માધ્યમિક શાળામાં ભણતી વેળાએ હિંદીના વિદ્વાન સાહિત્યકાર વિદ્યાનિવાસ મિશ્રનો એક નિબંધ ‘દિયા ટિમટિમા રહા હૈ’ વાંચેલો. ૧૯૬૦ના દાયકામાં આ નિબંધલખાયો હશે. દિવાળીની અંધારી રાત્રે વીજળીના ગોળાઓ અને કંઈક ટ્યૂબ અને નિયોન બત્તીઓ ઝગારા મારી બનારસ શહેરની શેરીઓને ઝળહળાવતી હશે, ત્યારે લેખકની ભાવોર્મિઓ તેમને ગામડા ભણી લઈ જાય છે. પોતે ગામડાના હોવાનું જણાવી લેખક કહે છે કે રોમના સમયથી અંગ્રેજોના સમય સુધી તો દેશ લૂંટાયો-પીંખાયો જ હતો. સ્વતંત્રતા મળ્યા બાદ શહેરો આધુનિકતા અને વિકાસના નામે રાત્રે દિવસની છલામણી ઝાકઝમાળ પેદા કરે છે. રાજ્ય આમ કરવામાં ગૌરવ અને ધન્યતા અનુભવી રહ્યું છે. આ સમયે ગ્રામીણ ભારત સમક્ષ ફેલાયેલા પ્રગાઢ અંધકાર, ભયાનક નિઃસ્તબ્ધતા અને અનેકાનેક આશંકાઓ વચ્ચે કૃષિસંસ્કૃિતનો તળસ્તરે પહોંચેલો દીવો સ્નેહનાં પૂરણ કરતાં પોતાની જિજીવિષાથી દેદીપ્યમાન થઈ રહ્યો છે અને વિદ્યાનિવાસ મિશ્ર લખે છે. ‘પર અબ ભી ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા ટિમટિમા રહા હૈ.’
સ્વતંત્રતા બાદ દેશના કર્ણધારોએ અંગ્રેજોની શિક્ષણપ્રણાલીમાં સમૃદ્ધિ અને મુક્તિ નિહાળી તેને જ આગળ વધારવામાં શ્રેય જોયું. તો નાનાભાઈ ભટ્ટ અને તેમના વિચાર તેમ જ જીવનના સહમાર્ગીઓએ નાનાભાઈને સ્ફુિરત અને પ્રયોજિત શિક્ષણ, જે ગાંધીસંજ્ઞા ‘બુનિયાદી તાલીમ’ તરીકે ઓળખાયું, તેનો દીવો પ્રગટાવ્યો. આ ધીરવીર પ્રયોગના અનુભવો અને વિચારોની અભિવ્યક્તિ માટેનું વિચારપત્ર એટલે ‘કોડિયું’. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને મૂળશંકરભાઈ ભટ્ટ બાદની પેઢીના એક સશક્ત શિક્ષક અને પ્રયોગવીર અનિલભાઈ ભટ્ટે અડધી સદી સુધી ‘કોડિયું’માં અનુભવ અને વિચારોનું સ્નેહ પૂર્યું છે. વાચકો સમક્ષ પ્રસ્તુત પુસ્તક મુખ્યત્વે અનિલભાઈનાં લખાણોનો સંચય છે. આજે શિક્ષણજગતમાં ફેલાયેલી નરી અરાજકતા, નીતિપક્ષાઘાત અને લોભી તથા તકસાધુ વેપારીઓના હાથમાં સપડાઈને વેચાણ માટે ગિલેટ ચઢેલી શિક્ષણવ્યવસ્થાના કૃત્રિમ ઝગારા અને ઝળાહળ વચ્ચે આ સંચય પ્રકાશે છે, ત્યારે મને લાગ્યું કે ‘ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા અબ ભી ટિમટિમા રહા હૈં.’
