કાયદાની ઐસીતૈસી. અદાલત અને ન્યાય પ્રક્રિયાની ઐસીતૈસી. માણસાઈ અને મર્યાદાની ઐસીતૈસી.
ન્યાય કે સજાના નામે બુલડોઝર ચલાવવાની નીતિ વિષે સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે એની વાત કરતાં પહેલાં વાચકોને મારી સલાહ છે કે યુટ્યુબ પર જઇને યોગી આદિત્યનાથનો ૧૨મી માર્ચ ૨૦૦૭ના દિવસે તેમણે લોકસભામાં કરેલા ભાષણનો વીડિયો જોઈ લે. એ સમયે મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા, કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહના નેતૃત્વમાં યુ.પી.એ.ની સરકાર હતી, યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટાયેલા ભા.જ.પ.ના સંસદસભ્ય હતા અને સોમનાથ ચેટરજી લોકસભાના સ્પીકર હતા. ઝીરો અવરમાં યોગીએ ગળગળા થઈને બોલવાની મંજૂરી માગી હતી અને સોમનાથ ચેટરજીએ તેમને હળવા કરવા “ખુલીને બોલો, જે કહેવું હોય તે કહો, સદન તમને સાંભળશે અને ઘટતું કરશે” એમ કહીને સધિયારો આપ્યો હતો.
એ પછી સુખદુઃખ જેનાં માટે સમાન છે એવા યોગી આદિત્યનાથે રડતા રડતા અને એક સમયે તો ધ્રુસકે ધ્રુસકે રડીને કહ્યું હતું કે તેઓ ત્રીજી વાર ગોરખપુરથી ચૂંટાયેલા સંસદસભ્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવની સરકાર તેમને સતાવે છે. કોમી હુલ્લડો કરાવવાના નામે તેમની ધરપકડ કરવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા, જામીન આપવામાં નહોતા આવતા વગેરે વગેરે. તેઓ એટલી પીડા અનુભવતા હતા કે અક્ષરસઃ ભાંગી પડ્યા હતા તે એટલે સુધી કે તેમની પાછળ બેઠેલા સંસદસભ્યએ તેમના ખભા પર હાથ મૂકીને અને વાંસા પર હાથ ફેરવીને સાંત્વન આપ્યું હતું. યોગી આદિત્યનાથે ડુસકા ભરતા સ્પીકરને કહ્યું હતું કે મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે જે રીતે નક્સલીઓનું કરવામાં આવી રહ્યું છે. હવે તમે જ મારી રક્ષા કરી શકો એમ છો, અન્યથા હું સંસદસભ્ય તરીકેનું મારું રાજીનામું આપી દઉં. તેમણે એમ પણ કહ્યું હતું કે હું તો સન્યાસી છું, બધી ચીજનો ત્યાગ કરીને આવ્યો છું.
આ ક્લીપ તમે તમારા સગે કાને સાંભળી શકો છો અને લોકસભાની વેબસાઈટ પર જઇને એ દિવસનું યોગીજીનું આખું ભાષાણ સગી આંખે વાંચી શકો છો.
વાત આ છે. જ્યારે પોતાનાં પલડામાં પીડા આવે ત્યારે દયા માયા, કરુણા, ન્યાય, રહેમ અને માણસાઈની યાદ આવે અને જ્યારે પોતાનું પલડું ભારે થઈ જાય ત્યારે એ જ માર્ગ અપનાવતા શરમ પણ ન આવે. તો શું માણસાઈ માણસ જોઇને અપનાવવાની ચીજ છે? મારી સાથે બીજાએ માણસાઈ જાળવવી જોઈએ, પરંતુ મારો હાથ ઉપર હોય ત્યારે માણસાઈ ગઈ ભાડમાં. એમાં યોગી આદિત્યનાથ તો જન્મે ક્ષત્રીય છે, ધર્મે સંસારનો સર્વશ્રેષ્ઠ હિંદુ છે, કર્મે સન્યાસી છે અને ઉપરથી દેશ માટે જાન આપવા તત્પર ધગધગતો રાષ્ટ્રવાદી છે. આવો માણસ પામર મનુષ્યની માફક રડે? ક્ષત્રીયધર્મ, હિંદુધર્મ, સન્યાસધર્મ અને રાષ્ટ્રધર્મ રડતાં શીખવાડે છે? પણ ગોદી મીડિયા આમાં પણ શીર્ષાસન કરીને કહે છે કે એ દિવસે યોગી આદિત્યનાથે પ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ સત્તામાં આવીને હું તેમને ઈંટનો જવાબ પત્થરથી આપીશ. એવી કોઈ પ્રતિજ્ઞા એ દિવસે તેમણે તેમનાં ભાષણમાં તો કરી નહોતી. બહાર કરી હોય એવી પણ કોઈ વીડિયો ક્લીપ મળતી નથી. ઊલટું તેમણે તો સ્પીકરને કહ્યું હતું કે તમે મારી રક્ષા કરો અને નહીં તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઉં. ભયગ્રસ્ત માણસની એ કાકલુદી હતી. હિંદુ રાષ્ટ્રવાદીઓ માટે આ કોઈ નવી વાત નથી.
