હિન્ડનબર્ગ કોણ છે અને શું કરે છે એનું રહસ્ય શોધી કાઢવા માટે બી.જે.પી.ના આઈ.ટી. સેલના લોકોની અને વિચક્ષણ દેશભક્તોની જહેમતની જરૂર નથી. હિન્ડનબર્ગે પોતે જ તેની વેબસાઈટ પર કહ્યું છે કે, તે “… specialises in forensic financial research…” ફોરેન્સિકનો અર્થ તો તમે જાણો છો. ગુનેગાર અને ગુનાના સ્વરૂપને પકડવા માટે પોલીસ ફોરેન્સિક તપાસ કરતી હોય છે. હિન્ડનબર્ગ પોતાના વિષે કહે છે કે તે એવા લોકોને શોધે છે (કહો કે શિકાર કરે છે) જેનો સિતારો અચાનક ચમક્યો હોય, જેણે સફળતામાં હરણફાળ ભરી હોય, જે શાસકો સાથે મધુર સંબંધ કરાવતા હોય, પ્રશાસનમાં અને વિશેષ કરીને વ્યવસાયિક તેમ જ નાણાંકીય નિયમન વ્યવસ્થામાં વગ ધરાવતા હોય અને પોતાના હિતમાં તેનો ઉપયોગ કરતા હોય. ટૂંકમાં જે શાસકોના બગલબચ્ચા હોય અથવા શાસકો તેના બગલબચ્ચા હોય. દેખીતી રીતે આવા લોકોનું પાથરણ મેલું જ હોવાનું અને એ મેલ શોધવાનું કામ હિન્ડનબર્ગ કરે છે.
પણ શા માટે આવું કામ કરે છે? જો તમે એમ ધારતા હોય કે એ જાહેર હિત ખાતર સત્યને શોધી કાઢવા માટે આ બધું કરે છે તો તમારી ધારણા ખોટી છે. આ કામ પત્રકારોનું છે, કેન્દ્ર સરકારનાં નાણાંખાતાનું છે, ધંધાકીય પવૃત્તિનું નિયમન કરનારી (જેમ કે સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા – સેબી) એજન્સીઓનું છે. પત્રકારનું કામ સત્યને ઉજાગર કરવાનું છે અને બીજાનું કામ સામાન્ય નાગરિકનાં હિતોનું રક્ષણ કરવાનું છે. પણ આજકાલ પત્રકારત્વ અને નિયમન કરનારી એજન્સીઓની સ્થિતિ કેવી છે એ તમે ક્યાં નથી જાણતા. એ બન્ને ઉપર કહ્યા એવા ઠગ માટે કામ કરે છે. એક ઠગનું પાપ છૂપાવે છે અને બીજા ઠગને મદદ કરે છે. માટે હિન્ડનબર્ગે નવો માર્ગ શોધી કાઢ્યો છે અને એ માર્ગ છે, ઉઘાડાં કરીને કમાવાનો. આ જગતમાં અનેક પ્રકારનાં ધંધા વિકસ્યા છે જેમાં હિન્ડનબર્ગે આ ધંધો પકડ્યો છે. આજની દુનિયામાં આજના આ ક્રોની કેપિટાલીઝમના યુગમાં ઠગ શોધવા મુશ્કેલ નથી.
