બુંદસે ગઈ હોજસે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું
વૈખરીછૂટા રાજકારણીઓ સહસા મૌનની ગર્તામાં ઊતરી જાય અને પ્રલંબિત મૌન પછી વિલંબિત મૌનભંગનો રસ્તો લે ત્યારે એ એક આશંકા કેવળ અને કેવળ પ્રતીતિમાં ફેરવાઈ જાય કે એમની વ્યૂહકારીમાં લોકશાહી આપલેનો મહિમા નથી પણ એકતરફી એકાધિકારશાહીનો દબદબો છે. જે થયું તે ખોટું થયું એ બોલવા વાસ્તે ખાસ્સો એટલે કે ખાસ્સો સમય લેવો, અને પછી અપૂર્વ ને અનન્ય બંધારણ નિષ્ઠાપૂર્વક શ્રીમુખે આપણું પ્રબોધન કરવું કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનો વિષય છે, નહીં કે કેન્દ્રનો – ક્યા કહના.
આ ટેકનિક ખુલાસો સ્વીકારી લઈએ અને દાદરીમાં અખિલેશ યાદવની સમાજવાદી સરકારની ચોક્કસ જવાબદારી બને છે એ ઉઘાડી વાત છે, પણ કેન્દ્રીય સત્તાપક્ષ, કેન્દ્ર સરકારના પ્રધાન, આ સૌ ત્યાં જે રીતે પેશ આવ્યા એનું શું અને મુંબઈમાં જે બની રહ્યું છે એ તો કેન્દ્રીય સત્તાપક્ષના વડપણ હેઠળની સરકારના નાક નીચે જ બની રહ્યું છે. અહીં કદાચ આખો મુદ્દો ગુણાત્મકપણે બદલાઈ જાય છે. કારણ, દાદરી ઘટના કે ગુલામઅલી ઘટના એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી. બંને જગ્યાએ સત્તાપક્ષ અને એના ભાગિયાઓની ચાલના એમની સમજ પ્રમાણેના વિચારધારાકીય ધક્કાવશ છે.
ખરું જોતાં, ભલે જરીક મોડેથી અને કંઈક વિલક્ષણપણે, બે નોખી નિરાળી વિશ્વ દૃષ્ટિઓની ચર્ચા ચાચર ચોકમાં ચાલે એવો જોગસંજોગ ઊભો થયો છે. તમે જુઓ કે વડાપ્રધાન સલુકાઈથી અને સિફતથી હાથ ઊંચા કરી રહ્યા છે એ જ વખતે દેશમાં એક અણચિંતવ્યા છેડેથી વિરોધ અને અસંમતિના અવાજોનો આરંભ થયો છે. સાહિત્ય અકાદમીના સન્માન પરત કરવાનો સિલસિલો અનવરત જારી છે તો પદ્મશ્રેણીના સન્માનથી હટવાની કે સંગીતનાટક અકાદમીથી છૂટા થવાથી માંડીને અકાદેમીના સર્વોચ્ચ સત્તામંડળમાંથી રાજીનામાં ધરી દેવાની પ્રક્રિયા પણ સ્વયંભૂ શરૂ થઈ ગઈ છે. હક્કાબક્કા રહી ગયેલા અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવાઓની નજરમાં આ બધું જો કે પ્રાયોજિત જ નહીં પરંતુ વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) પણ છે. વસ્તુત: આખો ઘટનાક્રમ એટલો ઝડપી છે કે સત્તામંડળને પોતાના પગ તળેથી ધરતી સરકી રહ્યા જેવો ઝાટકો લાગ્યો છે, અને પ્રત્યાઘાતમાં પ્રમાણભાન રહ્યું નથી.
પ્રમાણભાન અને સંતુલન નહીં રહ્યાનો એક નાદર નમૂનો જો વિનિર્મિતિબોધ રૂપે આપણી સામે આવ્યો છે તો બીજો એક નમૂનો આ બધા ‘કોંગ્રેસ અને લેફ્ટ’ પ્રેરિત હોવાની આક્ષેપાત્મક ભૂમિકારૂપે આવ્યો છે. જે સાહિત્યિક પ્રતિભાઓ આજે બોલતી માલૂમ પડે છે તે પૈકી અનેકે આ પૂર્વે કોંગ્રેસના કટોકટીરાજ સામે અગર તો સિંગુર અને નંદીગ્રામનો મુદ્દે સીપીએમ શાસન સામે બહાર આવવાપણું જોયું હતું. નહીં કે આ સિવાયનું દૃષ્ટિબિંદુ ન હોઈ શકે, અગર તો દાદરીથી માંડીને બીજાં નાનામોટાં નિમિત્ત સૌને સારુ એક સરખાં અપીલકારી ન યે હોઈ શકે. મુદ્દો માત્ર એટલો જ છે કે પોતેપોતાને છેડેથી, પોતપોતાની રીતે ઘણાબધા સંવેદનશીલ બૌદ્ધિકોને દિલી અસુખ અનુભવાય છે. એમનાં આગઆગવાં એન્ટેના પૂરતાં સમસંવેદિત અને સાબૂત હોઈ એમને કો ‘તાલ સે કદમ’ની તાલીમની જરૂર સદ્દભાગ્યે નથી.