માંદગીના કારણે તળાજાએ એક શહેરી યુવાખેડુ ગુમાવ્યો, તો બીજી તરફ ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાને બાળકો માટે એક શરમાળ પણ કૃતનિશ્ચયી શિક્ષક અને સંસ્થા માટે દૃષ્ટિવંત અને સહૃદયી સંચાલક મળ્યો. અનિલભાઈની અભિવ્યક્તિ તેમને એક સંવેદનશીલ અને વિચારવાન શિક્ષક તરીકે સુપેરે રજૂ કરે છે. બાળકના ઘડતરમાં વાતાવરણની ઊંડી અસર થતી હોય છે. વાતાવરણના નિર્માણમાં માતાપિતા, ઉછેરનારા અને જોડે ઊછરનારા તેમ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની અસર જોવા મળે છે. અનિલભાઈ એવા પરિવારનું સંતાન છે, જેના વડા ગાંધીવિચારથી પ્રભાવિત થઈ સત્યાગ્રહી બન્યા અને એકાધિક જેલવાસ પણ કર્યો. અનિલભાઈના બાળમાનસ પર પરિવારનું વાતાવરણ અને વિચારોની અસર થઈ હશે.
વીસમી સદીના પહેલા દાયકાથી જ ગુજરાત પ્રદેશના ભાવનગર રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રે શાંતક્રાંતિનો આરંભ થયો. દક્ષિણામૂર્તિ અને ઘરશાળા જેવી શાળાઓના શિક્ષણના પ્રયોગોએ શિક્ષણશાસ્ત્ર વિશેની મૌલિક સમજ ઊભી કરી દેશમાં શિક્ષણના ક્ષેત્રે અંગ્રેજીનું પ્રભુત્વ વ્યાપક હોવાને લીધે સૌરાષ્ટ્રના એક દેશી રાજ્યમાં થયેલી ક્રાંતિની નોંધ ભાગ્યેની લેવાઈ. પણ ગાંધીજી આ પ્રયોગો વિશે જાણવાનું ચૂકી જાય તે ન બને. કારણ કે તે જ અરસામાં સુદૂર દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ વસાહત તેમ જ ટૉલ્સ્ટૉય ફાર્મ પર રહેનારાં બધાં જ બાળકોના શિક્ષણ અંગે તેમણે કંઈક પ્રયોગો કર્યા હતા. સ્વદેશાગમન બાદ ભાવનગર રાજ્યમાં ચાલતા શિક્ષણના પ્રયોગો અને તેને ચલાવનારી વિભૂતિઓ અંગે એમને માહિતી મળે જ. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તપાસી જઈએ, તો એક કરતાં વધુ વખત ગાંધીજી દક્ષિણામૂર્તિનો ઉલ્લેખ કરે છે. ત્યાં ચાલતા શિક્ષણ વિશે તેઓ સુપેરે પરિચિત હોવાનું જણાઈ આવે છે. જાન્યુઆરી ૧૯૧૫માં ગાંધીજી અને તેમના સાથીદારો દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યા અને ૭ ડિસેમ્બર, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ ભાવનગરમાં કરેલી ચર્ચા-ગોષ્ઠીમાં નાનાભાઈ હાજર હતા. નવાઈ નથી કે શિક્ષણ માટે માતૃભાષાને શ્રેષ્ઠ માનનારા ગાંધીજીએ ૧૯૨૭-૨૮ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ માટે નાનાભાઈ ભટ્ટને કુલનાયક તરીકે તેડાવ્યા. શિક્ષણમાં થઈ રહેલી આ શાંતક્રાંતિના કાળના સદ્ભાગી વિદ્યાર્થીઓમાંના એક અનિલભાઈ. અનિલભાઈએ દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકો પાસે બાલ્યકાળ વિતાવ્યો. ત્યાર બાદ તેઓ જુગતરામભાઈની નિશ્રામાં વેડછીમાં દીક્ષિત થયા. આમ, માતા-પિતાએ તૈયાર કરેલી આવી ફળદ્રુપ જમીન પર દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકોએ રોપેલા બીજને વેડછીમાં જુગતરામભાઈ અને અન્ય યોગ્ય શિક્ષકોએ અંકુરિત કર્યું. પરિણામે સમાજને એક સશક્ત શિક્ષક મળ્યો, તે અનિલભાઈ આ વિશેષતા શિક્ષણજગતના સૌ જાણે છે.
