 દેશમાંથી અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમીના આશ્રયે અમેરિકા આવેલા ઘણા સાહિત્યકારોમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’નું મહત્ત્વ મને વિશેષ હતું. એમની લોકપ્રિય નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણી વાંચી ત્યારથી જ મને એના પાત્રોનું ઘેલું લાગેલું. ખાસ કરીને અચ્યુત અને સત્યકામનાં યુરોપના પરાક્રમો વાંચીને મને પરદેશ જવાની પ્રેરણા મળેલી.

પછી ખબર પડી કે દર્શક પોતે તો માંડ માંડ પાંચ ચોપડી ભણેલા હતા! યુરોપ અને હિંદના ઇતિહાસનો એમનો અભ્યાસ જાતકમાઈનો હતો. જેમણે હાઈસ્કૂલ પણ પૂરી કરી નથી અને જેમની પાસે કૉલેજની કોઈ ડિગ્રી નથી, અને છતાં જે ગુજરાતના એક ખૂણામાં બેસીને યુરોપનાં વિશ્વયુદ્ધો અને વિચારધારાઓનો અભ્યાસ કરે અને એના વિશે પુસ્તકો લખે, એમનો ચેતોવિસ્તાર કેવો વિશાળ હશે! નાનાભાઈ ભટ્ટ અને સ્વામી આનંદના એ શિષ્ય. નાનાભાઈ આગળ એ ઉપનિષદ ભણ્યા. અને પછી તેમની સાથે જ રહી એમણે લોકભારતી ચલાવી. આઝાદીની લડાઈમાં નાની ઉંમરે જોડાઈને જેલમાં જઈ આવેલા. એમનો ગાંધીવાદ પોથીમાંનાં રીંગણાંનો નહીં, પણ રગેરગમાં ઊતરેલો હતો.
અકાદમીના પહેલા મહેમાન તરીકે ‘દર્શક’ને દેશમાં જઈને આમંત્રણ આપવાનું સદ્ભાગ્ય મને મળ્યું. એ નિમિત્તે હું પહેલી વાર સણોસરા ગયો અને અમારો સંબંધ બંધાયો. પછી તો જ્યારે જ્યારે હું દેશમાં જાઉં ત્યારે એમને મળવા સણોસરા જાઉં. એ પણ અમેરિકા આવે ત્યારે અઠવાડિયું, દસ દિવસ જરૂર અમારે ત્યાં વૉશિંગ્ટન આવે. જ્યારે જ્યારે એમને મળવાનું થાય ત્યારે દેશવિદેશના રાજકારણની અને અન્ય અલકમલક વાતો થાય. એ વાતચીતોમાં એમનું નવું જાણવાનું કુતૂહલ પ્રગટ થતું. આ વાતોમાં એમની ગાંધીભક્તિ, નાનાભાઈ અને સ્વામી આનંદ પ્રત્યેનો આદર, તૉલ્સતૉય, લિંકન જેવા મહાનુભાવો માટે એમનું અપાર માન, લોકસેવા અને લોકશિક્ષણ કરવાની એમની તીવ્ર ઝંખના વગેરે જરૂર દેખાઈ આવે.
એ હાડે શિક્ષક હતા. પોતે ભલે યુરોપ અમેરિકામાં હોય કે બીજે ક્યાં ય પણ હોય, એ લોકભારતીને ભૂલે નહીં. એક વાર કહે કે આપણે ત્યાં ગામડાંઓનું બહુ શોષણ થયું છે. એ શોષણ અટકાવવા માટે અમે ગામડાંઓનાં છોકરાછોકરીઓને શીંગડાં બતાડતાં શીખવીએ છીએ. એવાં શોષણને નીચી મૂંડીએ મૂંગા મૂંગા સહન કરવાને બદલે એનો સામનો કરવાનું શીખવીએ છીએ. ગામડાંવાસીઓને સજ્જ કરવાની અમારી ફરજ છે, હજી પણ દેશની બહુમતિ પ્રજા ગામડાંઓમાં વસે છે. બીજું એમણે એ સમજાવ્યું કે માત્ર શુભભાવના, સહાનભૂતિ કે સમસંવેદનથી જનસેવા નથી થતી, એને માટે દક્ષતા, કુશળતા, કામસૂઝ, અને ચાલાકી અનિવાર્ય છે. લાગણીવેડા કે વેવલાપણાથી દેશસેવા નથી થતી.