આ તકરાર વસ્તુત: કોંગ્રેસ અને ભાજપ જેવા સપાટ ખાનાઓમાં ખતવી શકાય એમ નથી. પૂર્વે કહ્યું તેમ તે પક્ષ ‘અ’ અને પક્ષ ‘બ’ અગર ‘ક’ જેવી કોઈ સ્થાયી સંરચનાની બંદી નથી, કેમ કે મામલો વર્લ્ડવ્યૂ કહેતાં વિશ્વદૃષ્ટિનો છે. કોઈ એક હુકમશાહ કે પછી કોઈ એક ડાબલાબંધ વિચારધારાને વશ નહીં વર્તતા વ્યાપક અભિગમપૂર્વક માનવમૂલ્યોથી પરિચાલિત થતી આ મંડળી છે. એને ડાબાજમણા ખાનામાં નાખવાની અને જે સાથે નથી તે સામે છે એમ માનવાની માનસિકતા કોઈ ડલેસ કે મેકાર્થીની હોય તો હોઈ શકે છે.
કેન્દ્રીય સંસ્કૃિત મંત્રી મહેશ શર્મા વગેરે આ દિવસોમાં જે કંઈ બોલતા સંભળાયા છે એ બધું સાથે મૂકીને જોઈએ તો ભારત કને પોતાના ડલેસ અને મેકાર્થી નથી એવા મહેણાને અવકાશ રહેતો નથી. એમની અને તરુણ વિજય(પૂર્વતંત્રી, પાંચજન્ય)ની વાત કંઈક એવી રહી છે કે જો ગોમાંસ ભક્ષણની ઠાલી અફવાવશ કોઈની હત્યા થાય તો એ ખોટું કહેવાય. બીજા શબ્દોમાં, પ્રતાપભાનુ મહેતાએ તત્ક્ષણ ટિપ્પણીરૂપે સ્થાયી મૂલ્યવત્તાવાળી જે વાત કરી હતી તે પ્રમાણે, ધારો કે ખરેખર ગોમાંસ કિસ્સો બન્યો તો સરિયામ હત્યા (લિન્ચિંગ) ‘ધર્મ્ય’ લેખાય. આવી માનસિકતા સબબ જો કોઈ સંવેદનશીલ સર્જક એમ કહે કે આ સંજોગોમાં હું કશું લખી શકતો નથી તો શર્માજી અસંદિગ્ધ શબ્દોમાં કહેશે કે એક વાર તમે લખવાનું બંધ કરો તે પછી જોયું જશે. ધર્માંધ ને રૂઢિચુસ્ત પરિબળોના દબાણ હેઠળ (અને એની પાછળ હોઈ શકતા રાજકીય સેન્ક્શનવશ) લેખકે લેખન પૂરતી આત્મહત્યા વહોર્યાથી માંડીને સામેવાળા તરફથી લગભગ આતતાયીવધની નોબત વહેર્યાનું આપણે મુરુગનથી માંડી કલબુર્ગીના કિસ્સામાં જોયું છે. પણ હાલના સાંસ્કૃિતક સિસ્મોગ્રાફ ઉર્ફે શર્મોગ્રાફમાં સ્વાભાવિક જ તે ઝિલાતું નથી.
સરકારનું તો જાણે કે સમજ્યા પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમી જેવી સ્વાયત્ત સંસ્થાઓનું શું. બલકે, ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી કોઈ બીના હોય તો તે વિશ્વનાથ પ્રસાદ તિવારીના વડાપ્રધાન હેઠળની અકાદેમી કલબુર્ગીની હત્યા પરત્વે ધોરણસર શોકસંવેદના વ્યક્ત કરવાની અને ખાસ તો, આતતાયીવધની માનસિકતા સામે સાફ ભૂમિકા લેવાની બાબતમાં ઓછી ને પાછી પડી એ છે. (સંઘ પરિવારના દીનદયાલવિદ લેખાતા મહેશ શર્મા કહે છે કે લેખકો કઈ વિચારધારા ધરાવે છે તે પણ અમારે જોવું રહેશે.)
ગમે તેમ પણ, 23મી ઑક્ટોબરે સાહિત્ય અકાદેમીના કારોબારી મંડળની તાકીદની બેઠક મળી રહી છે ત્યારે, તિવારી અને સાથીઓએ પોતાના ને અકાદેમીના વજૂદને પુરવાર કરવાની દિશામાં દુર્ગભેદ કરવાપણું છે. બુંદ સે ગઈ હોજ સે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું. આ અકાદેમીના અધ્યક્ષ ક્યારેક જવાહરલાલ નેહરુ હોઈ શકતા હતા, જે મિત્ર રશિયાને નિ:સંકોચ કહી શકતા હતા કે ‘ડૉ. ઝિવાગો’ના લેખક પાસ્તરનાકની ભાળસંભાળ લેવા સારું સમિતિને દોરતાં હું નહીં ખચકાઉં. અહીં તો કંઈ રશિયા જઈને મીર મારવાની વાત નથી. ઇટ્સ દેલ્હી, સ્ટુપિડ!
ગુજરાત છેડેથી ગણેશ દેવીએ અને અનિલ જોશીએ ઠીક ખાતું ખોલ્યું. પણ જેમ કોંકણીની પુરસ્કૃત પ્રતિભાઓ એકત્ર આવી એમ આપણે ત્યાંથી કોઈ પહેલ થશે? સિતાંશું યશશ્વંદ્ર આદિએ કારોબારી તાકીદે બરકવા કહ્યું એ રૂડું કીધું. દરમ્યાન જ્યાં સુધી ગુજરાત પહેલનો સવાલ છે, ઘરઆંગણે સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રચરણ પરથી એક માપ મળી રહીશે. કેન્દ્રીય સાહિત્ય અકાદેમી ઠીક ઠીક પ્રતિનિધિક અને સ્વાયત્ત છતાં એને વજૂદનો પડકાર ઊભો થઈ શકે છે તો અહીં સીધી નિયુક્તિવશ સરકારી અકાદેમી સાથે જોડાનારાઓએ પોતાની હયાતીનો પુરાવો આપવા કાંક તો કરવું જોઈશે.
સૌજન્ય : ‘અકાદેમીની સંવેદના-કટોકટી’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015