્લિમ લીગની મિનિસ્ટ્રી કલકત્તામાં હતી માટે ત્યાં direct action શરૂ થયું અને ઉપરોક્ત ચારેય વિધાનોને મૂર્તિમંત કરતી ભીષણ હત્યાઓ થઈ. પછી તેનો બદલો લેવા નોઆખલીનો હત્યાકાંડ થયો, જેને રોકવા તત્કાલીન સરકાર નિષ્ફળ ગઈ. ગાંધીજી અને એમના સાથીદારો જેના પર અત્યાચાર થયો એમને નિર્ભય બનવા અને જેણે અત્યાચારો કર્યા એમને પોતાના ધર્મનો ખરો અર્થ સમજવા આજીજી કરવા ગામેગામ ફર્યા. જરૂર લાગી ત્યારે ઉપવાસ પણ આદર્યા. છેવટ શાંતિ સ્થપાઈ. જે કામ લશ્કરની બટાલિયન ન કરી શકી તે આ મુઠ્ઠીભર લોકોએ કર્યું. અહીં એ નોંધવું જરૂરી છે કે નોઆખલીમાં જેટલા હિન્દુઓની હત્યા થઈ તેના કરતાં દોઢ ગણા મુસ્લિમોની હત્યા બિહારના છ જિલ્લાઓમાં થયેલી.
સત્તાની ફેરબદલી કરવાના આશયથી લૉર્ડ માઉન્ટબેટન ભારત આવ્યા ત્યારે જોયું કે કાઁગ્રેસને અવિભાજિત ભારત મળે તેવી ઈચ્છા હતી, પણ મુસ્લિમ લીગને વિભાજિત દેશમાંથી અલગ પાકિસ્તાનથી કંઈ ઓછું ખપતું નહોતું. ગાંધીજી સોલોમનના ન્યાયમાં માનતા હતા. એક દેશના ભાગલા ન પડે તે માટે સરકાર પાસે નવ મુદ્દાની રજૂઆત કરી, જેમાં કહેલું, જિન્હાને ભારતના વડા પ્રધાન બનાવો, કારોબારીના બધા સભ્યો પણ એ ભલે પસંદ કરે, દેશના હિતમાં હોય એવા કાયદાઓ ઘડે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા મુસ્લિમ લીગ જેવી બિન સરકારી સેનાઓ ન રહેવી જોઈએ, વગેરે સૂચનો આપેલા. સાથે એમ પણ કહેલું કે કાઁગ્રેસના નેતાઓ સાથે હું વાત કરીશ. લોકોને સમજાવવા દેશ આખામાં ફરીશ. છતાં જો મતભેદ થાય તો રાજાના પ્રતિનિધિ તરીકે નહીં પણ વ્યકિત તરીકે માઉન્ટબેટન નિર્ણય આપે તે સ્વીકારીશું. મૌલાના અબ્દુલ કલામ આઝાદે કહ્યું કે આ વ્યવહારુ સૂચન છે અને જિન્હા પણ સ્વીકારશે. પણ માઉન્ટબેટને કહ્યું, બીજા પણ વિકલ્પો છે. આમ આ શરતો દુનિયામાં કોઈ ન જાણે એની બ્રિટિશ સરકારે કાળજી કરી.
છેવટ સ્વતંત્રતાની ઘડી આવી પહોંચી. જેણે ભારત ભૂખંડ પર એક પણ વખત પગ નહોતો મૂક્યો, એની પ્રજા, એની ભાષાઓ, સંસ્કૃતિ, એની નદીઓ, પહાડો વિષે શૂન્ય જ્ઞાન ધરાવનાર એવા મિસ્ટર રેડક્લીફને તટસ્થ માણસ ગણાવીને ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા દોરવાનું કામ સોંપાયું. સ્વરાજ્યની ઉજવણીને ઊની આંચ ન આવે તેથી ભાગલા ક્યારે થશે અને સીમા રેખા ક્યાંથી પસાર થશે એ મોડું જાહેર કર્યું. તેથી ડરના માર્યા લોકોએ વધુ હિંસા કરી. સિંધ, વાયવ્ય સરહદ અને પંજાબના ગોરા ગવર્નરોએ માઉન્ટબેટનને પ્રજાની હેરાફેરીનું શું પરિણામ આવશે એનું ચિત્ર નહોતું દોરી આપ્યું અને સરદાર પટેલ તથા નેહરુને કેટલી સંખ્યામાં હિજરત થશે, એનો અંદાજ નહીં હોય. તેથી કહ્યું કે અમે પરિસ્થિતિ સંભાળી લઈશું. પણ એ નિર્ણય ખોટો હતો. તેનાથી લાખોની જાનહાનિ થઈ.
