વિજયભાઈ જોશીનો ‘લિપિનો ઇતિહાસ’ નામે લેખ વાંચ્યો અને બહુ જ મજા આવી. ઇતિહાસ મારો પ્રિય વિષય છે. એટલે ભાષાના ઇતિહાસની આ વાત બહુ જ ગમી.
અમેરિકાની 'ચરોકી' જાતિના 'સિકોઈયા'એ, અંગ્રેજોની લેખનકળા જોઈ, પોતાની ભાષા માટે જાતે લિપિ બનાવી હતી; અને બહુ જ જફા વહોરીને ચરોકી લોકોમાં તે વપરાતી કરી હતી. પછી તો એ મહાન જાતિએ એ લિપિ અને ભાષામાં ચોપડીઓ પણ લખી અને છાપાં પણ બહાર પાડ્યાં.
યુરોપિયન અમેરિકનોની નીચ, સ્વાર્થી અને ક્રૂર નિયતોને કારણે, કમભાગ્યે, યુરોપિયનોની સારી બાબતો અપનાવનાર અને શાંતિપ્રિય એ જાતિની હકાલપટ્ટી જ્યોર્જિયાથી છેક ઓક્લાહામા સુધી કરવામાં આવી. 'Trail of Teras'નો એ ઇતિહાસ બહુ જ કરુણ છે.
આજે આખી દુનિયાને નીતિના પાઠ ભણાવનાર અમેરિકનોની અનીતિની કાળી તવારીખનો દુનિયાના ઇતિહાસમાં, કદાચ, જોટો નહીં હોય. પણ સામાજિક ચેતનાનું આમૂલ પરિવર્તન કેટલું થઈ શકે, એ પણ અમેરિકાએ દુનિયાને બતાવી આપ્યું છે.
લિપિ વિશે એક અવલોકન કરાની રજા લઉં છું. વિજય જોશીના લેખમાં ઇજિપ્તમાંથી નેપોલિયનના લશ્કરના એક કેપ્ટનને મળેલા 'રોઝેટા સ્ટોન'ની વાત પણ ઉમેરી હોત તો ઠીક રહેત … એનો સંદર્ભ મેં મારા બ્લૉગ પર અામ અાપ્યો છે. વાચકમિત્રોને રુચશે : http://gadyasoor.wordpress.com/2013/01/15/rosetta/
17.05.2013; e.mail : sbjani2006@gmail.com
![]()


ગતિનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો, તેમ જ ટ્રેનો, જેટ પ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વિશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે, અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઇચ્છા કે સમય નથી.