દરેક મહા વૃતાન્ત સંદર્ભે સામાન્યત: ૧૧ બાબતો લગભગ હમેશાં પ્રભવે છે :
૧ : મહા વૃતાન્તનાં કેટલાંક સત્ય કેન્દ્રમાં રોપાઈને સદાકાળ માટે સ્થિર થઈ જતાં હોય છે.
૨ : એ સત્યો ધીમે ધીમે સૂત્રરૂપે ચલણી થઈ જતાં હોય છે.
જેમ કે, દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન; કર્મ તારો અધિકાર છે, કર્મના ફળની આશા ન કર; વગેરે. સાહિત્યમાં : કૃતિનું રૂપ -ફૉર્મ- પરમ સત્ય છે; કલ્પન નહીં તો કાવ્ય નહીં; કાવ્યમાં અર્થ ન શોધ, કાવ્યનો અનુભવ લે – ફીલ કર; કૃતિનો અર્થ સમીકરણમાં ન શોધ, પ્રતીકમાં શોધ; કૃતિ ભાષિક હસ્તી છે, ભાષાકર્મની ચિન્તા રાખ; વગેરે.
૩ : એ સૂત્રો સત્યો છે એ સાચું પણ એટલી હદે ઘર ઘાલી જતાં હોય છે કે માણસોને એની ટેવ પડી જાય છે. જરૂર હોય કે ન હોય, લોકો રટતા થઈ જાય છે. દાખલા તરીકે, સત્યમ્ વદ ધર્મમ્ ચર.
૪ : ટેવને કારણે ક્રમે ક્રમે સૂત્ર ચર્વિતચર્વણા બની જાય છે અને અન્તર્નિહિત સત્ય ઘસાતું ચાલે છે.
આમેય માણસજીવ ટેવવશ ઘણું જીવતો હોય છે. મેં હમણાં જ જોયું કે માર્ક્વેઝની નવલના પ્રમુખ પાત્ર ઉર્સુલાને એની એકલતાને કારણે અવારનવાર ઘરનું આંગણું જોવાની ટેવ પડી ગઈ છે. હું મારી વાત કરું કે મને રસ્તા પર પડતી બારીવાળો જ બેડરૂમ ફાવે છે. ઘણાઓને ‘પોતાના’ ઉશીકા વિના ઊંઘ નથી આવતી, કોઈ કોઈ ભીરુ સ્વભાવનાંને તો આસપાસમાં બીજાં બેત્રણ ઉશીકાં જોઈતાં હોય છે.
૫ : સૂત્રો બીજાને ગળે પ્હૅરાવવાનું એટલે કે આરામથી અને મોટાભાની અદાથી બીજાને કહેવાનું સરળ થઈ પડે છે. પોતાથી વયમાં નાનાને શોધી કાઢે ને ક્હૅવા માંડે – દયા રાખ, અભિમાન ન કર. અથવા ઘરની મુખ્ય દીવાલે નાનું રૂપાળું પાટિયું લટકાવે છે – સત્યમ્ વદ, ધર્મમ્ ચર. મોટાભા સાહિત્યકારો નવોદિતો જોડે એવો જ તરીકો અજમાવતા હોય છે.
આપણે ત્યાં આધુનિકતાવાદ પ્રવર્તતો હતો ત્યારે કવિઓ એકમેકને અને વિવેચકો સભાજનોને એમ ક્હૅ નહીં કે કાવ્યમાં કલ્પન અને પ્રતીક અનિવાર્ય છે ત્યાં લગી એમના જીવને ટાઢક ન્હૉતી વળતી. અધ્યાપકોને ટેવ પડી ગયેલી તે દરેક વખતે કૃતિ / કર્તાપરક ભાષાકર્મ તપાસવાની જિકર કરે, કરે જ કરે.
૬ : અને, ઍરિસ્ટોટલકથન કે માણસ અનુકરણશીલ પ્રાણી છે, તદનુસાર, એક બોલ્યો હોય એનું અનુકરણ બીજો કરે અને પછી ત્રીજો અને ચૉથો એમ વિસ્તરણશીલ અનુકરણમાળા રચાય. સૂત્રો ‘જીભ-હલાવ’ પ્રવૃત્તિની – લિપ સર્વિસની – સામગ્રી બની જાય છે; એક મુખેથી બીજે મુખે, એક કાનેથી બીજા કાને.
૭ : આમ, કેન્દ્રમાં સ્થિર સત્યોનાં સૂત્રો, સૂત્રોનાં ટેવવશ વાચિક અનુસરણો અને અનુકરણોને પ્રતાપે મહા વૃતાન્તની તો પુષ્ટિ જ થયા કરતી હોય છે. પણ શું એ પુષ્ટિ પોલી નથી હોતી?
કેમ કે કોઈ પણ સત્યનો જાતઅનુભવ ધરાવતી વ્યક્તિઓ ઘટતી જાય છે. સૂત્રની યથોચિત વૃત્તિ રચવી, વિવરણ અને અર્થઘટન કરવું, આદિ બૌદ્ધિક વ્યાયામ કરનારા કેટલા? એ સત્યો કેન્દ્રમાં સ્થપાયાં એ જ વખતે કેટલાં ય બીજાં સત્યો હાંસિયામાં ધકેલાઈ ગયેલાં, તેની દરકાર કોણે કરેલી? કોઈએ નહીં. એક જ ઉદાહરણ : કાવ્યમાં કલ્પનનો મહિમા કરવા જતાં કલ્પનને ધારણ કરનાર કાવ્યદેહની ચિન્તા ભુલાઈ ગયેલી. કલ્પનો વરખ જેવાં સુન્દર ખરાં પણ વરખ જ હતાં. એ પોલાણ ન્હૉતું તો શું હતું?
દેરિદા અનુસારનું વિઘટન મહા વૃતાન્તનાં અનેક અને બહુવિધ પોલાણો દર્શાવી શકે. એમણે તો યુરપની સમગ્ર સભ્યતાને લૉગો-સૅન્ટ્રિક કહીને તેના વિઘટનનો શુભારમ્ભ કરેલો.
૮ : મહા વૃતાન્તનાં પોલાં વિસ્તરણોને કારણે સાહિત્યકારોની વિશિષ્ટ સ્વરૂપની સાહિત્યિક સંસ્કૃતિ આકાર લેવા માંડે છે – લિટરરી કલ્ચર. કોઈપણ કલ્ચર મૂલ્યોનાં રક્ષણનો દાવો કરે એમ સાહિત્યિક સંસ્કૃતિમાં પણ સાહિત્યિક મૂલ્યોની જાળવણી, માવજત, વગેરે મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. પ્રાદેશિક ભાષાઓના સાહિત્યોમાં મૂલ્યોના રખેવાળો આસાનીથી ઊભા થતા હોય છે. સાહિત્યિક સંસ્થાઓ પણ મૂલ્યરક્ષાને પોતાનું પરમ કર્તવ્ય સમજે છે.
૯ : મૂલ્યરક્ષા ખોટી વસ્તુ નથી કેમ કે એથી છેવટે તો સૂત્રમાં સચવાયેલા સત્યની જ રક્ષા થવાની; પ્રશંસનીય કહેવાય. પણ, પણ, રખેવાળો વચ્ચે હરીફાઈ જાગે છે. સૂત્રનો સ્વીકાર કરનારા અને વિરોધ કરનારા એમ બે પક્ષ ઊભા થતા હોય છે, અથવા ઊભા કરાતા હોય છે.
આપણે ત્યાંના આધુનિકતાવાદ દરમ્યાન ઘણા કહેતા – રૂપ તે શું વળી, અમે નથી માનતા, વસ્તુસામગ્રી જ સર્વથા ધ્યાનપાત્ર છે. અને તેઓ, “સરસ્વતીચંદ્ર”-નું દૃષ્ટાન્ત આપતા. પરન્તુ પહેલા-બીજા ભાગની તુલનાએ ત્રીજા-ચૉથા ભાગની વસ્તુસામગ્રીનું રસનિષ્પત્તિ કાજે ઠીક સંયોજન નથી થયું તે રૂપની અછતને કારણે છે એ હકીકત સ્વીકારવી એમને ગમતી ન્હૉતી. બાકી, એ હકીકત ગપ્પું તો ન્હૉતી, શાસ્ત્રે સૂઝાડેલો એક અર્થસંકેત હતો !
પક્ષનો તેમ જ વિપક્ષનો એક એક નેતા હોય છે. પક્ષનેતા કહે તે દિશામાં સૂત્રને ચગાવવામાં આવે છે, વિપક્ષનેતા કહે તે દિશામાં સૂત્રને પછાડવામાં આવે છે. દરેક પક્ષને અનુસરણિયાઓ મળી રહે છે. દરેક નેતા એક જ ઇચ્છા રાખતો હોય છે કે અનુસરણિયા વધે ને પક્ષ બળવાન થાય.
આમ સાહિત્યિક સંસ્કૃતિમાંથી સાહિત્યિક રાજકારણ ઊભું થાય છે.
૧૦ : પક્ષ અને વિપક્ષ એકબીજાની સામે બેસીને પરસ્પરનાં મન્તવ્યને સમજવાનો ઉદ્યમ નથી કરતા. કેમ કે, એથી તો સમરસતા ઊભી થાય ને નેતાગીરી નકામી થઈ જાય ! મારે કહેવું તો એ છે કે આપણને પ્રશ્નની યથોચિત માંડણી કરીને તેને વિશેનું ડાયલેક્ટિક – વિવાદશાસ્ત્ર – રચવામાં રસ જ નથી.
૧૧ : સરવાળે, કહેવાતી બૌદ્ધિકતાના આશ્રયે અને પક્ષાપક્ષીના રાજકારણની રીતેભાતે મહા વૃતાન્તો નભતાં હોય છે.
આગળ વિચારીશું.
(September 27, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર