1.54 લાખ કરોડનો વેદાંતા-ફોક્સકોન સેમીકંડકટર પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્રને બદલે પાડોશી ગુજરાતમાં ઉત્પાદન કરશે. હાલના ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની 2015માં સરકાર હતી, ત્યારે આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં સ્થાપવાની કાર્યવાહી શરૂ થઇ હતી. આ પ્રોજેક્ટથી રાજ્યમાં એક લાખ રોજગાર ઊભા થવાના હતા. હવે એ અવસર ગુજરાતને મળશે.
ગયા મંગળવારે, 13 સપ્ટેમ્બરે, વેદાંત રિસોર્સિસના સ્થાપક ચેરમેન અનિલ અગ્રવાલે જાહેરાત કરી કે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના માંધાતા ફોકસકોન સાથે મળીને તેમણે ગુજરાતમાં સેમીકંડકટરનો પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કરાર કર્યા છે. કરાર વખતે રેલવે, વાણિજ્ય, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિન વૈષ્ણવ ઉપસ્થિત હતા. અગ્રવાલે કહ્યું હતું કે, “ગુજરાતમાં બે વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થશે. તેનાથી દેશની ઈલેક્ટ્રોનિક્સ આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણા લોકોને એક લાખથી વધુ નોકરીઓ મળશે.”
વેદાંતે ભારતમાં સેમીકંડકટરનું ઉત્પાદન કરવા માટે ફોક્સકોન સાથે 60:40ની ભાગીદારી કરી છે. મોટરકારથી લઈને મોબાઈલ ફોન સુધીની ડિજિટલ પ્રોડક્ટ્સમાં સેમીકંડકટર્સ અથવા માઈક્રોચિપ્સ અગત્યનો પાર્ટ છે. કંપની ઘણા મહિનાઓથી મહારાષ્ટ્ર સરકાર સાથે મંત્રણાઓ ચલાવી રહી હતી અને અચનાક તેણે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી છે.
આ વિવાદ ત્યારે જ ઊભો થયો છે, જયારે શિંદે-ફડણવીસની ટીમ મુંબઈ મહાનગરપાલિકાની અગામી ચૂંટણીમાં ઉદ્ધવ સેનાને પછાડવા માટે કમ્મર કસી રહી છે. શિવસેનામાંથી બળવો કરીને તાબડતોબ ઊભી થયેલી તેમની સરકાર માટે મહાનગરપાલિકા બહુ અગત્યની છે, જેનું વાર્ષિક બજેટ 27, 811 કરોડનું છે, જે દેશનાં નાનાં રાજ્યો જેટલું છે. પાલિકા અત્યારે ઉદ્ધવ સેના પાસે છે અને અસલી સેના (અને અસલી તાકાત) કોની પાસે છે તે સાબિત કરવા માટે પાલિકામાં ફરીથી તેનો ઝંડો ફરકાવવો અગત્યનો છે. પાલિકાની ચૂંટણીનાં પરિણામનો રાજ્ય વિધાનસભાની 2024માં યોજાનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડશે.
અપેક્ષિત રીતે જ, વેદાંત-ફોક્સકોન ‘ફિયાસ્કો’ને ઉદ્ધવ સેનાએ પકડી લીધો છે અને તેને મહારાષ્ટ્ર વિરોધી નિર્ણય ગણાવ્યો છે. તેના યુવા નેતા અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ આ વિવાદની આગેવાની લીધી છે. તેમણે શિંદે-ફડણવીસ પર આરોપ મુક્યો છે કે કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકારના ઈશારે કામ કરતી મહારાષ્ટ્ર સરકારે પડોશી ગુજરાતના હિતમાં આ પ્રોજેક્ટને હાથમાંથી જવા દીધો છે. “મને ખુશી છે કે આ પ્રોજેક્ટ ભારતમાં જ છે, પણ જે પ્રોજેક્ટ નક્કી થઇ ગયો હતો તે જતો રહ્યો તે આઘાતજનક છે. નવી સરકાર રાજ્યના વિકાસ માટે કેટલી ગંભીર છે તે આ બતાવે છે.” આદિત્યએ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવે તે માટે તેમણે જાતે મહેનત કરી હતી અને મહા વિકાસ આઘાડીની સરકારે લગભગ તેને નક્કી કરી નાખ્યો હતો.
એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને લઈને કંપનીએ રાજકીય રીતે વધુ સ્થિર ગુજરાતમાં આ પ્લાન્ટને લઈ જવાનું નક્કી કર્યું છે. એવું હોય તો શિંદે સરકાર માટે એ સારા સમાચાર નથી. મહારાષ્ટ્રમાં જ્યારે સરકારના નામે માત્ર શિંદે અને ફડણવીસની જ કેબિનેટ હતી, ત્યારે જુલાઈમાં કંપનીએ તેના પ્રોજેક્ટની સલામતી માટે “કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ” અને કેબિનેટની મંજૂરી માગી હતી. એ પછી મુખ્ય મંત્રી શિંદે વેદાંતના ચેરમેનને એક પત્રમાં કહ્યું હતું કે, “રાજ્ય પાસે (તમારી) બે મહત્ત્વની વિનંતીઓ કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ અને કેબિનેટની મંજૂરીની છે. તમને જણાવતાં આનંદ થાય છે કે બંને દિશામાં કામ આગળ વધી રહ્યું છે.”
જો કે તે પહેલાં કંપનીએ “વ્યવસાયિક અને સ્વતંત્ર સલાહ”ને અનુસરીને ગુજરાત સાથે કરાર કરવાનું મુનાસીબ માન્યું હતું. ચેરમેન અગ્રવાલે કહ્યું હતું કે “અમારી અપેક્ષાઓ પૂરી થતી હોવાથી અમે મહિનાઓ પહેલાં ગુજરાત જવાનું નક્કી કર્યું હતું.” દેખીતી રીતે જ, ગુજરાત સરકારે કંપનીને મહારાષ્ટ્રની સરખામણીમાં બહેતર ઓફર કરી હોવી જોઈએ.
એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ત્રણ મહિના પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી જે રીતે રાજ્યમાં પગ પેસારો કરી રહી છે તે જોતાં ભા.જ.પ. માટે તેની એકપણ બેઠક ઓછી થાય તે નાલેશી જેવું છે. દેખીતી રીતે જ, કેન્દ્ર સરકાર ગુજરાતમાં તેની બેઠકો વધારવા માટે તમામ પ્રયાસો કરશે. એવામાં વિકાસના તેના નારાને સાબિત કરે તેવો એક લાખ ગુજરાતી યુવાનોને નોકરીઓ આપે તેવો આવડો મોટો પ્રોજેક્ટ ગુજરાત માટે લોટરી જ છે. ઇન ફેક્ટ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરૂ થાય છે તેની ખુશી વ્યક્ત કરી છે.
ઉદ્ધવ સેનાનો આરોપ છે કે શિંદે સરકાર કેન્દ્રની મોદી સરકાર સામે ઝુકી ગઈ છે. શિવસેનાના મુખપત્ર “સામના”માં એક તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનું કારણ બહુ સીધું છે – એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવા બદલ ભા.જ.પે. તેમની પાસેથી એક ફેવર માગી હતી અને એ પ્રમાણે જ થયું. “આ આરોપ નથી, પણ અમને ખાતરી છે. જે રીતે ફડણવીસે ઇન્ટરનેશનલ ફાયનાન્સ હબને મુંબઈમાંથી ગુજરાત જવા દીધું, એકનાથ શિંદેએ ફોક્સકોન-વેદાંત ગુજરાત જવા દીધું,” એમ ‘સામના’એ લખ્યું હતું.
આમાં એમ.એન.એસ.ના રાજ ઠાકરે પણ જોડાયા છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે લાખો રૂપિયાનો આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહ્યો તેમાં શું કંપની પાસે પૈસા માગવામાં આવ્યાં હતા? આ વાતની તપાસ થવી જોઈએ. ઉદ્ધવ અને રાજ બંને “મરાઠી માણુસ”ના નારા પર તેમની રાજનીતિ કરતાં આવ્યા છે, એટલે દેખીતી રીતે જ આમાં મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાતના જૂનાં જખ્મ તાજાં થાય તેમ છે.
ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ બચાવની ભૂમિકામાં આવી ગયા છે. તેમણે વળતો ઘા મારીને કહ્યું છે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં રહે તે માટે મહાવિકાસ આઘાડીની સરકારે ગંભીરતા બતાવી નહોતી અને પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તો તેઓ એવી બૂમો પાડે છે જાણે ગુજરાત પાકિસ્તાનમાં હોય. દરમિયાનમાં, રાજ્ય સરકારને પણ અંદાજ છે કે ઉદ્ધવ સેના આને મુદ્દો બનાવશે. આ વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટની ભરપાઈ માટે તેઓ 3. 5 લાખ કરોડના રત્નાગિરિ રિફાઇનરી પ્રોજેક્ટને ધક્કો મારે અને કેન્દ્ર સરકાર એમાં સહયોગ કરે તેમ મનાય છે.
આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનાથી ઔધોગિક રોકાણમાં મહારાષ્ટ્રની “સૌથી પસંદગીના” રાજ્યની છબીને પણ ધક્કો લાગ્યો છે. પરંપરાગત રીતે, મહારાષ્ટ્ર બિઝનેસ અને ઉધોગો સ્થાપવામાં મોખરે રહ્યું છે, પરંતુ 2021ના રિઝર્વ બેંકના ડેટા અનુસાર દેશના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે. સી.એન.બી.સી.ના રિપોર્ટ પ્રમાણે, મેન્યુફેક્ચરિંગમાં નાણાંકીય વર્ષ 12થી 20 વચ્ચે ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડિશન વાર્ષિક 15.9 ટકાના દરે વધ્યું છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનો દર 7.5 ટકા રહ્યો હતો.
બિઝનેસનાં રોકાણો માટે રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે તે સરવાળે દેશ માટે સારું જ છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યો સાથે જો સંતુલિત અને તંદુરસ્ત વ્યવહાર ન કરે તો કેન્દ્ર-રાજ્યો વચ્ચેના સંબંધો વરવા સાબિત થાય તેમ છે. દેશમાં ઓલરેડી વિપક્ષોની રાજ્ય સરકારો સાથે કેન્દ્રના અન્યાયી વ્યવહારની ફરિયાદો ઊઠી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એવું બહુ જોવા મળ્યું હતું.
આ નવા વિવાદમાં જોખમ એ છે મહારાષ્ટ્ર અને ગુજરાતના તંગ સંબંધો 50 વર્ષ જૂનાં છે, જ્યારે ભાષાના આધારે બે રાજ્યો અલગ પડ્યાં હતાં અને મુંબઈને લઈને બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. મોદી મુખ્ય મંત્રી હતા ત્યારથી ગુજરાત અને અમદાવાદ ઘણા બિઝનેસ આકર્ષિત કરી રહ્યું છે. વેદાંતા-ફોક્સકોનનો પ્રોજેક્ટ ગુજરાત ગયો તેમાં એવી છાપ મજબૂત થવાની સંભવાના છે કે મોદી સરકાર ગુજરાતને વધુ મહત્ત્વ આપે છે. ગુજરાતી-મરાઠીઓના સંબંધો માટે આવી છાપ જોખમી છે.
ગુજરાતીમાં કહેવત છે – ભાવતું હતું અને વૈધે કહ્યું. મહારાષ્ટ્રમાં ગયા જૂન મહિનામાં સત્તામાંથી બહાર ફેંકી દેવાયેલી ઉદ્ધવ સેનાને શિંદે સેના પર વાર કરવા માટે કશુંક જોઈતું હતું અને કેન્દ્રની ભા.જ.પ.ની સરકારે તેને તલવાર જ પકડાવી દીધી.
લાસ્ટ લાઈન:
“તમે જો કેન્દ્ર સરકારને સહારાના રણનો કારભાર સોંપો, તો 5 વર્ષમાં રેતીની અછત સર્જાય.”
— મિલ્ટન ફ્રાઈડમેન, અમેરિકન અર્થશાસ્ત્રી
(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર