હમણાં માળું કૈં લખાતું નૈં
થાય છે કે
આ આવી હાંફળીફાંફળી ચૂંટણી
તે લખું
લખી નાખું ૧૯૪૭માં મળેલા ભૂત વિશે,
આજની ચૂંટણીના તૂત વિશે
પણ આ કલમ ચાલતી જ નૈં!
ઘણું ય થાય છે કે
મોટા મોટા ભાષણોમાં ઊડતા થૂકના દરિયાને
લોકોના અરમાનોના રણથી બૂરી દઉં
અખબારોમાં છપાતી લોકશાહીની લંગડી વિશે
ઉમેદવારોને લોકોએ નથી પહેરાવી એ બંગડી વિશે
પાંચ-પચાસ શબ્દોમાં ભસી મરું
પરંતુ, લખવા બેસું ત્યાં
ભિખારણનો અવાજ પથરાય કાગળ પરઃ
માઈબાપ, વધ્યુંઘટ્યું આલજો,
છોકરાંવનું પેટ ઠરશે,
તમને દુઆ મળશે
સાલ્લું,
મગજ એ અવાજથી ઢંકાઈ જાય
ને લંબાયેલી હથેળી
નિમાયું મોં,
કાખમાં છાકરું લઈ
વણઝાર ઉપર વણઝાર આવતી ભળાય
થઈ આવે કે
આ દેશ તો
ભિક્ષા માગતી લોકશાહીની કાખે બેસી
ટગરટગર આંખે
લંબાયેલો હાથ
ને નિમાયું મોં જોતા બાળક જેવો છે.
કંઈ નહીં તો આ બાળક વિશે લખવું,
બની શકે તે કવવું
પણ, કોણ જાણે કેમ
આવી એકાદ કલ્પના કાગળ પર ટપકે
પછી બધું અટકી પડે
હું જોર કરી ઉપાડું કલમનેઃ
ચાલ, ચાલ,
દોડવા માંડ કાગળ પર
જો, જો,
પેલા મજૂરોની છોલાયેલી પીઠની છબિઓ
કારખાનાંઓમાંથી નીકળતા થાકોડાના સરઘસો
ને ત્યાં જો
ત્યાં
ખખડે છે
વસ્તીની ખાટલિયુંમાં
ખાંસીના ખેલંદા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 07