પ્રસ્તુત સંચય ચાર ભાગોમાં વહેંચાયેલો છે : કેળવણીનાં શીલ અને દર્શન; કલ્યાણયાત્રા અને હૃદયયાત્રા. આ સ્થળે સંચયનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. તેમ છતાં લેખકની વિચારયાત્રા વિશે તેમના જ લેખનના આધારે કંઈક કહેવા માટે મેં લેખોનો કાળક્રમ લીધો છે. તેમની લેખનયાત્રા ૧૯૬૧થી શરૂ થાય છે. વીસી વટાવેલ થનગનતા યુવાનનો પહેલો લેખ કેળવણીની પ્રક્રિયામાં ઉદ્યોગની ભૂમિકા અંગેનો છે. યુવા વયે આયોજનબદ્ધ રીતે ઉદ્યોગ શિખવાડવા માટે લેખક જણાવે છે. વિચાર અને પુરુષાર્થનું સંયોજન સંકલ્પ અને આયોજનને જન્મ આપે છે. આયોજન સાથે ગોઠવાયેલો ઉદ્યોગ વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા ત્રણેયને શિક્ષણલાભ આપે છે. ૧૯૬૬ના લેખ ‘ઉદ્યોગમંદિર શા માટે’માં લેખકની વિચારયાત્રા આગળ ચાલે છે. શાળામાં ઉદ્યોગ દાખલ કરવાથી ગ્રામના અર્થકારણની મુખ્ય પ્રવૃત્તિઓને વેગ મળે છે. ગ્રામસંસ્કૃિત પુષ્ટ થાય છે અને યંત્રોદ્યોગોની ઘેલછા ઓછી થાય છે. યંત્રોદ્યોગના જ્ઞાનને ગ્રામજીવનના સંદર્ભે યથાયોગ્ય ટેક્નોલૉજીના વિકાસમાં લગાડી શકાય. ૧૯૭૧ના લેખમાં વિદ્યાર્થી, સંસ્થા અને સમાજમાં ઉદ્યોગશિક્ષણના કારણે જન્મતાં શ્રમના ગૌરવ અને તેના આર્થિક લાભની ચર્ચા કરવામાં આવી છે. ૧૯૮૭માં વ્યાવસાયિક શિક્ષણ અને ઉદ્યોગશિક્ષણ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતાં અનિલભાઈ વ્યાવસાયિક શિક્ષણને એકાંગી, જ્યારે ઉદ્યોગ શિક્ષણને વ્યક્તિ અને સમાજના સ્વસ્થ ઘડતર માટે ઉપયોગી જણાવે છે. ઉદ્યોગ શિક્ષણ અંગે તેમની છેવટની સમજ ૧૯૯૩ના લેખમાં પ્રકટ થાય છે. તેમની ઉંમર ૬૩ની. આ પરિપક્વ ઉંમરે ઉદ્યોગ શિક્ષણની જરૂરિયાત વિશે એક તાત્ત્વિક વાત કરી છે. ‘એક બાજુ ઉદ્યોગ દ્વારા માનવીનું સર્વાંગીણ ઘડતર; બીજી બાજુ ન્યાયી, સ્વાતંત્ર્ય આપનારી, સહકારી સમાજવ્યવસ્થા અને ત્રીજી બાજુ પ્રકૃતિને નુકસાન ન થાય તેની કાળજી. આ ત્રણેય હોય ત્યારે ઉદ્યોગ કેળવણીનો ભોગ બને છે.’ અનુભવમાંથી પસાર થયેલી વિચારવંત વ્યક્તિ પાસેથી જ આવો સમૃદ્ધ વિચાર મળે.
