ગુજરાતની કન્યાઓની એક ટીમે 16 મે તારીખે નૅશનલ વૉલીબૉલ ચૅમ્પિયનશીપ મેળવી. આ ટીમે સોળ વર્ષથી વિજેતા બનતી રહેલી કેરળની ટીમને હરાવી.
સૌરાષ્ટ્રનાં નાનાં ગામની છોકરીઓની આ ટીમનો માર્ગ કપરો હતો. એમને રમવા માટે ઇન-ડોર સગવડ નથી. તેમને ખૂબ ગરમી અને આકરા હવામાનમાં રમવું પડે છે. થોડાં વર્ષો પહેલાં સુધી આ ગામમાં પાણીની ખૂબ તંગી હતી. મેદાનની આસપાસ પાણીની વ્યવસ્થા ન હતી, એટલે છોકરીઓને ઘરેથી પાણી લઈ જવું પડતું.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં 19 મે તારીખે આવેલા સમાચાર મુજબ, ગુજરાતની આ ટીમની ખાસિયત એ છે કે તેમાંથી છ ખેલાડીઓ જૂનાગઢથી 21 કિલોમીટરના અંતરે આવેલાં સરખાડી નામનાં સાવ નાનાં ગામની છે.
કોડીનાર તાલુકાના આ ગામની વસ્તી 2011ની ગણતરી મુજબ 4397 છે, જેમાં સ્ત્રીઓનું પ્રમાણ 51.5% છે. ગામમાં કુલ સાક્ષરતા 73.6% છે જ્યારે મહિલા સાક્ષરતા 34% છે.
વિજેતા ટીમમાં સરખાડી ગામની જે છોકરીઓ છે તેમાં કૅપ્ટન સંધ્યા રાઠોડ ઉપરાંત ઉષા વાળા, દિશા વાળા, નિરાલી વાળા, પ્રિયાંકા ઝાલા અને મનીષા ઝાલાનો સમાવેશ થાય છે. અન્ય જગ્યાઓ પરની ખેલાડીઓમાં ઇશા જૈન, અનિશા ચૌધરી, નેહા પ્રજાપતિ નીપા બારડ, દેવુબાલા ચાવડા અને મહેક પાન્ડેનો સમાવેશ થાય છે.
ટીમના કોચ પરિતા વાળા કહે છે કે આ ગામની છ છોકરીઓ લાંબા સમયથી સાથે પ્રૅક્ટિસ કરતી રહી છે, જેને પરિણામે તેમને એકબીજાં સાથે સંકલનમાં સરળતા રહી છે.
પરિતા પણ સરખાડી ગામનાં જ છે. તેઓ 2014માં ચીનમાં જ્યુનિયર એશિયન ચૅમ્પિયનશીપમાં રમેલાં છે. આ જ ગામનાં કિંજલ વાળા 2014માં થાઇલૅન્ડમાં રમાયેલી એશિયન યૂથ ગર્લ્સ વૉલીબૉલ ચૅમ્પિયનશીપમાં ભારતની ટીમના કૅપ્ટન હતાં. શિલ્પા વાળા 2010માં મલેશિયામાં એશિયન યૂથ ચૅમ્પિયનશીપમાં રમેલાં છે.
સરખાડી ગામની છોકરીઓ જે 16 મે તારીખે મહારાષ્ટ્રનાં સાંગલી મુકામે રમાયેલી મૅચમાં વિજય મેળવ્યો, તે દિવસના અખબારોના કેટલાક સમાચાર આ મુજબ છે :
‘યુવતીને અશ્લિલ મેસેજ કરી હેરાન કરતાં યુવકની ધરપકડ’,
‘પરિણિતાને માર મારી દુષ્ક્રર્મ આચર્યું’ ,
‘જમાઈના પરિવારે સાસુની સરાજાહેર હત્યા કરી’,
‘સસરાના ત્રાસ સામે ત્રણ સંતાનોની માતા એવી વિધવા પુત્રવધૂની ફરિયાદ’, ‘ત્રાસ આપીને પત્નીની હત્યા કરવા બદલ પ્રોફેસરની ધરપકડ’,
‘નગ્ન થઈને સોસાયટીમાં ફરનાર પુરુષ સામે વાંધો ઊઠવનાર ત્રેપન વર્ષની મહિલાને તે પુરુષ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી’.
મહિલાઓ પરની હિંસાના સમાચારોથી અખબારો ભરેલાં હોય છે. આવી સામાજિક પરિસ્થિતિમાં મહિલાઓની સિદ્ધિઓ ખાસ નોંધવા જેવી જણાય છે.
સરખાડી ગામમાં ગયાં પાંચ-છ દિવસથી ઉજવણીનો મહોલ છે.
સૌજન્ય : નિમેષ ખાખરિયા, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’,19 મે 2022
21 મે, 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર