
રવીન્દ્ર પારેખ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર જાન્યુઆરી, 2025માં સત્તા પર આવ્યા, ત્યારથી તેમણે ઉપદ્રવ સિવાય ભાગ્યે જ કૈં કર્યું છે. અકલ વગરની દખલ – તેમની લાક્ષણિકતા રહી છે. આમ તો તે અમેરિકાના પ્રમુખ છે, પણ આખી પૃથ્વી પર સત્તા ભોગવવાનો પરવાનો મળ્યો હોય તેમ વર્તે છે. ‘કાજી કો સારે ગાંવ કી ફિકર’ની જેમ, કોઈ પૂછે કે ન પૂછે, સાહેબ કોઈ પણ દેશમાં ઘૂસીને ઈલાજ કરવા લાગી જાય છે. રોગને તો વકરાવે જ છે, રોગ ન હોય તેને ય રોગી કરવા મહેનત કરે છે. સત્તા પર આવ્યા પછીની તેમની કાર્યવાહી જોવા જેવી છે. સત્તામાં આવતાં જ ટ્રાન્સ જેન્ડરની માન્યતા તેમણે ખતમ કરી. તેમના આવવાથી બકવાસ નહીં, બકવાદ શરૂ થયો. બોલવામાં અને બોલીને ફરી જવામાં તેમનો જોટો જડે એમ નથી. ભારત સાથે હવે મૈત્રી ઓછી ને મતભેદ વધારે છે. ટ્રમ્પની બીજી ‘સિદ્ધિ’ ટેરિફ વોર છેડવાની. પહેલાં તો ભારત, ચીન જેવા દેશો સામે વધુ ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી ને પછી સૂરસૂરિયું થઈ ગયું. ટ્રમ્પને કોઈ હરીફ હોય એવું પણ બહુ ફાવતું નથી. એપલના CEO ટિમ કૂકે, ભોગ લાગ્યા તે ભારતના વખાણ કર્યાં, તે ટ્રમ્પને પસંદ ન પડ્યું ને એવું ફરમાન બહાર પાડ્યું કે હવેથી એપલે મોબાઈલ અમેરિકામાં જ બનાવવા. તેમાં કારી ન ફાવી તો ટ્રમ્પે એપલ અને સેમસંગને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ ટેરિફ 25 ટકા લગાવવાનો આગ્રહ પણ રાખ્યો.
ભારતે આતંકી થાણાઓ પર એર સ્ટ્રાઈક કરી, તો સામે પાકિસ્તાને પણ હુમલો કરતાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. એમાં પાકિસ્તાનની હાલત વધુ કફોડી થતાં તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી. ભારતે એ વિનંતીઓ સ્વીકારી. આ બે દેશો વચ્ચેની વાત હતી, પણ જશ ખાટવા યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કરી. ભારતે ખુલાસો કર્યો કે આ બે દેશો વચ્ચેનો મામલો છે ને એમાં ટ્રમ્પનો કોઈ હાથ નથી. પી.ઓ.કે.નો મામલો ઉકેલવા પણ ટ્રમ્પે તૈયારી બતાવી, ત્યારે પણ ભારતે રોકડું કર્યું કે તેને બહારની દખલ અપેક્ષિત નથી. એ જ રીતે રશિયા-યુક્રેન મામલે પણ ટ્રમ્પ કાજી થવા ગયા, યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીને અમેરિકા બોલાવીને તેમની સાથે પણ તડાફડી કરી, પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે એકથી વધુ વખત સમજાવ્યા, પણ યુદ્ધ અટક્યું નહીં. ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરી ચૂક્યા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. એટલે જ નેતન્યાહૂ સાથે વચમાં કટાઈ ગયેલું. બાકી, હતું તે ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એવી ચાડી પણ ટ્રમ્પ ખાઈ ચૂક્યા હતા.

ડોનાલ્ડ ટૃમ્પ
ઈઝરાયેલ અને ઈરાન પણ બાખડ્યા, ત્યારે અમેરિકા ઈઝરાયેલ તરફી થઈ ગયું ને ઈરાનને ધમકી આપવા લાગ્યું કે ઈરાન શાંતિ સ્થાપવામાં મદદ કરે. અમેરિકાએ ઇરાનને ધમકી આપી કે તે શાંતિ નહીં સ્થાપે તો અમેરિકા તેના પર હુમલો કરશે ને અમેરિકા બોલીને બેસી ન રહ્યું, તેણે ઇરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર રવિવારે સવારે સાડા ચાર વાગે હુમલો કર્યો પણ ખરો. અમેરિકન હુમલાના જવાબમાં ઇરાને ઈઝરાયેલ પર 35 મિસાઇલ્સ છોડી ને તેનાં 14 મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવ્યાં. ઇરાનમાં 13 જૂનથી અત્યાર સુધીમાં 657 અને ઇઝરાયેલમાં 24 લોકોનાં મોત થયાં છે ને 2,000થી વધુ ઘાયલ થયા છે.
અમેરિકન હુમલા સંદર્ભે અમેરિકન સંરક્ષણ મંત્રી ટ્રમ્પના વખાણ કરતાં કહે છે કે ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓએ ઇરાનના પરમાણુ ઠેકાણાંને રોકવાનું સ્વપ્ન જોયું હતું, પણ ટ્રમ્પ સિવાય કોઈ તે કરી શક્યું ન હતું. હુમલાના સંદર્ભમાં ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાનો ચહેરો બેનકાબ થયો છે. ઇરાને હુમલાનો જવાબ આપવાનું કહ્યું છે. એટલે હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાએ પણ હુમલો કરીને યુદ્ધની તીવ્રતા ને હાલાકી વધારી દીધી છે.
