એપ્રિલ ૧૯૧૫માં, દક્ષિણ આફ્રિકાથી વતન પરત આવ્યાના થોડા મહિના પછી, મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હી ગયા હતા અને ત્યાં સેન્ટ સ્ટિફન્સ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરેલું. શ્રોતાગણમાં વિવિધ ધર્મના અનુયાયીઓ હતા અને ગાંધીએ તેમને પોતાના રાજકારણી ક્ષેત્રના ગુરુની વાત કરી. થોડાં અઠવાડિયાં પહેલાં જ ગોપાલકૃષ્ણ ગોખલે અવસાન પામ્યા હતા. ગાંધીએ કહ્યું કે ગોખલે હિન્દુ હતા, પણ “સાચા પ્રકારના”. ગાંધીના શબ્દોમાં, “એક વાર એક હિન્દુ સંન્યાસી તેમને મળવા આવ્યા અને તેમની સમક્ષ હિન્દુઓને રાજકારણમાં આગળ લાવવાની એવી દરખાસ્ત રજૂ કરી જેમાં મુસ્લિમોને દબાવવામાં આવે. સંન્યાસીએ આ દરખાસ્તની તરફેણમાં અનેક ધાર્મિક કારણો પણ ગણાવ્યાં. ગોખલેએ આ માણસને જવાબ આપ્યો કે, જો હિન્દુ હોવા માટે મારે તમે જે ઇચ્છો છો તે કામ કરવાનું હોય તો કૃપા કરીને એક જાહેરાત બહાર પાડો કે હું હિન્દુ નથી.” (‘મિ. ગાંધીઝ વિઝિટ’, સેન્ટ સ્ટિફન્સ કૉલેજ મૅગેઝિન, એપ્રિલ ૧૯૧૫.)
ધીરેન્દ્ર કે. ઝાનું જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક, ‘ગાંધીઝ એસેસિન’, નવા અને નક્કર પુરાવા સાથે કહે છે કે નથુરામ ગોડસેએ ૧૯૪૦ના દશકામાં આર.એસ.એસ. સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખ્યા હતા. ભલે એ વાત ભુલાવવા જાતભાતના દાવાઓ કરવામાં આવે પણ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીહત્યા વખતે પણ તેઓ સંઘ સાથે જોડાયેલા જ હતા. જો કે, એક વ્યક્તિના સંસ્થાકીય સંબંધોથી આગળ જઈએ તો વિચારધારાના જોડાણનો પ્રશ્ન ખડો થાય છે. ગોડસેની જેમ આર.એસ.એસ. માનતું હતું – અને હજુ પણ માને છે – કે આ દેશની રાજકીય અને સાંસ્કૃતિક જીવનધારા પર હિન્દુઓનો દાવો બાકી કોઈથી વધારે જૂનો અને બાકી સૌથી વધારે મજબૂત છે. સંઘ એમ માને છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરતાં હિન્દુઓ વધુ કુદરતી રીતે સાચા ભારતીય છે. આવી હિન્દુકેન્દ્રી (‘હિન્દુ સુપ્રિમિસિઝ્મ’) વિચારસરણીના કારણે આર.એસ.એસ. અને તેના જેવી બીજી સંસ્થાઓ ગાંધીની બિલકુલ વિરુદ્ધમાં ખડી થાય છે, જે હવે પછીના ફકરાઓમાં વધુ સ્પષ્ટ થશે.
આર.એસ.એસ. માને છે કે ભારત પર હિન્દુઓનો વિશેષ દાવો કે અધિકાર બને છે, પણ ગાંધી માનતા કે આ દેશ પર અને તે જે કશાનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર તમામ ધર્મોના અનુયાયી દેશવાસીઓનો એક સરખો અધિકાર છે. સૌને સમાવતા આ વિચારમાં ગાંધીના નૈતિક દર્શનનો પણ આધાર હતો, અને તેમની રાજકીય કામગીરીનો પણ. આ મુદ્દે એક દાખલો આપું તો, ૧૯૪૫માં તેમણે પક્ષના રચનાત્મક કાર્યક્રમ વિશે એક અગત્યની પુસ્તિકા પ્રકાશિત કરેલી (‘રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય અને સ્થાન’). અસ્પૃશ્યતા નિવારણ, ખાદીને પ્રોત્સાહન અને આર્થિક સમાનતા જેવા બીજા પણ વિષયો હતા જે સૌ ગાંધી માટે એટલું જ મહત્ત્વ રાખતા હતા, પણ તેમના કાર્યક્રમમાં તેમણે પહેલું સ્થાન કોમી એકતાને આપ્યું હતું. ગાંધીએ તેમાં લખેલું કે,
“કોમી એકતાનો અર્થ તો છે તોડી ન તૂટે એવી હાર્દિક એકતા. એવી એકતા સાધવાને પ્રથમ આવશ્યક વસ્તુ એ છે કે, દરેક મહાસભાવાદીએ – તેનો ધર્મ ગમે તે હોય તો પણ – પોતે જાતે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જરથોસ્તી, યહૂદી વગેરે – ટૂંકામાં દરેક હિંદુ તેમ જ ઇતરધર્મી – સહુના પ્રતિનિધિ બનવું જોઈએ. હિંદુસ્તાનના કરોડો રહેવાસીઓમાંના એકેએકનાં સુખદુ:ખનો પોતે ભાગીદાર છે એવી ભાવના તેના મનમાં સદૈવ જાગ્રત હોવી જોઈએ. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દરેક મહાસભાવાદીએ અન્ય ધર્મોના માણસો સાથે અંગત મિત્રાચારી કેળવવી જોઈએ. તેને જેટલો આદર પોતાના ધર્મને વિષે હોય તેટલો જ તેણે બીજા ધર્મોને વિષે પણ રાખવો જોઈએ. (પૃષ્ઠ ૪–૫ઃ ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લના ગુજરાતી અનુવાદમાં.)
