23 અૅપ્રિલ 1995થી 26 માર્ચ 2013. “ઓપિનિયન”ની આ અઢાર વર્ષોની આ અક્ષર-અને-વિચાર યાત્રા. તેને કમ્પ્યૂટરની એક ક્લિકે જાળવી લેવાનો આ વીજળિક ઉપક્રમ. આ ઉપક્રમ રસ અને નિસબત ધરાવતા સૌને સારુ રમતો મૂકતાં “ઓપિનિયન” આનંદ અનુભવે છે.
આપણે જેને એક વાર “માન્ચેસ્ટર ગાર્ડિયન” તરીકે ઓળખતા હતા તે બ્રિટનના જાણીતા દૈનિક અખબાર “ધ ગાર્ડિયન”ના 1921 દરમિયાનના તંત્રી સી.પી. સ્કૉટને નામ એક અવતરણ સુખ્યાત છે : ‘Comment is free… but facts are sacred.’
“ઓપિનિયન”ને પાને વસ્તુિસ્થતિ, હકીકતના આધારે ડાયસ્પોરિક જનજીવનની કેટકેટલી નકરી માહિતી વિગતો આવરતી લેખમાળાઓ જોવાવાંચવા સાંપડે છે.
પ્રકાશ ન. શાહે, 24 માર્ચ 2010ના લખેલું તેમ, ‘દેશ બહાર, ઘણા બધા કિસ્સામાં તો દ્વિનિર્વાસન અને એમ નિરંતર પુનર્વસન શી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયેલા અને થતા રહેતા લોકોનું પત્રકારણ એટલે કે આદાનપ્રદાનપૂર્વકનું અક્ષરજીવન કેવું હોય? દેશથી આવેલા હોવું અને સમૂહજીવનની લાયમાં ને ઘાઈમાં નાતજાત ઝટ છાંડવું કદાચ એટલું સહેલ નયે હોય. બલકે, નવી દુનિયામાં પુનર્વસન અને નવમૂલનની પ્રક્રિયામાં પહેલો ર્દુિનવાર તબક્કો વતનપ્રેમ ને સ્મૃિતઝંખનાના સાહિત્યનો હોય તેમ અન્યોન્ય સહકારી નાતજાતમંડળીનોયે હોય એ સમજી શકાય એમ છે. પણ નવા માહોલ સાથે રમતેજમતે (અને જામતે) કશુંક એવુંયે નીપજી તો શકે (અને નીપજવું પણ જોઈએ) જે નવું હોય. નકરું અવનવું નહીં પણ પરંપરા અને નવી ધરતી-નવી સંસ્કૃિત સાથેની સાર્થક આપલેમાંથી બની આવેલું નવું.
‘આ સંદર્ભમાં વિચારું છું ત્યારે ‘ગુજરાતી લિટરરી એકેડેમી’ (ગુજરાતી સાહિત્ય અકાદમી) અને “ઓપિનિયન” બેઉનો જે એક મોટો ગુણ મને વસે છે તે નાતજાતકોમરાષ્ટ્રથી હટી શકતી, ઊંચે ઊઠી શકતી, ઉફરાટે ચીલો ચાતરી શકતી ભૂમિકાનો છે. રાજેન્દ્ર શાહની પેલી રચનામાં આવે છે ને કે ઘર છોડી જનારને મળતી વિશ્વતણી વિશાળતા, એવું યે કાંક આ ભૂમિકામાં બીજરૂપ સંભાવનારૂપે રહેલું છે. લાૅંગિંગ અને બીલાૅગિંગની આ રમણા અને ઉપનિષદનાં ઋષિવચનો – ‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’ – બંને વચ્ચે મને હંમેશ એક વિલક્ષણ સામ્ય લાગ્યું છે. આરણ્યકને સારુ તો આજના જેવી યાતાયાતસુલભતા દુર્મિળ હતી એ જોતાં એને માટે ભૂમાસુખ તે આંતરિક અનુભૂતિની બાબત હતી. આપણો જે નવયુગી નિર્વાસિત નાયક, એને તો જૂનીનવી દુનિયાઓની – અહીંની તેમ તહીંની – એટએટલી અથડામણ અને એટએટલી ઐશ્વર્યસામગ્રી નસીબ હોઈ શકે છે કે સગવડો અગવડ લાગે અને અગવડો સગવડ લાગે! સંક્રાન્તિ, ઉત્ક્રાંતિ, ક્રાન્તિની આ સંમિશ્ર પરિસ્થિતિમાં એને સારુ ભૂમાસુખની સાધના એ કદાચ ઉપનિષદના ઋષિ કરતાં વધુ આકરો પડકાર છે.’
લંડનમાંથી છેલ્લાં વીસ વર્ષથી, આરંભના અઢાર વરસ પ્રગટ થતાં અને પછી વેબસાઇટે પલોંઠ લગાવતાં “ઓપિનિયન” સામયિકની વાચકોમાં લોકપ્રિયતા વધતી જાય છે. આ સામયિકમાં ટૂંકી વાર્તાઓ, કાવ્યો, હાસ્યલેખો, વિવિધ પર્વ પ્રસંગના વિશેષ લેખો વગેરે જેવી અનેક માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. નવોદિત લેખકો પણ તેમાં પોતાના લેખ મોકલી શકે છે.
અભ્યાસીઓ ઉપરાંત, સવિશેષ તો, વિચાર અને કર્મની પરસ્પર શોધનકારી જુગલબંધી માટે તેમ તે વાટે મથતી બિરાદરીને દશા-અને-દિશા-બોધ સારુ આ ડિજિટલ સોઈ (માત્ર લેખક અને શીર્ષક એટલી જ શોધજોગવાઈ છતાં) ઉપયોગી થઈ પડશે તેવી ઉમેદ છે.
અશોક કરણિયાની હોંશ-પહેલ-ઉમેદથી શક્ય બનેલ આ ડિવિડી [DVD] સંસ્કરણના નિર્માણમાં, દિવંગત રતિલાલભાઈ ચંદરિયાની શુભ આશિષ અને આગેવાની હેઠળ, ‘આર્નિયૉન ટેકનૉલોજી’એ, અને ખાસ કરી ‘ગુજરાતીલેક્સિકૉને’, તેમ જ સમય સમય પરે પદ્મા જાદવ, સુમૈયા વહોરા, મૈત્રી શાહ, દેવળ તલાટી, શ્રુતિ પટેલ, કૈયૂર બ્રહ્મભટ્ટ, ભૌમિક ઉપાધ્યાય, હિતેશ ચાવડા, હિતેન્દ્ર વાસુદેવ, કાર્તિક મિસ્ત્રી સરીખાં સરીખાં સાથીદારોએ દાખવેલા ઊલટ અને ઉઠાવેલી જહેમત માટે “ઓપિનિયન” સહૃદય આભારી છે.
26 જુલાઈ 2015
'ગુજરાતી સાહિત્ય અકાદમી'ની 'મનુભાઈ પંચોળી 'દર્શક' નગર ખાતે, વેમ્બલીમાં, 29-30 અૉગસ્ટ 2015ના દિવસોમાં, બેસેલી નવમી ભાષા-સાહિત્ય પરિષદમાં, અતિથિ વિશેષ પ્રકાશ ન. શાહના વરદ્દ હસ્તે વિમોચિત થયેલી આ ડી.વી.ડી. ચિત્રમાં (ડાબેથી) પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણી તેમ જ આ પરિષદના અધ્યક્ષ અદમ ટંકારવી દ્રષ્ટિમાન છે.