એમની ગ્રામોદ્ધારની વાતો સામે હું એમને ચીનના અર્બાનાઈઝેશન અને ઔદ્યોગિકરણ (industrialization, particularly, manufacturing emphasis) વિશે વાત કરી ને કહું કે દેશની ભયંકર ગરીબીમાંથી છૂટવા માટે આ એક મૉડેલ વિચારવા જેવું છે, પણ એમનો ગામડાંઓ માટેનો ગાંધીવાદી બાયસ એવો જબરો હતો કે એ વાત ‘દર્શક’ સાવ નકારી કાઢતા. કહેતા કે ગામડાંઓમાંથી લોકોને બહાર કાઢવાને બદલે ગામડાંઓને કેમ સુધારીએ નહીં?
ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાંઓમાં જઈને રહેવું પડે. એમનું ગામડાંઓની પરિસ્થિતિનું જ્ઞાન જાત અનુભવનું હતું. એમને ખબર હતી કે દેશની ગરીબી હઠાવવી હોય તો એ ગરીબી હઠાઓ કે આરામ હરામ હે એવા સ્લોગનથી એ કામ થતું નથી. પંચવર્ષીય યોજનાઓ સાચી પણ આ ભગીરથ કામમાં તો જીવન આપી દેવું પડે, અપાર ધીરજ ધરવી પડે.
દેશના રાજકારણમાં પણ એમનો સક્રિય રસ. એ વિશે એમના ગાંધીવાદી વિચારો વ્યક્ત કરવા મનુભાઈ હંમેશ બેધડક લખતા. જ્યારે જરૂર પડી ત્યારે ચૂંટણી પણ લડ્યા. શિક્ષણ પ્રધાન થયા. લોકભારતી જેવી મોટી વિદ્યાપીઠ પણ ચલાવી. જીવનભર જેમ એ કાર્યરત રહ્યા તેમ એ કંઈ ને કંઈ લખતા પણ રહ્યા. અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા એમના જીવનમાં એમને નવલકથા અને નાટકો લખવાનો સમય કેવી રીતે મળે? મને એમ હંમેશ લાગ્યા કર્યું છે કે એમનું સાહિત્યસર્જન જાણે ડાબા હાથનો ખેલ હતો. એટલે જ તો કેટલાકને એમના સર્જનમાં શિથિલતા દેખાય છે. સ્વામી આનંદ જેવા એકે એક શબ્દ ચકાસતા સાહિત્યમર્મી તો એમને ઠપકો આપતા. કહેતા, “તું લખે છે તેમાં લાપસી સાથે આ કાંકરા કેમ આવે છે?”

હું જ્યારે જ્યારે દર્શકનો વિચાર કરું છું ત્યારે એમણે લોકભારતીમાં હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરીને જે અમૂલ્ય સેવા કરી છે તે તો સહજ યાદ આવે. છતાં લોકભારતીનો એમનો પ્રયોગ મને પટોમ્પકિન વિલેજની વાત યાદ અપાવે છે. ૧૭૮૭માં ક્રાઇમિયામાં ફરવા નીકળેલાં રશિયાના મહારાણી કેથરીન પર છાપ પાડવા માટે ગ્રેગોરી પટોમ્પકિન નામના રશિયન અધિકારીએ એક આદર્શ ગામ તૈયાર કર્યું અને રાણીને બતાડ્યું કે એમના રાજ્યમાં રશિયામાં કેવી પ્રગતિ થઈ છે અને લોકો કેટલા સુખી છે!
લોકભારતી જાણે કે એમનું આ પટોમ્પ્કિન વિલેજ હતું. ત્યાં પ્રવેશ કરતાં જ બધું સ્વચ્છ અને સુંદર દેખાય. મકાનો લાઈનસર બંધાયેલા, ફૂલોથી લચી પડતા બગીચાઓ, વ્યવસ્થિત રોપાયેલાં વૃક્ષો, ગૌશાળામાં દરેક ગાયનું નામ હોય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વગેરે વિવેક અને શિસ્તથી એક બીજા સાથે વર્તે, બધા સાથે જમે, વાર તહેવારે મિષ્ટાન ફરસાણ પણ હોય, ક્યાં ય તંગી ન વર્તાય! સવારસાંજ પ્રાર્થનાસભામાં બધા સાથે મળે અને ભજનો ગાય, અને આદર્શ જીવન કેમ જીવવું એની ચર્ચા કરે.