ત્રીસીના વયકાળે અનિલભાઈની સમજ અને પરિપક્વતા ધ્યાનાકર્ષક છે. મેળવેલા જ્ઞાનને આત્મસાત્ કર્યાની અભિવ્યક્તિ લેખનમાં પ્રતિબિંબિત થાય. બે લેખ વિશે કહું. ‘સમાજ નવનિર્માણ’માં વ્યક્તિ અને સમાજ તરફની જવાબદારી સ્પષ્ટ રીતે ચિત્રિત કરતાં અનિલભાઈ લખે છે કે વર્ષોથી ગુલામી દૂર થવા છતાં ખોળિયામાં પૂરો પ્રાણ નથી આવ્યો. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, આર્થિક સમાનતા, સામાજિક ન્યાય અને સરળ, ઝડપી અને શાંતિભર્યો લોકશાહી વહીવટ, આ ચારે બાબતમાં પ્રગતિ એટલે સમાજ નવનિર્માણ. ગાંધીશતાબ્દી માટે શું કરવાનું? અનિલભાઈનો જવાબ છે : શક્તિ પ્રમાણે શ્રમ કરવો. ગાંધીજીનાં જીવન અને વિચારોને સમજવા માટે સતત અધ્યયનશીલ રહેવું; સામૂહિક જીવનની ગુણવત્તા સુધારવી; શ્રમજીવીઓના ભાગે વેઠ અને મજૂરી તો શ્રીમંતોના ભાગે એશોઆરામના સ્થાને કેળવણી દ્વારા આ બે વર્ગો વચ્ચે રચાતી સાંકળ નવો સૂર્યોદય કરાવશે.
૧૯૭૦નો દાયકો અનિલભાઈનો ચાલીસનો દાયકો છે. શિક્ષક તરીકેના સમૃદ્ધ અનુભવ સાથે નિયામક તરીકે કામગીરી શરૂ કરી ને લોકવિદ્યાલય માઇધારમાં સંચાલક તરીકે ગયા. નિર્ણય સમયે ક્યારેક અનિલભાઈ ખચકાટ અનુભવે. પણ અંતમાં તો દર્શકના વિશ્વાસે જવાબદારી લે અને યોગ્ય રીતે પાર પાડે. આ સમયના તેમનાં લખાણોનું પ્રયોજન શિક્ષકોને સજ્જતા અને જવાબદારીઓ તરફ ધ્યાનાકર્ષિત કરવાનું છે. મેઘાણીએ જુવાનિયાઓને કરેલી હાકલ છતાં શિક્ષકે તો સમજવાનું છે કે ‘નાનું દરેક બાળક જ્ઞાતનો ઘોડો કરી અજ્ઞાતને પકડવા, અણતગાનો તાગ લેવા મથે છે’ આ અણદીઠાને શિક્ષકે પણ જોવાં ઘટે. બે શિક્ષકો – ગિજુભાઈ, મૉન્ટેસોરી અને એક સંત-કબીર વચ્ચે સમય, અભ્યાસ અને પરિસ્થિતિના બહોળા અંતર છતાં શિક્ષકની યોગ્યતા અંગે કહેલી વાત લગભગ એકસમાન છે. બાળકો માટેનો પ્રેમ અને માનવીય આદર એ અનિવાર્ય શરત. ત્યાર બાદ વૈજ્ઞાનિક દૃષ્ટિ અને અભિગમ. અંતમાં ‘गुरू कुम्हार शिश कुंभ है, गढि गढि काढै खोट, अंदर हाथ सहार दे, बाहर वाहै चोट।’ કેટલાક વાચકો આ જાણતા જ હશે, પણ પુસ્તકમાં તેને સંદર્ભ અને અનુભવોનો સાથ મળ્યો છે. પરિણામે તેનો સ્વાદ અનેરો છે. ગાંધીવિચાર અને નઇ તાલીમના શિક્ષણમાં તાત્ત્વિક મુદ્દો સમાજપરિવર્તન માટે કેળવણી છે. આ સમજ સાથે પરિવર્તન માટે કેળવણી અને પરિવર્તનમાં શિક્ષકના સ્થાન વિશે ગંભીર ચિંતન રજૂ થયું છે. આ કાળમાં અનિલભાઈ શિક્ષકોના શિક્ષક તરીકે તરી આવે છે.
