આજે જેનો ૧૮૧મો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ તરીકે અને સમાજ સુધારક તરીકે. પણ પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળપ્રવેશ.
નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. મુંબઈમાં કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શિલાછાપથી છાપવા માટે કેટલાક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથનાં લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શિલાછાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણીએક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શિલાછાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, આપણા કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી.
પણ પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : “એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામપૂર્વક અર્પણ કર્યો છે.” એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળપ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા તે ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઇને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહાનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઈચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારુ સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”
પણ મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને જ્ઞાન સાગરના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડિયાના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદરત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડિયો એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.”
૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા માંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુંડળિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોડી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળપ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શિલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળપ્રવેશ’ બહાર પણ પાડી દીધું. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.
આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદાવિમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.” અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહીપતરામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ તરીકે રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.
આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શિલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા અને નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી. પિંગળપ્રવેશની શરૂઆતમાં નર્મદ મૂળાક્ષરો, હ્રસ્વ અને દીર્ઘ અક્ષરો, લઘુ-ગુરુનો ભેદ, છંદના ગણો, વગેરેની સમજૂતી પદ્યમાં આપી છે. તે પછી ૨૦ માત્રામેળ છંદોનું બંધારણ સમજાવ્યું છે – પહેલાં પદ્યમાં અને પછી તેની સમજૂતી રૂપે ગદ્યમાં. ત્યાર બાદ અક્ષરમેળ છંદોની સમજૂતી આપી છે. જેની સંખ્યા ૭૫ જેટલી છે. ત્યાર બાદ બીજી કેટલીક શાસ્ત્રીય બાબતોની છણાવટ કરી છે.
પુસ્તકને અંતે નર્મદે પ્રથમ કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : ‘બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા.’ છે ને આ શબ્દો આજે દોઢ સો વર્ષ પછીયે કોઈ પણ નવા કવિને કામ લાગે તેવા.
XXX XXX XXX
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 24 ઓગસ્ટ 2014
![]()


કૃષ્ણ અને કવિતાનો સંબંધ આપણી ભાષામાં નરસિંહ મહેતા જેટલો જૂનો તો છે જ. પરફોર્મિંગ આર્ટસનાં મુખ્ય મધ્યકાલીન સ્વરૂપ આખ્યાન અને ભવાઈ પણ કૃષ્ણના રંગે રંગાયાં હતાં. આપણાં લોકગીતોને તો કૃષ્ણ વિના ચાલે જ નહિ. ઓગણીસમી સદીમાં રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે પણ બીજી પૌરાણિક કથાઓની સાથે કૃષ્ણકથા પણ રંગમંચ પરથી રજૂ થવા લાગી. પણ આ બધાંની સરખામણીમાં આપણી ભાષાની નવલકથાનો કૃષ્ણકથા સાથે ઘણો મોડો સંબંધ બંધાયો. હકીકતમાં પુરાણકથાઓ તરફ જ આપણા નવલકથાકારોનું ધ્યાન બહુ મોડું ગયું. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’થી ગુજરાતી નવલકથાનો આરંભ કર્યો અને પહેલી સામાજિક નવલકથા મહીપતરામ રૂપરામ નીલકંઠની ‘સાસુ વહુની લડાઈ’ પણ તેના પછી એ જ વર્ષે પ્રગટ થઈ. તે પછી કેટલાક વખત સુધી આપણી નવલકથા ઐતિહાસિક અને સામાજિક એવી બે જ ધારાઓમાં વહેતી રહી. આજે આપણને નવાઈ લાગે પણ પહેલી પૌરાણિક નવલકથા આપણને છેક ૧૯૧૫માં મળે છે – મણિલાલ જીવરામ ગાંધીની ‘અભિમન્યુનું યુદ્ધગમન અને ઉત્તરાની વિનવણી.’ તેમાં એક પાત્ર તરીકે કૃષ્ણ રજૂ થયા છે. તે પછી કૃષ્ણને લગતી બીજી નવલકથા મળે છે છેક ૧૯૪૦માં, ‘રાધા-કૃષ્ણ : દર્શાદર્શ મેળ.’ લેખક છે કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ.
“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”
ઈચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટીશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટીશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.
નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઈ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઈ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે.
પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટીશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઈ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!
“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!