આઠસો વરસની ગુલામી પછી ૨૦૧૪માં પહેલી વાર હિદુઓને આઝાદી મળી અને હિન્દવી શાસન આવ્યું જેનો ઉપસંહાર ભારતીય જાગરણના પાયાના પથ્થરોમાંના એક ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડવા સાથે થયો એ યોગાનુયોગ હોવા છતાં સાંકેતિક છે. કઈ રીતે એ સમજીએ.
પહેલી વાત તો એ કે આઠસો વરસની હિંદુઓની ગુલામીની વાત ક્યાંથી આવી? ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાઝ-ઉદ્દ-દૌલાને અંગ્રેજોએ પરાજીત કર્યો એ સાથે ભારત ગુલામ બનતો ગયો એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. આમ ભારતે આઝાદી ૧૭૫૭ પછી ગુમાવી અને ૧૯૪૭માં પાછી મેળવી એમ ઇતિહાસ કહે છે તો પછી આ આઠસો વરસની ગુલામીની વાત ક્યાંથી આવી?
આ તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઉદારમતવાદી સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્રવાદીઓએ લખેલો ઇતિહાસ છે જે હિન્દુત્વવાદીઓને કબૂલ નથી. તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ગમે છે. અંગ્રેજો કહી ગયા છે કે ભારતમાં મુસ્લિમ આક્રમકો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને ભારતમાં આવ્યા હતા અને હિંદુઓને પરાજીત કરીને ગુલામ બનાવ્યા હતા. સેંકડો વરસની ગુલામી પછી છેક ૧૭૫૭માં અંગ્રેજોએ મુસલમાનોને પરાજીત કરીને હિંદુઓને મુસલમાનોથી મુક્તિ અપાવી હતી. તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં વિવિધ શાસનકાળની વિભાગણી કઈ રીતે કરી છે? ઈ. સ. ૧૨૦૬થી લઈને ૧૭૫૭ સુધીનો કાલખંડ એ ઇસ્લામિક યુગ કે મુસ્લિમ યુગ અને ૧૭૫૭ પછીનો કાલખંડ એ બ્રિટિશ યુગ. બીજી બાજુ અંગ્રેજોના કાલખંડને ખ્રિસ્તી યુગ તરીકે નથી ઓળખાવવામાં આવતો, પણ બ્રિટિશ યુગ. અંગ્રેજોની બાબતમાં ધર્મને ગાળી નાખવામાં આવ્યો હતો; પણ ઘોરી, લોદી, ખિલજી, ગુલામ, મુઘલ કાલને એક કૌંસમાં મૂકીને ચાહી કરીને તેને મુસ્લિમ યુગ તરીકે ઓળખાવ્યો છે.
અંગ્રેજોની આ ચાલાકી હિન્દુત્વવાદીઓને નહોતી સમજાતી એવું નથી, પણ જો બાધવું જ હોય અને બાધવા માટેની સામગ્રી અંગ્રેજો પૂરી પાડતા હોય તો સત્ય શોધવાની શી જરૂર છે? જો સત્ય શોધવા જાવ તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના સંપની ઘટનાઓ હાથ લાગે, અકબર જેવા ઉદાર મુસ્લિમ શાસકોનો સેક્યુલર અભિગમ સામે આવે, ધર્મપરિવર્તન કરનારા હિંદુઓ કોણ હતા અને તેમણે શા માટે અને કઈ રીતે ધર્મ પરિવર્તન કર્યું હતું એની હકીકત સામે આવે. સૂફીઓની માનવીય એકત્વની ભાવના નજરે પડે. ટૂંકમાં અંગ્રેજોએ લખેલા ઇતિહાસને સત્યની એરણે ચકાસો તો બાધવાની સમાગ્રી હાથમાંથી જતી રહે. અંગ્રેજોને પણ સમજાઈ ગયું હતું કે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો એકબીજા સામે બાધવાની સામગ્રી શોધી રહ્યા છે એટલે તેમણે ચોક્કસ પ્રકારે ઇતિહાસ લખીને સામગ્રી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ માત્ર હિંદુઓને જ નહીં, મુસલમાનોને પણ બાધવાની સામગ્રી પૂરી પાડતા હતા. અંગ્રેજોની એ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાય છે.
ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના બીજા છેડાના સમકાલીન બંગાળી વિચારક અને સાહિત્યકાર બંકિમચન્દ્ર ચેટર્જીએ તો હિંદુઓને મુસલમાનોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો આભાર પણ માન્યો હતો. આ સત્ય નહોતું, પણ અંગ્રેજોએ દૃઢ કરેલી પણ માફક આવતી માન્યતા હતી એટલે તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આમ હિન્દુત્વવાદીઓ માટે અંગ્રેજો મુસલમાનોથી મુક્તિ અપાવનારા મુક્તિદાતા હતા. એટલે તો તેમણે અંગ્રેજોની વિરુદ્ધ ચાલતા આઝાદી માટેના આંદોલનમાં ભાગ નહોતો લીધો. ભારત આઝાદ થાય એમાં તેમને રસ નહોતો, હિંદુ આઝાદ થાય એમાં તેમને રસ હતો અને ગાંધીજી તેમ જ કૉન્ગ્રેસના નેતૃત્વમાં હિંદુ આઝાદ થવાના નહોતા અને હિંદુઓનું રાજ આવવાનું નહોતું. આવા નકલી સ્વરાજ માટે શા માટે કુરબાની વહોરવી! આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતની આઝાદીને નકારી પણ હતી. આઝાદીના દિવસને મનાવવામાં નહોતો આવતો અને તિરંગાને માન આપવામાં નહોતું આવતું. પાછળથી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આવું વલણ કોળાવામાં બાધારૂપ બની શકે એમ છે, એટલે તેમણે કમને અને ઢોંગ તરીકે; આઝાદી, બંધારણ, બંધારણનિર્મિત આધુનિક રાજ્ય, તિરંગો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવ્યાં હતાં. વાસ્તવમાં તેમને મન હિંદુઓએ આઝાદી હજુ મેળવવાની બાકી હતી.