ખબર નથી પડતી કે સાચી કે ખોટી વૈશ્વિક શાંતિ સંદર્ભે અનેક દેશો યુદ્ધમાં સંડોવાયા છે, એમાં જે તે દેશના નેતાઓ તો યુદ્ધમાં નથી સંડોવાતા, પણ જે તે દેશની પ્રજા તેનો ભોગ બને છે. તેણે કોઈનું કૈં બગાડ્યું હોતું નથી, પણ હુમલાઓમાં ભોગ તેનો લેવાય છે. બાળકો કોઈ પણ દેશના હોય, પણ હુમલામાં તેઓ મરે છે, તે અંગે ભાગ્યે જ ગંભીર રીતે વિચારાય છે. હુમલો અમેરિકાએ ઈરાન પર કર્યો, તો સામે ઇરાને હુમલો અમેરિકા પર કરવો જોઈએ, પણ ઇઝરાયેલ પર કર્યો એ પણ સૂચક છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરાવ્યો, તો બીજી તરફ પાકિસ્તાને 2026નાં નૉબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું માનવું છે કે ટ્રમ્પની રાજદ્વારી મધ્યસ્થીને કારણે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ટાળી શકાયું હતું, જ્યારે પાકિસ્તાનનું જ એ પણ કહેવું છે કે યુદ્ધ વિરામની તેની જ વિનંતીઓને લીધે ભારત યુદ્ધ વિરામ માટે રાજી થયું હતું. પાકના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ ટ્રમ્પને નોબેલ આપવાની માંગ કરી હતી. એનો લાભ મુનીરને એ મળ્યો કે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું ને ટ્રમ્પ-મુનીરની વ્હાઇટ હાઉસમાં બંધ બારણે મુલાકાત પણ થઈ, એટલું જ નહીં, બંનેએ સાથે લંચ પણ કર્યું ને ટ્રમ્પ પણ પછી તો ‘આઈ લવ પાકિસ્તાન’ને લવારે ચડ્યા. સારી વાત એ છે કે ટ્રમ્પ-મુનીર પર કોઈનો ભરોસો નથી, પણ એ બંનેનો એકબીજાને બંધ બારણે મળવા જેટલો ભરોસો તો છે જ !
પાકિસ્તાન જન્મ્યું ત્યારથી સાચું બોલ્યું નથી.
જો કે, ટ્રમ્પે તો અત્યાર સુધીમાં 14 વખત દાવો કર્યો છે કે તેમની મધ્યસ્થીને કારણે જ ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું હતું ને ભારત વારંવાર કહી ચૂક્યું છે કે યુદ્ધ રોકવામાં ટ્રમ્પની કોઈ મધ્યસ્થી નથી. પાકિસ્તાન નૉબેલની ભલામણ ન કરે તો પણ ટ્રમ્પ પોતે સ્ટિકર લગાડીને બજારમાં વેચાવા ઊભા છે. તેમને પાછું એકાદ નૉબેલથી તો ચાલે એમ નથી એટલે જરા પણ શરમ વગર કહી શકે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર 4-5 વખત મળવો જોઈએ. ગમે એટલાં યુદ્ધો રોકે, ગમે એટલું કરે તો પણ તેમને નોબેલ મળે એમ નથી ને તેનો અફસોસ ટ્રમ્પને છે.
એ સાચું કે તેમના મતે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયેલ જેવા વિવાદો ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું કહેવું છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે મળીને કૉંગો-રવાંડા યુદ્ધને રોકવા શાંતિ સમજૂતી કરાવી, પરિણામે લોહિયાળ સંઘર્ષ ટળ્યો. આ મામલે પણ ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ નહીં મળે. તેમણે એ પણ ઉમેર્યું કે સર્બિયા-કોસોવો વચ્ચે પણ યુદ્ધ અટકાવ્યું, તો ય નોબેલ નહીં મળે. આમ એકાએક નોબેલ નૉબેલની માળા ટ્રમ્પ એટલે ફેરવે છે કે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને પ્રેસિડેન્ટ બન્યાના નવ જ મહિનામાં (2009) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, એટલે ટ્રમ્પને પણ લાગે છે કે નોબેલ માટેની તેમની મુદ્દત પણ પાકી ગઈ છે. ટ્રમ્પને એ ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ રોકવાના પ્રયત્નો છતાં યુદ્ધો રોકાયાં નથી. રશિયા-યુક્રેન હજી લડે જ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં તેમની કોઈ ભૂમિકા નથી, તેવું ભારતે સોય ઝાટકીને કહી દીધું છે, પણ ટ્રમ્પે મધ્યસ્થી તરીકેની પોતાની ભૂમિકા છે જ, તેવું 14 વખત કહ્યું છે. ઈરાન સાથે પરમાણુ ડીલ થઈ શકી નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, એટલું જ નહીં, ટ્રમ્પે પોતે ઉપર રહીને ઈરાન પર હુમલો કરી ત્રણ મથકોને હાનિ પહોંચાડી છે, તો કયે મોઢે ટ્રમ્પ 4-5 વખત નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવો દાવો કરી શકે? એમને નૉબેલનો ‘અશાંતિ’ પુરસ્કાર મળી શકે, પણ એ તો એવો પુરસ્કાર નોબેલ શરૂ કરે ત્યારની વાત છે. લાગે છે, નોબેલ વાંદરાને નીસરણી આપવા જેવું કરે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જૂન 2025