સવારે બરાબર ૬:૦૦ વાગે બરખાનો ફોન વાગ્યો. નામ જોવાની પણ જરૂર બરખાને ના પડી. બરખાએ આખી રાત આ ફોનની વાટ જોઈ હતી. સીધી બાલ્કનીમાં આવી, ઊંડા શ્વાસે ફોન ઉપાડ્યો. ૩૬૫ દિવસમાં બરખાને ખાલી આજના જ દિવસની રાહ હોય છે.
'હેપી બર્થ ડે બરખા’.
બરખાની આંખોના ખૂણા ભીનાં થઇ ગયાં. શ્વાસમાં ડૂમો ભરાઈ ગયો જાણે હમણાં જોર જોરથી રડી પડશે અને એક વર્ષથી સંઘરી રાખેલાં આંસુઓ વરસી પડશે.
આ ફોનની રિંગ વાગતી હતી ત્યારે શુભની હાલત પણ કંઈક આવી જ હતી. એટલે શુભ બરખાની આ દશાથી વાકેફ હતો. ૧૦ વર્ષથી આ સિલસિલો ચાલે છે.
કેમ છે તું, શુભ ? બરખાએ ભારે અવાજે પૂછ્યું.
એમ ફાઈન. જેવો ગયા વર્ષે હતો એવો. તું કે ઘરે બધા કેમ છે?
એવરી થીંગ ઇસ ફાઈન, શુભ. કોઈ ચિંતા નથી.
હાઉ ઇસ યોર ક્લિનીક બરખા ?
ગ્રેટ.ઓકે.
શુભ ૧૦ વર્ષ થઈ ગયાં,
હંમમમમ.
આઇ સો યોર ઇન્ટરવ્યૂ, શુભ. પતલો થઇ ગયો છે.
શુભ હસ્યો જ્યારે થોડો 'જાડો' હતો, સોરી 'હેલ્ધી' હતો ત્યારે પાતળું થવાનું કહેતી હતી. હા કામ બૌ રે છે. બુક લોન્ચ અને બધું ….
શુભ, ગઇકાલથી અહીં વરસાદ ચાલુ થઇ ગયો. તાપીનો તટ ફરી લીલોછમ્મ થઇ ગયો. …. વર્ષમાં એક વાર આપણા બંનેની જેમ …. આ આંખોની ભીનાશને હવે આખું વર્ષ સાચવવાની. બાકી તો બધું ઠીક છે, પણ કોઈક ક્ષણ આવી હોઈ છે શુભ જેમાં તારી કમી ખૂબ વાગે છે. શુભ, ક્યારેક મને એવો વિચાર આવે, કોના માટે આપણે આ નિર્ણય લીધો હતો! પણ હું બહુ ખુશ છું. શુભ, ૧૦ વર્ષ થઈ ગયાં અને ખબર નહીં આવતાં કેટલાં વર્ષો સુધી મને તારા ફોનનો ઇંતઝાર રહેશે.
બરખા, શું ૧૦ વર્ષ, મને તો હાજી કાલની વાત લાગે છે. મને હાજી એ દ્રશ્ય યાદ છે અને હું એ કદી ભૂલી પણ નહીં શકું જ્યારે મેં બરખા જોશીને પહલી વાર જોઈ હતી. હાથમાં ખનખન કરતી બંગડીઓ, ઊંચું પાતળું કદ, પિંક એન્ડ મરૂન ચૂડીદાર, લાંબા વાળનો અંબોડો એમાં પેન્સિલ ખોસેલી. હાથમાં ચોપડીઓ અને કોલેજની સીડીઓ પર મારી સાથે અથડાવું અને જોયા વગર સોરી કહીને ભાગવું. ધેટ વોઝ યુ. એક એક ક્ષણ યાદ છે મને, બરખા. કેમ કે હું હજી ત્યાં જ ઊભો છું અને હંમેશાં રહીશ. બરખા, આ શુભ હંમેશાં તારા મંગલની કામના કરે છે.
બરખા કશું ય બોલી ના શકી, પછી. ચાલ હું રાખું છું … શુભ …
શુભ હસ્યો. ૧૦ વર્ષ થઇ ગયાં. તારે બોલવાની જરૂર નથી. હું તારા શ્વાસમાં છું .. બાય, સી યુ નેક્સટ યર. બરખા બોલી, બાય. શુભે ફોન રાખી દીધો. બરખા ઊભી થઇ હોલમાં આવી, અને જોરથી ફુગ્ગો ફૂટ્યો અને ‘હેપી બર્થ ડે ટુ યુ મોમ’, જોરથી ગાવા લાગ્યા છોકરાઓ. ખૂબ ખુશ હતા. આનંદે બરખાને ડાયમંડ ચૈન પહેરાવી; અને બધાંની સવાર ખૂબ ખુશમિઝાઝ બની ગઈ.
e.mail : sagarsheikh005@gmail.com