આ વાત અહીં જરાક વિસ્તારથી કહેવાનો આશય એ કે નરસિંહ મહેતાએ કહ્યું હતું એમ બીજાની પીડાને અનુભવી શકે એ સાચો વૈષ્ણવ. એ સાચો ઈશ્વરનિષ્ઠ. એ સાચો હિંદુ. એ સાચો માણસ. “પીડ પરાઈ જાણે રે …” બાકી તો પોતાની પીડા તો જાનવર પણ અનુભવે છે. માણસાઈનો માર્ગ ત્યાંથી ઉપર ઉઠવાનો છે.
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેઓ “ગુનેગાર”ના ઘર પર બુલડોઝર ચલાવતા હતા. ૨૦૧૭ની સાલથી આની શરૂઆત થઈ હતી. પણ “ગુનેગાર” કોણ? એ જેને અમે ગુનેગાર માનતા હોઈએ. જો એ મુસલમાન હોય, જેણે હિંદુ સામે ગુનો કર્યો હોય, અથવા કમ સે કમ કોઈ હિન્દુએ એવી ફરિયાદ કરી હોય અને અમારું હિંદુઓનું શાસન હોય તો એ “ગુનેગાર.” આમાં કોરટ કચેરી, આરોપનામું, પૂરાવા દલીલોની જરૂર જ શું છે? એ મુસલમાન છે એ પૂરતું છે. ૨૦૧૭થી આ ચાલી રહ્યું હતું. આ બુલડોઝર ન્યાય ભા.જ.પ. શાસિત અન્ય રાજ્યોનાં મુખ્ય પ્રધાનોએ પણ અપનાવ્યો હતો. સમર્થકો કિકિયારીઓ પાડી પાડીને ૨૦૦૭માં લોકસભામાં રડીને રક્ષણ માગનારા મુખ્ય પ્રધાનની બહાદુરીને વધાવતા હતા. તેમને બુલડોઝર બાબા તરીકે પૂજવામાં આવે છે.
જે વિરોધ કરતા હતા એ દેશદ્રોહીઓ હતા અને એવા દેશદ્રોહીઓનાં મકાન પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યા. એ પછી આખા જગતમાં હંમેશાં બને છે એમ ઉત્તર પ્રદેશમાં પણ બનવા લાગ્યું. કાશીનગરીને શણગારવા માટે કાશી કોરીડોર અને ગંગાઘાટોનું સુશોભિકરણ કરવા વચ્ચે આવતાં મકાનો અને મંદિરો ઘ્વસ્ત કરવાનું શરૂ થયું. અયોધ્યા અને પ્રયાગરાજમાં એવું બનવા માંડ્યું. નોએડા, ગાઝિયાબાદ અને અન્યત્ર જ્યાં પ્રોપર્ટીમાં મોટી કમાઈ છે ત્યાં આવું બનવા લાગ્યું. અહીં જેનાં મકાન ધ્વસ્ત કરવામાં આવતાં હતાં એ મુસલમાન નહોતા, મોટાભાગના હિંદુ હતા. રેલો હિંદુઓની નીચે આવ્યો ત્યારે તેમને બુલડોઝર રાજનો ચહેરો સમજાયો. અયોધ્યામાં લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.નો પરાજય થયો અને વારાણસીમાં વડા પ્રધાન માંડ હારતા હરતા બચ્યા. હદ તો ત્યારે થઈ કે બનારસમાં નવા બનાવવામાં આવેલા નમો ઘાટને શણગારવા બાજુમાં આવેલા સર્વ સેવા સંઘનો કેમ્પસ છીનવી લીધો અને મકાનો તોડી નાખ્યાં. વિનોબા ભાવે, ડૉ રાજેન્દ્ર પ્રસાદ અને લાલ બહાદુર શાસ્ત્રી પર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે નકલી દસ્તાવેજો બનાવીને રેલવેની જમીન પર કબજો કર્યો હતો.
કાયદાની ઐસીતૈસી. અદાલત અને ન્યાય પ્રક્રિયાની ઐસીતૈસી. માણસાઈ અને મર્યાદાની ઐસીતૈસી. આની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી જેની નોંધ સર્વોચ્ચ અદાલતે ૨૦૨૪માં લીધી. અને એ પણ માત્ર અભિપ્રાય આપ્યો છે કે આ ખોટું છે. અદાલતે કહ્યું છે કે આરોપી શું, ગુનેગારનું મકાન પણ ન તોડી શકાય. બહુ સરસ વાત છે, આનું સ્વાગત કરીએ પણ કાયદો હાથમાં લેનારાઓને સજા કરી? પોલીસને આદેશ આપ્યો કે મકાન તોડવાની ઘટનાઓની તપાસ કરીને આરોપીઓ સામે આરપનામું દાખલ કરે? આ કોણ કરશે અને આ કોનું કામ છે? જો અદાલતે ૨૦૧૭ની સાલમાં કાયદાની, ન્યાયની અને ન્યાયપ્રક્રિયાની ઐસીતૈસી કરનારાઓની બોચી પકડી હોત તો? આપણે આપણી ઐસીતૈસી કરાવીએ ત્યાં બીજાનો શું વાંક? ચૂંટણીપંચની પણ આ જ હાલત છે.
એક વાત લખી રાખજો. મોકો જોઇને નબળાને રંજાડવાનું કૃત્ય એ જ કરે જે ડરપોક હોય અને એટલે જ્યારે પોતાના પર આવે ત્યારે રડે અને યાચના માગે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 સપ્ટેમ્બર 2024