હિન્ડનબર્ગ ઉપર કહ્યું એ રીત અપનાવીને શિકાર શોધે છે. એની બારીકમાં બારીક વિગતો શોધે છે અને તેની છણાવટ કરે છે. એને જ્યારે ખાતરી થાય કે તેની (એટકે કે શિકારની) પોતાના બળ આધારિત ખરી કિંમત માત્ર ચાર આનાની છે અને ભાઈબંધ શાસકો, શાસકીય વ્યવસ્થા, નિયમન તંત્ર અને મીડિયાને મેનેજ કરીને પોતાની કિંમત એક રૂપિયાની કે તેનાથી પણ વધારે હોવાની હવા બનાવી છે ત્યારે હિન્ડનબર્ગ ફૂગાને ફોડે છે. એ પ્રમાણો સાથે સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે આ કંપનીના શેરની પોતાની વાસ્તવિક કિંમત ચાર આના છે, પણ માર્કેટમાં તેનો ભાવ રૂપિયો છે તો એનો અર્થ એ થયો કે ૭૫ ટકા ભાવ ફૂગાવેલો ભાવ છે. એ બહારથી ખરીદેલી અને ઉપજાવી કાઢેલી તાકાત છે તેની પોતાની તાકાત નથી. અને પછી હિન્ડનબર્ગ એ કંપનીના શેર ૭૫ પૈસામાં માર્કેટમાં વેચે છે. આને શોર્ટ સેલિંગ કહેવામાં આવે છે. શેર બજારમાં શોર્ટ સેલિંગ કોઈ નવી વાત નથી, હિન્ડનબર્ગનું શોર્ટ સેલિંગ અલગ પ્રકારનું છે. તે એ ટાર્ગેટ કરેલી કંપનીને પડકાર ફેંકે છે કે માર્કેટમાં ભાવ ટકાવી બતાવે એટલું જ નહીં જો અહેવાલ ખોટો હોય તો નુકસાન ભરપાઈનો હિન્ડનબર્ગ સામે અદાલતમાં જઇને દાવો કરી શકે છે. આવો પડકાર હિન્ડનબર્ગે ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અદાણી જૂથ સામે ફેંક્યો હતો અને તેના શેરમાં શોર્ટ સેલિંગ કર્યું હતું.
એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. અદાણીના શેરમાં ગાબડું પડ્યું હતું, અદાણી જૂથના શેરોમાં થયેલા કડાકાને પરિણામે કંપનીની માર્કેટ કિંમતમાં ૧૫૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો, કંપનીએ માર્કેટમાં આવી રહેલા આઈ.પી.ઓ. (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મુલતવી રાખવો પડ્યો હતો અને હિન્ડનબર્ગે શોર્ટ સેલિંગ દ્વારા ૪૦ લાખ ડોલરની કમાણી કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી કઈ રીતે અદાણી જૂથને મદદ કરી રહ્યા છે એની પ્રમાણો સાથે વિગતો આપીને જોરદાર ભાષણ કર્યું હતું અને તેનું વેર વાળવા સરકારે સૂરતની અદાલતના ચુકાદાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ કર્યું હતું. વડોદરાની અદાલતે રાતોરાત ઉતાવળે આપેલો ચુકાદો અને સ્પીકરે એટલી જ ત્વરાએ સભ્યપદ રદ્દ કરવાનો લીધેલો નિર્ણય હજુ તાજી ઘટના છે.
લોકસભામાં ત્યારે ભા.જ.પ.ની પોતાની અને શાસક મોરચાની પ્રચંડ તાકાત હતી એટલે વિરોધ પક્ષો સરકારને વધારે ઝૂકાવી શક્યા નહોતા. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો હતો અને સર્વોચ્ચ અદાલતે બીજી માર્ચ ૨૦૨૩ના રોજ શેર બજારનું નિયમન કરનારી ‘સેબી’ને આદેશ આપ્યો હતો કે બે મહિનાની અંદર આ મામલાની તપાસ કરીને અહેવાલ રજૂ કરે. ભારતમાં ન્યાયતંત્રનો ઉપયોગ માફક ન આવે એવી ચીજને લટકાવવા માટે કરવામાં આવે છે તો જગજાહેર છે અને આવું જ બન્યું.
હવે હિન્ડનબર્ગે કહ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે જે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું છે એ ‘સેબી’નાં અધ્યક્ષ માધવી પૂરી બૂચે અને તેમનાં પતિ ધવલ બૂચે અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું હતું અને એ રીતે લાભાર્થી હતાં. હવે માધવી પૂરી આ વાતનો સ્વીકાર તો કરે છે, પણ પછી બચાવ કરે છે કે તેઓ ‘સેબી’ના અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ વાત છે. આ બચાવ લૂલો છે, કારણ કે હિન્ડનબર્ગ પણ કહે છે કે તેઓ ‘સેબી’નાં અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ ઘટના છે, પરંતુ એ એ સમયની ઘટના છે જ્યારે માધવી પૂરી બૂચ ‘સેબી’નાં સભ્ય હતાં અને ‘સેબી’માં દરેક સભ્ય એક સરખો દરજ્જો (વન એમંગ ઇકવલ) ધરાવે છે. બીજું સર્વોચ્ચ અદાલતે જ્યારે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું ત્યારે નૈતિક ધોરણને અનુસરીને માધવી પૂરીએ સર્વોચ્ચ અદાલતને જાણ કરવી જોઈતી હતી તેમનો અદાણી સાથે સંબંધ હતો એટલે તેઓ આ તપાસમાં ભાગ નહીં લે. આ તો સર્વસામાન્ય નૈતિક રિવાજ છે. જજો પણ આવી સ્થિતિમાં કેસ નથી સાંભળતા અને પોતાને અંગ્રેજીમાં કહીએ તો રેસ્ક્યુ કરે છે. માધવી પૂરીએ આ કરવું જોઈતું હતું.
