આવતા ગુરુવારે [23 માર્ચ 2017] ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતનો દિવસ છે

શહીદે આઝમ ભગતસિંહે જૂન 1928માં એક લેખમાં લખ્યું છે : ‘આજે રાષ્ટ્રીય કૉલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સત્યાગ્રહમાં બારડોલીના લોકોને મદદ કરે છે તેઓ શું મૂર્ખ છે ?…. કોઈપણ દેશને આઝાદી અપાવનારા એ દેશના યુવાનો જ હોય છે.’ ‘કિરતી’ માસિકના ઉપર્યુક્ત લેખનો વિષય છે ‘વિદ્યાર્થી અને રાજકારણ’. પહેલા જ વાક્યમાં ભગતસિંહ કહે છે : ‘આજકાલ આ વાતની ખૂબ ચર્ચા થાય છે કે વિદ્યાર્થીઓએ રાજકારણ કે રાજનૈતિક કામોમાં ભાગ લેવો જોઈએ કે નહીં.’ ચર્ચાનું નિમિત્ત પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા પર પ્રતિબંધ મૂકતો નિયમ હતો . એ અંગે ભગતસિંહે જે નોંધ્યું છે તે આપણે ત્યાં હંમેશ માટે પ્રસ્તુત છે : ‘આજે પંજાબ કાઉન્સિલની કાર્યવાહી વાંચીને એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારું શિક્ષણ તદ્દન નિરર્થક છે. દુનિયાની વાત તો બાજુ પર રહી, પણ વિદ્યાર્થીઓ પોતાના દેશની સમસ્યાઓમાં પણ ભાગ લેતા નથી. તેમને આ બાબતમાં કશું જ જ્ઞાન હોતું નથી … તેમને આજે બુદ્ધિહીન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’
સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની આ વાત ઉદારીકરણના નવસામ્રાજ્યવાદના યુગમાં પણ લાગુ પડે છે. નવમા દાયકામાં ઉદારીકરણનો ફેલાવો થતો ગયો તેની સાથે વિદ્યાર્થીઓની જાહેર જીવન અને રાજકારણમાંની સામેલગીરીનું પ્રમાણ ઘટતું ગયું. તે પૂર્વે, એટલે કે સાતમા અને આઠમા દાયકાના આંદોલનો દરમિયાન રાજકીય રીતે સક્રિય વિદ્યાર્થીઓનો ફાલ ઊતર્યો. તેમાંથી કેટલાક આગેવાનો મળ્યા. જેમ કે, ગુજરાતના નવનિર્માણ આંદોલનના અરધો ડઝન યુવા નેતાઓમાંથી મનીષી જાની, જે આજે ય લોકચળવળોમાં સક્રિય છે. જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિની ચળવળમાંથી લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર આવ્યા. અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારે કટોકટી સામેની લડતમાં જેલ ગયા હતા. પ્રકાશ કરાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)માં સામ્યવાદી પક્ષના સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના એક સ્થાપક હતા. સીતારામ યેચુરી એ સંગઠનના સભ્ય હતા. બ્રિન્દા કરાત અને વેંકૈયા નાયડુ અનુક્રમે કોલકાતા અને આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.
કમનસીબે ઉદારીકરણ અને તેની સાથે ખાનગીકરણ તેમ જ વૈશ્વિકરણે શિક્ષણનો ઉદ્દેશ જ બદલી નાખ્યો. શિક્ષણમાં ઉત્પાદન, નફો, વ્યવસ્થાપન, વ્યક્તિગત સફળતા, મોટા પગારવાળી કૉર્પોરેટ જૉબ્સ માટેની તાલીમ મહત્ત્વની બનતી ગઈ. જિજ્ઞાસા, પ્રશ્નવૃત્તિ અને જ્ઞાનલક્ષી મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપતી કેળવણી ગૌણ બની ગઈ. શિક્ષણનો અને જાહેર જીવનનો સંબંધ ઘટતો ગયો. રાજકારણમાં સાર્વજનિક હિતનું સ્થાન હવે રાજકારણી તરીકેની વ્યક્તિગત સિદ્ધિએ લીધું. કૉલેજો-યુનિવર્સિટીઓની ચૂંટણીઓ યૌવનસહજ બળવાખોર વિચારોને બદલે પૈસા અને ગુંડાગર્દીથી લડાવા લાગી. કૅમ્પસ પૉલિટિક્સની છબિ જનમાનસમાં ખરડાતી ચાલી. સત્તાવાળાઓને દોડવું’તું ને ઢાળ મળ્યો. કેટલી ય યુનિવર્સિટીઓમાંથી કૉલેજમાંની ચૂંટણીઓને જાકારો મળ્યો. તેની પાછળ ચૂંટણીઓ દૂષણ છે અને તે વિદ્યાર્થીઓને રાજકારણમાં ઘસડી જાય છે એ મતલબનાં કારણો આગળ ધરવામાં આવ્યાં. એ બંને કારણો કેવાં ગેરવાજબી છે તે લોકશાહી દેશની તમામ સ્તરની ચૂંટણીઓના સંદર્ભે વિચારતાં સમજાઈ જાય. વળી જે દેશમાં લોકપ્રતિનિધિઓની પસંદગી માટે અઢાર વર્ષે મતાધિકાર હોય ત્યાં શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓની ચૂંટણીઓ જ ન હોય તે ભારોભાર વિસંગત છે. ગયા વર્ષે જૂનમાં સરકારે નવી શિક્ષણ નીતિ અંગેનાં સૂચનો માટે નીમેલી સુબ્રમણ્યન સમિતિએ વિદ્યાર્થીઓની રાજકીય પ્રવૃત્તિઓ પર ઘણાં નિયંત્રણો જ સૂચવ્યાં છે. તે પહેલાંની લિંગડોહ સમિતિનાં કૉલેજ ચૂંટણીઓ વિશેનાં સૂચનો પણ વધારે પડતાં બંધકર્તા ગણાયાં હતાં. ખરેખર તો આ ચૂંટણીઓ યુવા નાગરિકો માટે સક્રિય રાજકારણ માટેની ભૂમિકા પૂરી પાડે છે.
‘કિરતી’ના લેખમાં ભગતસિંહ પૂછે છે : ‘સક્રિય રાજકારણ એટલે શું ? ગાંધી, નહેરુ અને સુભાષચન્દ્ર બોઝનું ભાષણ સાંભળવું તે સક્રિય રાજકારણ ન કહેવાય ? તો કમિશન અને વાઇરૉયનું સ્વાગત કરીએ તો એ શું કહેવાય ? દેશો અને સરકારોની વ્યવસ્થા સંબંધી કોઈપણ વાત રાજકારણના ક્ષેત્રમાં જ ગણાઈ જાય. તો પછી આ રાજકારણ થયું કે નહીં ? કહેવાય છે કે એકથી સરકાર ખુશ થાય છે, બીજાથી નારાજ. શું વિદ્યાર્થીઓને જન્મની સાથે ખુશામતના પાઠ ભણાવવામાં આવે ?’
આપણી સરકાર વિદ્યાર્થીઓથી નારાજ રહે છે. તેના દાખલા મળતા રહ્યા છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભાજપના માનીતા સાધારણ નટની વડા તરીકેની નિમણૂંકની સામે 139 દિવસ લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે પુષ્કળ દમન કર્યું હતું જેની વાત દેશભરમાં ફેલાઈ. તે પછી તરત જ ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુજીસી’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડા વિરુદ્ધ યુજીસીની ઑફિસ સામે આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જે.એન.યુ. કૅમ્પસમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે કડક કાર્યવાહી એટલા માટે થઈ કે દેશભક્તિ અને કાશ્મીર સમસ્યા સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. રોહિત વેમુલાની આત્મહત્યા માટે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસે જવાબ માગતા વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. યુપીએની સરકારે લાદેલી નિરર્થક અને નુકસાનકારક સેમિસ્ટર સિસ્ટમ દૂર કરવા માટે ગુજરાત સહિત વિદ્યાર્થીઓએ અનેક જગ્યાએ ચલાવેલી ચળવળોને શાસકોએ ગણકારી નથી.