આ બધું સાવ સાચું, પણ જેવા લોકભારતીના દરવાજા બહાર નીકળો કે તમને સણોસરામાં દેશનું એનું એ જ ગામડું દેખાય! એ જ ગંદકી, ગરીબી, અને ગેરવ્યવસ્થા. અર્ધા નાગા છોકરાઓ ધૂળમાં રમતા હોય, અને જે નાના છોકરાઓએ નિશાળમાં જઈને કક્કા બારાખડી ભણવું જોઈએ એ વાંકા વળીને દિવસરાત હીરા ઘસતા દેખાય. નોકરીધંધા ઓછા એટલે પુરુષો ઓટલે બેઠા બેઠા બીડીઓ ફૂંકે. છોકરાઓની હીરા ઘસવાની કમાણી પર ઘર ચાલે! જેવું દેશનાં લાખો ગામડાંનું તેવું જ સણોસરાનું. આઝાદીને આજે સિત્તેરથી વધુ વર્ષો થયાં. પણ દુનિયાભરના વધુમાં વધુ અભણ માણસો હજી આપણા દેશમાં છે! દેશની લગભગ 30 ટકા વસતી (૩૦૦ મીલિયન) હજી પણ અભણ છે!
લોકભારતી અને સણોસરા—આ બન્નેની દુનિયા જાણે કે સાવ જુદી જ. એ બે દુનિયા વચ્ચેનો આડાગાડાનો તફાવત. આનો અર્થ એ નથી કે ‘દર્શક’ને આ વિરોધાભાસનું ભાન નહોતું. લોકભારતીની દીવાલની બહારના સણોસરાની એમને ખબર હતી. એ તો આખો દેશ ભમી ચૂકેલા. ગરીબ બિહાર રાજ્યના કંગાળ પ્રાંતોમાં જયપ્રકાશ નારાયણ સાથે ફરેલા અને કામ કરેલું. લોક્ભારતીની દીવાલની બહારની દુનિયાનું જુદી છે એની એમને ખબર હતી. પણ એમનો જવાબ પૂરેપૂરો ગાંધીઅન હતો: મારાથી જે થાય છે તે હું કરું છું. બહારની દુનિયાના ભીષણ અંધકાર સામે હું જો મારો નાનો સરખો પણ દીવો ન પ્રગટાવું તો હું મારી ફરજ ચૂક્યો ગણાઈશ. એટલે જ તો લોકભારતી કરીને અમે એક નાનો દીવો પેટાવ્યો છે.
શબ્દ સંખ્યા 902
 
 1977માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા, ત્યારે એમણે એવું સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને નિયમિત સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ખ્યાલમાં રાખી અહીંના થોડાંક સાહિત્યરસિક મિત્રોએ ‘ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા’ નામે એક સંસ્થા સ્થાપી. આ અકાદમી હવે રામભાઈ ગઢવી અને અશોક મેઘાણીના પ્રશંસાપાત્ર નેતૃત્વ નીચે, દર બે વરસે, જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્યનું  સમ્મેલન યોજે છે જેમાં દેશમાંથી જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાનાં મોટાં શહેરોમાં એમની બેઠકો યોજાય છે. આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી “દર્શક,” ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, મણિલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, હરીશ મીનાશ્રુ, મનોજ ખંડેરિયા, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર જેવાં ખ્યાતનામ સાહિત્યકારો અમેરિકામાં આવી ગયાં.  વધુમાં સુરેશ દલાલ, બકુલ ત્રિપાઠી, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુભાઈ પરીખ, બળવન્તરાય જાની, શોભિત દેસાઈ જેવા જાણીતા સાહિત્યકારો પણ અમેરિકા આવી ગયા જેની ઉપસ્થિતિનો પણ અકાદમીને લાભ  મળ્યો છે.