સ્વાતંત્ર્ય મળ્યા પછી ગાંધીજીની સ્થિતિ સ્વર્ગારોહણ વખતે યુધિષ્ઠિરની હતી તેવી હતી. એમના હિન્દ સ્વરાજનું સ્વપ્ન ચૂર ચૂર થઈ રહ્યું. ‘કાગડા, કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું’ એમ કહીને સાબરમતી આશ્રમ છોડેલો. તો સ્વરાજ મળ્યા પછી કોઈએ પૂછેલું, હવે સાબરમતી જશો ને ? ત્યારે એમણે જવાબ આપ્યો, ‘મારા સ્વપ્નનું સ્વરાજ નથી મળ્યું.’ મનુબહેનની ડાયરીમાં એક નોંધ જોવા મળે છે : તા. ૩૦.૧.૧૯૪૭. આજે બાપુએ કહ્યું, હું પથારીમાં પડ્યો પડ્યો મરું તો છાપરે ચડીને કહેજે, આ માણસ મહાત્મા નહોતો. પણ પ્રાર્થના કરવા જતો હોઉં, કોઈ મને ગોળી મારે ત્યારે મારા મોંમાં રામનામ હોય અને સામા માણસ માટે કડવાશ ન હોય તો કહેજે, એ ભગવાનનો ભગત હતો.
કથાનું સમાપન કરતાં નારાયણભાઈએ કહ્યું કે ધર્મ માત્રનો ઉદ્દેશ માણસને એક બીજાની નજીક લાવવાનો છે. ધાર્મિક સંગઠનોમાં એટલું નુકસાન ન થયું જેટલું વિચારોની જડતાથી થયું. બીજાની વાત ખોટી, મારી સાચી. માથાના આકારની ટોપી બનાવવાને બદલે ટોપીના આકારના માથાં બનાવવાના વિચારથી અધર્મ ફેલાયો. એમાંથી ઝનૂન, ધર્માન્ધતા અને કટ્ટરતાને જન્મ મળે છે. કટ્ટરતા ધર્મના તત્ત્વ કરતાં બાહ્યાચાર અને ચિહ્નો પર વધુ ધ્યાન આપે છે. એને જૂની અને પોતે સમજે એવી વિચારધારામાં જ રસ પડે છે. આપણા દેશની આવી કટ્ટરતાએ ગાંધીની હત્યા કરી. લાહોરમાં એક મુસ્લિમ નેતાએ કહેલું તેમ ગાંધીની હત્યા ગોડસેએ નહીં, એમની વાત ન સાંભળનારા આપણે બધાએ કરી છે.
ગદ્યમય કથા અહીં પૂરી થઈ. પૂર્ણાહુતિ સમયે ગવાયેલ અત્યંત ભાવપૂર્ણ ગીતથી કેટલાંકને એવો અનુભવ થયો કે જાણે તેઓ બિરલા ભવનના ગાંધીજીનાં પદચિહ્નો પર પગ મૂકીને પ્રાર્થનાભૂમિ તરફ ચાલી રહ્યાં છે. હત્યાના સાક્ષી બન્યા. સ્મશાનયાત્રામાં જોડાયા અને છેવટ રાજઘાટ પર યાત્રા ખતમ થઈ. અદ્દભુત અનુભૂતિ હતી એ. છેલ્લે મૌન સાથે સૌ વિખેરાયા ત્યારે માનવમહેરમણની આંખના ખૂણા ભીના હતા.
નારાયણભાઈના મુખે ગાંધી-કથા અને સ્વરચિત ગીતોને સુંદર સંગીતરચના સાથે તથા મધુર કંઠે સાંભળવી એ એક પર્વની ઉજવણીમાં ભાગ લેવા સમું બની રહ્યું. તે પછી આ આનંદને વાગોળતાં પ્રશ્ન થયો કે ગાંધીના નામ સાથે ‘કથા’ અને ‘નામમાળા’ જેવા રૂઢિગત શબ્દો જોડીને આપણે શું એમને ‘ભગવાન’ની કોટીમાં મૂકવા માગીએ છીએ ? એમના નામે ધર્મ શરૂ કરવો છે ? તો પછી એમનાં મંદિરો બનશે, એમના નામની પથ્થરની મૂરત બનશે. દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પાયાના માનવતાવાદી મૂલ્યો જ પ્રબોધે છે અને એના સ્થાપકો બરાબર એ પ્રમાણેનું જીવન જીવી બતાવે છે. સમય જતાં એ જ ધર્મના અનુયાયીઓ મૂળભૂત સિદ્ધાંતોનું ખોટું અર્થઘટન કરવા લાગે અને ધર્માચરણનો માર્ગ ચાતરી જતા જોવા મળે છે. સદીઓ પછી લોકો એવી દલીલ કરે છે કે ધર્મ સંસ્થાપકો ભગવાનના અવતારો હતા. આપણાથી એમના જેવું જીવન શે જીવાય ? જ્યારે ગાંધીજી તો મોહનમાંથી મહાત્મા બન્યા તે જેવો વિચાર તેવો આચાર કર્યો તેથી જ. વિનોબાજીએ કહેલું તેમ મહાત્માએ કહ્યું છે તેને પ્રમાણ માનીને ન ચાલો, તમે પોતે જ વિચારીને નિર્ણય કરો. નારાયણભાઈ દેસાઇની કથામાંથી એવો બોધ મળ્યો કે આપણે ગાંધીજીને આપણામાંના જ – મહામાનવ (પણ અતિમાનવ નહીં) ગણીએ. એમની લાક્ષણિકતાઓ જાણીએ અને શક્ય તેટલું આપણા જીવનમાં ઊતારીને એ પ્રમાણે જીવન જીવીએ. આટલું કરીશું તો કથાકારને સાચી દક્ષિણા આપી ગણાશે.
