મારો દિલીપકુમાર તો બ્લેક એન્ડ વ્હાઇટ જ ! એ ‘શિક્સ્ત’માં કલમ ઉછાળીને હીરોઇનના કપાળે સૌભાગ્ય ચિહ્ન બનાવે, તો ‘દેવદાસ’માં પારોને કપાળે ઘા કરીને સૌભાગ્યના અધિકારો જતા કરે, તો હૈયે બ્લેડ ફરતી હોય એવું લાગતું. હૈયું કળ ખાઈ જતું, આ દૃશ્યો જોતાં! ‘સ્ક્રીન પર ‘ધરતી કો આકાશ પુકારે …’ બેકગ્રાઉન્ડમાં ગવાય અને એનો હીરો દિલીપકુમાર હોય તો ઉદાસી વધુ ઘેરી થઈ ઊઠતી. ‘દેવદાસ’ની ‘કૌન કમબખ્ત બરદાસ્ત કરને કે લિયે પીતા હૈ …’ની બેબસી કે ‘સીને મેં સુલગતે હૈં અરમાં…’ના મખમલી અવાજથી અનુભવાતી ઘૂટન હૈયાને હજી તાર તાર કરે છે. પૂર્વ દિલીપકુમાર હૃદયનો કલાકાર હતો. કરુણ ભૂમિકાઓની એનાં મન પર એવી ઘેરી અસર થઈ કે તેને હળવી ભૂમિકાઓ કરવાનું કહેવાયું. સમજીને, અનુભવીને બોલતો દિલીપકુમાર પછી બરાડતો પણ થયો. ‘ગંગાજમના’નો રંગીન દિલીપકુમાર પછી તો ‘રામ ઔર શ્યામ’ની ‘દાસ્તાન’ કહેતો થયો. એવી ભૂમિકાઓમાં પણ ક્યારેક તેનું હીર પરખાતું જ !
વિગતે કહેવું નથી, પણ ત્રણ મૃત્યુ યાદ કરવાં છે. એકમાં ‘મધરઈન્ડિયા’ની નરગીસ પોતાના જ વંઠેલ દીકરા સુનિલ દત્તને ગોળીએ દે છે, બીજામાં ‘ગંગાજમના’માં અપરાધી દિલીપકુમારને તેનો પોલીસ ભાઈ વીંધી નાખે છે તો ત્રીજી ફિલ્મ છે, ‘શક્તિ’. એમાં દિલીપકુમાર તેના અપરાધી પુત્ર અમિતાભ બચ્ચનને ઠાર મારે છે. આ મૃત્યુ, ફરજને લીધે નજીકની વ્યક્તિ, નજીકની જ વ્યક્તિનું નીપજાવે છે ને તેની પીડા તેને ગોળીથી વધુ વીંધતી હોય એ રીતે પ્રગટ થઈ છે. ગોળી વગર પણ કેવી રીતે વીંધાવાનું થાય તેનો દાખલો પણ ‘શક્તિ’ જ છે. દીકરાને ન સુધારી શકતી રાખી મૃત્યુ પામે છે ને ઘરમાં અનાથ જેવો પતિ દિલીપકુમાર અસહાય બેઠો છે. દીકરો અમિતાભ માતાની ખબર પડતાં ઘરે આવે છે ને મૃત માના શબ પાસે બન્ને એકબીજાને આશ્વસ્ત કરવા મથે છે. બન્ને બોલતા નથી. રડતા, કકળતા નથી, કોઈ સલાહ સૂચનો અહીં નથી. માત્ર એક બીજાના હાથનો સ્પર્શ બોલે છે ને એમાં પારાવાર પીડા છે. એક પણ સંવાદ વગરનો આ ઠીક ઠીક લાંબો સંવાદ પિતાપુત્ર વચ્ચે ચાલે છે. આ મૂક દૃશ્ય ઘણું બધું સજીવ હતું. વધારે શું કહું, દિલીપકુમાર એક જ હતો ને એક જ હશે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


નર્મદની માફી સાથે કહેવું પડે છે કે એની ‘જય જય ગરવી ગુજરાત’ આજે ઘણી બધી રીતે ‘વરવી’ ગુજરાત થઈ ગઈ છે. એનો સો ટકા આનંદ છે કે ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભા.જ.પ.નું શાસન ફરી એક વાર સ્થપાયું છે ને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ ‘ગુજરાતના નાથ’ બન્યા છે. એમને અને એમનાં મંત્રીમંડળને, વચ્ચે કોઈ બદલાવ વગર, પૂરો કાર્યકાળ ગુજરાતની સેવા કરવાનો મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતી પ્રજા જે રાજકીય પરિણામો આપે છે તે આખા દેશની દિશા નક્કી કરવામાં માર્ગદર્શક બની રહે છે. દેશના વડા પ્રધાન ગુજરાતના છે ને તેમણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે તે હવે કોઇથી અજાણ્યું નથી. ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે તો ચમકી જ, પણ તેણે વૈશ્વિક સ્તરે ઑસ્કારનું બારણું ય ખખડાવ્યું છે તેની નોંધ લેવી પડે. એ કેમ ભુલાય કે દેશનો રાષ્ટ્રપિતા એક ગુજરાતી છે ને એ એક જ છે. એનો આનંદ છે કે એ રાષ્ટ્રપિતા તો વૈશ્વિક પિતાની ગરજ પણ સારે છે. ભારતનો લોખંડી પુરુષ પણ એક જ છે ને તે પણ ગુજરાતી છે. આ બંને ગુજરાતીઓએ આમ તો વકીલાત દેશ-વિદેશમાં કરી, પણ ભણ્યા ગુજરાતમાં ને ગુજરાતીમાં. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી, પછી તેનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા. વધારામાં, નવસારીના દાદાભાઈ નવરોજીએ માર્ચ, 1856થી 1865-‘66 દરમિયાન લંડનની યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના, હા, ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એક સમયે લંડનમાં ગુજરાતી ચાલ્યું, પણ ગુજરાતમાં હવે ગુજરાતી શીખવામાં ગુજરાતીઓને નાનમ લાગે છે. ભારત ગુલામ હતું ત્યારે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ભારત આઝાદ થયું, ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ને કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો સરકાર જ બંધ કરી રહી છે. ગુજરાતમાં માતૃભાષા તરીકે ગુજરાતી નહીં ભણાવાય તો શું બંગાળ, મહારાષ્ટ્રમાં ભણાવાશે? બીજી તરફ આપણે લવારા કરતા રહીએ છીએ કે ‘જય જય ગરવી ગુજરાત’, તો સીધું પૂછવાનું થાય કે ગુજરાતને આપણે ગરવી રહેવા દીધી છે ખરી? જો ગરવી હોય જ તો ગુજરાતમાં ગુજરાતીનો આટલો અનાદર કેમ?
1969માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે સાથે જ ગલીએ ગલીએ બેન્કો ફૂટી નીકળી. એ પછી છેલ્લાં થોડાં વર્ષોમાં બેંકોનાં મર્જરનો પવન ફૂંકાયો. મર્જરથી બેંકોનાં મજબૂતીકરણનો ખ્યાલ સરકાર રાખે છે ને રાષ્ટ્રીયકરણને વિકલ્પે ફરી એક વખત ઘણાં ક્ષેત્રોમાં ખાનગીકરણનો મહિમા વધ્યો છે. આ બધાંમાં ઠરેલપણું ઓછું અને તઘલખીપણું વધારે છે. છેલ્લે છેલ્લે 8 નવેમ્બર, 2016ની મધરાતે નોટબંધીનો અખતરો કાળું નાણું બહાર કઢાવવા થયો. એમાં કાળું નાણું તો બહુ હાથ ના લાગ્યું, પણ કાળું, ધોળું જરૂર થયું. હજાર, પાંચસોની નોટ એટલે બંધ કરી કે મોટી નોટોનો સંગ્રહ ઘટે, પણ ગમ્મત એ થઈ કે હજારની નોટને બદલે બે હજારની નોટ બહાર પડી, એમાં તો સંગ્રહખોરોને સગવડ થઈ ગઈ. હજારની નોટ જેટલી જગ્યા રોકે એનાં કરતાં બે હજારની અડધી રોકે એવું સામાન્ય બુદ્ધિવાળો પણ સમજી શકે, પણ આ બધા અસામાન્ય બુદ્ધિમત્તાના ખેલ હતા એટલે એમાં સામાન્ય માણસે તો ચાંચ મારવા જેવી જ નથી. એ પછી વધારે અક્કલ તો એમાં વપરાઇ કે ત્રણેક વર્ષથી બે હજારની નોટ છાપવાનું જ બંધ કરાયું. કેમ? તો કે 2016માં બે હજારી નોટ બહાર પડી એ સાથે જ નકલી નોટ પાકિસ્તાનથી પ્રગટ થઈ. પછી તો કાળું નાણું પકડવા જેટલા દરોડા પડ્યા, એમાં બે હજારની નોટોના ઢગલા જ સામે આવ્યા. બે હજારની નોટો ચલણમાં નથી દેખાતી એટલે લોકોમાં એવી દહેશત પણ છે કે બે હજારની નોટ બંધ થશે. એ થાય કે ન થાય તે સરકાર જાણે, પણ ચલણમાં મોટી નોટ અત્યારે તો 500ની જ દેખાય છે તે હકીકત છે. ખબર નહીં, હવે કયો તુક્કો અજમાવાય છે તે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં દેશની બેન્કોએ 10.09 લાખ કરોડની લોન માંડી વાળી છે એ તુક્કો નથી, હકીકત છે.