કાવ્યકૂકીઝ
અમારી પાસે ઘણા વખતથી
ડોક્ટરેટની ડિગ્રી પડી છે
તે વહેલો તે પહેલોને ધોરણે
જેનું કોઈ ધોરણ ન હોય તેને
છૂટક તથા જથ્થાબંધ આપવાની છે
એ માટે નિયત ફોર્મમાં અરજી કરવાની નથી
અરજી કરો એનો અર્થ જ એ કે
તમારું કોઈ ધોરણ છે
જેનો કોઈ વિષય હોય
એવા વિષયીની પણ અહીં જરૂર નથી
જો તમે સાહિત્યનો ઇતિહાસ જાણો છો
તો એનો અર્થ એ કે તમે
સાહિત્યની આજ જાણતા નથી
ઘણાંની જિંદગી ભૂતકાળ ગાવામાં જ ગઈ
એ બધાં જૂનું એટલું સોનું કરવામાં ગયાં
એમને નવું કૈં ગમ્યું જ નહીં
નવામાં કોઈ કૈં જાણતું નથી
તો ઉત્તમ સર્જન થઈ રહ્યું છે –
કવિતા નથી ખબર ને કવિતા લખાય છે
વાર્તા ન આવડે ને વાર્તા લખાય છે
એ બધાં લાઈક્સથી ખુશ છે
એમને લાઈક કરનારા
લખનારથી વધારે અભણ છે
સાચું તો એ છે કે
કૈં આવડવું જ જરૂરી નથી
ત્યાં પીએચ.ડી થાવ કે ન થાવ
શો ફેર પડે છે?
જ્યાં વિષય જ ન હોય
ત્યાં ગાઈડ પણ શું કામ હોય?
ગાઇડનું શું છે કે જાણકાર આવી જાય
તો બહુ મગજમારી થાય છે
એની સ્લેટ કોરી કરવાનું
અઘરું પડી જાય છે
એટલે ગાઈડ પણ જરૂરી નથી
એનું દુ:ખ એ છે કે સસ્તામાં એ
થીસિસ ઉતારી આપતો હોય છે
એવા લહિયા પણ નહીં ચાલે
સોશિયલ મીડિયા પરથી કોઈનું હાંઈકુ
હાંકી લાવતા હો તો કોઈનો થીસિસ
તમારે નામે ચડાવી લેવાનું અઘરું નથી
કૈં લખો તો
મૌલિક કે ઉઠાંતરીનો પ્રશ્ન આવેને !
ને સંશોધન ? માય ફૂટ !
અમે તો જે નથી લખતા તેને જ
લેખક ગણીએ છીએ
તમે જો કૈં લખ્યું હશે તો
ડિસ્ક્વોલિફાઈ થશો
સોશિયલ મીડિયા પર કોઈ લખે છે
તે શું જાણે છે એટલે લખે છે?
સહદેવ જાણતો હતો
તો શું ફેર પડ્યો?
મહાભારત તો થયું જને !
એટલે આવો ને ડિગ્રી લઈ જાવ
એનાથી નોકરી નહીં મળે એ ય નક્કી છે
નોકરી માટે પદવી નહીં,
પદ કામ લાગે છે
કોઈ મંત્રીની જંત્રી તંત્રી
કામે લગાડો તો બેડો પાર !
બાકી, ડિગ્રી
દીવાલ બગાડવા સિવાય કામની નથી
ફરક એટલો છે કે
દાદીના ફોટા પર હાર છે
ને ડિગ્રી પર નથી
આવી ડિગ્રી જોઈએ છે?
એક પર એક ફ્રી
આમ તો બંને ફ્રી જ છે
કિલો બે કિલો લઈ જાવ
પડીકાં વાળવા કામ લાગશે
બોલો, કેટલી કરું, પીએચ.ડી?
0
પ્રગટ : ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 17 માર્ચ 2021
![]()


ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે લોકોના પ્રશ્નો સંદર્ભે તમે સામેથી ફોન કરતા ને એ સંદર્ભે મને ફોન કરીને તમે પૂછેલું તો મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી, એ શરૂ કરવા વિનંતી કરેલી. તમે વિગતો સાથે મને રજૂઆત કરવા જણાવેલું. મેં તેમ કરેલું. એ પછી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતના સાહિત્યકારો સાથે તમને રૂબરૂ મળવાનું થયેલું, ત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી એ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતનો સંદર્ભ આપેલો અને એ યાદ છે એવું તમે જણાવેલું. પછી તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ શરૂ થયો પણ ખરો ને અત્યારે સક્રિય પણ છે, એનો યશ હું અંગત અને જાહેર રીતે તમને આપી કૃતજ્ઞતાની લાગણી ફરી એકવાર પ્રગટ કરું છું.