આજે સવારે આ સમાચાર સાંભળ્યા. શાંતિમય વાટાઘાટોની સંભાવના ઓસરી જતી લાગી. આપણા જેવા નાગરિકો કશું ન કરી શકે એ લાચારી ખટકે છે. બધા દેશોના નાગરિકોની યાતના જોઈને દિલ દૃવે એટલે પેન ઉપાડી.
− આશા બૂચ
‘અમેરિકન મિલિટરી પ્લેન ઇરાનના યુરેનિયમને અણુશક્તિમાં રૂપાંતર કરતા ત્રણ મથકો પર ત્રાટક્યા અને તેને ખતમ કરી નાખ્યા’
આ સમાચાર આજ સવારે મળ્યા.
શાબ્બાશ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વહીવટકર્તાઓ!
રશિયાની યુક્રેઇન પર ચડાઈ, ઇઝરાયેલનું ગાઝા અને વેસ્ટ બેંક પરનું આક્રમણ અને હવે ઈરાન સાથેની લડાઈ શરૂ થઇ ત્યારથી સતત કેટલાક સવાલો ઊભા થયા જ કરે છે.
જો રશિયાને પોતાના પુરાણા સામ્રાજ્યના દેશો પર ફરી કબજો જમાવવાના અભરખા થતા હોય તો એ સ્વતંત્ર દેશો સાથે પોતાની મનોકામનાની અભિવ્યક્તિ શિષ્ટ માનવીને શોભે એવી ભાષામાં વ્યક્ત કરી હોત તો શું થાત? બહુ બહુ તો એ દેશો રશિયાની આક્રમણ કરવાની ઈચ્છાને ઠુકરાવી દેત ને? એમ થવાથી ખુદ રશિયાના અને ક્રાઇમિયા અને યુક્રેઈનના અસંખ્ય સૈનિકોના જાન બચી જવા પામ્યા હોત અને તેમના પરિવારો સુખેથી જીવતા હોત. અને એમ થયું હોત તો શું થાત?
અને જો રશિયા આક્રમણ કરવા દૃઢનિશ્ચય રહ્યું હોત તો ક્રાઇમિયા અને યુક્રેઈને રશિયાના લશ્કર સામે માનવ દીવાલ રચીને એ સૈનિકોની આંખમાં આંખ પરોવીને પોતાના મૃતદેહો પરથી ચાલીને પોતાના દેશમાં પ્રવેશવા પડકાર ફેંક્યો હોત તો શું થાત?
જો અમેરિકા અને યુરોપના દેશોને યુક્રેઇનની સર્વોપરિતા અત્યંન્ત મહત્ત્વની લાગતી હતી તો યુક્રેઇનને શસ્ત્રો પૂરા પાડવાને બદલે રશિયા સામે પોતાના દેશના શાંતિ સૈનિકોને એ સરહદો પર મોકલ્યા હોત તો શું થાત?
નીચેની તસવીર હમાસ દ્વારા ઇઝરાયેલના કિબુત્ઝ પર થયેલ હુમલાની છે. એ કરતાં પહેલાં હમાસના અધિકારીઓએ પેલેસ્ટાઇનની પ્રજાને તેમનું આ પગલું વ્યાજબી છે કે નહીં એ પૂછ્યું હોત તો શું થાત?
નીચેની તસવીર ગાઝામાં નીકળેલા એક જનાઝાની છે. પેલેસ્ટાઇન પર વળતો પ્રહાર કર્યા પહેલાં ઇઝરાયેલની પ્રજાને હમાસના કૃત્ય સામે આ રીતે વેર વાળવું યોગ્ય છે કે નહીં એ જાણ્યું હોત તો શું થાત?
નીચેની તસવીર ખાન યુનિસમાં ઇઝરાયેલે કરેલા વિનાશની છે. ઈઝરાયેલને પોતાના દેશનું રક્ષણ કરવાનો હક્ક છે એમ કહીને તેને શસ્ત્રો પૂરા પાડનારા અને નૈતિક ટેકો આપનારા તમામ દેશોના વડાઓ અને ઇઝરાયેલના પ્રેસિડન્ટ પેલેસ્ટાઇનના અનાથ થયેલાં બાળકો, સંતાનો ગુમાવી બેઠેલા પરિવારો અને ભૂખે મરતા લોકોને મળ્યા હોત તો શું થાત?
જો ઈરાન પોતાની અણુશક્તિનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં અણુશસ્ત્રો બનાવીને ઈઝરાયેલને ખતમ કરવા તત્પર છે એની ખાતરી હોત તો એના પુરાવા સાથે યુ.એન. મારફત એ સંભાવના કદી બર ન આવે તેવા કરાર કર્યા હોત તો શું થાત?
ઇઝરાયેલે ઇરાનના વૈજ્ઞાનિકો અને સંશોધકો તથા લશ્કરી ઉચ્ચાધિકારીઓ પર આક્રમણ કર્યું એ નિંદનીય જરૂર છે. એનો બદલો સુલેહની વાટાઘાટો મારફત લીધો હોત તો શું થાત?
યુદ્ધમાં સપડાયેલા દરેક દેશના વડાના પરિવારજનો સૈન્યમાં ભર્તી થઈને લડવા જાય અને પોતાના જાન ગુમાવે તો શું થાત?
આ બધા સવાલોનો એક જ જવાબ છે. …..તો યુદ્ધ શરૂ થાત જ નહીં અને દરેક સમસ્યાનો શાંતિમય ઉકેલ લાવી જ શકાયો હોત. દુનિયાની તમામ શાંતિપ્રિય પ્રજા જાણે છે કે સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ તેના હલ માટે હિંસાત્મક માર્ગ લેવો અનિવાર્ય નથી. પ્રજાની ફરજ બની રહે છે કે એ પોતપોતાના દેશના રાજ્યકર્તાઓને એનું ભાન કરાવે અને એ માટે અસહકાર, સત્યાગ્રહ અને બીજા શાંતિમય પગલાં લે. તાત્કાલિક.
નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે પછી આપણે આપણી જાતને પૂછીશું, આપણે વહેલા સંગઠિત થઈને કહેવાતા નેતાઓની સાન ઠેકાણે લાવી હોત તો શું થાત?
e.mail ; 71abuch@gmail.com