કાવ્ય તે વાતનો ઇશારો કરે છે જેનો વિચાર માનવીને જીવનમાં કદી કદી આવતો હોય છે.
ઘણાંયે વર્ષો પહેલાં લખેલું, અને હાલ મઠારેલું આ કાવ્ય મૂળ ડબ્લ્યૂ.બી. ઈટ્સના અને કવિ બચ્ચનના આધારિત કાવ્ય પરથી રચાયું છે.
તો શું ? – વિરાફ કાપડિયા
જ્યારે એ ભણતો’તો ત્યારે સહપાઠીઓ ક્હેતા’તા,
મિત્ર, કરો કંઈ એવું જેથી આગળ જઈને કાઢો નામ;
એણે પણ એવું જ વિચાર્યું અને નિયમ-સંયમ સાધ્યો,
અને યુવાનીનાં વર્ષોને કરી નાખ્યાં આરામ હરામ.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
એણે જે કંઈ રચ્યું, પઢ્યું એને દુનિયાના લોકોએ;
એની એટલી ખપી કિતાબો, ધનનો એવો ઢગ લાગ્યો,
જે ઇચ્છ્યું તે ખાધું, પહેર્યું અને ખવાડ્યું મિત્રોને,
મીત બન્યો જે એનો એણે સાથ નહીં એનો ત્યાગ્યો.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
એણે જે સુખ-સપનાં જોયાં’તાં તે સર્વે સત્ય થયાં —
પત્ની, પુત્રી, પુત્ર, રહેવાને સુંદર નાનું શું ઘર,
સાફ જગા જેમાં કોબી ને કંઈક ટમેટાં ઊગતાં હો,
કવિ, લેખક, સાહિત્યિક આવે એને મળવાને સાદર.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
વૃદ્ધ થયો તો એને લાગ્યું મારું કામ સમાપ્ત થયું,
મેં શૈશવની મધુ આશાઓને જીવનમાં રૂપ દીધું,
મૂર્ખ મને ભાંડે મનભર, પણ મેં ક્યારે હિમ્મત ખોઈ,
એક કામને હાથ લીધું’તું તેને મેં પરિપૂર્ણ કીધું.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
અને જોરથી,
એવું કરી નાખ્યું તો શું?
******
e.mail : vkapmail@yahoo.com