બે વર્ષ પછી કાઁગ્રેસ અને ગાંધી ધાર્મિક ધોરણ પર દેશના ભાગલા થતા અટકાવી શક્યા નહિ. પણ નસીબને દોષ દઈ બેસી રહેવાના કે નિરાશાવાદમાં જવાના બદલે – અને એથી ય વધુ તો બદલાની ભાવના પાળવાના બદલે – ગાંધીએ ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસ્લિમોને એટલી ખાતરી આપવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી કે તેમને સ્વતંત્ર ભારતમાં સમામ નાગરિક અધિકાર મળશે જ. કલકત્તામાં સપ્ટેમ્બર ૧૯૪૭માં અને દિલ્હીમાં જાન્યુઆરી ૧૯૪૮માં તેમણે કોમી એકતા માટે ઉપવાસ આદર્યા, તે બાબતે ઘણું લખાઈ ચૂક્યું છે. પણ જે બાબતે ઓછું લખાયું છે, અને જે એટલી જ અગત્યની છે, તે ૧૫મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ ઑલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીમાં તેમણે આપેલા વક્તવ્યની છે. તે પ્રસંગે ગાંધીએ કહ્યું કે,
“હું ઇચ્છું છું કે તમે કાઁગ્રેસની મૂળભૂત લાક્ષણિકતાને વળગી રહો અને હિંદુ–મુસ્લિમોને એક કરો, જે આદર્શ માટે કાઁગ્રેસે ૬૦ વરસથી વધુ સમયથી કામ કર્યું છે એ આદર્શ હજુ પણ આપણી સામે છે. કાઁગ્રેસે કદી એવું કહ્યું નથી કે તે માત્ર હિંદુ હિતો માટે કામ કરે છે. કાઁગ્રેસ જન્મી ત્યારથી આજ લગી આપણે જે દાવો કર્યો છે તે શું આપણે હવે જતો કરીને નવી તરજ પર ગાવા માંડીશું?” (કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ ૯૦, પૃષ્ઠ ૩૮.)
ભારત તેમાં વસતા સૌ કોઈનો દેશ છે, પછી તે ચાહે હિંદુ હોય કે મુસ્લિમ કે અન્ય, એ માન્યતાને પકડી રાખવા માટે થઈને તો ગાંધીની હત્યા કરવામાં આવી. ગાંધીના અવસાનનાં થોડાં અઠવાડિયાં પછી, માર્ચ ૧૯૪૮માં, તેમના અમુક અંતેવાસી સેવાગ્રામમાં એકઠા થયા અને હવે પછી શું કરવું તેની ચર્ચા કરી. એ ચર્ચામાં આર.એસ.એસ.નો સંદર્ભ વારંવાર આવ્યો – ગોડસે તેના સભ્ય હતા એ કારણે જ નહિ, હત્યા પહેલાંના દિવસોમાં સંઘના વડા મા.સ. ગોળવલકર અનેક ઝેરી કોમી ભાષણો આપ્યાં હતાં એ કારણ પણ. વિનોબા ભાવેએ ઘણા ભાવ સાથે વાત કરી કે પોતે તો જાણે હવે મરાઠી બ્રાહ્મણના લેબલથી આગળ વધી ગયા હતા, પણ તેમના જ્ઞાતિબંધુઓના પ્રભાવ હેઠળની આ સંસ્થા માટે તેમને ભારે અવિશ્વાસ હતો. તેમણે કહ્યું કે, “સંઘે ભારે કૌશલ્ય સાથે તેનો વિસ્તાર વધાર્યો છે અને તેનાં મૂળિયાં ઊંડે ગયાં છે. તે હાડોહાડ ફાસીવાદી છે … તેના સભ્યો એકબીજાને વિશ્વાસમાં લેતા નથી. ગાંધીજીનો પહેલો સિદ્ધાન્ત જ સત્ય છે, પણ આ લોકોનો પહેલો સિદ્ધાન્ત જ અસત્ય હોય એમ લાગે છે. તેમની કાર્યશૈલી અને તેમની વિચારધારાનો પાયો જ અસત્યમાં છે.”
વિનોબાએ ગાંધી–પ્રેરિત રાષ્ટ્રીય આંદોલન અને હિંદુત્વના કર્તાકર્તાઓ વચ્ચેની મોટી ખાઈ વિશે વિગતે વાત કરી. “આર.એસ.એસ.ની કાર્યશૈલી કાયમ આપણી રીતિથી ઊંધી જ રહી છે. જ્યારે આપણે જેલ જતા હતા, ત્યારે તેમની નીતિ લશ્કર કે પોલીસ દળમાં જોડાવાની હતી. જ્યાં ક્યાં ય પણ હિંદુ–મુસ્લિમ રમખાણની શક્યતા હોય ત્યાં આ લોકો તત્કાળ પહોંચી જતા હતા. ત્યારની (બ્રિટિશ) સરકારને આમાં પોતાનો ફાયદો દેખાયો એટલે તેણે તેમને પ્રોત્સાહન આપ્યું અને હવે એનાં પરિણામો આપણે ભોગવવાનાં છે.” (જુઓ ગોપાલકૃષ્ણ ગાંધી–સંપાદિત ‘ગાંધી ઈઝ ગોન, હુ વિલ ગાઇડ અસ નાઉ?’)
ગાંધીના બીજા અંતેવાસીઓએ પણ સંઘનો બારીક અભ્યાસ કર્યો હતો અને તેઓ વિનોબાની સમજ સાથે સહમત હતા. ‘હરિજન’ પત્રિકાના ૧૯મી ડિસેમ્બર, ૧૯૪૮ના અંકમાં કિશોરલાલ મશરૂવાળાએ નોંધ્યું હતું કે, તેમને સંઘ બાબતે શંકાઓ હતી, “જે સમય વીતવા સાથે વધુ મજબૂત થતી ગઈ છે”. મશરૂવાળા મરાઠીમાં સંઘ વિશે અને સંઘના સભ્યો દ્વારા જે લખાતું તેનો અભ્યાસ કરતા આવ્યા હતા, અને તે વાચનના આધારે તેમનું તારણ હતું કે, સંઘના સૂત્ર – હિંદુ ધર્મ માટે માન અને કોઈના પણ પ્રત્યે ન અપમાન (‘Love for Hinduism and ill-will towards None’) – “તેમાં મારો અભિપ્રાય છે કે ઉત્તરાર્ધ સાચો નથી. મેં તેના વિષે જે કાંઈ સાંભળ્યું છે અને વાંચ્યું છે તે પ્રમાણે તેમને મુસ્લિમો માટે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી છે” (“My opinion is that the last half is not true. It has, from all that I have heard about it and read of its literature, ill-will and dislike for Muslims.”) મશરૂવાળાએ જેને સંઘના સ્થાપક સિદ્ધાન્ત તરીકે વ્યાખ્યાયિત કરેલી તે આ “દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી” સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સરસંઘચાલક ગોળવલકરનાં લખાણોમાં સારી પેઠે વ્યક્ત થયેલી છે. આર.એસ.એસ.ના અત્યારના વડા મોહન ભાગવત તેમના પુરોગામીઓ કરતાં થોડી ઓછી તીખાશ–કડવાશથી વાત કરે છે, પણ એમાં કોઈને કાંઈ શંકા નથી કે તેઓ પણ હિન્દુકેન્દ્રી વિચારધારાને વરેલા જ છે. (હરિદ્વારમાં ડિસેમ્બરમાં કહેવાતી ધરમ સંસદમાં જે સંહાર સુધીની વાતો થઈ તે અંગેનું તેમનું મૌન જ ઘણું કહી જાય છે.) જેમ ૧૯૪૮માં તેમ ૨૦૨૨માં પણ, ગાંધીના વિશાળહૃદયી સમાવેશી દર્શન અને હિંદુત્વની લઘુમતી–ઘૃણાની વિચારધારા વચ્ચે મોટું અંતર છે. જેમ ત્યારે તેમ અત્યારે પણ આપણે ભારતીયોએ બેમાંથી એકની પસંદગી કરવાની છે. આપણા પ્રજાસત્તાકનું ભાવિ કદાચ આપણે કેટલા સમજુ અને કેટલા ર્નિભય છીએ તેના પર આધાર રાખે છે.
અનુવાદક : આશિષ મહેતા
(મૂળ લખાણ અંગ્રેજીમાં ‘ધ ટેલિગ્રાફ’માં પ્રકાશિત થયું. અહીં સૌજન્યથી પુનઃપ્રકાશિત.
નોંધઃ રચનાત્મક કાર્યક્રમના ઉદ્ધરણને બાદ કરતાં, સૌ ઉદ્ધરણોનાં અધિકૃત અનુવાદ હોય તોપણ તત્કાળ ઉપલબ્ધ ન હોવાથી અહીં સખેદ નવેસરથી જ ગુજરાતીમાં ઉતાર્યા છે. : અનુવાદક)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 04-05