હવે સ્થિતિ પલટાઈ ગઈ છે. હવે લોકસભામાં બી.જે.પી. પાસે બહુમતી નથી અને શાસક મોરચો પણ પાતળી બહુમતી ધરાવે છે. વિરોધ પક્ષો યોગ્ય રીતે જ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અદાણી જૂથનું કામકાજ, તેની રીતરસમ અને ‘સેબી’ની ભૂમિકા વિષે તપાસ કરવાનો આગ્રહ કરે છે. આવી તપાસ ૧૯૯૨માં હર્ષદ મહેતા કૌભાંડ વખતે, ૨૦૦૨માં કેતન પારેખ કૌભાંડ વખતે અને ૨૦૧૧માં ૨જી સ્પેક્ટ્રમ કૌંભાંડ વખતે રચવામાં આવી હતી. આ કોઈ નવી વાત નથી. ૨૦૧૧માં તો બી.જે.પી.એ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવામાં આવે એવી માગણી કરીને સંસદનું આખું સત્ર રોળી નાખ્યું હતું અને કાઁગ્રેસ સરકારને ઝુકાવી હતી.
કાયદા મુજબ જો સંસદીય સમિતિ રચાશે તો તેની અધ્યક્ષતા સંખ્યાબળના આધારે બી.જે.પી. કરશે. સમિતિમાં શાસક પક્ષના અને શાસક મોરચાના સૌથી વધુ સભ્યો હશે. વિરોધ પક્ષો સમિતિમાં લઘુમતીમાં હશે, પણ એ છતાં ય સરકાર સમિતિ રચતા અને તપાસ કરાવતા ડરે છે. ડરનું કારણ એ છે કે સમિતિને દરેક ફાઈલ જોવાનો અધિકાર છે. દરેક સંબંધિત વ્યક્તિની જુબાની લેવાનો અધિકાર ધરાવે છે. જો આમ બને તો બધાં જ રહસ્યો બહાર આવી જાય. વિરોધ પક્ષોના સભ્યોને ફાઈલો અને દસ્તાવેજો જોતાં રોકી શકાતા નથી. અઘરા પ્રશ્નો પૂછતા રોકી શકાતા નથી. બસ આટલું પૂરતું છે, પછી સંસદીય સમિતિ બહુમતીના જોરે ગમે એટલી લીપાપોતી કરે. કદાચ એ પણ બહાર આવે કે માધવી પૂરી બૂચને ‘સેબી’માં અદાણીની રખેવાળી કરવા મુકવામાં આવ્યાં હતાં અને તેઓ સોંપેલું કામ કરતાં હતાં.
પણ શા માટે નરેન્દ્ર મોદીની સરકાર તપાસ નકારીને અદાણીને બચાવવા માગે છે? આ એ અદાણી છે જેની સામે વડા પ્રધાને પોતે હજુ બે મહિના પહેલાં આરોપ કર્યો હતો કે અદાણી એ કાઁગ્રેસને ટેમ્પો ભરીને ચૂંટણી લડવા રોકડા પૈસા આપ્યા હતા. અદાણીએ (અને મૂકેશ અંબાણીએ) કાઁગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપ્યા એને કારણે બી.જે.પી.એ લોકસભામાં બહુમતી ગુમાવી હતી અને કાઁગ્રેસની તાકાત બેવડાઈ હતી. વડા પ્રધાને મૂકેશ અંબાણીના ઘરે લગ્નમાં હાજરી આપી હતી અને હવે અદાણીને બચાવવા માગે છે.
શું તમે કારણ નથી જાણતા?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024