દેશનું એકંદર ચિત્ર, રાજકીય દિશાવિવેક, પરિવર્તન અને પ્રગતિની રાજનીતિમાં ગતિરોધ, આ બધાં વિશે સટીક કહેવાનું કદાચ અગિયારમી માર્ચનાં પરિણામો સાથે જ સવિશેષ તો બનશે. ખાસ કરીને, અગાઉનાં બિહારનાં પરિણામોની જેમ ઉત્તર પ્રદેશનાં પરિણામો એકંદરે હિંદી પટ્ટામાં ભાજપની હાજરીની દૃષ્ટિએ મહત્ત્વનાં બની રહેશે. પંજાબ અને ગોવા કૉંગ્રેસના નવજીવન અને આપની આગેકૂચ બાબતે અનુમાનના સંદર્ભમાં જોવાં રહેશે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ધાર્યું પરિણામ ન મેળવી શકે, અગર તો પંજાબ-ગોવા જેવામાં આપના નવપ્રવેશ અને કૉંગ્રેસના નવજીવનના સંકેતો મળે તો એથી રાષ્ટ્રીય રાજકારણમાં સત્તાપક્ષ-વિપક્ષના સંતુલનની એક ચોક્કસ ભૂમિકા જરૂર બની શકે અને એટલા પૂરતા આપણે નાગરિક તરીકે આશ્વસ્ત પણ રહી શકીએ.
પરંતુ, આ પ્રકારની આશ્વસ્તતા થકી નાગરિક છેડે જો આસાએશનો ભાવ ઝમવાનો હોય તો સરવાળે આપણે ઘેનગાફેલ ઠરીશું. કારણ, આપણે જેમને સામસામા પક્ષો તરીકે જોઈએ છીએ – અને તે પૈકી જે તે સત્તાપક્ષને સ્વાભાવિક જ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે ગણીએ છીએ – તે સરવાળે તો એક તાત્પૂરતી સમજ છે. જેઓ સામસામા લેખાય છે, અને એ ધોરણે આપણે એકની તરફેણ કે બીજાનો વિરોધ કરીએ છીએ તેઓ પ્રસંગે એક આખા વર્ગરૂપે અવિનાભાવીપણે ઉભરી રહે છે.
ગુજરાત પિયુસીએલે ચૂંટણીસુધારા સબબ હાલ જે ચર્ચા ફેરજગવી છે તે આ સંદર્ભમાં લક્ષમાં લેવા જોગ છે. મનમોહનસિંહ બચાડા રેઈનકોટબદ્ધ સ્નાનશુદા હતા તો હતા; નમો ભાજપે પણ હજુ સુધી તો સઘળા રાજકીય પક્ષો આરટીઆઈ અંતર્ગત આવે તે માટે કોઈ પહેલ કર્યાનું આપણે જાણતા નથી. જેવું ને જેટલું પણ આરટીઆઈ પગલું છે તે કૉંગ્રેસ-યુપીએની ભેટ છે એ મુદ્દામાં જરૂર ન જઈએ. અંતે તો હેમનું હેમ હોય એ મુદ્દા પર વધુ ભાર જરૂર આપીએ. પિયુસીએલ અને માહિતી પહેલે હાથ ધરેલ ચર્ચામાં આ દિવસોમાં જે એક વિગત અધોરેખિતપણે બહાર આવી છે તે નમૂના દાખલ સંભારી લઈએ : દેશ બહારનાં નાણાં અંગેનો જે કાયદો રાજકીય પક્ષોના સંદર્ભમાં થયેલો છે તેમાં ૨૦૧૬માં નમો શાસન હસ્તક પશ્ચાદ્વર્તી ધોરણે સુધારો કરવામાં આવ્યો છે. આ પશ્ચાદ્વર્તી સુધારાનું રહસ્ય એ હકીકતમાં પડેલું છે કે કૉંગ્રેસ અને ભાજપ બંને યુકેમાં નોંધાયેલ ‘વેદાન્ત’ની દેશી સબ્સિડિયરીઝના લાભાર્થી હતાં અને એ નાતે નસિયતપાત્ર હતાં.
નોટબંધીનો સવાલ લો. આર્થિક રીતે ૨૦૧૬નો એ સૌથી મોટો સ્કેમ હતો, એવું એક માર્મિક અવલોકન પૂર્વનાણાંમંત્રી ચિદમ્બરમ્નું છે. પણ આ ક્ષણે અહીં નોટબંધી નીતિના જમાઉધારમાં નહીં જતાં કરવા ધારેલો ઊહાપોહ એ વાતે છે કે ચાલુ ચૂંટણીપ્રચાર જોતાં કોઈ પણ રાજકીય પક્ષને નોટબંધીને કારણે મુશ્કેલી પડ્યાનું જણાતું નથી. તે સૌ ભર્યા ભંડારના ધરાર ધણી હમણાં તો દેખાય છે.
આનો અર્થ નાગરિક છેડેથી એ થયો કે ચાલુ રાજકારણ તમને ને મને હૃીયમાન ન કરી મેલે તે વાસ્તે આપણે બે ધાગેથી કામ લેવું રહે છે. એક ધાગો ચાલુ વિકલ્પો વચ્ચેની માથાકૂટનો છે તો બીજો સમગ્ર રાજકીય શાસકીય અગ્રવર્ગ કેવી રીતે એક જેવો ચાલે છે અને એક પા તે સૌ અને બીજી પા આપણ સૌ એવો ઘાટ બની રહે છે એ અંગે સભાન સતર્ક મથામણનો છે.
નાગરિક જેનું નામ એની નિયતિ પાપપુણ્યની આ બારીમાંથી પસાર થવાની છે, હતી અને રહેશે.
ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 01