°°°°°°°
પોતીકા કુંડાળાને વિસ્તૃત કરીએ
– ભદ્રા સવાઈ
ઇંગ્લૅન્ડની બે ગાંધીકથા પૂરી કર્યા બાદ, વિદાય સમારંભમાં, નારાયણભાઈએ કેટલાક ચિંતનાત્મક વિચારોને આજના સંદર્ભમાં બહુ જ ચોટડૂક રીતે લોકો સમક્ષ મૂક્યા.
વિપુલ કલ્યાણીએ પ્રસ્તાવનામાં વાત મૂકી કે અમે વિલાયતમાં લઘુમતીમાં છીએ એટલે કેટલુંક કાર્ય ઈચ્છીએ તો પણ કરી શકતા નથી. આ વાતને નારાયણ દેસાઈએ પકડી લઈ કહ્યું કે આ દેશમાં તમે લઘુમતીમાં હો તો બીજા દેશોમાં અને ભારતમાં વસતી લઘુમતીઓ માટે તમે સમદુખિયા બની શકો. જ્યારે જ્યારે બીજી લઘુમતીઓ પર દુર્વ્યવહારો થાય છે ત્યારે તેને માટે તમારી સહાનુભૂતિ હોવી જોઈએ. પણ ભારતમાં જ્યારે કોઈ પ્રસંગ બને છે ત્યારે ત્યાંની બહુમતીની વસ્તીને આપણે ટેકો આપતાં હોઈએ છીએ. આવું કેમ ?
સંપ્રદાયવાદ, ભોગવાદ, લશ્કરવાદ — આ ત્રણ રોગ વિશ્વને ખતમ કરી શકે છે. મહાભારતમાં યયાતિની જે વાર્તા છે, એ આજે આપણે બધાને લાગુ પડે તેમ છે. યયાતિને જીવનનાં ભોગો ભોગવવાં હતાં. વધારે જીવવું હતું. વધારે ઉપભોગ કરવો હતો. એટલે પોતાના દીકરાઓની યુવાની માંગી લીધી. આપણે આપણા ભોગવાદને જેટલો વધારીશું તેટલું આવતી પેઢીને માટે ખતમ કરતાં જઈશું.
ગાંધીજીએ આ અંગે ઉપાય બતાવ્યા જ છે. સત્ય, અહિંસા અને સાદું જીવન. ગાંધીજીએ અહિંસાના માર્ગે આઝાદી અપાવી એ પ્રેમનો, કરુણાનો માર્ગ હતો. તેથી અંગ્રેજો સાથેના વ્યવહારમાં ક્યાં ય કટુતાનો પ્રવેશ થયો નથી. એનો લાભ બીજા દેશોને પણ મળ્યો છે. વળી મૂળ ભારતીયો આફ્રિકા જેવા દેશોમાંથી પરત આવીને ઇંગ્લૅન્ડમાં વસ્યા છે તેઓને જે લાભ મળ્યો છે તે ગાંધીના અંગ્રેજો સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો અને અહિંસક માર્ગે મેળવેલી આઝાદીના પરિણામ સ્વરૂપે છે એ આપણે ભૂલવું નહીં જોઈએ.
આપણા કૂંડાળાને આપણે વિસ્તૃત કરવા પડશે. મૈત્રીના સંબંધોને વિકસાવવા પડશે. સાદા જીવનનો સ્વીકાર કરવો પડશે.
[25, Karuna Society, Nava Vadaj, AHMEDABAD – 380 013, India]
સૌજન્ય : “ઓપિનિયન”, 26 ઑક્ટોબર 2008; પૃ. 12-17