એ દૂર-દૂર જતી રહી છે,
હા, એનાં પગલાં અહીં છોડતી ગઈ છે :
એની છાપ ઉકેલવા
હવે સહુ મથી રહ્યા છે,
પણ કશું ઉકેલાતું નથી.
એ જોવાની મજા
સાવ અલગ હોવા સાથે પીડાદાયક પણ છે.
અધધ, આટલા બધા માણસો,
મથ્યા કરતા સતત
એનાં પગલાં ઉકેલવા
છતાં કશું ઉકેલી ના શકે,
એટલે જતા રહે અલગ થઈ
વેગળા.
બસ, એમ જ
રચે પછી એનાં તાત્ત્વિક સમાધાનો
પછી ઉકેલો
ને
જે
દૂર-દૂર જતી રહી છે
તે
નાખી-નાખી કેટલા નિસાસા નાખે!!
જુઓ તો
હકીકતમાં કેટલા ય વળગી રહ્યા છે
પડેલાં એ પગલાંને
મથી રહ્યાં છે
પોતાની હૈયા ઉકલતથી
તેઓ વેગળા થવાનું નામ નથી લેતાં.
ના ઉકેલાય તો કંઈ નહીં,
પગલાં તો હાથવગાં છે ને,
એ જ ક્યારેક દાખવશે
કોઈ દિશા, મારગ કે ઉકેલ :
આ એક આગવી રીત છે,
જે દૂર દૂર જતી રહી છે
એની સાથે પોતાને જોડી રાખવાની.
આવી સ્થિતિ વચ્ચે
આ દૃશ્ય
ધૂંધળું લાગે,
ધુમ્મસમય દેખાય.
એટલે ઘણા ફેલાવો કરી રહ્યા છે,
કોઈના દોરવ્યા
ધૂંધળાશ
અને ધુમ્મસ ફેલાવવાનો.
એ પણ
જે જતી રહી છે,
એના નામનો હવાલો આપીને.
તો પણ
માણસો, માણસો જ હોવાથી
એટલું સમજી શક્યા છે
એ દૂર-દૂર જતી રહી છે
એનાં પગલાંની છાપ છોડતી ગઈ છે
એમાં જરૂર કોઈ સંકેત છે :
આ સંકેત મળવામાંથી
સાંપડવાનાં છે
એના ફળવાનાં પગલાં …..
e.mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 02