13મી જૂને, ઉત્તરીય ગ્રીસના ભૂમધ્ય સાગરમાં મચ્છીમારીનું એક નૌકા ઉથલી ગઈ. તેમાં લગભગ 700 પ્રવાસીઓ સમુદ્રમાં ડૂબીને મરી ગયા. તેમાં 100 જેટલાં બાળકો પણ હતાં. આ નૌકા ઈજીપ્તથી નીકળી હતી અને ગ્રીસ અને ઇટલી જવાની હતી. રસ્તામાં તેણે લીબિયામાંથી પ્રવાસીઓને લીધા હતા. 21મી જૂને, સ્પેન પાસે આવેલા કાનેરી ટાપૂઓ પર જઈ રહેલા લગભગ 35 પ્રવાસીઓ તેમની નૌકા ડૂબી જતાં માર્યા ગયા હતા. 39 પ્રવાસીઓ હજુ લાપતા છે. એ લોકો આફ્રિકન દેશોના નાગરિક હતા.
આ બંને ઘટનાઓના પ્રવાસીઓ પોતાના દેશનાં આર્થિક, સામાજિક અને કારણોસર બીજા દેશોમાં સ્વર્ગની તલાશમાં જતા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા અનુસાર, ગયા વર્ષે 29,895 લોકો સમુદ્ર માર્ગે સ્પેન પહોંચ્યા હતા, જયારે 643 લોકો સમુદ્રમાં ડૂબી ગયા હતા. 2021માં, 418 લોકોએ જળસમાધિ લીધી હતી. ઉપર લખ્યા તે બે તાજા સમાચાર કે અગાઉના આ સમાચાર તમારા ધ્યાનમાં ના આવ્યા હોય તે સંભવ છે. મોટાભાગની દુનિયામાં પણ આ સમાચાર ઘણા લોકોની નજરમાં નથી આવ્યા.
સ્પેનની ઘટના બની તેના બીજા જ દિવસે, 22 જૂને, નોર્થ એટલાન્ટિકના એક ખૂણામાં, જ્યાં એક સદી પહેલાં ટાઈટેનિક જહાજ ડૂબી ગયું હતું, તેનો કાટમાળ જોવા ગયેલી એક સબમર્સીબલ કેપ્સુલ, ધ ટાઈટેનમાં, સ્ફોટ થયો, અને તેમાં સવાર પાંચ અમીર પ્રવાસીઓનાં મોત થઇ ગયાં. ટાઈટેનિકે જ્યાં જળસમાધિ લીધી હતી તે સમુદ્રનું પેટાળ પાછલાં ઘણાં વર્ષોથી ટુરિસ્ટ-કેન્દ્ર બન્યું છે અને લોકો અવારનવાર સ્કૂલવાન કદની સબમર્સીબલ કેપ્સુલમાં બેસીને ત્યાં જાય છે.
આ પાંચ લોકોમાં, આ કેપ્સુલ ડીઝાઇન કરનારી અમેરિકન કંપની ઓસિયનગેટના માલિક સ્ટોકટન રશ, બ્રિટિશ બિઝનેસમેન અને અન્વેષક હમિશ હાર્ડિંગ, ફ્રેંચ સમુદ્ર વિજ્ઞાની પોલ-હેન્રી નાર્ગેઓલેટ, બ્રિટિશ-પાકિસ્તાની બિઝનેસમેન શહઝાદા દાઉદ અને તેમનો દીકરો સુલેમાન હતા.
આ સમાચાર દુનિયાભરનાં સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. છવાવા પણ જોઈએ. પાંચ અગ્રણી બિઝનેસમેન, 1,500 લોકોના જીવ લેનારુ ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ જળસમાધિ લે તો ઇતિહાસના એ ગમખ્વાર દુર્ઘટનાના જખ્મ તાજા થઇ જાય તે સ્વાભાવિક છે. લોકોએ આઘાત અને દુઃખ સાથે આ સમાચાર વાંચ્યા. આ લખનારનું ધ્યાન નહોતું તો એક મિત્રએ જેવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે તરત જ દુઃખ સાથે કહ્યું, “અરેરે, બહુ ખોટું થયું!” આવું ઘણા લોકોને એ દિવસે થયું હશે.
સમજવા જેવું એ છે કે સમુદ્રમાં માણસોના ડૂબી જવાની આગળ-પાછળ બનેલી ઘટનાઓમાં આપણી પ્રતિક્રિયા તદ્દન ભિન્ન હતી. બે એક સરખી ટ્રેજેડી હતી. બંનેમાં નિર્દોષ લોકો અકસ્માતે મોતને ભેટ્યા હતા. બંનેમાં તેમના પરિવારો નોધારા થઇ ગયા હતા, અને છતાં આપણને એક દુર્ઘટનનું દુઃખ લાગ્યું અને બીજા દુર્ઘટનનું દુઃખ તો છોડો, આપણે જાણવા-સમજવાની પણ તમા નથી લીધી. સમાચાર માધ્યમોએ એક દુર્ઘટનની શું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કેવી રીતે થયું તેની બેઝિક માહિતી આપી. એક દિવસ પછી એ સમાચાર ભુલાઈ ગયો.
ટાઈટનની દુર્ઘટનામાં કેપ્સુલ ગાયબ થયાના સમાચારથી લઈને ઘટના બની તેના ફોલો-અપ સમાચારો આપ્યા, તસવીરો જારી કરી, પરિવારજનો તેમ જ નિષ્ણાતોના ઈન્ટરવ્યું કર્યા, કેપ્સુલ બનાવનારી કંપનીનો ઇતિહાસ લખ્યો, કેપ્સુલની ડિઝાઈની સમજ આપી, ટાઈટેનિકનો ઇતિહાસ યાદ કર્યો.
આ ઘટના બની ત્યારે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એથેન્સમાં એક કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ટીપ્પણી પણ કરી હતી કે, “700 માણસો ડૂબી ગયા તેની સરખામણીમાં સબમર્સીબલની ઘટના તરફ લોકોનું વધારે ધ્યાન ખેંચાયું તે બરાબર નથી.”
આવું કેમ? આપણને સ્વીકારતાં અઘરું પડે, પણ હકીકત એ છે કે અમુક લોકોનાં જીવન વધુ કિંમતી હોય છે અને અમુકનાં ઓછાં. નોર્થ એટલાન્ટિકમાં જે પાંચ લોકો ડૂબી ગયા તે અમીર હતા અને પશ્ચિમના વિકસિત દેશોના નાગરિક હતા. સ્પેન (અથવા ગ્રીસ) પાસે જે લોકો મરી ગયા તે ગરીબ અને અવિકસિત દેશોના નાગરિક હતા.
જોવા જેવી વાત એ છે કે પાકિસ્તાનની અંદર પર આ ભેદભાવ હતો. નૌકા ડૂબી એ ઘટનામાં પાકિસ્તાની નાગરિકો પણ હતા, પરંતુ લોકોને સબમર્સીબલમાં માર્યા ગયેલા લંડનના પાકિસ્તાની બિઝનેસમેન બાપ-દીકરા પ્રત્યે વધુ દુઃખની લાગણી હતી. દરેક મનુષ્ય સમાન છે એવી નૈતિકતા સૌ માને છે, પરંતુ વ્યવહારમાં અમીર-ગરીબ માણસોનો ભેદભાવ થતો હોય છે. જેમ કે આપણે ત્યાં કહેવાય છે કે તોફાનો થાય ત્યારે ગરીબ લોકોનાં છોકરાઓ જ મરે છે, ક્યારે ય નેતાઓના છોકરાઓ મારતાં નથી, અને આ તોફાનો પાછળ કોનો હાથ હોય છે? નેતાઓ કે તેમની પાર્ટીનો.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એનાં બે કારણો છે. પહેલું કારણ છે કામના માણસો અને નકામા માણસોનો ભેદ. ધારો કે એક નૌકામાં ત્રણ માણસો છે. એક યુનિવર્સિટીનો યુવાન વૈજ્ઞાનિક છે, બીજો જેલ પૂરી કરીને છૂટેલો હત્યારો છે અને ત્રીજા તમે છો. નૌકા ડૂબવાની અણી પર છે અને તમે બેમાંથી એકને જ બચાવી શકો તેમ છો. કોને બચાવશો? તમે એ ભાવિ વૈજ્ઞાનિકને બચાવશો જે ભવિષ્યમાં કેન્સરની દવા શોધવાનો છે કે પછી એ હત્યારાને બચાવશો જે ન તો ભણ્યો છે કે ન તો તેનો પરિવાર છે?
