૧. ગુજરાતી મુદ્રણના જનક બહેરામજી જીજીભાઈ છાપગર
(જ્યોતિર્ધરો, અને છતાં અજાણ્યા? હા. આપણા ભાષા-સાહિત્યના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હોવા છતાં જે લગભગ અજાણી રહી છે એવી કેટલીક વ્યક્તિઓ અને તેમના કામ વિષે થોડી વાતો અહીં અવારનવાર કરવા વિચાર્યું છે.)
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં, ગુજરાતી સંસ્કારજગતમાં અર્વાચીનતાનો ઉદય ક્યારે થયો એ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન આપણા ઇતિહાસ કે વિવેચને ઝાઝો કર્યો નથી. કોઈ પણ વૃત્તિ કે વલણનો આરંભ અમુક ચોક્કસ તારીખે થાય એવું ભાગ્યે જ બને. તેનો ઉઘાડ ધીમે ધીમે થતો આવે. છતાં સગવડ ખાતર કોઈ એક તારીખ નક્કી કરવી જ હોય તો કહી શકાય કે ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯મી તારીખે ગુજરાતી ભાષા-સાહિત્યમાં અર્વાચીનતાનો ઉઘાડ થયો. કારણ આ દિવસે મુંબઈથી પ્રગટ થતા ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારમાં ગુજરાતી ભાષા-લિપિમાં લખાયેલો મજકૂર પહેલી વાર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ મજકૂર હતો રસ્તા પર રખડતાં ઢોરને પકડવા અંગેની એક સરકારી જાહેર ખબરનો.
આ જાહેર ખબર અંગ્રેજી છાપામાં ગુજરાતી લિપિમાં છાપવાનું શક્ય બન્યું તે એક એકલવીર પારસીના પ્રયત્નને કારણે. એમનું નામ બહેરામજી જીજીભાઈ છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે “મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.” બે: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી.

૧૭૯૭માં બોમ્બે કુરિયરમાં છપાયેલી બે જાહેર ખબરો
બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઈ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે જે જાહેર ખબર છપાઈ તેમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બોમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. હાથે લખાયેલા લખાણોમાંથી પણ પછી શિરોરેખા દૂર થઈ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી.
આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને પારસી પ્રકાશ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. બહેરામજીના અવસાન પછી તેમના દીકરા જીજીભાઈ પણ ૧૮૧૪માં બોમ્બે કુરિયરમાં જોડાયા હતા અને વખત જતાં તેના હેડ કમ્પોઝીટર બન્યા હતા.
આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી.
e.mail : deepakbmehta@gmail.com
![]()



આ શબ્દો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજનો કોઈ પણ આભાસી સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.
‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું: “ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.” આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.
‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાં ય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.
ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો પરિષદના મુખપત્ર ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનું વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.