હું નહીં સરખાવું તમને સૂર્ય કે ચંદ્ર સાથે
એમ નહીં કહું કે શ્રેષ્ઠ નક્ષત્રોનાં સંયોગ સાથે કોઈ શુદ્ધ શુભમ્ ચોઘડિયામાં લીધો તો જન્મ તમે,
હું એમ પણ નહીં કહું કે તમે સુબેદાર રામજી અને ભીમાબાઈનું કોઈ દૈવી સંતાન હતા
હું નહીં કહું કે તમારું લલાટ હતું તેજપુંજ સમાન
કે પછી પૂર્વજન્મનાં અગણિત પુણ્યોનાં પ્રતાપે તમે ધર્યો માનવદેહ
હું કદી નહીં કહું કે તમે દલિતોનાં કે બીજા કોઈનાં પણ ભગવાન
કેમ કે હું જાણું છું કે મારે આ બધું ન કહેવું જોઈએ
અને હું એ અત્યારે એ જાણું છું કેમ કે
તમે મારી હતી ફૂંક મારા દાદાનાં કાનમાં ને કહ્યુંતું
ભાઈ તમને કોઈ અલો-તલા કહી જાય તે ના ચાલે
તમારી કને કોઈ વેઠ કરાવે એ ખોટુ છે
તમારું આ જીવન કર્મનું ફળ નથી પણ મુઠ્ઠીભર લોકોનું કાવતરું છે
એમના બાવડા હલબલાવીને કહ્યુંતું કે તમે માણસ છો ..
આ જગતમાં બાકી બધા છે એમ ખરેખાત માણસ છો તમે
ને હું પણ ખરેખાત માણસ છું તમારા જેવો જ …
તમે જીવનભર મથ્યા માણસને માણસ હોવાનો અર્થ સમજાવવા
ને હવે હું તમને ઈશ્વર કહું તો તો તમારું લૂણ લાજે
ફોક જાય બધું કર્યુ-કારવ્યું.
ને હું કોઈ દૈવી સંતાન કહું તો એળે જાય ભીમાબાઈની ચૌદ પ્રસુતિઓની પીડાઓ
એટલે જ તમે કોઈ શુભ ચોઘડિયા કે નક્ષત્રો કે રાશિઓનો દૈવી સંયોગ નહોતા
એવા ચોઘડિયા, મુરત કે કર્મનાં ફળ “માય ફૂટ” એવું તમે જ શીખવાડયું એ હું કેમ ભૂલી જાઉં ?
જ્યારે હું તો તમારા ઘગઘગતા વિચારોને અને શીતળ સમતાને સ્પર્શી શકું છું સાચોસાચ
ત્યારે કેવી રીતે સરખાવું તમને સૂર્ય કે ચંદ્ર સાથે ?
સ્વતંત્રતા અને સમાનતા કે બંધુત્વ એ કોઈ આસમાની તારાઓ નથી
કે નથી પંડિતોની પોથીઓમાંથી રેઢા પડેલા જનમજન્માંતરનાં ખ્યાલો,
એ તો હજારો વર્ષની વેદનાથી નિપજેલા નક્કર બીજ છે ને તમે છો એ બીજનાં વાવનાર.
જ્યાં જ્યાં તમે વેર્યા છે એ બીજ ત્યાં ત્યાં જુઓ આજે ઊગી નીકળ્યું છે માણસનું માણસ હોવાપણું
તમે મારે મન ઈશ્વર કે દૈવીપુરુષ કે મહામાનવ એવું કશું નથી બલકે
તમે ખુદ ઈશ્વર અને તેના દૈવીપણાનો, કોઈની તુચ્છતા કે મહાનતાનો જડબેસલાક ધરાર અટલ ઈનકાર છો.
આજકાલ ઉતાવળ બહુ છે બધાને તમને ઈશ્વર ખપાવી દેવાની પણ મને યાદ છે પેલી ફૂંક
એટલે ગામગોકીરા વચ્ચે પણ, રાજતમાશા વચ્ચે પણ હું ગણતો રહીશ તમને માણસ
એક હાથમાં બંધારણ લઈ બીજા હાથની મુઠ્ઠીવાળી જોરથી પાડીશ બૂમ
ઈન્કલાબ ઝિંદાબાદ એ ઈશ્વરીય નારો નથી
બંધારણ એ ચરી ખાવા માટે બનાવવામાં આવેલી પંડિતોની પોથી નથી
એ માણસે માણસ માટે લખેલો દસ્તાવેજ છે જેમાં છે તમારી સહી
ડોકટર ભીમરાવ આંબેડકર …
તમે અમ નબળી, ક્રૂર, જંગલી, મૂરખ સભ્યતાને
મળતા મળેલા માણસ છો ….
તમે અમ માનવજાતની દસ્તખત છો.
2017
(સહુને ડૉ. ભીમરાવ આંબેડકર જયંતીની શુભેચ્છાઓ)
સૌજન્ય : મેહુલભાઈ મંગુબહેનની ફેઇસબૂક દીવાલેથી સાદર