આમ પણ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આપણા દેશની ગણતરીમાં જ નથી હોતાં. કૉલેજો-યુનિવર્સિટીઓના કર્મચારીઓ, અધ્યાપકો, આચાર્યો અને વહીવટકર્તાઓના એક મોટા વર્ગ માટે વિદ્યાર્થીઓ એમની નોકરીઓ ચાલે તે માટે પૂરતી સંખ્યામાં ચોપડે ચડતાં નામોથી વિશેષ કશું હોતા નથી. કૉલેજિયનો એટલે સાવ આળસુ, ઉડાઉ અને ઉદ્ધત ટોળાં તરીકેની ગેરવાજબી છાપ સમાજે મનમાં સંઘરી છે. જુદાં જુદાં કાઉન્ટરો પરના કર્મચારીઓનું અને પોલીસનું કૉલેજિયનો સાથેનું અપમાનજનક વર્તન જોવા જેવું હોય છે. વિદ્યાર્થી એ જાણે ગમે તેમ કરીને ચૂપ બેસાડવા માટે જ જન્મેલાં છે એ વલણ આપણા સમાજ અને શાસકોમાં વ્યાપક છે.
ભગતસિંહ માટે વિદ્યાર્થી એ યુવાશક્તિનું પ્રતીક છે. તેમની હાકલ ‘કૌટુંબિક જંજાળમાં જકડાયા પહેલા’, ‘તન-મન-ધન દેશ માટે સમર્પિત કરી દે’ તેવા ‘વિદ્યાર્થી કે યુવાન’ લોકોને છે. ભગતસિંહે ખુદની જિંદગી ‘ખિદમતે વતન કે લિએ વક્ફ’ કરીને, ઘરબારનો ત્યાગ કરીને ક્રાન્તિકાર્યમાં સોળ વર્ષની ઉંમરે જ ઝંપલાવ્યું હતું. યૌવનના તેઓ ચાહક હતા. સત્તરમા વર્ષે લખેલા ‘યુવક’ નામના નિબંધમાં અને સ્વનામધન્ય ‘નવજવાન ભારત સભા’ના 1928ના ઘોષણાપત્રમાં તેમણે યૌવન તેમ જ દુનિયાના ઇતિહાસમાં તેની સરફરોશીનું બહુ જ ગૌરવ કર્યું છે. અલબત્ત, તેમના માટે યુવાનોએ માત્ર રાજકીય પરિવર્તન નહીં પણ માનવમાત્રની સમાનતા માટેની સામાજિક ક્રાન્તિ પણ લાવવાની છે. એટલા માટે પંજાબ છાત્ર સંઘના લાહોરના અધિવેશન માટે ઑક્ટોબર 1929માં જેલમાંથી મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું : ‘નૌજવાનોં કો ક્રાન્તિ કા યહ સંદેશ દેશ કે કોને-કોને પહુંચાના હૈ … જિસસે આઝાદી આયેગી ઔર તબ એક મનુષ્ય દ્વારા દૂસરે મનુષ્ય કા શોષણ અસંભવ હો જાયેગા.’
16 માર્ચ 2017
++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 માર્ચ 2017
![]()


નેવુ ટકા વિકલાંગતાને કારણે પૈડાંવાળી ખુરશી પર જીવતા દિલ્હી યુનિવર્સિટીની અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાને પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાની કોર્ટે બુધવારે જનમટીપની સજા ફટકારી. છત્તીસગઢમાં સરકારે અપનાવેલી જનવિરોધી નીતિઓ સામે અવાજ ઊઠાવનાર આ અધ્યાપક પર રાષ્ટ્રવિરોધી માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમની સાથે આ સજા પામનાર બીજા ચાર જણ છે – જનવાદી કલાકાર અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રા, કર્મશીલ પત્રકાર પ્રશાન્ત રાહી, સ્થાનિક આદિવાસી ખેડૂતો મહેશ તિર્કી અને પાંડુ નરોટે. છત્તીસગઢના આદિવાસી મજૂર વિજય તિર્કીને દસ વર્ષની સખ્ત મજૂરીની સજા ફરમાવવામાં આવી છે.