૧૯૮૦ના દાયકામાં અનિલભાઈનો વનપ્રવેશ થઈ ગયો છે. વિચારપ્રવાહ વધુ સહજતા અને આત્મવિશ્વાસથી વહે છે. આ દાયકામાં અનિલભાઈએ ઓછું લખ્યું જણાય છે. પણ એક વિશદ લેખ એમણે ગુરુ અને અભિભાવક સમા દર્શકની કેળવણી અંગે કર્યો છે. આ કેળવણીને લોકાભિમુખ કેળવણી તરીકે સરસ રીતે ઉપસાવી છે. નાનાભાઈ ભટ્ટના અને મૂળશંકરભાઈ ભટ્ટના કેળવણી અંગેના વિચારો પણ અનિલભાઈ અનેરી સમજ સાથે રજૂ કરે છે. ગાંધીજીના વિચારો રજૂ કરવાનું ઘણું અઘરું કામ કિશોરલાલ મશરૂવાળાએ કર્યું, જે વિચારસારને ગાંધીજીની મંજૂરી મળી હતી. અનિલભાઈ પોતાના પૂર્વસૂરિઓના વિચારો એટલી જ અસરકારક રીતે રજૂ કરે છે કે તેઓ મશરૂવાળાની યાદ અપાવે.
ગાંધીજીએ વ્યક્તિસ્વતંત્રતાના સંદર્ભે સરસ ટકોર કરેલી છે. જે. એસ. મિલના ‘લિબર્ટી’ના ખ્યાલ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ હિંદુસ્તાનના યુવાનને મિલ અને સ્પેન્સર પાસેથી વ્યક્તિસ્વાતંત્ર્ય વિશેના પાઠ શીખવવાની ના પાડશે. કારણ કે આ પશ્ચિમી શિક્ષણ તેના માટેનું નથી. સ્વાતંત્ર્યની કેળવણીના સંદર્ભે અનિલભાઈ બાળકને ભયમુક્ત બનાવવાનું કહે છે, આ અત્યંત અગત્યની સમજ છે, જે શિક્ષણના સૌ વિદ્વાનો જ્ઞાન અને અનુભવથી કહે છે. વિદ્યાપીઠના सा विद्या या विमुक्तयेना ધ્યાનમંત્ર છતાં મારા કાર્યકાળમાં ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીઓને શિક્ષકોથી ભયભીત રહેતા જોયા છે. વધુ દુઃખદ તો એ લાગે કે તાલીમી શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના શિક્ષકો વિદ્યાર્થીઓને બીકના ઓથારમાં રાખે. આવી તાલીમમાંથી નીકળેલા પોતે કેવા શિક્ષક થતા હશે? ખેર, અનિલભાઈ સ્વાતંત્ર્યની કેળવણી અંગે શું કહે છે તે જોઈએ. તેઓ લખે છે, ‘મુક્તિ માટે પાયાની આવશ્યકતા તરીકે આત્મસંયમને ગાંધીજી મૂકતા હતા. સ્વનિયમન અને આત્મસંયમ કોઈ પણ પ્રજા માટે અનિવાર્ય છે અને તે ન હોય તો કોઈ પ્રજા ટકી શકે નહીં. કોઈ કેળવણી સ્વનિયમન ન શીખવે તો સ્વાતંત્ર્યની વાત તેણે છોડી જ જેવી પડે.’ આજે નવી પેઢી સ્વનિયમનની કેળવણી વગર સ્વાતંત્ર્યની જાતતાલીમ લઈ વિધ્વંસ તરફ અગ્રેસર છે.
૧૯૯૦માં દાયકામાં અનિલભાઈએ પુષ્કળ લખ્યું છે. જીવનના છઠ્ઠા દાયકામાં ઊંચાં સ્થાન-અવસ્થાએ પહોંચીને તેઓ સ્પષ્ટ જોઈ શકે છે. આ અરસામાં તેમનાં લખાણો વિશદ છે. કેળવણીનો પ્રાણ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન; ત્યારે કરીશું શું; કેળવણીની યાત્રાનું ધ્રુવબિંદુ; ગુજરાતમાં નઇ તાલીમ-પુરુષાર્થ અને સિદ્ધિ; સર્વોદયની કેળવણી : પડકાર, આંદોલન અને સમાજરચના તેમ જ અન્ય લેખ બહોળા અનુભવ, પ્રયોગ અને વાંચનને અંતે નીપજેલાં સારતત્ત્વો છે. પૂર્વસૂરિઓનાં વિચારતત્ત્વો છતાં અનિલભાઈની યાત્રા અંગત છે. ગાંધીવિચાર અને જીવન; નાનાભાઈ, મૂળશંકરભાઈ અને દર્શકથી પ્રભાવિત હોવા છતાં વિચારોમાં તાજગી અને મૌલિકતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. અનિલભાઈની યાત્રા લાંબી, ઊંડી અને આત્મખોજી રહી હોય તેવું તેમનાં લખાણોમાં તરી આવે છે. લખાણોમાંથી તેઓ ઊંડી લાગણીવાળા, વિશ્લેષણાત્મક બુદ્ધિ ધરાવનારા અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે ઓળખાઈ આવે છે. ગાંધીયુગમાં અંતિમ કાળમાં જન્મેલા અને તે પહેલાંના અનેકોએ સ્વયંશિસ્તની જરૂરિયાત અને અગત્ય સમજી આજીવન તપ કરીને તેજ વધાર્યાં છે. આપણા સમાજમાં આ તેજસ્વી લોકોને બીજી પેઢી અનુસરવા તૈયાર નથી થતી. ગાંધીવિચાર આધારિત કાર્યોમાં તો આની નોંધપાત્ર ઊણપ રહી જવા પામી હોવાનું જણાય છે. પશ્ચિમી ફિલસૂફીમાં પ્લેટો બાદ ઍરિસ્ટોટલની જેમ નઇ તાલીમની પરંપરામાં નાનાભાઈ જેવા તેજસ્વી શિક્ષણવિદો બાદ અનિલભાઈ જેવા કેટલાક સમર્થ શિષ્ય આવ્યા છે. અનિલભાઈ શિક્ષણમાં અનુબંધ વિશે લખે છે, ‘ચાલુ પરિસ્થિતિ સાથે કશો સંબંધ જ ન હોય તેવી સ્થિતિમાં કોઈ સમાજ ટકી શકે જ નહિ. કેળવણીએ વ્યક્તિ તથા સમાજના ભૌતિક, આધિ-ભૌતિક તથા આત્મિક વિકાસ માટેનાં દ્વાર ખોલી આપવાનાં છે. પણ તે જ જો બંધિયાર અંધારી કોટડીમાં પુરાઈ રહેવાની હોય તો તેવી કેળવણીની સમાજને શી જરૂરત છે?’
ગુજરાતમાં માતૃભાષામાં શિક્ષણ આપતા તાલીમી શિક્ષકોને શીખવા-સમજવા માટે સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે. નાનાભાઈથી શરૂ કરી અનિલભાઈ અને ત્યારબાદની પેઢીમાં પણ કેટલાક તેજસ્વી શિક્ષકોએ આ સાહિત્યમાં ઉમેરો કર્યો છે. સંકટ એ છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી મોટા ભાગની સંસ્થાઓ કાચી અને અયોગ્ય બની છે. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આજે નઈ તાલીમનાં તત્ત્વોને ઓળખીને દાખલ કરી રહ્યું છે. માતૃભાષામાં શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પણ બહારથી આવેલા વિચારો અને પદ્ધતિ ચલાવી ધન્યતા અનુભવે છે. આ પરિસ્થિતિમાંથી નીકળવાની તાકીદે જરૂર છે. અનિલભાઈના લેખોનું આ સંકલન પ્રસ્તુત જરૂરિયાતપૂર્તિનું એક સાધન બની રહે તેમ છે. સંકલન અને સંપાદનની જહેમત ઉઠાવનાર રમેશ સંઘવી અભિનંદનને પાત્ર છે. પ્રસ્તુત સંકલન વિદ્વાનો, શિક્ષકો અને વિદ્યાર્થી તેમ જ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 17-18