એ આઝાદી ૨૦૧૪માં હિન્દુત્વવાદીઓને બંધારણીય લોકશાહીના માર્ગે મળી હતી. પહેલી વાર હિંદુ રાષ્ટ્રનાં સપનાં જોનારાઓને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. અગિયાર સો વરસ પછી પહેલી વાર દેશમાં હિન્દવી શાસન આવ્યું. હવે ગિરનારની એક જ ટુક ચડવાની બાકી રહી હતી અને તે હતી ભારતીય બંધારણ બદલીને હિન્દવી બંધારણ ઘડવાની. એ માટે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી અને ગમે તેવા સંજોગોમાં પણ સાથ ન છોડે એવું હિંદુ માનસ ઘડવાનું હતું. આજકાલ આવા લોકો ભક્તો તરીકે ઓળખાય છે. ભગવાન કાંઈ પણ બોલે કે કરે, આંગળી નહીં છોડવાની. પ્રતિબદ્ધ ભક્તોની મોટી જમાત અને લોકસભામાં પ્રચંડ બહુમતી મળી જાય એ પછી હિન્દવી રાજ્ય માટેનું હિન્દવી બંધારણ ઘડી શકાશે.
એટલે તો અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને તેની કવર સ્ટોરીમાં નરેન્દ્ર મોદીને ‘ડીવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા છે. ભારતીય સમાજમાં આડી-ઊભી એટલી તિરાડો પાડો કે જેણે આંગળી પકડી છે એ ક્યારે ય છોડે નહીં અને જેણે નથી પકડી એ ડરના માર્યા પકડી લે. એમના મનમાં એવું ઠસાવી દેવું કે ગાંધી-નેહરુનો સેક્યુલર દેશ હવે ઇતિહાસ બની ગયો છે અને સામે જે નજરે પડી રહ્યું છે એ ભારતની નવી વાસ્તવિકતા છે અને આવનારા અનેક દાયકાઓ માટેની વાસ્તવિકતા છે, જેમ અંગ્રેજોએ ભારતનાં હિંદુઓ અને મુસલમાનોના મનમાં ઠસાવી દીધું હતું કે અંગ્રેજ રાજ કમસે કમ સો દોઢસો વરસ માટેની ભારતની વાસ્તવિકતા છે. એક વાર માણસ વાસ્તવિકતા કબૂલી લે પછી તેને સ્વીકારતો થઈ જાય છે. તેનો વિરોધ મંદ પડવા લાગે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવા લાગે છે જે રીતે પાકિસ્તાનમાં પ્રગતિશીલ મુસલમાનોએ સમાધાન કરી લીધું છે.
હિન્દવી શાસનને ધીમે ધીમેં હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજના સફળ નીવડી છે કે નિષ્ફળ એની જાણ ૨૩મી તારીખે થઈ જશે. નરેન્દ્ર મોદી સામેની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં ભક્તોને ઊંડે ઊંડે હજુ પણ ભરોસો છે કે સાહેબ વૈતરણી તરી જશે; કારણ કે એ નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીને કોઈ પરાજીત ન કરી શકે. નરેન્દ્ર મોદી સામેની આવી પ્રતિકૂળતા નજરે પડતી હોવા છતાં પણ સેક્યુલર હિંદુઓને ભરોસો બેસતો નથી કે તેઓ સો ટકા પરાજીત થશે, કારણ એ જ કે; તેઓ નરેન્દ્ર મોદી છે.
આમ હિન્દવી શાસનને ધીમે ધીમે હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજનાના પહેલા પર્વના છેલ્લા અઠવાડિયામાં ભારતીય જાગરણના પાયાના પથ્થર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું પૂતળું હિન્દુત્વવાદીઓએ તોડી નાખ્યું એ યોગાનુયુગ હોવા છતાં સાંકેતિક છે. રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, કેશબચન્દ્ર સેન, જ્યોતિબા ફૂલે, ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ ગોવિંદ રાનડે, નારાયણ ગુરુ, કંઈક અંશે વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર વગેરે સેંકડો લોકોએ અત્યારના ભારતનું જે ભવન તૈયાર કર્યું છે એ ભારતભવન અને લક્ષ્ય હિંદુભવન બાંધવાનું છે.
17 મે 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2019
![]()


દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.