જવાબ સ્વયં સ્પષ્ટ છે. એક કામનો છે, અને બીજો નકામો છે. તમે કામના માણસને જ બચાવશો. ધારો કે એ નૌકામાં 80 વર્ષનો એક વૃદ્ધ છે અને 18 વર્ષનો એક છોકરો છે. કોને બચાવશો. આનો જવાબ પણ સ્વયં સ્પષ્ટ છે. આપણે વ્યક્તિના જીવનની કિંમત સમાજમાં તેના સ્થાન કે ઉંમર જોઈને નક્કી કરીએ છીએ. ફેવરિટિઝમ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને તે સ્વાર્થમાંથી આવે છે. હું બીજા પરિવાર કરતાં મારા પરિવારની, બીજાના બેબી કરતાં મારા બેબીની કે અજાણ્યા રાહદારી કરતાં મારા મિત્રની ફેવર કરીશ.
બીજું કારણ પરિચિતતાનું છે. બીજા દેશોમાં ઘુસણખોરી કરતાં માણસોના મરી જવાના સમાચારો બહુ કોમન છે. રોજ હજારો લોકો યુરોપ-અમેરિકામાં ગેરકાયદે ઘૂસે છે અને વારેતહેવારે તેમના અકાળે મરવાના સમાચારો આવે છે. આપણને આવા સમાચારોની ‘ટેવ’ પડી ગઈ છે એટલે તેની ‘શોક-વેલ્યુ’ ઘટી ગઈ છે. એક અત્યાધુનિક અને સુરક્ષિત સબમર્સીબલમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા લોકો છેક સમુદ્રના પેટાળમાં જઈને મરી જાય એવી ઘટના રોજ નથી બનતી. એટલે એમાં આપણને આધાત અને નવીનતા બંને લાગે છે.
એક વર્ષ પહેલાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે દિવસો સુધી તેના સમાચારો આવતા હતા અને લોકો યુદ્ધની ટ્રેજેડીની વાતો કરતા હતા, પરંતુ એક વર્ષ પછી એ ટ્રેજેડી એટલી પરિચિત થઇ ગઈ છે કે લોકોએ તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.
આપણું દિલ એ જ ટ્રેજેડીથી આઘાત પામે છે જે અચાનક બની હોય અને જેમાં ‘નજીક’માં અથવા ‘કામના’ લોકો ભોગ બન્યા હોય. છાસવારે બનતી અને આપણને ભાવનાત્મક કે બીજી કોઈ રીતે સ્પર્શતી ના હોય તેવી ટ્રેજેડીથી આપણે એટલા ઘવાતા નથી. મારી પાસે એક જ રૂપિયો હોય તો તેનું મૂલ્ય મારા માટે વધુ હોય, પણ મારી પાસે એક લાખ રૂપિયા હોય, તો એક રૂપિયાનું મૂલ્ય ઓછું હોય. માણસોના જીવનની કિંમતનું પણ એવું જ છે. નૈતિકતાનું વર્તુળ નાનું હોય ત્યાં સુધી જ આપણામાં બીજા માટે સહાનુભૂતિ રહે છે. એનો દાયરો હજારો લોકો સુધી પહોંચી જાય પછી સહાનુભૂતિ નબળી પડતી જાય. માત્ર મહાપુરુષો જ આખી માનવજાતનું દર્દ અનુભવી શકે છે. એટલા માટે જ તેમને મહાપુરુષ અને આપણને પામર જીવ કહેવાય છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર