ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મીઠાઈના પડીકા સાથે બોણી આપવાનો હરખ માણવા જેવો હોય છે.
‘લો, આમને પાછી બોણી આપવાની’ – મધ્યમ અને શ્રીમંત વર્ગના લોકોમાંથી ઘણાં કંઈક આવી લાગણી સાથે નવાં વર્ષની બોણી આપતા હોય છે. ખરેખર તો, ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. તેમાં દયા કે અહેસાનના ભાવને સ્થાન ન હોય. બોણી ખુશીથી અપાય તો જ આપનારને પક્ષે એનો કોઈ મતલબ છે. લેનારના છેડે તો નાખુશીથી આપવામાં આવતી બોણીનો ય મતલબ હોય છે કારણ કે તેની આવક ઓછી છે, મહેનત વધુ છે અને મોંઘવારી તો કરતાં ય વધુ છે. એટલે બોણી વધારે અને પૂરાં દિલથી આપવી. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મોં મીઠું કરાવીને, મીઠાઈના પડીકા સાથે રૂપિયાઓની નવી કોરી નોટો આપવાનો હરખ માણવા જેવો હોય, સામા માણસના ચહેરા પરના ભાવ વાંચવા જેવા હોય છે.
બોણી આપીને આપણે જેમના આભાર માનવાના છે એવા શ્રમજીવીઓની કદર અને નિસબતથી બનાવેલી યાદી મોટી થાય. શરૂઆત થાય તે ઘર, રહેણાંક-વિસ્તાર અને કામની જગ્યાએ ગટર-જાજરુ-બાથરૂમથી લઈને આખો પરિસર સાફ રાખતા સફાઈ કર્મચારીઓ તેમ જ કચરો અને કાટમાળ ટ્રૅક્ટરોમાં ભરીને લઈ જનારા કામદારોથી. ઘરે કચરા-પોતાં-કપડાં-વાસણ કરનારાં ઉપરાંત ઇસ્ત્રીવાળા ને દૂધવાળા ભૂલાય નહીં. ધોધમાર વરસાદમાં કે કડકડતી ઠંડીમાં વહેલી સવારે દરરોજ આપણા માટે અનિવાર્ય અખબાર લઈને આવનાર ભાઈ દિવસ દરમિયાન આપણને સામે મળે તો આપણે એમને ઓળખી ન શકીએ, આપણે એને જોયેલા જ નથી હોતા, કારણ કે એના દિવસનો એક હિસ્સો જ્યારે પૂરો થાય છે ત્યારે આપણો દિવસ માંડ ચાલુ થાય છે! ઝાંપા, સિક્યુરિટી અને સી.સી.ટી.વી. કૅમેરાના દિવસોમાં, જે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટોમાં આવવા દેતા હોય ત્યાં, ફેરિયા કેટલા બધા આવે છે ! શાકભાજી, નાસ્તા, પ્લાસ્ટિકની વસ્તુઓ, ચાદરો, સાવરણાં વગેરે વેચનારા, પસ્તીવાળા, ધાર કાઢનારા, પ્લમ્બર, સુથાર, બૂટ-ચપ્પલ રિપેર કરનારા અને બીજા પણ ઘણાં. બળબળતી બપોરે કુરિયરવાળા સાયકલ પર આવે છે. સિક્યુરિટીવાળા ઠેરઠેર રાતદિવસ રખોપાં કરે છે. પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ભરનારાં ભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) કેટલા કલાક ઊભા રહેતાં હોય છે ?
હવા પૂરનારા કે કચરાં-પોતાં કરનારનાં ઢીંચણો અને કેડોનું શું થતું હશે ? છૂટક મજૂરી કરનાર સ્ત્રી-પુરુષો આપણે ત્યાં વરસ દરમિયાન આવીને નાનાં-મોટાં કામ કરી જતાં હોય છે. આવા કંઈ કેટલાં શ્રમજીવી સ્ત્રી-પુરુષો બોણીનાં સાચાં હકદાર છે. એમાંથી દરેક જણ ચોવીસ કલાકમાંથી કેટલા કલાક કેવી રીતે મજૂરી કરીને બે છેડા ભેગા કરે છે તે વિચારવું રહ્યું. તેમના માટે રહેવાની-સૂવાની જગ્યા કઈ? ફૂટપાથ, ચાલી ખોલી, ઝૂંપડું-તાડપત્રી-છાપરું, રેનબસેરા, કેબિન, શેડ? તેઓ જાજરુ જવા, નહાવા, કપડાં ધોવાં ક્યાં જાય છે? તેમને કેટલા ટંક, ક્યાં અને કેવું ખાવાનું મળે છે? ધંધા-રોજગાર પર જવાં માટેનાં તેમનાં ‘સાધનો’ કયાં? પગ, સાયકલ, પગરિક્ષા, લારી, છકડા, મુકાદમનો ટેમ્પો, એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ., બાઇક? આ સાધનોમાં અવરજવર કઈ કિંમતે કયા જોખમે ? આ બધાં માંદા પડે ત્યારે ક્યાં જાય ? કપાતી રોજીએ પડ્યા રહે ? મેડિકલની દુકાનેથી ગોળી લાવે ? જાહેર દવાખાનાંમાં તેમને ક્યારે-કેવી સારવાર મળે ? નહીં તો વતન પાછાં જાય ? આ બધાં કામ પર હોય ત્યારે તેમનાં બાળકોનું શું થાય ? બાજુમાં ઝોળીમાં સૂએ, માટીમાં રમ્યાં કરે, મજૂરીમાં જોડાય, મ્યુનિસિપાલિટીની શાળાએ જાય ? એમનાં મા-બાપને સામે શું મળે?
કુશળ કારીગરને આઠ-દસ કલાકના વધુમાં વધુ હજાર, બીજાંઓને પાંચસોથી સાતસો. સામે શરીરનું વૈતરું કેટલું? આ વૈતરાં માટે તેમને પૈસા આપતાં ભદ્રજનો શુગર અને વજન ઘટાડવા સવાર-સાંજ ટ્રૅક સૂટમાં ચાલતાં-ચાલતાં બળેલી કૅલરિ મોબાઈલ ઍપમાં માપતાં હોય છે. વૉક કરનારા એ લોકો આખો દિવસ પરસેવો કરતાં કોઈ પણ સ્ત્રી-પુરુષનાં શરીરે એક કલાક ઍપ લગાવીને જુએ. તેમને કદાચ ખબર પડે કે મજૂરના શરીરેની અંદરથી બળેલી એ કૅલરી માટે કલાકના પચાસ કે સાઠ જ રૂપિયા મળે ત્યારે જીવ કેવો બળતો હશે ! એ જ રીતે સંપન્ન વર્ગોએ પોતાની અને શ્રમજીવીઓની આખી ય જીવનશૈલી સરખાવવા જેવી છે. તેમાંથી ખ્યાલ આવશે કે આપણને પીવાનાં પાણીથી માંડીને આનંદ-પ્રમોદ સુધીની જે બાબતો જેટલી અતિ સુલભ છે તેમાંથી દરેક શ્રમજીવીઓ માટે ખૂબ દુષ્કર અથવા અસાધ્ય છે. અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ભારતનાં મોટા ભાગની રોજગારી અસંગઠિત ક્ષેત્ર એટલે કે અનઑર્ગનાઇઝડ સેક્ટરની છે. જેમાં વેતનનાં દર, કામના કલાક, કર્મચારીના અધિકાર અને નોકરીની સલામતી જેવી બાબતો જાણે હોતી જ નથી.
બોણી આપવા માટેના અણગમાનું એક કારણ ઑર્ગનાઇઝડ સેક્ટર એટલે કે સંગઠિત, સલામત, પગારદાર સરકારી કે અર્ધસરકારી નોકરિયાતોના વર્ગમાંથી કેટલાકને આપવી પડતી બક્ષિસ એ છે. ટપાલી કે ટેલિફોન કર્મચારીને, કારકૂન કે પટાવાળાને બોણી આપવાનું ઘણાંને ગમતું નથી. કેટલાકને એવું પણ હોય છે કે આ કર્મચારીઓને ધોરણસરના પગાર મળે છે, તેઓ ખરી જરૂર હોય કામ કરતા હોતા નથી, ક્યારેક અપમાન પણ કરે છે. કેટલાક કામચોરી પણ કરતા હોવાની છાપ છે. આ બાબતો અનુભવ આધારિત અને વ્યક્તિસાપેક્ષ હોય છે.
કેટલાક લોકો એવું પણ માને છે કે બોણી માગનારને વગર મહેનતે કમાવાની આદત, માગીને ખાવાની દાનત હોય છે, લાયકાત કે મહેનત કરતાં વધારે મેળવવાનો લોભ હોય છે. એ રીતે જોઈએ તો, બોણીની વાત હોય કે ન હોય, પણ આપણા સમાજનો એક નોંધપાત્ર હિસ્સો આ વલણથી નથી ચાલતો શું? આપણી સરકારો પાસે આપણા સમાજના મોટા ભાગના લોકો કેટકેટલાં લાભ અને લ્હાણીની, સવલતો અને સગવડો, રજાઓ અને જોગવાઈઓ માગે છે ? શું એ માગણી અને આપણે દેશ માટે જે કરીએ છીએ એનો મેળ બેસે છે ? સામે પક્ષે સરકારો આપણી પાસે કેટકેટલા કરવેરા, કેટકેટલી માહિતી અને શરણભાવ સાથેની કેવી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે છે? એ મેળવવાની યોગ્યતા આપણા શાસકોની ધરાવે છે ખરા ? બજાર આપણાં કુદરતી સંસાધનો અને વ્યક્તિગત આવકમાંથી કેટલું ઉલેચે છે, પોતે કેટલું કમાય છે અને અપણને કેટલું પાછું આપે છે એ હિસાબ માંડવા જેવા છે. આપણાં કેટલાં ય ધર્મસ્થાનોને ભાવિકો રોજેરોજ કરોડોની બોણી આપે છે ? એમાંથી સમાજને શું પાછું મળે છે ? ઠાલી ધાર્મિકતા અને અંધશ્રદ્ધા ?
શ્રમજીવીને બોણી આપવામાં કદર કરવાનો અને કદર પામવાનો સંતોષ છે. બોણી આપીને વર્ષમાં એક વખત સારું કામ કરવાની પ્રતીકાત્મકતા પણ લાગે. બોણી કે બક્ષીસ આપવાના વધુ પ્રસંગો ઊભા કરવા એ આપણી કદરદાની પર આધાર રાખે છે. ખરેખર તો બોણી કે બક્ષીસ સમાનતાવાદી સમાજમાં ઇચ્છનીય નથી. પણ આપણે એવા સમાજથી જોજનો દૂર છીએ. એટલે બોણી વિશેના એકતરફી કઠોર વિચારોમાં સૂકા ભેગું લીલું ય બળી ન જાય એ વિચારવાનું છે. બોણી એ શ્રમજીવીઓ તરફની આપણી કૃતજ્ઞતાનું એક પ્રતીક માત્ર છે. એ કૃતજ્ઞતા પ્રતીક ન રહેતા સ્થાયી કૃતિશીલતા બને એવી નવા વર્ષની શુભકામના.
*******
31 ઑક્ટોબર 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 નવેમ્બર 2019