ઓરિસ્સામાં હરિજન ફંડનું કામ ચાલતું હતું. કેન્દ્રાપાડામાં સાંજે સભા ભરાઈ. બાપુ એક ઊંચા મંચ ઉપર બેઠા. દશપંદર હજાર માણસમાં ભાગ્યે જ સોબસોએ પૂરાં કપડાં પહેરેલાં હશે. બાપુ લગભગ પોણો કલાક બોલ્યા. પછી ફાળો શરૂ થયો. રૂપિયા, આના, પૈસા, અધેલા, પાઇનો ઢગલો થયો. એમાં એક છોકરો આગળ આવ્યો, અને મોટું કોળું બાપુની સામે ઊંચું કરી ધરી રાખ્યું. બાપુએ મંચ ઉપરથી હાથ લંબાવીને લીધું અને સભાને શાંત પાડતાં બોલ્યા, “આ એક છોકરાની ભેટ છે. એણે છાપરા ઉપર શાકના વેલા ચડાવ્યા છે. કદાચ આજે આ કોળું તેનો મુખ્ય ખોરાક હશે. મેં એને પૂછ્યું કે તું આ શા માટે લઈ આવ્યો? મને કોળું આપી દીધું, હવે તું શું ખાઈશ? તો તેણે કહ્યું કે એક ટંક ન ખાવાથી ક્યાં મરી જવાના છીએ? મારી પાસે પૈસા નથી એટલે કોળું લાવ્યો. તાતા કે બિરલાના લાખો રૂપિયા કરતાં મને આ કોળાની વધુ કિંમત છે. તમને કેટલાકને થતું હશે કે આ માણસ ગરીબોના પૈસા લઈ લે છે. એ કરતાં બે-પાંચ શેઠિયા પાસેથી લાખ કેમ લઈ લેતો નથી? પણ તમે સમજો કે આ અસ્પૃશ્યતાનિવારણના મહાયજ્ઞમાં પૈસાની નહીં, ભાવનાની કિંમત છે. જે મને પાઈપૈસો આપે છે તે આ કામમાં મારી સાથે છે.”
સાંજે પાંચ વાગ્યે બીજે ગામ જવા નીકળ્યા. આગળ એક ભજનમંડળી અને પાછળ લોકોનું ટોળું. ગાતાવગાડતા આનંદથી નાચતાકૂદતા સૌ ચાલ્યા. જાણે પ્રભુ ચૈતન્યદેવ ફરી પધાર્યા હોય એમ લાગતું હતું. ધાર્યા કરતાં બીજા ગામનું અંતર વધારે નીકળ્યું, એટલે બાપુ એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. ડિલે માત્ર કચ્છભેર, એક પગ લાંબો કરીને ઘુંટણ પર હાથ ટેકવી બેઠેલા બાપુ આસપાસ બેઠેલા સેંકડો ઓરિસ્સાવાસીઓના પ્રતિનિધિ સમા દરિદ્રનારાયણના સાથીના અવતાર જેવા લાગતા હતા.
ઠક્કરબાપા સાથે વાત કરી રહ્યા હતા. એમની બાજુમાં ઓરિસ્સાના લોકસેવક ગોપબંધુ ચૌધરી બેઠા હતા. તેઓ બાપુના દુભાષિયાનું પણ કામ કરતા. તે વખતે એક ડોસો આવ્યો. તેના અંગ પર માત્ર લંગોટી અને માથે લીરો વીટેલો હતો. અમે દૂર બેઠેલા જરા ખસીને નજીક આવ્યા. એ વૃદ્ધના શરીરની પાંસળીઓ ગણી શકાતી હતી. આવીને એ બાપુ સામે બેઠો. માથામાંથી તણખલું લઈ મોંમાં મૂક્યું. અને બાપુ સામું ત્રણવાર માથું નમાવ્યું. પછી એક પૈસો બાપુના પગ આગળ મૂક્યો. બાપુ ટગર ટગર જોઈ રહ્યા. તેમને આ જોઈને ભારે દુ:ખ થતું હતું. ઠક્કરબાપા તેમના અંતરની વેદના કળી શક્યા. થોડીવાર કોઈ બોલ્યું નહીં.
પછી બાપુએ ડોસા સામે જોઈ કહ્યું, “તમારી પાસે પહેલાં હું ત્રણ ચીજ માગું છું. આપશો?”
ચીંથરેહાલ વૃદ્ધ બાપુ સામે તાકી રહ્યો. એના મનમાં થયું કે આવડા મોટા મહાત્માને મારી પાસેથી શું લેવાનું હશે? એને ભારે નવાઈ લાગી, છતાં તરત એની આંખમાં તેજ આવ્યું. એ બોલ્યો, “બાપજી, આલવા જેવું હશે તો આલીશ.’’
માણસ કંઈક લેવા આવે છે ત્યારે એની આંખમાં ગરજ અને જીભમાં ખુશામત હોય છે. અને આપતી વખતે આત્માનું ઓજસ અને જીભમાં ત્યાગનું તેજ ચમકે છે. ઘડી પહેલાંનો ડોસો ઘડીમાં પલટાયો. ગાંધી મહાત્મા શું માગે છે તેની રાહ જોઈ રહ્યો.
બાપુ બોલ્યા, “પહેલાં તો તમારા માથામાં જે ઘાસનાં તરણાં છે તે મને આપી દો. આજથી કોઈની પાસે મોંમાં તરણું લઈ માથું ન નમાવશો. તમે પણ બીજા જેવા જ માનવી છો. સૌની જેવો જ આતમરામ તમારામાં પણ વસે છે. બીક કે લાલચથી બીજાને નમવું તે પાપ છે.” ડોસાએ માથામાંથી તરણાં ફેંકી દીધાં. “લો બાપજી” એમ કહેતાં એની આંખ ચમકી ઊઠી.
બાપુ બોલ્યા, “બીજું, તમારું મોં ગંધાય છે. તમે છાંટોપાણી લીધાં છે. દારૂ, તાડી, બીડી, તમાકુ, અફીણ વગેરે વ્યસનો માણસના દુ:શ્મન છે. અંગ્રેજની ગુલામી કરતાં એ મોટી ગુલામી છે. એ છોડી દેવાનું વચન આપો.”
“આજથી છાંટોપાણી નહીં લઉં, બાપજી!” ડોસાએ કહ્યું.
“ત્રીજું”, બાપુ બોલ્યા, “તમારી જીભ ચોખ્ખી રાખજો. જે જીભે રામનું નામ બોલીએ એ જીભે હલકો શબ્દ ન બોલાય. બાળકોને કે સ્ત્રીને ગાળ ન દેવાય. પાડોશીને ખરાબ વેણ ન કહેવાય. દેહ તો આત્માનું મંદિર છે. બોલો, કબૂલ છે?”
“ભલે બાપજી, ખોટા શબ્દ નહીં બોલું.”
બાપુ રાજી થઈને કહે, “તમારો પૈસો લાવો. એ ક્યાંથી લાવ્યા?” “લાકડાની ભારી વેચી તેમાંથી પાંચ પૈસા મળેલા. ચાર પૈસાના ચણા લઈ ખાધા અને એક આપને પગે મૂકવા લાવ્યો, બાપજી.”
“મને શા માટે આપો છો?”
“આપ કોઈ ધરમના કામમાં વાપરશો.”
“ધરમનું કામ એટલે ?”
“કોક ગરીબ ગુરબાના લાભમાં.”
બાપુએ ઠક્કરબાપાની સામે જોયું. તેઓ જાણે કહી રહ્યા હતા કે સાવ કંગાલ માણસનું મન પણ કેટલું મોટું છે. આર્થિક રીતે એ ગરીબ છે, પણ મનનો ગરીબ નથી. બીજાને માટે ઘસાવું, તેમાં જીવતરનો લહાવો માનવો, એ આપણા લોહીમાં રહેલી વસ્તુ હતી.
બાપુએ એ પૈસો લીધો; એ ઘડીએ ત્રણે ડોસાના ચહેરા એક સરખા ખીલી ઊઠયા. એ ત્રિમૂર્તિ અમારા અંતરમાં એક અનોખો અજવાસ પાડી રહી.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર